Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં શ્રી મહાકાલ લોક ખાતે મહાકાલ લોક પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો રાષ્ટ્રને સમર્પિત કર્યો

પ્રધાનમંત્રીએ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં શ્રી મહાકાલ લોક ખાતે મહાકાલ લોક પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો રાષ્ટ્રને સમર્પિત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં શ્રી મહાકાલ લોક ખાતે મહાકાલ લોક પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ જ્યારે નંદીદ્વારથી શ્રી મહાકાલ લોકમાં પહોંચ્યા ત્યારે પરંપરાગત ધોતીનાં વસ્ત્રો પહેર્યાં હતાં. આંતરિક ગર્ભગૃહમાં પહોંચ્યા બાદ પ્રધાનમંત્રીએ પૂજા અને દર્શન કર્યા હતા તથા મંદિરના પૂજારીઓની હાજરીમાં ભગવાન શ્રી મહાકાલ સમક્ષ હાથ જોડીને પ્રાર્થના કરી હતી. આરતી કર્યા બાદ અને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ પ્રધાનમંત્રીએ અંતરંગ ગર્ભગૃહના દક્ષિણ ખૂણામાં બેસીને મંત્રોચ્ચારો થઈ રહ્યા હતા ત્યારે ધ્યાન ધર્યું હતું. પ્રધાનમંત્રી નંદીની પ્રતિમાની બાજુમાં પણ બેઠા હતા અને હાથ જોડીને પ્રાર્થના કરી હતી.

પ્રધાનમંત્રીએ શ્રી મહાકાલ લોક સમર્પિત કરવાની તકતીનું અનાવરણ કર્યું હતું. પ્રધાનમંત્રી મંદિરના સંતોને પણ મળ્યા હતા અને તેમની સાથે ટૂંકી વાતચીત કરી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રીએ મહાકાલ લોક મંદિર સંકુલની મુલાકાત લીધી હતી અને પગપાળા ચાલીને સપ્તર્ષિ મંડળ, મંડપમ, ત્રિપુરાસુર વધ અને નવગઢનાં દર્શન કર્યા હતાં. પ્રધાનમંત્રીએ શિવ પુરાણમાંથી સર્જન કાર્ય, ગણેશનો જન્મ, સતી અને દક્ષની કથા સહિતની કથાઓ પર આધારિત માર્ગ પરના ભીંતચિત્રો પણ નિહાળ્યા હતા. શ્રી મોદીએ બાદમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો, જેને આ પ્રસંગે પ્રદર્શિત કરવામાં આવ્યો હતો અને માનસરોવરમાં મલખંભના નિહાળ્યા હતા. ત્યારબાદ ભારત માતાનાં મંદિરે દર્શન કર્યા હતા.

પ્રધાનમંત્રીની સાથે મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ અને કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

પશ્ચાદભૂમિકા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં શ્રી મહાકાલ લોક ખાતે મહાકાલ લોક પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. મહાકાલ લોક પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો મંદિરની મુલાકાત લેનારા યાત્રાળુઓને વૈશ્વિક કક્ષાની આધુનિક સુવિધાઓ પ્રદાન કરીને તેમના અનુભવને સમૃદ્ધ કરવામાં મદદ કરશે. આ પ્રોજેક્ટનો હેતુ સમગ્ર વિસ્તારને ગીચતામુક્ત કરવાનો છે અને હેરિટેજ માળખાનાં સંરક્ષણ અને પુન:સ્થાપના પર પણ વિશેષ ભાર મૂકવાનો છે. આ પ્રોજેક્ટ હેઠળ મંદિરનાં પરિસરનું વિસ્તરણ લગભગ સાત ગણું કરવામાં આવશે. સમગ્ર પ્રોજેક્ટની કુલ કિંમત આશરે ૮૫૦ કરોડ રૂપિયા છે. મંદિરની હાલની અવરજવર, જે હાલમાં વાર્ષિક આશરે 1.5 કરોડ છે, તે બમણી થવાની સંભાવના છે. પ્રોજેક્ટના વિકાસનું આયોજન બે તબક્કા હેઠળ કરવામાં આવ્યું છે.

મહાકાલ પથમાં 108 સ્તંભ (પિલર્સ) છે, જેમાં ભગવાન શિવનાં આનંદ તાંડવ સ્વરૂપ (નૃત્ય સ્વરૂપ)નું નિરૂપણ કરવામાં આવ્યું છે. મહાકાલ પથ પર ભગવાન શિવનાં જીવનને દર્શાવતા ઘણાં ધાર્મિક શિલ્પો સ્થાપિત કરાયાં છે. પથ પર ભીંતચિત્રની દિવાલ શિવ પુરાણની સૃષ્ટિની ક્રિયા, ગણેશનો જન્મ, સતી અને દક્ષની કથા સહિતની કથાઓ પર આધારિત છે. પ્લાઝાનો વિસ્તાર ૨.૫ હૅક્ટરમાં ફેલાયેલો છે અને તેની આસપાસ કમળનું તળાવ છે જેમાં પાણીના ફુવારાઓ સાથે શિવની પ્રતિમા છે. આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ અને સર્વેલન્સ કેમેરાની મદદથી ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા સમગ્ર પરિસરની ૨૪*૭ દેખરેખ રાખવામાં આવશે.

YP/GP/JD