Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિનો પ્રારંભ કર્યો

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિનો પ્રારંભ કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં આવેલા વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ (NLP)નો પ્રારંભ કર્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિના આ પ્રારંભને ભારતના એક વિકસિત દેશ તરીકેના પ્રણને પૂરું કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “છેવાડાની વ્યક્તિ સુધી ઝડપી ડિલિવરી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે, પરિવહન સંબંધિત પડકારોનો અંત લાવવા, ઉત્પાદકોના સમય અને નાણાંની બચત કરવા, કૃષિ-ઉત્પાદનોનો થઇ રહેલો બગાડ અટકાવવા માટે, નક્કર પ્રયાસો કરવામાં આવ્યા હતા અને આજથી શરૂ કરવામાં આવેલી રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ પણ તે પ્રયાસોની અભિવ્યક્તિઓમાંથી જ એક છે.” સંકલનમાં કરવામાં આવેલા પરિણામી સુધારાથી આ ક્ષેત્રમાં ઇચ્છિત ગતિ પ્રાપ્ત થઇ શકશે.

પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે ભારત, આજે દુનિયામાં 5મું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે, જ્યાં બધુ ખૂબ   ઝડપી ગતિએ બદલાઇ રહ્યું છે. આજે સવારે ચિત્તાને ખુલ્લા મૂકવામાં આવ્યા તે પ્રસંગનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણે બધા ઇચ્છીએ છીએ કે ચિત્તાની જેમ એટલી જ ઝડપથી માલ-સામાન પણ આગળ વધે.

પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “મેક ઇન ઇન્ડિયા અને ભારત આત્મનિર્ભર બનવાનો પડઘો સર્વત્ર પડી રહ્યો છે. ભારત મોટા નિકાસના લક્ષ્યો નિર્ધારિત કરી રહ્યું છે અને તેને પૂરા પણ કરી રહ્યું છે. ભારત એક વિનિર્માણના હબ તરીકે ઉભરી રહ્યું છે તે ખ્યાલ હવે દુનિયાના મનમાં સ્થિર થઇ રહ્યો છે. જો આપણે PLI સ્કીમનો અભ્યાસ કરીશું તો જાણવા મળશે કે, દુનિયાએ તેનો સ્વીકાર કર્યો છે.

પ્રધાનમંત્રીએ આગળ કહ્યું હતું કે, આવી પરિસ્થિતિમાં, રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ તમામ ક્ષેત્રોમાં નવી ઊર્જાનો સંચાર કરશે. તેમણે કહ્યું હતું, કે આ નીતિ તો માત્ર એક શરૂઆત છે અને નીતિ વત્તા પ્રદર્શન બરાબર પ્રગતિ. તેમણે આ બાબતને સમજાવતા કહ્યું હતું કે, જ્યારે કામગીરી માટેના પરિમાણો, ભાવિ રૂપરેખા અને સમયરેખા એકસાથે આવી જાય છે ત્યારે નીતિ વત્તા પ્રદર્શન બરાબર પ્રગતિની સ્થિતિ ઉભરી આવે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજનું ભારત કોઇપણ નીતિને અમલમાં મૂકતા પહેલાં પાયાના સ્તરે તૈયારીઓ કરે છે, અને તો જ નીતિનો સફળતાપૂર્વક અમલ કરી શકાય છે. રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ કંઇ અચાનક બહાર નથી આવી ગઇ અને તેની પાછળ 8 વર્ષની સખત મહેનત લાગી છે. તેમાં નીતિગત ફેરફારો છે, મુખ્ય નિર્ણયો છે અને, જો હું મારા વિશે વાત કરું તો તેની પાછળ મારો 22 વર્ષનો શાસનનો અનુભવ છે.

પ્રધાનમંત્રીએ સાગરમાલા, ભારતમાલા જેવી યોજનાઓનો પુનરોચ્ચાર કર્યો હતો જેના થકી પદ્ધતિસરના માળખાકીય વિકાસ માટે લોજિસ્ટિક્સ કનેક્ટિવિટીમાં સુધારવા લાવી શકાય તે માટે સમર્પિત ફ્રેટ કોરિડોરના કામને વેગ પ્રાપ્ત થયો છે. શ્રી મોદીએ એ બાબતે ધ્યાન દોર્યું કે, ભારતીય બંદરોની કુલ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે અને કન્ટેનર જહાજોનો સરેરાશ ટર્ન-અરાઉન્ડ સમય 44 કલાક હતો ત્યાંથી ઘટીને 26 કલાક થઇ ગયો છે. નિકાસને પ્રોત્સાહન આપવા માટે 40 એર કાર્ગો ટર્મિનલ તૈયાર કરવામાં આવ્યા છે. 30 હવાઇમથકો પર કોલ્ડ-સ્ટોરેજની સુવિધા ઉભી કરવામાં આવી છે. દેશમાં 35 મલ્ટિમોડલ હબ આવી રહ્યા છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “જળમાર્ગો દ્વારા, આપણે પર્યાવરણને અનુકૂળ અને ઓછું ખર્ચાળ પરિવહન કરી શકીએ છીએ, આ માટે દેશમાં ઘણા નવા જળમાર્ગો પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે.” તેમણે કોરોના સમય દરમિયાન કિસાન રેલ અને કિસાન ઉડાનના પ્રયોગોનો પણ ઉલ્લેખ કર્યો હતો. આજે 60 હવાઇમથકો પર કૃષિ ઉડાનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે.

લોજિસ્ટિક ક્ષેત્રને વધારે મજબૂત બનાવવા માટે ટેકનોલોજી અપનાવવાની જરૂરિયાત પર ખાસ ભાર મૂકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે ઇ-સંચિતના માધ્યમથી પેપરલેસ એક્ઝિમ ટ્રેડ પ્રક્રિયા, કસ્ટમ્સ માટે ફેસલેસ આકારણી, ઇ-વે બિલ માટેની જોગવાઇઓ, ફાસ્ટેગ વગેરે જેવી પહેલો તરફ કામ કર્યું છે જેના કારણે લોજિસ્ટિક્સ ક્ષેત્રની કાર્યક્ષમતામાં ખૂબ જ વધારો થયો છે. તેમણે લોજિસ્ટિક્સ ક્ષેત્રની સમસ્યાઓને સરળ બનાવવા માટે GST જેવી એકીકૃત કર પ્રણાલીના મહત્વને પણ રેખાંકિત કર્યું હતું. ડ્રોન સંબંધિત નીતિમાં કરવામાં આવેલા ફેરફાર અને તેને PLI યોજના સાથે સાંકળવાથી લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન મળી રહ્યું છે. તેમણે સમજાવ્યું હતું કે, “આટલું બધુ કર્યા પછી જ, અમે રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ લઇને આવ્યા છીએ.પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણે સૌએ 13-14 ટકા લોજિસ્ટિક્સ ખર્ચથી તેને શક્ય તેટલી વહેલી તકે ઘટાડીને એક જ અંક પર લાવવાનું લક્ષ્ય રાખવું જોઇએ. જો આપણે વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનવું હોય તો એક રીતે કહીએ તો આપણા માટે આ ઓછી ઊંચાઇએ લટકતું ફળ કહી શકાય.

પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, યુનિફાઇડ લોજિસ્ટિક્સ ઇન્ટરફેસ પ્લેટફોર્મ ULIP પરિવહન ક્ષેત્રને લગતી તમામ ડિજિટલ સેવાઓને એક જ પોર્ટલમાં લાવશે, જે નિકાસકારોને ઘણી લાંબી અને બોજારૂપ પ્રક્રિયાઓમાંથી મુક્તિ અપાવશે. એવી જ રીતે, આ નીતિ હેઠળ એક નવું ડિજિટલ પ્લેટફોર્મ ઇઝ ઓફ લોજિસ્ટિક્સ સર્વિસિસ E-Logs પણ શરૂ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, આ પોર્ટલ દ્વારા, ઔદ્યોગિક સંગઠનો તેમના પરિચાલન અને કામગીરીમાં સમસ્યાઓનું કારણ બને તેવી કોઇપણ બાબતોને સીધા જ સરકારી એજન્સીઓ સમક્ષ ઉઠાવી શકે છે. આવા કેસોના ઝડપી નિરાકરણ માટે એક સંપૂર્ણ સિસ્ટમ પણ મૂકવામાં આવી છે.

શ્રી મોદીએ એ બાબતે ધ્યાન દોર્યું હતું કે, પ્રધાનમંત્રી ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનના કારણે રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિને તમામ પ્રકારે પૂરેપૂરું સમર્થન મળી રહેશે. પ્રધાનમંત્રીએ ખુશીની લાગણી વ્યક્ત કરતા, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ આપેલા સમર્થનનો ઉલ્લેખ કરીને અને લગભગ તમામ વિભાગોએ સાથે મળીને કામ કરવાનું શરૂ કરી દીધું છે તેનો પણ ઉલ્લેખ કરીને તેમની કામગીરીને વધાવી લીધી હતી. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, રાજ્ય સરકારોની વિવિધ માળખાકીય સુવિધાઓની પરિયોજનાઓ સંબંધિત માહિતીનો વિશાળ ડેટા તૈયાર કરવામાં આવ્યો છે. આજે, પ્રધાનમંત્રી ગતિશક્તિ પોર્ટલ પર લગભગ 1500 સ્તરોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોનો ડેટા આવી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, ગતિશક્તિ અને રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ હવે સાથે મળીને દેશને એક નવી કાર્ય સંસ્કૃતિ તરફ લઇ જઇ રહી છે. તાજેતરમાં મંજૂર કરવામાં આવેલી ગતિશક્તિ યુનિવર્સિટીમાંથી જે પ્રતિભાવાન લોકો બહાર આવશે તેમનાથી પણ તેને ઘણી મદદ મળી રહેશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દુનિયા આજે ભારત તરફ એક લોકશાહી મહાસત્તાતરીકે નજર કરી રહી છે. તેમણે ભારતની અસામાન્ય પ્રતિભા ઇકોસિસ્ટમપર પ્રકાશ પાડ્યો જેણે ક્ષેત્રના એવા નિષ્ણાતોને પ્રભાવિત કર્યા છે જેઓ ભારતના મક્કમ નિર્ધારઅને પ્રગતિની પ્રશંસા કરે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આજે ભારત પ્રત્યે દુનિયાનું વલણ બદલાઇ રહ્યું છે. આજે વિશ્વ ભારતનું ખૂબ જ સકારાત્મક રીતે મૂલ્યાંકન કરી રહ્યું છે, તે ભારત પાસેથી અનેક અપેક્ષાઓ રાખી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, વૈશ્વિક કટોકટી ચાલી રહી હતી તેવી સ્થિતિમાં ભારત અને ભારતીય અર્થતંત્રએ જે સ્થિતિસ્થાપકતા બતાવી હતી તેણે દુનિયામાં નવો આત્મવિશ્વાસ ભરી દીધો છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, ભારતે છેલ્લા વર્ષો દરમિયાન જે પણ સુધારા કર્યા છે, જે નીતિઓ અમલમાં મૂકી છે તે અભૂતપૂર્વ છે. તેથી જ આપણામાં દુનિયાનો વિશ્વાસ વધ્યો છે. દુનિયાએ આપણા પર મૂકેલા આ વિશ્વાસને સંપૂર્ણ પણે સાર્થક કરવા માટે તેમમે રાષ્ટ્રને અનુરોધ કર્યો હતો. તેમણે આગળ કહ્યું હતું કે, આ આપણી જવાબદારી છે, આપણા સૌની જવાબદારી છે. આજે શરૂ કરવામાં આવેલી રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિના કારણે આમાં દેશને ઘણી મદદ મળી રહેશે.

પ્રધાનમંત્રીએ ભારતીયોમાં સ્પર્ધાત્મકતાની વર્તણૂક અપનાવવાનો અનુરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે “વિકસિત રાષ્ટ્ર બનવા માટે સંકલ્પબદ્ધ ભારતે હવે વિકસિત દેશો સાથે વધુ સ્પર્ધા કરવી પડશે, તેથી બધુ જ સ્પર્ધાત્મક હોવું જોઇએ.” પ્રધાનમંત્રી આગળ પોતાની વાત વધારતા ટિપ્પણી કરી હતી કે, “ સેવા ક્ષેત્ર હોય, ઉત્પાદનનું ક્ષેત્ર હોય, ઓટોમોબાઇલ ક્ષેત્રની વાત હોય, કે પછી ઇલેક્ટ્રોનિક્સનું ક્ષેત્ર હોય, આપણે દરેક ક્ષેત્રમાં મોટા લક્ષ્યાંકો નિર્ધારિત કરવા પડશે અને તેને પ્રાપ્ત પણ કરવા પડશે”. પ્રધાનમંત્રીએ ભારતમાં બનતા ઉત્પાદનો પ્રત્યે દુનિયાન વધી રહેલા આકર્ષણ તરફ પણ ધ્યાન દોર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “ભારતની કૃષિ ઉપજો હોય, ભારતનો મોબાઇલ હોય કે પછી ભારતની બ્રહ્મોસ મિસાઇલ હોય, આજે વિશ્વમાં તેની ચર્ચા થાય છે.” પ્રધાનમંત્રીએ મેડ ઇન ઇન્ડિયા કોવિડ રસીઓ અને દવાઓનો પણ ઉલ્લેખ કર્યો જેણે દુનિયાભરમાં લાખો લોકોના જીવન બચાવવામાં મદદ કરી હતી.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતમાં ઉત્પાદિત પ્રોડક્ટ્સને વૈશ્વિક બજારમાં પ્રભુત્વ મેળવવું હોય તો તેના માટે, એક મજબૂત સપોર્ટ સિસ્ટમ હોવી મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે, “રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ આપણને આ સપોર્ટ સિસ્ટમને આધુનિક બનાવવામાં ઘણી મદદરૂપ થશે.” શ્રી મોદીએ એ બાબતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે, લોજિસ્ટિક્સ સંબંધિત સમસ્યાઓમાં ઘટાડો આવ્યો છે અને જ્યારે દેશની નિકાસમાં વધારો થાય છે ત્યારે નાના ઉદ્યોગો અને તેમાં કામ કરતા લોકોને સૌથી વધુ ફાયદો થાય છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “લોજિસ્ટિક્સ ક્ષેત્રને મજબૂત બનાવવાથી સામાન્ય માણસનું જીવન સરળ બનશે એટલું જ નહીં પરંતુ શ્રમિક અને કામદારોના સન્માનમાં વધારો કરવામાં પણ મદદ મળશે.”

પ્રધાનમંત્રીએ તેમના સંબોધનના સમાપનમાં જણાવ્યું હતું કે, “રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિમાં માળખાકીય સુવિધાઓના વિકાસ માટે, વ્યવસાયના વિસ્તરણ અને રોજગારની તકો વધારવાની અપાર સંભાવનાઓ રહેલી છે. આપણે સૌએ સાથે મળીને આ સંભાવનાઓને સાકાર કરવી પડશે.

આ પ્રસંગે લોજિસ્ટિક્સ ક્ષેત્રના પ્રતિનિધિઓ, TVS સપ્લાય ચેઇન સોલ્યુશન્સના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી આર દિનેશ; અગ્રવાલ પેકર્સ એન્ડ મૂવર્સના CEO શ્રી રમેશ અગ્રવાલ; એક્સપ્રેસબીઝ લોજિસ્ટિક્સના સ્થાપક અને CEO શ્રી અમિતાભ સાહાએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

આ પ્રસંગે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલ, કેન્દ્રીય માર્ગ, પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરી, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી શ્રી સર્વનદા સોનેવાલ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી સોમ પ્રકાશ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પૃષ્ઠભૂમિ

અન્ય વિકસિત અર્થતંત્રોની સરખામણીએ ભારતમાં લોજિસ્ટિક્સ ખર્ચ વધુ થતો હોવાથી રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિની જરૂરિયાત અનુભવાઇ હતી. સ્થાનિક તેમજ નિકાસના બજારો બંનેમાં ભારતીય માલસામાનની સ્પર્ધાત્મકતામાં સુધારો કરવા માટે ભારતમાં લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો કરવો અનિવાર્ય છે. લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો કરવાથી અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં કાર્યક્ષમતામાં સુધારો આવે છે, મૂલ્યવર્ધન અને એન્ટરપ્રાઇઝને પ્રોત્સાહન મળે છે.

2014 થી, સરકારે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગ બંનેમાં સુધારો કરવા પર નોંધપાત્ર ભાર મૂક્યો છે. સમગ્ર લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમના વિકાસ માટે એક વ્યાપક આંતરશાખાકીય, ક્રોસ-સેક્ટરલ અને બહુ-અધિકારક્ષેત્રીય માળખું તૈયાર કરીને ઊંચી ખર્ચ અને બિનકાર્યક્ષમતાની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટેનો એક વ્યાપક પ્રયાસ એવી રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ, આ દિશામાં ભરવામાં આવેલું એક બીજું પગલું છે. આ નીતિ ભારતીય માલસામાનની સ્પર્ધાત્મકતા સુધારવા, આર્થિક વિકાસ વધારવા અને રોજગારીની તકોમાં વૃદ્ધિ કરવાનો એક પ્રયાસ છે.

પ્રધાનમંત્રીની દૂરંદેશી છે કે, સર્વાંગી આયોજન અને અમલીકરણમાં તમામ હિતધારકોના સંકલન દ્વારા વિશ્વસ્તરીય આધુનિક માળખાકીય સુવિધાઓને વિકાસ કરવામાં આવે જેથી પરિયોજનાના અમલીકરણમાં કાર્યક્ષમતા અને તાલમેલ પ્રાપ્ત થાય. મલ્ટી-મોડલ કનેક્ટિવિટી માટેનો રાષ્ટ્રીય માસ્ટર પ્લાન ‘પી.એમ. ગતિશક્તિ’ – પ્રધાનમંત્રી દ્વારા ગયા વર્ષે શરૂ કરવામાં આવ્યો હતો, જે આ દિશામાં ભરવામાં આવેલું એક અગ્રણી પગલું હતું. રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ શરૂઆત સાથે પીએમ ગતિશક્તિને વધુ પ્રોત્સાહન અને પૂરકતા પ્રાપ્ત થશે.

YP/GP/JD