Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન યોજના જાહેર કરી

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન યોજના જાહેર કરી


આ યોજનાનું ધ્યેય ભારતને આપત્તિઓનો સામનો કરવા માટે મજબૂત બનાવવાનું તેમજ જાન ગુમાવનારાની સંખ્યા ઘટાડવાનું છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન યોજના (નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન – એનડીએમપી) જાહેર કરી હતી. દેશમાં તૈયાર થયેલી આ સૌપ્રથમ રાષ્ટ્રીય યોજના છે.

યોજનાનું ધ્યેય ભારતને આપત્તિઓનો સામનો કરવા માટે મજબૂત બનાવવાનું તેમજ જાન ગુમાવનારા લોકોની સંખ્યા તેમજ અસ્ક્યામતોનું નુકસાન ઘટાડવાનું છે. યોજના સંયુક્ત રાષ્ટ્રસંઘની આપત્તિના જોખમોમાં ઘટાડો કરવા અંગે મળેલી ત્રીજી વૈશ્વિક પરિષદમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા મંજૂર કરાયેલા “સેન્ડાઈ ફ્રેમવર્ક”ના પ્રાથમિકતા ધરાવતા ચાર વિષયવસ્તુ પર આધારિત છે, એટલે કે : આપત્તિના જોખમને સમજવું, આપત્તિના જોખમ પરનું નિયંત્રણ સુધારવું, માળખાકીય અને બિન-માળખાકીય પગલાં દ્વારા આપત્તિનાં જોખમ ઘટાડવા માટે રોકાણ કરવું અને આપત્તિ માટેની સજ્જતા, વહેલી ચેતવણી અને આપત્તિ પછી વધુ સારી રીતે પુનઃસ્થાપન કરવું.

યોજનાની વિશેષતાઓ

યોજના આપત્તિ વ્યવસ્થાપનના તમામ તબક્કાઓ આવરી લે છે : નિવારણ, શમન, પ્રતિભાવ અને પુનઃપ્રાપ્તિ. તે સરકારની તમામ એજન્સીઓ અને વિભાગો વચ્ચે સમગ્રલક્ષી સંકલન પૂરું પાડે છે. યોજનામાં પંચાયતથી માંડીને શહેરના સ્થાનિક એકમ સુધીના તમામ સ્તરે મેટ્રિક્સ ફોર્મેટમાં ભૂમિકાઓ અને જવાબદારીઓ પણ સ્પષ્ટ કરવામાં આવી છે. યોજના માટે સ્થાનિક અભિગમ ધ્યાન પર લેવાયો છે, જે માત્ર આપત્તિ વ્યવસ્થાપન માટે જ નહીં પરંતુ વિકાસના આયોજન માટે પણ લાભદાયક બનશે. આપત્તિ માટે સક્રિય બનતી (પ્રતિભાવ આપતી) એજન્સીઓ માટે તપાસયાદી તરીકે ભૂમિકા ભજવી શકે એવી વહેલી ચેતવણી, માહિતીનો પ્રસાર, તબીબી સંભાળ, બળતણ, પરિવહન, શોધખોળ અને બચાવ, સ્થળાંતર વગેરે જેવી મુખ્ય પ્રવૃત્તિઓ પણ યોજના હેઠળ સુનિશ્ચિત કરાઈ છે. યોજનામાં પરિસ્થિતિ પુનઃ સામાન્ય બનાવવા માટે એક વ્યાપક માળખું અપાયું છે અને પરિસ્થિતિની આકારણીમાં લવચિકતા અને વધુ સારા પુનઃસ્થાપનની યોજના રજૂ કરવામાં આવી છે.

આપત્તિઓનો કેવી રીતે સામનો કરવો એ માટે લોકોને તૈયાર કરવા માટે યોજનામાં માહિતી, શિક્ષણ અને પ્રત્યાયનની પ્રવૃત્તિઓ અતિઆવશ્યક હોવાનું ભારપૂર્વક જણાવાયું છે.

ગૃહને લગતી બાબતોના મંત્રી શ્રી રાજનાથ સિંહ, ગૃહને લગતી બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કિરણ રિજ્જુ અને પ્રધાનમંત્રી કાર્યાલય, ગૃહને લગતી બાબતોના મંત્રાલય તેમજ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણના વરિષ્ઠ અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

AP/J.Khunt/GP