Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મધ્ય પ્રદેશના બીનામાં રૂ. 50,700 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રીએ મધ્ય પ્રદેશના બીનામાં રૂ. 50,700 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના બીનામાં રૂ. 50,700 કરોડથી વધારે મૂલ્યની વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)ની બીના રિફાઇનરી ખાતે આશરે રૂ. 49,000 કરોડના ખર્ચે વિકસાવવામાં આવનાર પેટ્રોકેમિકલ કૉમ્પ્લેક્સ; નર્મદાપુરમ જિલ્લામાં વીજળી અને પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદન ક્ષેત્ર; ઇન્દોરમાં બે આઇટી પાર્ક; રતલામમાં મેગા ઇન્ડસ્ટ્રિયલ પાર્ક; અને સમગ્ર મધ્ય પ્રદેશમાં છ નવા ઔદ્યોગિક પાર્ક્સનો સમાવેશ થાય છે.

અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, બુંદેલખંડ યોદ્ધાઓની ભૂમિ છે. તેમણે એક મહિનાની અંદર મધ્ય પ્રદેશમાં સાગરની મુલાકાત લેવાનો ઉલ્લેખ કર્યો હતો અને આ તક આપવા બદલ મધ્ય પ્રદેશ સરકારનો આભાર માન્યો હતો. તેમણે સંત રવિદાસજીનાં સ્મારકના શિલાન્યાસ સમારંભમાં સહભાગી થવાનું પણ યાદ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજની પરિયોજનાઓ આ ક્ષેત્રના વિકાસને નવી ઊર્જા પ્રદાન કરશે. તેમણે માહિતી આપી કે કેન્દ્ર સરકાર આ પરિયોજનાઓ પર 50 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે જે દેશનાં ઘણાં રાજ્યોનાં બજેટ કરતા વધારે છે. તેમણે ઉમેર્યું હતું કે, “આ મધ્ય પ્રદેશ માટે અમારા સંકલ્પોની તીવ્રતા સૂચવે છે.”

આઝાદી કા અમૃત કાલમાં, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશના દરેક નાગરિકે ભારતને વિકસિત દેશમાં પરિવર્તિત કરવાનો સંકલ્પ લીધો છે. આત્મનિર્ભર ભારતનાં મહત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ આયાતમાં ઘટાડો કરવા પર ભાર મૂક્યો હતો અને ધ્યાન દોર્યું હતું કે, ભારત પેટ્રોલ અને ડિઝલ તેમજ પેટ્રોરસાયણ ઉત્પાદનો માટે વિદેશી દેશો પર નિર્ભર છે. બીના રિફાઇનરી ખાતે પેટ્રોરસાયણ સંકુલનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, પેટ્રોરસાયણ ઉદ્યોગમાં આ આત્મનિર્ભરતાની દિશામાં એક ડગલું આગળ વધશે. પ્રધાનમંત્રીએ પાઇપ, નળ, ફર્નિચર, પેઇન્ટ, કારના પાર્ટ્સ, તબીબી ઉપકરણો, પૅકેજિંગ સામગ્રી અને કૃષિનાં સાધનો અને અન્ય જેવાં પ્લાસ્ટિકનાં ઉત્પાદનોનાં ઉદાહરણો આપ્યાં હતાં અને કહ્યું હતું કે, પેટ્રોરસાયણ તેનાં ઉત્પાદનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “હું તમને ગૅરંટી આપું છું કે બીના રિફાઇનરી સ્થિત પેટ્રોરસાયણ સંકુલ સંપૂર્ણ પ્રદેશમાં વૃદ્ધિને વેગ આપશે અને વિકાસને નવી ઊંચાઈએ લઈ જશે.” તેમણે સાથે ઉલ્લેખ કર્યો હતો કે, તેનાથી માત્ર નવા ઉદ્યોગોને જ નહીં, પણ નાના ખેડૂતો અને ઉદ્યોગસાહસિકોને પણ લાભ થશે તથા યુવાનો માટે હજારો તકોનું સર્જન પણ થશે. ઉત્પાદન ક્ષેત્રનાં મહત્ત્વ વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ આજે 10 નવા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ પર કામ શરૂ થવાની જાણકારી આપી હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, નર્મદાપુરમ, ઇન્દોર અને રતલામમાં વિવિધ પ્રોજેક્ટ્સ મધ્ય પ્રદેશની ઔદ્યોગિક ક્ષમતામાં વધારો કરશે, જેનાથી તમામને લાભ થશે.

કોઈ પણ રાજ્ય કે દેશના વિકાસ માટે શાસનમાં પારદર્શકતા અને ભ્રષ્ટાચારને નાબૂદ કરવાનાં મહત્ત્વ પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રીએ એ સમયને યાદ કર્યો હતો, જ્યારે મધ્ય પ્રદેશને દેશમાં સૌથી નાજુક અને નબળાં રાજ્યોમાંનું એક માનવામાં આવતું હતું. શ્રી મોદીએ ઉદ્‌ગાર કરતા કહ્યું હતું કે, “જેમણે દાયકાઓ સુધી મધ્ય પ્રદેશમાં શાસન કર્યું હતું, તેમની પાસે અપરાધ અને ભ્રષ્ટાચાર આપવા સિવાય બીજું કશું જ નહોતું.” રાજ્યમાં ગુનેગારોને કેવી રીતે છૂટો હાથ હતો અને કાયદો અને વ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ ન હતો એ બાબતને યાદ કરીને શ્રી મોદીએ કહ્યું હતું કે, આ પ્રકારના સંજોગોએ ઉદ્યોગોને રાજ્યથી દૂર કરી દીધા હતા. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, હાલની સરકારે તે પ્રથમ વાર ચૂંટાઈ ત્યારથી મધ્ય પ્રદેશની સ્થિતિ બદલવા તમામ પ્રયાસો કર્યા છે. આ સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કાયદો અને વ્યવસ્થાને પુનઃસ્થાપિત કરવા તથા નાગરિકોનાં મનમાં રહેલા ભયને દૂર કરવાના, માર્ગોનું નિર્માણ અને વીજ પુરવઠોનાં ઉદાહરણો આપ્યાં હતાં. તેમણે કહ્યું કે, સુધારેલ કનેક્ટિવિટીથી રાજ્યમાં સકારાત્મક વાતાવરણ ઊભું થયું છે જ્યાં મોટા ઉદ્યોગો ફૅક્ટરીઓ સ્થાપવા માટે તૈયાર છે. શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, મધ્ય પ્રદેશ આગામી થોડાં વર્ષોમાં ઔદ્યોગિક વિકાસની નવી ઊંચાઈઓ સર કરશે. 

પ્રધાનમંત્રીએ ગુલામીની માનસિકતામાંથી મુક્ત થવા અને સબ કા પ્રયાસસાથે આગળ વધવાનાં તેમનાં આહવાનનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આજનું નવું ભારત ઝડપથી બદલાઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, “ભારતે ગુલામીની માનસિકતાને પાછળ છોડી દીધી છે અને હવે સ્વતંત્ર રહેવાના આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનું શરૂ કર્યું છે.” તેમણે કહ્યું હતું કે, તાજેતરમાં યોજાયેલી જી-20માં આ બાબત પ્રતિબિંબિત થાય છે, આ સમિટ દરેક માટે એક આંદોલન બની ગઇ છે અને તમામને દેશની સિદ્ધિઓ પર ગર્વ છે. પ્રધાનમંત્રીએ જી20ની અદ્‌ભૂત સફળતાનો શ્રેય લોકોને આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “આ 140 કરોડ ભારતીયોની સફળતા છે.” તેમણે જણાવ્યું હતું કે, વિવિધ શહેરોમાં આયોજિત કાર્યક્રમોમાં ભારતની વિવિધતા અને ક્ષમતાઓ પ્રદર્શિત થઇ હતી તથા મુલાકાતીઓને ખૂબ પ્રભાવિત કર્યા. તેમણે ખજુરાહો, ઇન્દોર અને ભોપાલમાં જી-20 કાર્યક્રમોની અસરનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, તેનાથી દુનિયાની નજરમાં મધ્ય પ્રદેશની ઇમેજમાં વધારો થયો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એક તરફ નવું ભારત દુનિયાને એકતાંતણે બાંધવામાં અને વિશ્વમિત્ર તરીકે ઊભરી આવવામાં પોતાની કુશળતા પ્રદર્શિત કરી રહ્યું છે, તો બીજી તરફ કેટલીક સંસ્થાઓ એવી છે, જે રાષ્ટ્ર અને સમાજને વિભાજિત કરવા માટે મંડી પડી છે. પ્રધાનમંત્રીએ તાજેતરમાં રચાયેલાં ગઠબંધનનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, તેમની નીતિઓ ભારતીય મૂલ્યો પર આક્રમણ કરવા સુધી જ મર્યાદિત છે તથા એક અને સૌને એકતાંતણે બાંધવાનું કામ કરતી હજારો વર્ષ જૂની વિચારધારા, સિદ્ધાંતો અને પરંપરાઓનો નાશ કરવા સુધી જ મર્યાદિત છે. નવગઠિત ગઠબંધન સનાતનનો અંત લાવવા ઇચ્છે છે એ બાબત તરફ ધ્યાન દોરતા પ્રધાનમંત્રીએ દેવી અહલ્યાબાઈ હોલકરનો ઉલ્લેખ કર્યો હતો, જેમણે પોતાનાં સામાજિક કાર્યો દ્વારા દેશની આસ્થાનું રક્ષણ કર્યું હતું, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો ઉલ્લેખ કર્યો હતો, જેમણે અંગ્રેજોને પડકાર્યા હતા, મહાત્મા ગાંધી, જેમની અસ્પૃશ્યતા ચળવળ ભગવાન શ્રી રામથી પ્રેરિત હતી, સ્વામી વિવેકાનંદ, જેમણે લોકોને સમાજનાં વિવિધ દૂષણો વિશે જાગૃત કર્યા હતાઅને લોકમાન્ય તિલક જેમણે ભારત માતાની રક્ષાની પહેલ કરી અને ગણેશ પૂજાને આઝાદીની ચળવળ સાથે જોડી.

પ્રધાનમંત્રીએ સનાતનની શક્તિને આગળ વધારી, જેણે સ્વતંત્રતા સંગ્રામના યોદ્ધાઓને પ્રેરિત કર્યા હતા, જેમાં સંત રવિદાસ, માતા શબરી અને મહર્ષિ વાલ્મીકિનું પ્રતિબિંબ જોવા મળ્યું હતું. તેમણે એવા લોકો સામે ચેતવણી આપી હતી કે જેઓ ભારતને એક રાખતા સનાતનને તોડવા માગે છે અને લોકોને આવી વૃત્તિઓ સામે જાગૃત રહેવાની ચેતવણી આપી છે. 

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર દેશ પ્રત્યેની નિષ્ઠા અને લોકસેવા માટે સમર્પિત છે. તેમણે કહ્યું કે વંચિતોને પ્રાથમિકતા એ આ સંવેદનશીલ સરકારનો મૂળભૂત મંત્ર છે. પ્રધાનમંત્રીએ મહામારી દરમિયાન મદદનાં જનહિતનાં પગલાં, 80 કરોડ લોકોને વિનામૂલ્યે રાશન આપવા વિશે પણ વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “અમારો સતત પ્રયાસ છે કે મધ્ય પ્રદેશ વિકાસની નવી ઊંચાઈઓ પર પહોંચે, મધ્ય પ્રદેશમાં દરેક પરિવારનું જીવન સરળ બને અને દરેક ઘર સમૃદ્ધિ લાવે. મોદીની ગૅરંટીનો ટ્રેક રેકોર્ડ તમારી સામે છે”. તેમણે ગરીબો માટે રાજ્યમાં આશરે 40 લાખ પાકાં મકાનો અને શૌચાલય, મફત તબીબી સારવાર, બૅન્ક ખાતાઓ અને ધુમાડારહિત રસોડાની ગૅરંટીઓ પૂર્ણ કરવા વિશેની માહિતી આપી હતી. તેમણે રક્ષાબંધનના પર્વ પર ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “આને કારણે ઉજ્જવલાની લાભાર્થી બહેનોને હવે રૂ. 400 સસ્તામાં સિલિન્ડર મળી રહ્યું છે.” આથી ગઈકાલે કેન્દ્ર સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો હતો. હવે દેશમાં વધુ 75 લાખ બહેનોને મફત ગેસ કનેક્શન આપવામાં આવશે. અમારો ઉદ્દેશ એ છે કે કોઈ પણ બહેનને ગેસ કનેક્શનમાંથી બાકાત ન રાખવામાં આવે,” એમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર તેની દરેક ગૅરંટી પૂર્ણ કરવા સંપૂર્ણ નિષ્ઠા સાથે કામ કરી રહી છે. તેમણે વચેટિયાને નાબૂદ કરવાનો ઉલ્લેખ કર્યો હતો, જેનાથી દરેક લાભાર્થીને સંપૂર્ણ લાભ સુનિશ્ચિત થયો હતો અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનું ઉદાહરણ આપ્યું હતું, જેમાં લાભાર્થી દરેક ખેડૂતને રૂ. 28,000 સીધા તેમનાં બૅન્ક ખાતામાં મળ્યાં છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, સરકારે આ યોજના પર રૂ. 2,60,000 કરોડથી વધારેનો ખર્ચ કર્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં 9 વર્ષમાં કેન્દ્ર સરકારે ખેડૂતોનો ખર્ચ ઘટાડવા અને સસ્તું ખાતર ઉપલબ્ધ કરાવવા પ્રયાસો કર્યા છે અને 9 વર્ષમાં રૂ. 10 લાખ કરોડથી વધુના ખર્ચની જાણકારી આપી હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે યુરિયાની એક થેલી જેની કિંમત અમેરિકન ખેડૂતો માટે ૩૦૦૦ રૂપિયા સુધીની છે તે ભારતીય ખેડૂતોને ૩૦૦ રૂપિયાથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેમણે ભૂતકાળના હજારો કરોડ રૂપિયાના યુરિયા કૌભાંડો તરફ ધ્યાન દોર્યું હતું અને ઉદ્‌ગાર કરતા કહ્યું હતું કે આ જ યુરિયા હવે દરેક જગ્યાએ સરળતાથી ઉપલબ્ધ છે.

પ્રધાનમંત્રીએ ડબલ એન્જિન ધરાવતી સરકાર દ્વારા બુંદેલખંડમાં સિંચાઈ યોજનાઓ પર થયેલી કામગીરી પર પ્રકાશ પાડતાં ઉદ્‌ઘોષ કર્યો કે, “બુંદેલખંડ કરતાં સિંચાઈનું મહત્ત્વ કોણ વધારે સારી રીતે જાણે છે.” પ્રધાનમંત્રીએ કેન-બેતવા લિન્ક કેનલનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, એનાથી બુંદેલખંડ સહિત આ વિસ્તારના ઘણાં જિલ્લાઓના ખેડૂતોને મોટો લાભ થશે. દરેક ઘરને પાઇપ દ્વારા પાણી પૂરું પાડવાના સરકારના પ્રયાસો પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ફક્ત 4 વર્ષમાં દેશભરમાં આશરે 10 કરોડ નવા પરિવારોને નળનું પાણી પહોંચાડવામાં આવ્યું છે, જ્યારે મધ્ય પ્રદેશમાં 65 લાખ પરિવારોને પાઇપ દ્વારા પાણી આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “બુંદેલખંડમાં અટલ ભૂગર્ભ જળ યોજના હેઠળ જળ સ્ત્રોતોનું સર્જન કરવા પર પણ મોટા પાયે કામ થઈ રહ્યું છે.”

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકાર આ વિસ્તારના વિકાસ માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, રાણી દુર્ગાવતીની 500મી જન્મજયંતિનો શુભ પ્રસંગ 5 ઑક્ટોબર, 2023ના રોજ ધામધૂમથી ઉજવવામાં આવશે.

સંબોધનનાં સમાપનમાં પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અમારી સરકારના પ્રયાસોથી ગરીબો, દલિતો, પછાત વર્ગો અને આદિવાસીઓને સૌથી વધુ લાભ થયો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “વંચિતોને પ્રાથમિકતા આપવાનું મૉડલ સબ કા સાથ સબકા વિકાસઆજે દુનિયાને માર્ગ ચીંધે છે.” શ્રી મોદીએ જણાવ્યું હતું કે, દેશ વિશ્વની ટોચની-3 અર્થવ્યવસ્થાઓમાંના એક બનવાના લક્ષ્યાંક તરફ કામ કરી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, “ભારતને ટોપ-3 બનાવવામાં મધ્ય પ્રદેશ મોટી ભૂમિકા ભજવશે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ખેડૂતો, ઉદ્યોગો અને યુવાનો માટે નવી તકો ઊભી કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આજની પરિયોજનાઓ રાજ્યના ઝડપી વિકાસને વધારે વેગ આપશે. શ્રી મોદીએ અંતમાં જણાવ્યું હતું કે, “આગામી 5 વર્ષ મધ્ય પ્રદેશના વિકાસને નવી ઊંચાઈઓ આપશે.”

આ પ્રસંગે મધ્ય પ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલ, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ, કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી હરદીપસિંહ પુરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

પશ્ચાદભૂમિકા

રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને મોટું પ્રોત્સાહન પૂરું પાડનારાં એક પગલાંના ભાગરૂપે પ્રધાનમંત્રીએ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)ની બીના રિફાઇનરી ખાતે પેટ્રોકેમિકલ કૉમ્પ્લેક્સનો શિલાન્યાસ કર્યો હતો. આશરે 49,000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારી આ અત્યાધુનિક રિફાઇનરીમાં ઇથિલિન અને પ્રોપિલિનના લગભગ 1200 કેટીપીએ (કિલો-ટન પ્રતિવર્ષ)નું ઉત્પાદન થશે, જે ટેક્સટાઇલ, પૅકેજિંગ, ફાર્મા જેવાં વિવિધ ક્ષેત્રો માટે મહત્વપૂર્ણ ઘટકો છે. આનાથી દેશની આયાત પર નિર્ભરતા ઓછી થશે અને પ્રધાનમંત્રીનાં આત્મનિર્ભર ભારતનાં વિઝનને પૂર્ણ કરવાની દિશામાં એક પગલું હશે. આ મેગા પ્રોજેક્ટથી રોજગારીની તકોનું સર્જન પણ થશે અને પેટ્રોલિયમ ક્ષેત્રમાં ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગોના વિકાસને વેગ મળશે.

આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ નર્મદાપુરમ જિલ્લામાં પાવર એન્ડ રિન્યુએબલ એનર્જી મૅન્યુફેક્ચરિંગ ઝોનનામની 10 પરિયોજનાઓ; ઇન્દોરમાં બે આઇટી પાર્ક; રતલામમાં મેગા ઇન્ડસ્ટ્રિયલ પાર્ક; અને સમગ્ર મધ્ય પ્રદેશમાં છ નવા ઔદ્યોગિક વિસ્તારોનો શિલાન્યાસ પણ કર્યો હતો.

પાવર એન્ડ રિન્યુએબલ એનર્જી મૅન્યુફેક્ચરિંગ ઝોન, નર્મદાપુરમને રૂ. 460 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવશે અને તે આ ક્ષેત્રમાં આર્થિક વિકાસ અને રોજગાર નિર્માણ તરફનું એક પગલું હશે. ઇન્દોરમાં આઇટી પાર્ક 3 અને 4નું નિર્માણ આશરે 550 કરોડનાં ખર્ચે થશે, જે આઇટી અને આઇટીઇએસ ક્ષેત્રને વેગ આપશે તથા યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી કરશે.

રતલામમાં મેગા ઇન્ડસ્ટ્રિયલ પાર્કનું નિર્માણ રૂ. 460 કરોડથી વધારેના ખર્ચે થશે અને તે ટેક્સટાઇલ, ઓટોમોબાઇલ્સ અને ફાર્માસ્યુટિકલ્સ જેવાં મહત્ત્વપૂર્ણ ક્ષેત્રો માટે મુખ્ય કેન્દ્ર બનવાની કલ્પના છે. આ પાર્ક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે સાથે સારી રીતે જોડાયેલો હશે. એનાથી સંપૂર્ણ વિસ્તારના આર્થિક વિકાસને મોટું પ્રોત્સાહન મળશે, જે યુવાનો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારીની તકોનું સર્જન કરશે.

રાજ્યમાં સંતુલિત પ્રાદેશિક વિકાસ અને સમાન રોજગારની તકોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શાજાપુર, ગુના, મૌગંજ, અગર માળવા, નર્મદાપુરમ અને મકસીમાં પણ છ નવા ઔદ્યોગિક વિસ્તારોનો વિકાસ કરવામાં આવશે, જેનો કુલ ખર્ચ આશરે રૂ. 310 કરોડ છે.

<

CB/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com