Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ લખનઉમાં ઉત્તરપ્રદેશ વૈશ્વિક રોકાણકાર સંમેલન 2023નું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રીએ લખનઉમાં ઉત્તરપ્રદેશ વૈશ્વિક રોકાણકાર સંમેલન 2023નું ઉદ્ઘાટન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લખનઉમાં ઉત્તરપ્રદેશ વૈશ્વિક રોકાણકાર સંમેલન 2023નું ઉદ્ઘાટન કર્યું. તેમણે વૈશ્વિક વેપાર શોનું પણ ઉદ્ઘાટન કર્યું હતું અને આ કાર્યક્રમ દરમિયાન ઇન્વેસ્ટ યુપી 2.0 લોન્ચ કર્યું હતું. ઉત્તરપ્રદેશ વૈશ્વિક રોકાણકાર સંમેલન 2023 એ ઉત્તરપ્રદેશ સરકારનું મુખ્ય રોકાણકાર સંમેલન છે જે નીતિ નિર્માતાઓ, ઉદ્યોગજગતના અગ્રણીઓ, શિક્ષણવિદો, થિંક ટેન્ક અને દુનિયાભરના અગ્રણીઓને સામૂહિક રીતે વ્યવસાયની તકો શોધવા માટે અને ભાગીદારી બનાવવા માટે એક મંચ પર આવશે. પ્રધાનમંત્રીએ અહીં યોજાયેલા પ્રદર્શનમાં પ્રદર્શન પણ લટાર મારી હતી.

આ પ્રસંગે ઉદ્યોગ જગતના અગ્રણીઓએ વક્તવ્ય આપ્યું હતું. શ્રી કુમાર મંગલમ બિરલાએ જણાવ્યું હતું કે, ભારત નોંધપાત્ર ઉદ્યોગસાહસિક ગતિશીલતા અને ઇનોવેશન બતાવી રહ્યું છે અને તેમણે પ્રધાનમંત્રીને દેશની આર્થિક પૃષ્ઠભૂમિમાં નવી ઉર્જાનો સંચાર કરવાનો શ્રેય આપ્યો હતો. શ્રી મૂકેશ અંબાણીએ અહીં કહ્યું હતું કે, આ વર્ષના અંદાજપત્રએ એક વિકસિત રાષ્ટ્ર તરીકે ભારતના ઉદયનો પાયો નાખ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે મૂડીગત ખર્ચ માટે વધુ ફાળવણી કરવામાં આવી છે તેના કારણે વધુ આર્થિક વૃદ્ધિ થશે અને આ પગલું સામાજિક કલ્યાણ તરફ દોરી જશે. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દેશમાં ઘણું પરિવર્તન આવ્યું છે અને પ્રધાનમંત્રીની દૂરંદેશી અને માર્ગદર્શન હેઠળ તેમજ અમલીકરણ પર તેમણે તીવ્ર રીતે ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાથી હિંમતપૂર્ણ નવું ભારત આકાર લઇ રહ્યું છે. ટાટા સન્સના ચેરમેન શ્રી નટરાજન ચંદ્રશેખરને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના દૂરંદેશી નેતૃત્વએ એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે કે, ભારત સૌથી ઝડપથી વિકાસ પામી રહેલું અર્થતંત્ર બનવા જઇ રહ્યું છે. “પ્રધાનમંત્રીએ જે સક્ષમ કર્યું છે તે માત્ર આર્થિક વૃદ્ધિ જ નથી, પરંતુ તેમણે  360-ડિગ્રી એટલે કે સર્વાંગી વિકાસ કર્યો છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બજેટમાં કરવામાં આવેલી ફાળવણી માળખાકીય સુવિધાઓ અને વપરાશના નેતૃત્વમાં દેશના વિકાસને સુનિશ્ચિત કરશે અને આપણે ગ્રામીણ વિકાસના પણ સાક્ષી બનીશું. ઝ્યુરિચ એરપોર્ટ એશિયાના CEO ડેનિયલ બિર્ચરે જણાવ્યું હતું કે, ભારત જે રીતે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે તે જ રીતે ઝ્યુરિચ એરપોર્ટ પણ તેની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. તેમણે ભારત સાથે લાંબા સમયથી ચાલી રહેલી ભાગીદારીનો ઉલ્લેખ કર્યો હતો, જ્યાં બે દાયકા પહેલા ઝ્યુરિચ એરપોર્ટે બેંગલુરુ એરપોર્ટના વિકાસને સહકાર આપ્યો હતો અને હાલમાં નોઇડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો વિકાસ કરી રહ્યું છે. તેમણે યમુના એક્સપ્રેસ-વે સાથે નોઇડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સીધી કનેક્ટિવિટીને રેખાંકિત કરી હતી. ડિક્સોન ટેક્નોલોજીના ચેરમેન શ્રી સુનિલ વાછાણીએ જણાવ્યું હતું કે, ભારતમાં વેચાતા લગભગ 65% મોબાઇલ ફોનનું ઉત્પાદન માત્ર ઉત્તરપ્રદેશમાં જ થાય છે અને તેમણે ઉત્તરપ્રદેશને વિનિર્માણનું હબ બનાવવા માટેનો શ્રેય રાજ્ય સરકારની ગતિશીલ નીતિઓને આપ્યો હતો. તેમણે એ પણ નોંધ્યું હતું કે, આજે ડિક્સોન ટેક્નોલોજીસ લગભગ 100 બિલિયન ડૉલરના મોબાઇલ ફોનની નિકાસ કરવાનું વિચારી રહી છે. ઉદ્યોગજગતના તમામ અગ્રણીઓએ ઉત્તરપ્રદેશમાં ઉભરી રહેલી તકો પ્રત્યે આશાવાદ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતા, પ્રધાનમંત્રીએ એક પ્રધાનમંત્રી તરીકે અને ઉત્તરપ્રદેશના સાંસદ તરીકે રોકાણકાર સમુદાય, ઉદ્યોગજગતના અગ્રણીઓ અને નીતિ નિર્માતાઓનું સ્વાગત કર્યું હતું.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશની ભૂમિ તેના સાંસ્કૃતિક વૈભવ, ભવ્ય ઇતિહાસ અને સમૃદ્ધ વારસા માટે જાણીતી છે. રાજ્યની ક્ષમતાઓની નોંધ લેતા, પ્રધાનમંત્રીએ સૌનું ધ્યાન દોરતા કર્યું હતું કે, એક સમય એવો હતો જ્યારે ઉત્તર પ્રદેશ સાથે અવિકસિત રાજ્ય તરીકે BIMARU જેવો અનિચ્છનિય શબ્દ જોડાયેલો હતો કાયદો અને વ્યવસ્થાની નબળી સ્થિતિના કારણે આ રાજ્ય ઓળખાતું હતું. તેમણે અગાઉના સમયમાં રોજેરોજ હજારો કરોડના કૌભાંડો બહાર આવતા હતા તે મુદ્દાનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા 5-6 વર્ષમાં ઉત્તર પ્રદેશે નવી ઓળખ ઊભી કરી છે. હવે ઉત્તર પ્રદેશ સુશાસન, કાયદો અને વ્યવસ્થાની સુધરેલી સ્થિતિ, શાંતિ અને સ્થિરતા માટે જાણીતું છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “સંપત્તિ સર્જકો માટે અહીં નવી તકો ઉભી કરવામાં આવી રહી છે”. પ્રધાનમંત્રીએ એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે, ઉત્તરપ્રદેશમાં વધુ સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે હાથ ધરવામાં આવેલી પહેલો હવે ફળ આપી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, ટૂંક સમયમાં ઉત્તરપ્રદેશ 5 આંતરરાષ્ટ્રીય હવાઇમથકો ધરાવતા એકમાત્ર રાજ્ય તરીકે ઓળખાશે. ફ્રેટ કોરિડોર રાજ્યને સીધો મહારાષ્ટ્રના દરિયા કિનારા સાથે જોડશે. પ્રધાનમંત્રીએ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ સુનિશ્ચિત કરવા માટે ઉત્તરપ્રદેશમાં સરકારની વિચારસરણીમાં આવેલા અર્થપૂર્ણ પરિવર્તનની પણ નોંધ લીધી હતી. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, “આજે ઉત્તરપ્રદેશ આશા અને પ્રેરણાનું સ્રોત બની ગયું છે”. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જેમ ભારત વૈશ્વિક મંચ પર એક તેજસ્વી સ્થળ બન્યું છે એવી જ રીતે ઉત્તરપ્રદેશ સમગ્ર રાષ્ટ્ર માટે એક તેજસ્વી સ્થળ બની ગયું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વિશ્વનો દરેક વિશ્વસનીય અવાજ ભારતીય અર્થવ્યવસ્થામાં ઉર્ધ્વ દિશામાં થઇ રહેલી પ્રગતી અંગે આશાવાદી છે કારણ કે દેશે મહામારી અને યુદ્ધનો સામનો કરવા માટે માત્ર સ્થિતિસ્થાપકતા નથી બતાવી પરંતુ ઝડપી રિકવરી પણ બતાવી છે.

પ્રધાનમંત્રીએ ભારતીય સમાજ અને ભારતના યુવાનોની વિચારસરણી અને આકાંક્ષાઓમાં દેખાઇ રહેલા વિશાળ પરિવર્તનનું પણ અવલોકન કર્યું હતું. તેમણે રેખાંકિત કર્યું હતું કે, દેશનો દરેક નાગરિક વિકાસના માર્ગે આગળ વધવા માંગે છે અને આવનારા સમયમાં વિકસિત ભારતનો સાક્ષી બનવા ઇચ્છે છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતીય સમાજની આકાંક્ષાઓ સરકાર માટે ચાલક બળ બની છે, જે દેશમાં થઇ રહેલા વિકાસના કાર્યોને વેગ આપી રહી છે. ઉત્તર પ્રદેશના કદ અને વસ્તીની નોંધ લેતા પ્રધાનમંત્રીએ રોકાણકારોને જણાવ્યું હતું કે, ભારતની જેમ ઉત્તરપ્રદેશમાં પણ મહત્વાકાંક્ષી સમાજ તમારી પ્રતિક્ષા કરી રહ્યો છે.

ડિજિટલ ક્રાંતિના કારણે ઉત્તરપ્રદેશનો સમાજ સર્વસમાવેશી અને જોડાયેલા સમાજ તરીકે વિકાસ પામ્યો હોવાનું પ્રધાનમંત્રીએ કહ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “એક બજાર તરીકે, ભારત અવરોધરહિત બની રહ્યું છે. પ્રક્રિયાઓને સરળ બનાવવામાં આવી રહી છે. આજે, ભારત મજબૂરીમાં નહીં, પરંતુ ખાતરીપૂર્વક સુધારાઓ કરી રહ્યું છે”.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, આજે ભારતે, ખરા અર્થમાં, ઝડપ અને વ્યાપકતાના માર્ગ પર આગળ વધવાનું શરૂ કર્યું છે. ખૂબ જ મોટા વર્ગની મૂળભૂત જરૂરિયાતોને પૂરી કરવામાં આવી રહી હોવાથી તેઓ હવે ભવિષ્યનો વિચાર કરી રહ્યા છે. ભારતમાં વિશ્વાસનું આ સૌથી મોટું કારણ છે.

બજેટ અંગે ટિપ્પણી કરતા, પ્રધાનમંત્રીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફાળવણીમાં કરવામાં આવેલી વૃદ્ધિને રેખાંકિત કરી હતી અને આરોગ્ય, શિક્ષણ તેમજ સામાજિક માળખામાં રોકાણકારો માટે રહેલી તકો વિશે પણ વાત કરી હતી. તેવી જ રીતે, તેમણે જેનો ભારતે સ્વીકાર કર્યો છે તેવા હરિત વિકાસના માર્ગે રહેલી તકોનો લાભ લેવા માટે રોકાણકારને આમંત્રણ આપ્યું હતું. તેમણે માહિતી આપી હતી કે, આ વર્ષના બજેટમાં માત્ર ઉર્જા ટ્રાન્ઝિશન માટે જ 35,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, જ્યારે નવા મૂલ્ય અને પુરવઠા શ્રૃંખલાનો વિકાસ કરવાની વાત આવે છે ત્યારે ઉત્તર પ્રદેશ ચેમ્પિયન તરીકે ઉદિત થયું છે. તેમણે રાજ્યમાં હાજર પરંપરાગત અને આધુનિક MSMEના વાઇબ્રન્ટ નેટવર્કની નોંધ લીધી હતી અને ભદોહી તેમજ વારાણસીના સિલ્કનું ઉદાહરણ આપ્યું હતું, જેણે ઉત્તરપ્રદેશને ભારતનું કાપડક્ષેત્રનું હબ બનાવ્યું છે. તેમણે માહિતી આપી હતી કે, ભારતના 60 ટકા મોબાઇલ ફોન અને મહત્તમ મોબાઇલ ભાગોનું વિનિર્માણ ઉત્તરપ્રદેશમાં જ કરવામાં આવે છે. તેમણે એ બાબતે પણ ધ્યાન દોર્યું હતું કે, દેશના બે સંરક્ષણ કોરિડોરમાંથી એક ઉત્તરપ્રદેશમાં વિકસાવવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રીએ ભારતીય સેનાને મેડ ઇન ઇન્ડિયા સંરક્ષણ પ્રણાલી અને પ્લેટફોર્મ પ્રદાન કરવાની સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી હતી.

પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશમાં ડેરી, કૃષિ, મત્સ્યઉદ્યોગ અને ખાદ્ય પ્રસંસ્કરણને લગતી તકો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ એક એવું ક્ષેત્ર છે જ્યાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી હજુ પણ સિમિત છે. તેમણે ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગમાં PLI વિશે રોકાણકારોને માહિતી આપી હતી. પ્રધાનમંત્રીએ ખેડૂતો માટે ઇનપુટથી લઇને કાપણી પછીના વ્યવસ્થાપન સુધી અવરોધરહિત આધુનિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે આગળ કહ્યું હતું કે, નાના રોકાણકારો એગ્રી-ઇન્ફ્રા ભંડોળનો ઉપયોગ કરી શકે છે.

પ્રધાનમંત્રીએ પાક વૈવિધ્યકરણ, ખેડૂતોને વધુ સંસાધનો અને ઇનપુટ ખર્ચમાં ઘટાડો કરવા વિશે વાત કરતી વખતે પ્રાકૃતિક ખેતી પર ધ્યાન કેન્દ્રિત કરવા વિશે વિગતવાર જણાવ્યું હતું. તેમણે માહિતી આપી હતી કે, ઉત્તરપ્રદેશમાં 5 કિલોમીટર સુધી ગંગાના કિનારે બંને બાજુ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી દેવામાં આવી છે. તેમણે આ બજેટમાં પ્રસ્તાવિત 10 હજાર બાયો-ઇનપુટ સંસાધન કેન્દ્રનો પણ ઉલ્લેખ કર્યો હતો. ભારતમાં શ્રી અન્ન તરીકે ઓળખાતા બરછટ અનાજ પોષક મૂલ્યની નોંધ લેતા, પ્રધાનમંત્રીએ સરકારના પ્રયાસો પર ભાર મૂક્યો હતો કે, ભારતનું શ્રી અન્ન વૈશ્વિક પોષણ સુરક્ષાની જરૂરિયાતોને પૂરી કરી શકવું જોઇએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રોકાણકારો રેડી-ટુ-ઇટ અને રેડી-ટુ-કૂક શ્રી અન્નમાં તકો શોધી શકે છે.

પ્રધાનમંત્રીએ રાજ્યમાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે હાથ ધરવામાં આવેલા વિકાસ કાર્યો પર પણ સૌનું ધ્યાન દોર્યું હતું. તેમણે મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ યુનિવર્સિટી, અટલ બિહારી વાજપેયી હેલ્થ યુનિવર્સિટી, રાજા મહેન્દ્ર પ્રતાપસિંઘ યુનિવર્સિટી અને મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીને એવી સંસ્થાઓ તરીકે ગણાવી હતી જે વિવિધ પ્રકારના કૌશલ્યો પૂરા પાડવામાં ઘણું યોગદાન આપશે. તેમણે માહિતી આપી હતી કે, કૌશલ્ય વિકાસ મિશન હેઠળ 16 લાખ કરતાં વધારે યુવાનોને તાલીમ આપવામાં આવી છે.

તેમણે એ બાબાતની પણ નોંધ લીધી હતી કે, ઉત્તરપ્રદેશ સરકારે PGI લખનઉ અને IIT કાનપુરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંબંધિત અભ્યાસક્રમોનો પ્રારંભ કર્યો છે અને દેશની સ્ટાર્ટ-અપ ક્રાંતિમાં રાજ્યની ભૂમિકા વધી રહી છે તેના પર તેમણે પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, ઉત્તરપ્રદેશ સરકારે આગામી વર્ષોમાં 100 ઇન્ક્યુબેટર્સ અને ત્રણ અત્યાધુનિક કેન્દ્રો સ્થાપવાનું લક્ષ્ય નક્કી કર્યું છે જે પ્રતિભાશાળી અને કૌશલ્યવાન યુવાનોનો વિશાળ સમૂહ તૈયાર કરશે.

પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનનું સમાપન કરી વખતે ડબલ-એન્જિનની સરકારના સંકલ્પ અને ઉત્તર પ્રદેશ રાજ્યમાં રહેલા સામર્થ્યો વચ્ચેની મજબૂત ભાગીદારી પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે રોકાણકારો અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ વધુ સમય બગાડ્યા વગર સમૃદ્ધિનો ભાગ બનવા માટે અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રીએ સમાપનમાં જણાવ્યું હતું કે, “વિશ્વની સમૃદ્ધિ ભારતની સમૃદ્ધિમાં સમાયેલી છે અને સમૃદ્ધિની આ યાત્રામાં તમારી ભાગીદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે”.

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહ, ઉત્તરપ્રદેશ સરકારના મંત્રીઓ, વિદેશી મહાનુભાવો અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ સહિત અન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

પૃષ્ઠભૂમિ

10 થી 12 ફેબ્રુઆરી 2023 દરમિયાન પૂર્વનિર્ધારિત કાર્યક્રમ મુજબ, ઉત્તરપ્રદેશ વૈશ્વિક રોકાણકાર સંમેલન 2023 એ ઉત્તર પ્રદેશ સરકારનું મુખ્ય રોકાણકાર સંમેલન છે જે વિશ્વભરના નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ નેતાઓ, શિક્ષણવિદો, થિંક ટેન્ક અને વિશ્વભરના નેતાઓને સામૂહિક રીતે વ્યવસાયની તકો શોધવા અને ભાગીદારી કરવા માટે મંચ પૂરું પાડે છે.

ઇન્વેસ્ટર UP 2.0 એ ઉત્તરપ્રદેશમાં એક વ્યાપક, રોકાણકાર-કેન્દ્રિત અને સેવા-લક્ષી રોકાણ ઇકોસિસ્ટમ છે જે રોકાણકારોને સંબંધિત, સારી રીતે વ્યાખ્યાયિત, પ્રમાણિત સેવાઓ પહોંચાડવાનો પ્રયાસ કરે છે.

YP/GP/JD