પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુવાન આઇએએસ અધિકારીઓને પરિવર્તન ન સ્વીકારે તેવી માનસિકતા છોડી દેવાની અને ભારતની વહીવટી વ્યવસ્થાને ‘ન્યૂ ઇન્ડિયા’ની ઊર્જા સાથે ભરી દેવાની સલાહ આપી હતી.
આસિસ્ટન્ટ સેક્રેટરીઓના ઉદ્ઘાટન સત્રમાં વર્ષ 2015ની આઇએએસ અધિકારીઓ બેચને સંબોધતા પ્રધાનમંત્રીએ શરૂઆતમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતે તેની ક્ષમતા મુજબ પ્રગતિ કરી નથી. તેમણે કહ્યું હતું કે, જે દેશોએ ભારત પછી આઝાદી મેળવી હતી અને જેમની પાસે ભારત કરતા ઓછા સંસાધનો હતા, તેમણે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી છે. તેમણે જણાવ્યું હતું કે, પરિવર્તનનો પવન ફૂંકવા સાહસવૃત્તિ જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, મહત્તમ કે અસરકારક સ્તરે કામગીરી પ્રદાન થાય એ માટે અધિકારીઓની ક્ષમતાનું સંકલન આવશ્યક છે, પણ ખંડિત વહીવટી વ્યવસ્થાથી એ શક્ય બન્યું નથી. તેમણે કહ્યું હતું કે, વ્યવસ્થાની કાયાપલટ કરવા ઝડપી અને અસરકારક પરિવર્તનની જરૂર છે.
તેમણે કહ્યું હતું કે, આસિસ્ટન્ટ સેક્રેટરીઓને આ ત્રણ મહિનાનો કાર્યક્રમ હવે ત્રીજા વર્ષમાં પ્રવેશ્યો છે અને તેની મોટી અસર થશે. તેમણે યુવાન અધિકારોને આગામી ત્રણ મહિનામાં કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે નિખાલસતાપૂર્વક આદાનપ્રદાન કરવા અપીલ કરી હતી, જેથી વ્યવસ્થાને તેમની ઊર્જા અને નવા વિચારોના સમન્વયનો લાભ મળી શકે તથા સચિવ-સ્તરના અધિકારીઓના વહીવટી અનુભવનો ફાયદો થાય.
પ્રધાનમંત્રીએ યુવાન અધિકારીઓને યુપીએસસીના પરિણામના દિવસ સુધીના તેમના જીવન, તેમણે ઝીલેલા પડકારોને યાદ કરવા કહ્યું હતું અને હવે તેમની પાસે વ્યવસ્થામાં હકારાત્મક પરિવર્તનો કરવાની અને સામાન્ય લોકોના જીવનની ગુણવત્તા સુધારવાની જે તક છે એને ઝડપી લેવાની સલાહ આપી હતી.
આ પ્રસંગે કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શનના રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહ તથા વરિષ્ઠ સરકારી અધિકારીઓ ઉપસ્થિત હતા.
AP/TR/GP