Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વિવિધ રાષ્ટ્રીય રાજમાર્ગ અને માર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને સમર્પિત કરી

પ્રધાનમંત્રીએ વિવિધ રાષ્ટ્રીય રાજમાર્ગ અને માર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને સમર્પિત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી વિવિધ રાષ્ટ્રીય રાજમાર્ગ અને માર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો અને રાષ્ટ્રને સમર્પિત કરી હતી. કેન્દ્રીય માર્ગ અને પરિવહન અને રાજમાર્ગ મંત્રી, મહારાષ્ટ્રના રાજ્યપાલ અને મુખ્યમંત્રી પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે બોલતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે શ્રી સંત જ્ઞાનેશ્વર મહારાજ પાલખી માર્ગ અને સંત તુકારામ મહારાજ પાલખી માર્ગનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. શ્રી સંત જ્ઞાનેશ્વર મહારાજ પાલખી માર્ગનું નિર્માણ પાંચ તબક્કામાં થશે અને સંત તુકારામ મહારાજ પાલખી માર્ગનું નિર્માણ ત્રણ તબક્કામાં પૂર્ણ કરાશે. તેમણે કહ્યું કે આ પરિયોજનાઓથી આ પ્રદેશની સાથે વધુ સારી કનેક્ટિવિટી થશે, તેમણે આ પરિયોજનાઓ માટે આશીર્વાદ આપવા બદલ શ્રદ્ધાળુઓ, સંતો અને ભગવાન વિઠ્ઠલનો આભાર પ્રકટ કરી એમને નમન કર્યા હતા. તેમણે કહ્યું કે ઇતિહાસની સમગ્ર ઉથલપાથલમાં ભગવાન વિઠ્ઠલમાં શ્રદ્ધા અડગ રહી છે અને આજે પણ, આ યાત્રા વિશ્વની સૌથી જૂની જનસમૂહ યાત્રાઓ પૈકીની એક છે અને એને જન આંદોલન તરીકે જોવામાં આવે છે, જે આપણને શીખવે છે કે માર્ગ અલગ હોઇ શકે છે, રીત અને વિચારો અલગ હોઇ શકે છે પણ આપણું લક્ષ્ય એક જ છે. અંતે તો તમામ પંથો ‘ભાગવત પંથ’ જ છે. એ ભારતનાં સનાતન જ્ઞાનનું પ્રતીક છે જે આપણી શ્રદ્ધાને બાંધતી નથી પણ મુક્ત કરે છે” એમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ભગવાન વિઠ્ઠલનો દરબાર સૌને માટે સમાન રીતે ખુલ્લો છે. અને હું જ્યારે સબ કા સાથ- સબ કા વિકાસ- સબ કા વિશ્વાસ કહું છું, ત્યારે એની પાછળ પણ એ જ ભાવના છે. આ ભાવના આપણને દેશના વિકાસ માટે પ્રેરિત કરે છે, સૌને સાથે લેવા, તમામના વિકાસ માટે આપણને પ્રેરિત કરે છે.

ભારતની આધ્યાત્મિક સમૃદ્ધિનું પ્રતિબિંબ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું કે પંઢરપુરની સેવા તેમના માટે શ્રી નારાયણ હરિની સેવા છે. તેમણે કહ્યું કે આ ભૂમિ એવી છે જ્યાં શ્રદ્ધાળુઓ માટે ભગવાન આજે પણ બિરાજમાન છે. આ એ ભૂમિ છે જ્યાં સંત નામદેવજી મહારાજે કહ્યું હતું કે પંઢરપુર ત્યારથી છે જ્યારે સંસારની સુષ્ટિનું સર્જન પણ થયું ન હતું, એમ તેમણે કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે ભારતની વિશેષતા એ છે કે સમય પર, વિવિધ પ્રદેશોમાં આવી મહાન વિભૂતિઓ અવતરતી રહી અને દેશને દિશા બતાવતી રહી. દક્ષિણમાં, માધવાચાર્ય, નિમ્બર્કાચાર્ય, વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય અને પશ્ચિમમાં નરસિંહ મહેતા, મીરાંબાઇ, ધીરો ભગત, ભોજા ભગત, પ્રીતમ જનમ્યાં. ઉત્તરમાં, રામાનંદ, કબીરદાસ, ગોસ્વામી તુલસીદાસ, સૂરદાસ, ગુરુ નાનક દેવ, સંત રૈદાસ અવતર્યાં. પૂર્વમાં ચૈતન્ય મહાપ્રભુ અને શંકર દેવ જેવા સંતોના વિચારોએ દેશને સમૃદ્ધ કર્યો.

વારકરી આંદોલનના સામાજિક મહત્વ અંગે ટિપ્પણી કરતા પ્રધાનમંત્રીએ યાત્રામાં પુરુષો જેટલા જ ઉત્સાહથી ભાગ લેનાર મહિલાઓની સહભાગિતાનો ખાસ ઉલ્લેખ કરીને એને પરંપરાની મહત્વપૂર્ણ વિશેષતા ગણાવી હતી. આ દેશમાં નારી શક્તિનું પ્રતિબિંબ છે. ‘પંઢર કી વારિ’ તકોની સમાનતાનું પ્રતીક છે. વારકરી ચળવળ ભેદભાવને અમંગળ ગણે છે અને એ જ મહાન ધ્યેય છે એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ વારકરી ભાઇઓ અને બહેનો તરફથી ત્રણ આશીર્વચનો માગ્યા હતા. તેમણે તેમના પ્રતિ અપાર સ્નેહની વાત કરી હતી. તેમણે વિનંતી કરી હતી કે પાલખી માર્ગો પર શ્રદ્ધાળુઓ વૃક્ષો વાવે. તેમણે ચાલવા માટેના રસ્તાઓ પર ઠેર પીવાનાં પાણી માટે વ્યવસ્થા કરવાની પણ વિનંતી કરી હતી અને આ માર્ગો પર ઘણી પરબો બનાવવી જોઇએ. તેમણે ભવિષ્યમાં ભારતમાં પંઢરપુરને સૌથી સ્વચ્છ તીર્થસ્થળોમાં જોવાની પણ ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આ કામ પણ જન ભાગીદારી દ્વારા થવું જોઇએ, જ્યારે સ્થાનિક લોકો સ્વચ્છતા ચળવળની આગેવાની પોતાની કમાન હેઠળ લેશે ત્યારે જ આપણે આ સપનું સાકાર કરી શકીશું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે મોટા ભાગના વારિકરીઓ ખેડૂત સમુદાયમાંથી આવે છે અને કહ્યું હતું કે આ ભૂમિ પુત્રો ‘ધરતીપુત્રો’એ ભારતીય પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખી છે. “એક ખરો ‘અન્નદાતા’ સમાજને એક કરે છે અને સમાજ માટે જીવે છે. તમે સમાજની પ્રગતિના કારકની સાથે પ્રતિબિંબ પણ છો” એમ પ્રધાનમંત્રીએ સમાપન કર્યું હતું.

ડાઇવઘાટથી મોહોલ સુધીનો આશરે 221 કિમીનો સંત જ્ઞાનેશ્વર મહારાજ પાલખી માર્ગ અને સંત પટાસથી તોંડાલે-બોંડાલે સુધીનો આશરે 130 કિમી સુધીનો તુકારામ મહારાજ પાલખી માર્ગ દરેક બાજુએ ‘પાલખી’ માટે સમર્પિત વૉક વેઝની સાથે અનુક્રમે ₹ 6690 કરોડ અને આશરે ₹ 4400 કરોડના અંદાજિત ખર્ચે ચાર લેનનો કરવામાં આવશે.  

આ કાર્યક્રમ દરમ્યાન, પ્રધાનમંત્રીએ પંઢરપુરની કનેક્ટિવિટીને વધારતી વિભિન્ન રાષ્ટ્રીય રાજમાર્ગો ખાતે ₹ 1180 કરોડથી વધુના અંદાજિત ખર્ચે બંધાયેલા 223 કિમીથી વધુના પૂર્ણ થયેલી અને અપગ્રેડ કરવામાં આવેલી માર્ગ પરિયોજનાઓ પણ દેશને સમર્પિત કરી હતી. આ પરિયોજનાઓમાં મ્હાસવાડ-પિલિવ-પંધરપુર (એનએચ 548ઈ), કુર્દુવાડી-પંઢરપુર (એનએચ 965સી), પંઢરપુર-સંગોલા (એનએચ 965સી), એનએચ 561એના તેમ્ભુર્ણિ-પંઢરપુર સેક્શન અને એનએચ 561એના પંઢરપુર-મંગલવેઢા-ઉમાડી સેક્શનનો સમાવેશ થાય છે.

 SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com