પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બિલ એન્ડ મિલિન્ડા ગેસ્ટ ફાઉન્ડેશનના સહ-અધ્યક્ષ શ્રી બિલ ગેટ્સ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાર્તાલાપ કર્યો હતો. બંને મહાનુભવોએ કોવિડ-19 મહામારી સામે વૈશ્વિક પ્રતિક્રિયા અંગે ચર્ચા કરી હતી અને આ મહામારીને ખતમ કરવા માટે વૈજ્ઞાનિક નાવીન્યતા તેમજ સંશોધન અને વિકાસમાં વૈશ્વિક સહકારના મહત્વની પણ ચર્ચા કરી હતી.
આરોગ્ય કટોકટી સામેની લડાઇમા ભારતે અપનાવેલા સાચવેતીપૂર્ણ અભિગમ પર પ્રધાનમંત્રીએ વિશેષ પ્રકાશ પાડ્યો હતો – આ અભિગમ લોકો સુધી યોગ્ય સંદેશો પહોંચાડીને લોકોને તેમાં સાંકળવાનું સુનિશ્ચિત કરવા પર આધારિત છે. તેમણે જણાવ્યું હતું કે, કેવી રીતે તે લોક કેન્દ્રિત, નીચેથી ઉપર સુધી (બોટમ-અપ) દૃષ્ટિકોણે શારીરિક અંતરને સ્વીકૃતિ અપાવવામાં, અગ્ર હરોળમાં કામ કરી રહેલા કર્મચારીઓ માટે સન્માન અને માસ્ક પહેરવા, યોગ્ય સ્વચ્છતા જાળવવી તેમજ લૉકડાઉનની જોગવાઇઓનું સન્માન કરવામાં સહાયતા કરી છે.
પ્રધાનમંત્રીએ એ વાતનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો હતો કે, કેવી રીતે સરકાર તરફથી ભૂતકાળમાં ઉઠાવવામાં આવેલા પગલાં એટલે કે – આર્થિક સમાવેશનું વિસ્તરણ કરવું, આરોગ્ય સેવાઓને છેવડાની વ્યક્તિ સુધી પહોંચાડવાની વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવી, સ્વચ્છ ભારત મિશનના માધ્યમથી સાફ-સફાઇ અને સ્વચ્છતાને લોકપ્રિય બનાવવા, લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ભારતના આયુર્વેદથી મેળવેલા જ્ઞાનનું ગ્રહણ કરવા વગેરેથી – વર્તમાન મહામારી સામે લડવામાં ભારતના પ્રયાસોની કાર્યદક્ષતા વધારવા માટે મદદ મળી શકી છે.
પ્રધાનમંત્રીએ માત્ર ભારત જ નહીં, બલ્કે સમગ્ર વિશ્વમાં અન્ય અનેક ભાગોમાં ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા કોવિડ-19 સામે લડવા માટે વૈશ્વિક સ્તરે કરવામાં આવેલા કાર્યોમાં સંકલન કરવાની સાથે સાથે આરોગ્ય સંબંધિત કાર્યોની પ્રશંસા કરી હતી. તેમણે શ્રી ગેટ્સને પાસેથી વિશ્વના કલ્યાણ માટે ભારતની ક્ષમતાઓ અને સામર્થ્યનો કેવી રીતે બહેતર ઉપયોગ થઇ શકે તે અંગે પણ સૂચનો માંગ્યા હતા.
આ સંદર્ભે બંને મહાનુભવોએ જે વિચારો પર ખાસ ધ્યાન આપ્યું હતું તેમાં, ગ્રામીણ વિસ્તારોમાં છેવાડાની વ્યક્તિ સુધી આરોગ્ય સેવાઓનો લાભ પહોંચાડવા માટે ભારતના અનન્ય મોડલમાંથી પ્રેરણા લેવી, કોવિડથી અસરગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવાની ભાળ મેળવવા માટે ભારત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી અસરકારક મોબાઇલ એપ્લિકેશનનો પ્રસાર અને તેનાથી આગળ ભારતની વિશાળ ફાર્માસ્યુટિકલ ક્ષમતાનો ઉપયોગ કરીને શોધવામાં આવેલી રસી તેમજ આરોગ્ય ચિકિત્સા સંબંધિત ઉત્પાદન વધારવાનું સામેલ છે. તેમણે એ વાતે પણ સંમતિ વ્યક્ત કરી હતી કે, વૈશ્વિક પ્રયાસો, ખાસ કરીને સાથી વિકાસશીલ દેશોના લાભની દિશામાં યોગદાન આપવાની ભારતની ઇચ્છા અને ક્ષમતાને ધ્યાનમાં રાખતા આ મહામારીનો સામનો કરવાની સંકલિત પ્રતિક્રિયા માટે હાલમાં ચાલી રહેલા વૈશ્વિક વિચારવિમર્શમાં તેને સામેલ કરવામાં આવે તે ખૂબ મહત્વપૂર્ણ છે.
અંતે, પ્રધાનમંત્રીએ એવું સૂચન પણ આપ્યું હતું કે, કોવિડ-19 પછી ઉભરનારી જીવનશૈલીઓ, આર્થિક સંગઠન, સામાજિક વ્યવહાર, શિક્ષણ અને આરોગ્ય સેવાઓના પ્રસારના સાધનોમાં આવશ્યક પરિવર્તનો તેમજ ઉકેલોની આવશ્યકતા ધરાવતી સંબધિત ટેકનોલોજિકલ પડકારોનું વિશ્લેષણ કરવામાં ગેટ્સ ફાઉન્ડેશન નેતૃત્વની ભૂમિકાની નિભાવી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતને પોતાના અનુભવોના આધારે વિશ્લેષણાત્મક અભ્યાસમાં યોગદાન આપીને ઘણી ખુશી થશે.
GP/DS
Had an extensive interaction with @BillGates. We discussed issues ranging from India’s efforts to fight Coronavirus, work of the @gatesfoundation in battling COVID-19, role of technology, innovation and producing a vaccine to cure the pandemic. https://t.co/UlxEq72i3L
— Narendra Modi (@narendramodi) May 14, 2020