Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રેવા અલ્ટ્રા મેગા સૌર ઉર્જા પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રેવા અલ્ટ્રા મેગા સૌર ઉર્જા પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ એશિયાની સૌથી મોટી ઉર્જા પરિયોજના છે.

આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રેવા પરિયોજનાથી સમગ્ર પ્રદેશ આ દાયકામાં શુદ્ધ અને સ્વચ્છ ઉર્જાનું એક મોટું હબ બની જશે. પ્રધાનમંત્રીએ આ પરિયોજનામાં કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરતા કહ્યું હતું કે, આનાથી રેવાની આસપાસના સમગ્ર પ્રદેશ ઉપરાંત દિલ્હી મેટ્રોને પણ વીજળીનો પૂરવઠો પ્રાપ્ત થશે.

તેમણે કહ્યું હતું કે, ટૂંક સમયમાં મધ્યપ્રદેશ ભારતમાં સૌર ઉર્જાનું મુખ્ય કેન્દ્ર બની જશે કારણ કે, આવી જ મોટી પરિયોજનાનું કામ હાલમાં નિમચ, સહજપુર, છત્તરપુર અને ઓમકારેશ્વરમાં પણ ચાલી રહ્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે, આ પરિયોજનાના સૌથી મોટા લાભાર્થીઓ ગરીબો, મધ્યવર્ગના લોકો, આદિવાસી સમુદાયો અને મધ્યપ્રદેશના ખેડૂતો હશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સૌર ઉર્જા 21મી સદીમાં મહત્વાકાંક્ષી ભારતની ઉર્જાની જરૂરિયાતો પૂરી પાડવા માટે મુખ્ય માધ્યમ બની રહેશે.

તેમણે સૌર ઉર્જાને ‘સચોટ, શુદ્ધ અને સુરક્ષિત’ ઉર્જામાંની એક ગણાવી હતી. સચોટ એટલા માટે કારણ કે, સૂર્યમાંથી ઉર્જાનો પૂરવઠો એકધારો મળતો રહેશે તે ચોક્કસ છે. શુદ્ધ એટલા માટે કારણ કે, તે પર્યાવરણને અનુકૂળ છે અને સુરક્ષિત એટલા માટે કારણ કે, તે આપણી ઉર્જાની જરૂરિયાતો માટે એક સુરક્ષિત સ્રોત છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આવી સૌર ઉર્જા પરિયોજનાઓ ખરા અર્થમાં આત્મનિર્ભર ભારતની રજૂઆત કરે છે.

તેમણે કહ્યું કે, અર્થતંત્ર એ આત્મનિર્ભરતા અને પ્રગતિનું એક મહત્વનું પરિબળ છે. અર્થતંત્ર પર ધ્યાન આપવું કે પછી પર્યાવરણ પર – આ હંમેશાની ગુંચવણનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતે સૌર ઉર્જા પરિયોજનાઓ અને પર્યાવરણને અનુકૂળ અન્ય પગલાં લેવા પર ધ્યાન કેન્દ્રિત કરીને આવી ગુંચવણોનો ઉકેલ લાવી દીધો છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, અર્થતંત્ર અને પર્યાવરણ એકબીજાના વિરોધાભાસી નથી પરંતુ, એકબીજાના પૂરક છે.

તેમણે કહ્યું હતું કે, પર્યાવરણના તમામ કાર્યક્રમોમાં, પર્યાવરણની સુરક્ષાને તેમજ ઇઝ ઓફ લિવિંગને પ્રાથમિકતા આપવામાં આવે છે. તેમણે સ્વચ્છ ભારત, ગરીબ પરિવારો માટે LPG સિલિન્ડરોનો પૂરવઠો, CNG નેટવર્કનો વિકાસ વગેરેને ઇઝ ઓફ લિવિંગ માટે તેમજ ગરીબો અને મધ્યમ વર્ગના લોકોના જીવનમાં સુધારો લાવનારા કેટલાક કેન્દ્રિત પ્રયાસો ગણાવ્યા હતા.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પર્યાવરણની સુરક્ષા માત્ર કેટલીક પરિયોજનાઓ પૂરતી સમિત નથી, પરંતુ તે જીવન જીવવાની એક રીત છે.

પ્રધાનમંત્રીએ ખાતરી આપી હતી કે, અક્ષય ઉર્જાની આવી મોટી પરિયોજનાઓનો પ્રારંભ કરવામાં આવે ત્યારે, સ્વચ્છ ઉર્જા પ્રત્યેનો દૃઢ સંકલ્પ જીવનના દરેક પાસામાં છે. આના લાભો દેશના દરેક ખૂણા સુધી, સમાજના દરેક વર્ગ સુધી અને દેશના દરેક નાગરિક સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે સરકાર શક્ય હોય તેવા તમામ પ્રયાસો કરી રહી છે. LED બલ્બની શરૂઆત કરવાથી કેવી રીતે વીજળીના બિલમાં ઘટાડો થયો તે ઉદાહરણ સાથે તેમણે આ બાબત સમજાવી હતી. LED બલ્બ અપનાવવાથી પર્યાવરણમાં અંદાજે 40 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનને રોકી શકાયું છે. તેમણે ઉમેર્યું હતું કે, આનાથી અંદાજે 6 અબજ યુનિટ વીજળીની પણ બચત થઇ છે અને તેના કારણે સરકારી તિજોરીને રૂ. 24,000 કરોડની બચત પણ થઇ છે.

તેમણે જણાવ્યું હતું કે, સરકાર આપણા પર્યાવરણ, આપણી હવા અને આપણા પાણીને શુદ્ધ રાખવા માટે પ્રયાસો કરી રહી છે અને આ વિચારધારા સૌર ઉર્જા સંબંધિત નીતિ અને વ્યૂહરચનામાં પ્રતિબિંબિત થાય છે.

શ્રી મોદીએ એમ પણ કહ્યું હતું કે, સૌર ઉર્જા ક્ષેત્રે ભારતની દૃષ્ટાંતરૂપ પ્રગતિથી દુનિયા માટે ભારત આ ક્ષેત્રે રુચિનો મોટો સ્રોત બની રહેશે. તેમણે કહ્યું કે, આવા મોટા પગલાંઓના કારણે ભારતને સ્વચ્છ ઉર્જાના સૌથી આકર્ષક બજાર તરીકે જોવામાં આવે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન (ISA)ની શરૂઆત સૌર ઉર્જાના સંદર્ભમાં આખી દુનિયાને એકજૂથ કરવાના આશય સાથે કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, આની પાછળ એક વિશ્વ, એક સૂર્ય, એક ગ્રીડની મૂળ ભાવના છે.

પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, મધ્યપ્રદેશના ખેડૂતો સરકારના કુસુમ કાર્યક્રમનો પણ ઉપયોગ કરશે અને તે અંતર્ગત વધારાની આવકના સ્રોત તરીકે તેઓ પોતાની જમીન પર સૌર ઉર્જા પ્લાન્ટ્સ સ્થાપિત કરશે.

તેમણે આશા વ્યક્ત કરી હતી કે, ટૂંક સમયમાં ભારત ઉર્જાનું એક મોટું નિકાસકાર બની જશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત સૌર ઉર્જા માટે જરૂરી વિવિધ હાર્ડવેર જેમ કે ફોટોવોલ્ટિક સેલ, બેટરી અને સ્ટોરેજ વગેરેની આયાત પર પોતાની નિર્ભરતાને પણ ઘટાડવા પર ધ્યાન આપી રહ્યું છે.

તેમણે કહ્યું કે, આ દિશામાં ઘણું ઝડપથી કામ ચાલી રહ્યું છે અને સરકાર ઉદ્યોગો, યુવાનો, MSME અને સ્ટાર્ટઅપને આ તક ના ચુકવા માટે અને સૌર ઉર્જા માટે જરૂરી તમામ ઇનપુટ્સના ઉત્પાદન તેમજ તેને બહેતર બનાવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.

પ્રવર્તમાન કોવિડ-19 મહામારીની કટોકટીનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર હોય કે સમાજ, કરુણા અને સતર્કતા આ મુશ્કેલ પડકારને નિયંત્રણમાં લાવવા માટે સૌથી ઉત્તમ પ્રેરણાદાયકો છે. તેમણે એમ પણ કહ્યું કે, લૉકડાઉનના અમલની શરૂઆતના તબક્કેથી જ સરકારે સુનિશ્ચિત કર્યું છે કે, દેશમાં ગરીબો અને જરૂરિયાતમંદ લોકો સુધી અન્ન અને ઇંધણનો પૂરતો પૂવરઠો સુનિશ્ચિતપણે પહોંચી શકે. તેમણે કહ્યું કે, આવી જ લાગણી સાથે, સરકારે હાલમાં અનલૉકનો તબક્કો ચાલી રહ્યો હોવા છતાં પણ આ વર્ષના નવેમ્બર મહિના સુધી લોકોને અન્ન અને LPGનો વિનામૂલ્યે પૂરવઠો પહોંચાડવાનો નિર્ણય લીધો છે.

આટલું જ નહીં, સરકાર ખાનગી ક્ષેત્રમાં કામ કરી રહેલા લાખો EPF ખાતાંમાં પણ સંપૂર્ણ યોગદાન આપી રહી છે. તેવી જ રીતે, PM-સ્વનિધિ યોજના દ્વારા, તેમની પાસે સિસ્ટમની ઓછી પહોંચ છે તેમને પણ લાભ આપવામાં આવી રહ્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે લોકો મધ્યપ્રદેશને મહાન બનાવવા માટે તેમના ઘરોની બહાર નીકળી રહ્યા છે ત્યારે, તેમણે આ નિયમોનું- બે મીટરનું સામાજિક અંતર જાળવવું, ચહેરા પર માસ્ક પહેરોવો અને વારંવાર સાબુથી ઓછામાં ઓછી 20 સેકન્ડ માટે હાથ ધોવા- ચોકક્સ પાલન કરવું જોઇએ.

DS/GP/BT