Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વીડિયો બ્રિજના માધ્યમથી સમગ્ર દેશના વિવિધ ડિજિટલ ઇન્ડિયા પહેલના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો બ્રિજના માધ્યમથી સમગ્ર દેશના વિવિધ ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. વીડિયો બ્રિજ મારફતે 50 લાખથી વધુ લાભાર્થીઓ જોડાયા હતા જેમાં કોમન સર્વિસ સેન્ટર, એનઆઈસી કેન્દ્રો, નેશનલ નોલેજ નેટવર્ક, બીપીઓ, મોબાઇલ મેનુંફેક્ચરીંગ એકમ અને માયગોવના સ્વયંસેવકોનો સામેલ છે. વીડિયો બ્રિજના માધ્યમથી સરકારી યોજનાઓના વિવિધ લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવતા સંવાદની શ્રુંખલાનો આ છઠ્ઠો કાર્યક્રમ હતો.

લાભાર્થીઓ સાથે વાતચીત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ડિજિટલ ઇન્ડિયાનો પ્રારંભ એ બાબતની ખાતરી કરવા માટે કરવામાં આવ્યો હતો કે તમામ વર્ગ અને શ્રેણીના લોકો અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા લોકો ડિજિટલ રીતે સશક્ત બને. તેમણે ઉમેર્યું કે આને શક્ય બનાવવા માટે સરકારે એક સમગ્રતયા નીતિ બનાવી છે જેમાં ફાયબર ઓપ્ટીક્સના માધ્યમથી ગામડાઓને જોડવા, નાગરિકોને ડિજિટલ રીતે શિક્ષિત કરવા, મોબાઇલના માધ્યમથી સેવા પૂરી પાડવી અને ઇલેક્ટ્રોનિક ઉત્પાદનને પ્રોત્સાહન પૂરું પાડવું વગેરેનો સમાવેશ થાય છે.

ટેકનોલોજી અંગે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ટેકનોલોજીએ જીવનને સરળ બનાવ્યું છે અને સરકારના પ્રયત્નો એ બાબતની ખાતરી કરવાના છે કે સમાજના દરેક વિભાગોમાં ટેકનોલોજીના લાભ ઉપલબ્ધ હોય. વિવિધ જોગવાઈઓ જેવી કે ભીમ એપ, રેલવે ટીકીટનું ઓનલાઈન બુકિંગ અને સીધા જ બેંક ખાતાઓમાં શિષ્યવૃત્તિ તથા પેન્શનનું વિતરણ વગેરેએ સામાન્ય લોકો પરના ભારને મહદઅંશે હળવો કર્યો છે.

કોમન સર્વિસ સેન્ટર્સ (સીએસસી)ના મહત્વ અંગે જણાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે સમગ્ર દેશમાં સીએસસી એ ગ્રામીણ ભારતમાં ડિજિટલ સેવાઓ પૂરી પાડી રહ્યા છે. સીએસસીએ ગ્રામીણ વિસ્તારોમાં ગ્રામીણ સ્તરીય ઉદ્યોગો (વીએલઈ)નો સફળતાપૂર્વક વિકાસ કર્યો છે અને 10 લાખથી વધુ લોકો માટે રોજગારીની તકોનું નિર્માણ કર્યું છે. ગ્રામીણ ભારતમાં કુલ 2.92 લાખ સીએસસી આવેલા છે કે જેઓ 2.15 લાખ ગ્રામ પંચાયતોની અંદર વિવિધ સરકારી અને અન્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાની તક પૂરી પાડી રહ્યા છે.

વાર્તાલાપ દરમિયાન શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વધુ ડિજિટલ ચુકવણી તરફનું આ આંદોલન એ વચેટિયાઓને દુર કરવામાં પરિણમી રહ્યું છે. છેલ્લા ચાર વર્ષમાં ભારતમાં ડિજિટલ ચુકવણીનો નોંધપાત્ર રીતે વિકાસ થયો છે અને જેણે ભારતીય અર્થતંત્રને ડિજિટલ અને પારદર્શક બનાવ્યું છે.

પ્રધાનમંત્રી ગ્રામિણ સાક્ષરતા અભિયાન (PMGDISHA) અંગે વાતચીત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આ યોજનાએ અગાઉથી જ 1.25 કરોડ લોકોને ડિજિટલ કૌશલ્ય અને તાલીમ પૂરી પાડી છે જેમાંથી 70% ઉમેદવારો એસસી, એસટી અને ઓબીસી સમુદાયના છે. આ યોજના 20 કલાકની પ્રાથમિક કમ્પ્યુટર તાલીમના માધ્યમથી છ કરોડ લોકોને ડિજિટલ કૌશલ્ય અને કમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન આપવા માટે લક્ષ્યિત છે.

ડિજિટલ ઇન્ડિયા બીપીઓ ક્ષેત્રમાં પણ ઘણું પરિવર્તન લાવ્યું છે. અગાઉ બીપીઓ એ માત્ર મોટા શહેરો પૂરતા જ મર્યાદિત હતા, જ્યારે હવે તે નાના નગરો અને ગામડાઓમાં પણ ફેલાઈ ગયા છે કે જે રોજગારીની તકોનું નિર્માણ કરી રહ્યા છે. ભારત બીપીઓ પ્રોમોશન યોજના અને પૂર્વોત્તર માટે અલગથી અન્ય બીપીઓ પ્રમોશન યોજના કે જે ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત શરૂ કરવામાં આવી હતી તે પૂર્વોત્તર અને ગ્રામીણ વિસ્તારોમાં અંદાજે 2 લાખથી વધુ લોકો માટે રોજગારીની તકોનું નિર્માણ કરશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સમગ્ર ભારતમાં બીપીઓ એકમો ખુલી રહ્યા હોવાથી હવે દેશના યુવાનો તેમના ઘરની નજીકમાં જ નોકરી મેળવી રહ્યા છે.

વિવિધ ઇલેક્ટ્રોનિક ઉત્પાદન એકમોના કર્મચારીઓ સાથે વાતચીત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારત છેલ્લા 4 વર્ષમાં ઇલેક્ટ્રોનિક હાર્ડવેર ઉત્પાદનમાં ઘણું આગળ વધી ગયું છે. ભારતમાં ઇલેક્ટ્રોનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકારે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરીંગ ક્લસ્ટર (ઈએમસી) યોજના શરૂ કરી છે કે જેના માધ્યમથી 15 રાજ્યોમાં 23 ઈએમસી ખોલવામાં આવ્યા છે. આ યોજના આશરે 6 લાખ લોકોને રોજગારી પૂરી પાડે તેવી આશા છે. પ્રધાનમંત્રીએ એ બાબત પણ નોંધી કે ભારતમાં અત્યારે 120 મોબાઇલ ફોન ઉત્પાદન એકમો છે જ્યારે 2014માં આ પ્રકારના માત્ર 2 એકમો જ હતા. આ એકમોએ 4.5 લાખથી વધુ નાગરિકો માટે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રોજગારીનું નિર્માણ કર્યું છે.

પ્રધાનમંત્રીએ એક મજબુત ડિજિટલ ઇન્ડિયાના નિર્માણ કરવા માટે નેશનલ નોલેજ નેટવર્ક (એનકેએન)ના મહત્વ અંગે પણ વાત કરી હતી. એનકેએન ભારતમાં આશરે 1700 મોટા સંશોધન અને શૈક્ષણિક સંસ્થાનોને જોડે છે અને આ રીતે અંદાજે 5 કરોડ વિદ્યાર્થીઓ, સંશોધકો, શિક્ષણવિદો અને સરકારી અધિકારીઓને એક શક્તિશાળી મંચ પૂરું પાડે છે.

પ્રધાનમંત્રીએ નાગરિકોને સાંકળતા મંચ માયજીઓવી પ્લેટફોર્મ કે જે તેમની સરકારની રચના થયાના માત્ર બે જ મહિનામાં રચવામાં આવ્યું હતું તેના સ્વયંસેવકો સાથે પણ વાતચીત કરી હતી. આ મંચ સાથે જોડાયેલા 60 લાખથી વધુ સ્વયંસેવકો છે કે જેઓ પોતાના વિચારો અને સૂચનો આપી રહ્યા છે અને અનેક સ્વયંસેવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને આ રીતે નવા ભારતનું નિર્માણ કરવામાં ઘણી મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. પ્રધાનમંત્રીએ એ પણ ઉમેર્યું કે ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી 4 ઈ – એજ્યુકેશન, એમ્પ્લોયમેન્ટ, એન્ટરપ્રિન્યોરશીપ અને એમ્પાવરમેન્ટને પ્રાપ્ત કરી શકાય છે.

પ્રધાનમંત્રી સાથે વાતચીત કરતા અનેકવિધ ડિજિટલ ઇન્ડિયાની યોજનાના લાભાર્થીઓએ એ બાબત જણાવી કે કઈ રીતે આ યોજનાઓએ તેમના જીવન પરિવર્તનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. અનેક લાભાર્થીઓએ એ પણ જણાવ્યું કે કોમન સર્વિસ સેન્ટર (સીએસસી)ના માધ્યમથી રોજગારીની તકોનું નિર્માણ થયું છે અને તે જે વિવિધ સેવાઓ પૂરી પાડી રહી છે તેનાથી તેમનું જીવન સરળ બન્યું છે.

NP/GP/RP