Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મોદીએ ગ્રાન્ડ ચેલેન્જીસ વાર્ષિક બેઠક 2020માં મુખ્ય સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ મોદીએ ગ્રાન્ડ ચેલેન્જીસ વાર્ષિક બેઠક 2020માં મુખ્ય સંબોધન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્રાન્ડ ચેલેન્જીસ વાર્ષિક બેઠક 2020માં મુખ્ય સંબોધન કર્યું હતું.

આ પ્રસંગે વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જે સમાજ વિજ્ઞાન અને નવીનતામાં રોકાણ કરશે એ સમાજ ભવિષ્યને નવી દિશા આપશે. તેમણે જણાવ્યું હતું કે, વિજ્ઞાન અને નવીનતાના મીઠા ફળ ચાખવા માટે ટૂંકા ગાળાનો અભિગમ અપનાવવાને બદલે લાંબા ગાળાનો અભિગમ અપનાવવો પડે અને અગાઉથી રોકાણ કરવાથી ઉચિત સમયે એના લાભ પ્રાપ્ત થઈ શકશે. તેમણે નવીનતાની આ સફરને જનતાના જોડાણ અને એની ભાગીદારીથી આકાર આપવો પડશે એવું પણ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, અગાઉથી ચાલી આવતી પરંપરા મુજબ કામ કરવાથી વિજ્ઞાનનો વિકાસ ક્યારેય ન થાય અને ગ્રાન્ડ ચેલેન્જીસ પ્રોગ્રામ આ બાબતને સારી રીતે સમજે છે. તેમણે આ પ્રોગ્રામને વૈશ્વિક ઊંચાઈ હાંસલ કરવા બદલ પ્રશંસા કરી હતી, જેમાં દુનિયાના કેટલાંક દેશો જોડાયા છે અને એન્ટિમાઇક્રોબાયલ રેસિસ્ટન્સ (સૂક્ષ્મ જીવાણુઓ અવરોધક), માતૃત્વ અને બાળકનું સ્વાસ્થ્ય, કૃષિ, પોષક દ્રવ્યો, WaSH – (વોટર (પાણી), સેનિટેશન (સાફસફાઈ) અને હાયજીન (સ્વચ્છતા) વગેરે જેવા વિવિધ પ્રકારના મુદ્દાઓનું સમાધાન કરવાનો પ્રયાસ કર્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલા રોગચાળાએ આપણને ટીમવર્કનું મહત્ત્વ સમજાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, રોગ કે રોગચાળાને ભૌગોલિક મર્યાદા નડતી નથી અને એ પંથ, જાતિ, લિંગ કે રંગ જેવા કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખતો નથી. તેમણે ઉમેર્યું હતું કે, આ રોગોમાં કેટલાંક ચેપી અને બિનચેપી રોગો સામેલ છે, જે લોકોને અસર કરે છે. તેમણે કહ્યું હતું કે, ભારતમાં મજબૂત અને જીવંત વૈજ્ઞાનિક સમુદાય તથા શ્રેષ્ઠ વૈજ્ઞાનિક સંસ્થાઓ દેશની મોટામાં મોટી સંપત્તિ છે, ખાસ કરીને છેલ્લાં થોડા મહિનાઓ દરમિયાન કોવિડ-19 રોગચાળા સામે લડવામાં આ પુરવાર થયું છે. તેમણે ઉમેર્યું હતું કે, આ સંસ્થાઓએ નિયંત્રણથી ક્ષમતા નિર્માણ સુધીના અનેક સીમાચિહ્નો હાંસલ કર્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતમાં વિશાળ વસ્તી હોવા છતાં કોવિડ-19 મૃત્યુદર અતિ ઓછો છે, જે માટે જનસંચાલિત અભિગમ અને ક્ષમતા મુખ્યત્વે જવાબદાર છે. તેમણે ઉમેર્યું હતું કે, અત્યારે દરરોજ કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, કેસના વૃદ્ધિદરમાં ઘટાડો થઈ રહ્યો છે અને દુનિયામાં ભારત 88 ટકાના સૌથી ઊઁચા રિકવરી દર પૈકીનો એક ધરાવે છે. તેમણે કહ્યું હતું કે, આ શક્ય બન્યું છે, કારણ કે ભારત દુનિયાના એવા પ્રથમ દેશોમાં સામેલ હતો, જેણે પરિવર્તન કરી શકાય એવું લોકડાઉન લાગુ કર્યું હતું, માસ્કના વપરાશને પ્રોત્સાહન આપનાર દુનિયાના પ્રથમ દેશમાં સામેલ હતો, કોન્ટેક્ટ-ટ્રેસિંગ પર અસરકારક રીતે કામ શરૂ કરવામાં સક્રિય હતો અને રેપિડ એન્ટિજેન ટેસ્ટ વહેલાસર શરૂ કરનાર સૌપ્રથમ દેશોમાં સામેલ હતો.

પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, અત્યારે ભારત કોવિડ માટે રસી વિકસાવવામાં મોખરે છે. તેમણે આપણા દેશમાં 30થી વધારે સ્વદેશી રસીઓ વિકસી રહી હોવાની જાહેરાત કરી હતી અને તેમાંથી ત્રણ એડવાન્સ તબક્કામાં છે. તેમણે કહ્યું હતું કે, ભારતમાં રસી આપવાની વ્યવસ્થા સુસ્થાપિત કરવા કામ ચાલી રહ્યું છે અને ડિજિટલ હેલ્થ આઇડી સાથે ડિજિટાઇઝ નેટવર્ક આપણા નાગરિકોને રસી મળે એ માટે ઉપયોગી થશે. તેમણે ધ્યાન દોર્યું હતું કે, ભારત ગુણવત્તાયુક્ત દવાઓ અને રસીઓનું ઉત્પાદન ઓછી કિંમતે કરવા એની અસરકારક ક્ષમતા માટે પ્રસિદ્ધ છે. આંતરરાષ્ટ્રીય સમુદાય માટે 60 ટકાથી વધારે રસીઓનું ઉત્પાદન ભારતમાં થાય છે. તેમણે કહ્યું હતું કે, સંશોધનમાં ભારતનો અનુભવ અને પ્રતિભા સાથે દેશ આંતરરાષ્ટ્રીય હેલ્થકેર પ્રયાસોના કેન્દ્રમાં રહેશે અને આ ક્ષેત્રોમાં તેમની ક્ષમતા વધારવા અન્ય દેશોને મદદ કરવાની ઇચ્છા ધરાવે છે.

પ્રધાનમંત્રીએ છેલ્લાં છ વર્ષમાં ઘણા કાર્યક્રમો વિશે જાણકારી આપી હતી, જેમાં વધારે સ્વચ્છતા, સંવર્ધિત સાફસફાઈ, શૌચાલયનું વધારે કવરેજ, જે હેલ્થકેર વ્યવસ્થાને વધારે શ્રેષ્ઠ બનાવવામાં પ્રદાન કરે છે. તેમણે જણાવ્યું હતું કે, એનાથી મહિલાઓ, ગરીબો અને વંચિતોને મદદ મળી છે તથા રોગોમાં ઘટાડો થયો છે. તેમણે રોગમાં ઘટાડો સુનિશ્ચિત કરવા સરકારના પ્રયાસો અંગે જાણકારી આપી હતી તથા ગામડાઓમાં દરેક ઘરને પાઇપ દ્વારા પીવાનું પાણી પ્રદાન કરવું, ગ્રામીણ વિસ્તારોમાં મેડિકલ કોલેજો સ્થાપિત કરવા અને વિશ્વની સૌથી મોટી હેલ્થકેર વીમા યોજનાનું સંચાલન કરવા જેવી સુવિધાઓથી વધારે સારી હેલ્થકેર વ્યવસ્થા ઊભી થઈ છે એમ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ વ્યક્તિગત ઉત્થાન અને સહિયારી સુખાકારી માટે ઉત્સાહ સાથે જોડાણ કરવા અપીલ કરી હતી. તેમણે ફળદાયક અને અર્થસભર ચર્ચાવિચારણા માટે શુભેચ્છા આપી હતી તથા આ ગ્રાન્ડ ચેલેન્જીસ પ્લેટફોર્મમાંથી નવા સોલ્યુશનો મેળવવા પ્રોત્સાહન આપ્યું હતું.

SD/GP/BT