Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના સાગરમાં વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકર્પણ કર્યા

પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના સાગરમાં વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકર્પણ કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના સાગરમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો અને તૈયાર થઇ ગયેલી પરિયોજનાઓનું રાષ્ટ્ર લોકાર્પણ કર્યું હતું. આ પરિયોજનાઓમાં રૂ. 100 કરોડથી વધુના ખર્ચે નિર્માણ થનારા સંત શિરોમણી ગુરુદેવ શ્રી રવિદાસજી સ્મારકનો શિલાન્યાસ, રૂ. 1580 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવનારી બે માર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ અને 2475 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવેલા કોટા-બીના રેલ રૂટના ડબલિંગનું રાષ્ટ્રને લોકાર્પણ સામેલ છે.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે સંતોની હાજરી, સંત રવિદાસના આશીર્વાદ અને સમાજના વિવિધ વર્ગોમાંથી અહીં આવેલી વિશાળ જનમેદનીના કારણે સાગરની આ ભૂમિ પર કોઇપણ વ્યક્તિ સંવાદિતાના સાગર’ (સમુદ્ર)ના સાક્ષી બની શકે છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, રાષ્ટ્રની સહિયારી સમૃદ્ધિને આગળ વધારવા માટે આજે સંત શિરોમણી ગુરુદેવ શ્રી રવિદાસજી સ્મારકનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. સંતોના આશીર્વાદ સાથે, પ્રધાનમંત્રીએ આજે શરૂઆતમાં દિવ્ય સ્મારકના ભૂમિપૂજનમાં ભાગ લેવાનો અવસર મળ્યો તે યાદ કર્યું હતું અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, તેઓ થોડા વર્ષોમાં આ મંદિરનું કામ પૂર્ણ થયા પછી તેનું ઉદ્ઘાટન કરવા માટે આવશે. પ્રધાનમંત્રીએ વારાણસીના સંસદ સભ્ય તરીકે, અનેક પ્રસંગોએ સંત રવિદાસ જીના જન્મસ્થળની મુલાકાત લેવાની માહિતી આપી હતી અને આજે મધ્યપ્રદેશના સાગરથી પણ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ આગળ જણાવ્યું હતું કે, સંત શિરોમણી ગુરુદેવ શ્રી રવિદાસજી સ્મારકમાં ભવ્યતાની સાથે સાથે દિવ્યતા હશે, જે સંત રવિદાસજીના ઉપદેશથી વહેશે. તેમણે માહિતી આપી હતી કે, આ સ્મારક સમરસતાની ભાવનાથી ભરેલું છે કારણ કે તેમાં 20000થી વધુ ગામડાંઓની માટી અને 300 નદીઓના જળનો તેમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના પરિવારોએ સમરસ ભોજમાટે અનાજ મોકલ્યું છે અને સાગરમાં આજે પાંચ યાત્રાઓનું પણ સમાપન થયું છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “આ યાત્રાઓ સામાજિક સમરસતાના નવા યુગને અંકિત કરે છે”,. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે પ્રેરણા અને પ્રગતિ (પ્રેરણા અને પ્રગતિ) એકબીજા સાથે ભેગા થઇ જાય છે ત્યારે એક નવા યુગનો આરંભ થાય છે. તેમણે બે રોડ પ્રોજેક્ટ્સ અને કોટા-બીના રેલ રૂટના ડબલિંગની કામગીરી, આ પરિયોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે, આ વિકાસ પરિયોજનાઓ સાગર અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને વધુ સારી સુવિધા પૂરી પાડશે.

પ્રધાનમંત્રીએ અવલોકન કર્યું હતું કે, સંત રવિદાસજી સ્મારક અને સંગ્રહાલયનો શિલાન્યાસ એવા સમયે થઇ રહ્યો છે, જ્યારે દેશે તેની આઝાદીના 75 વર્ષ પૂરાં કર્યાં છે અને અમૃતકાળના આગામી 25 વર્ષ આપણી સમક્ષ છે. તેમણે આપણા ભૂતકાળમાંથી બોધપાઠ લઇને આ ભૂમિના વારસાને આગળ લઇ જવા પર ભાર મૂક્યો હતો. દેશ એક હજાર વર્ષની સફર પૂરી કરી છે તે વાતની નોંધ લેતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સમાજમાં દુષ્ટતાનો ઉદ્ભવ થવો એ એક કુદરતી ઘટના છે. તેમણે એ વાતને રેખાંકિત કરી હતી કે, ભારતીય સમાજની તે તાકાત છે કે, આવા દુષણોનો નાશ કરવા માટે આપણને રવિદાસજી જેવા સંત કે મહાત્મા સમય સમયે મળે છે. તેમણે માહિતી આપી હતી કે, સંત રવિદાસજીનો જન્મ એવા યુગમાં થયો હતો જ્યારે આ ભૂમિ પર મુઘલોનું શાસન ચાલતું હતું અને સમાજ અસંતુલન, જુલમ અને અત્યાચાર સામે ઝઝૂમી રહ્યો હતો. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, આવા સમયમાં સંત રવિદાસજી જ સમાજના દૂષણોને દૂર કરવા માટે સમાજમાં જાગૃતિ લાવતા હતા અને ઉપદેશ આપતા હતા. પ્રધાનમંત્રીએ આગળ વાત કરતા સંત રવિદાસજીને ટાંકીને કહ્યું હતું કે, એક તરફ લોકો જાતિ અને સંપ્રદાયનો સામનો કરી રહ્યા છે તો બીજી તરફ દુષ્ટતા ધીમે ધીમે માનવજાતને ક્ષીણ કરી રહી છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, સંત રવિદાસજી સમાજમાં પ્રવર્તી રહેલી કુપ્રથાઓ સામે અવાજ ઉઠાવી રહ્યા હતા અને રાષ્ટ્રના આત્માને પણ જાગૃત કરી રહ્યા હતા. મુઘલોના શાસન દરમિયાન સંત રવિદાસજીના શૌર્ય અને દેશભક્તિ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ તેમને ટાંકીને જણાવ્યું હતું કે, પરાધીનતા એ સૌથી મોટું પાપ છે અને જે લોકો તેને સ્વીકારી લે છે અને તેની સામે પોતાનું ચોક્કસ મત નથી ધરાવતા તેવા લોકો કોઇને પ્રિય નથી હોતા. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, એક રીતે સંત રવિદાસજીએ સમાજને અત્યાચાર સામે લડવા માટે શક્તિ પૂરી પાડી હતી અને છત્રપતિ શિવાજીએ તેનો ઉપયોગ હિંદવી સ્વરાજ્યનો પાયો નાખવા માટે પ્રેરણા તરીકે કર્યો હતો. તેમણે આગળ કહ્યું હતું કે, આ એ જ લાગણી છે જે ભારતની આઝાદીની લડત દરમિયાન લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓના દિલમાં વસી હતી. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “આજે, દેશ આઝાદીની એવી જ ભાવના સાથે અને ગુલામીની માનસિકતાને નકારીને આગળ વધી રહ્યો છે”.

સામાજિક સમાનતા અને તમામ લોકો માટે સુવિધાઓની ઉપલબ્ધતા અંગે સંત રવિદાસના વિચારોને ટાંકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અમૃતકાળમાં અમે દેશમાંથી ગરીબી અને ભૂખમરો નાબૂદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તેમણે મહામારી દરમિયાન ગરીબ અને વંચિત વર્ગને ભોજન આપવાના પોતાના સંકલ્પને યાદ કર્યો હતો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, હું ગરીબોની ભૂખ અને સ્વાભિમાનની પીડા જાણું છું. હું તમારા પરિવારનો જ એક સભ્ય છું અને તમારી પીડા સમજવા માટે મારે ક્યાંય પુસ્તકોમાં જોવાની જરૂર નથી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત 80 કરોડ કરતાં વધુ લોકો માટે મફત રેશન સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું, જે એક એવી સિદ્ધિ છે જેની વૈશ્વિક સ્તરે તેની પ્રશંસા થઇ રહી છે.

પ્રધાનમંત્રીએ દેશમાં ગરીબના કલ્યાણ માટે ચાલી રહેલી વિવિધ યોજનાઓ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, અગાઉના સમય કરતાં વિપરિત હવે દેશ જીવનના દરેક તબક્કે દલિતો, ગરીબો, આદિવાસીઓ અને મહિલાઓની પડખે ઉભો છે. જન્મ સમયે માતૃવંદના યોજના અને નવજાત બાળકોની રસીની સંપૂર્ણ સુરક્ષા માટે મિશન ઇન્દ્રધનુષ યોજના કે જેમાં 5.5 કરોડથી વધુ માતાઓ અને બાળકોને રસીકરણ કરવામાં આવ્યું છે. તેમણે માહિતી આપી હતી કે, 2025 સુધીમાં ભારતને ટીબીની બીમારીથી મુક્ત કરવાના અભિયાનની સાથે સાથે 7 કરોડ ભારતીયોને સિકલ સેલ એનિમિયાની બીમારીથી બચાવવાની ઝુંબેશ પણ ચાલી રહી છે. શ્રી મોદીએ કાલાઅઝર અને એન્સેફાલિટિસની ઘટતી ઘટનાઓની પણ નોંધ લીધી હતી. પ્રધાનમંત્રીએ આયુષ્માન કાર્ડ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, “લોકો કહે છે કે તેમને મોદી કાર્ડ મળ્યું છે. 5 લાખ રૂપિયા સુધીની સારવારની જરૂરિયાતો માટે, તમારો દીકરો (પ્રધાનમંત્રી) ત્યાં બેઠો છે.

જીવનમાં શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ આદિવાસી વિસ્તારોમાં પુસ્તકો અને શિષ્યવૃત્તિ તેમજ મજબૂત મધ્યાહન ભોજન વ્યવસ્થા સાથેની 700 એકલવ્ય શાળાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના, SC, ST અને OBC વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ, મુદ્રા લોન હેઠળ મોટી સંખ્યામાં SC, ST સમુદાયના સભ્યોને લોન આપવા જેવા સરકારે લીધેલા પગલાં પણ ગણાવ્યા હતા. તેમણે સ્ટેન્ડઅપ ઇન્ડિયા હેઠળ SC, ST યુવાનોને 8 હજાર કરોડની કરવામાં આવેલી કુલ આર્થક મદદ અને વીજળી, પાણી અને ગેસ કનેક્શન ધરાવતા પ્રધાનમંત્રી આવાસની સાથે સાથે 90 વન ઉત્પાદનોને MSP હેઠળ સમાવી લેવાના નિર્ણય વિશે પણ વાત કરી. તેમણે ઉમેર્યું હતું કે, “SC-ST સમાજના લોકો આજે પોતાના પગ પર ઉભા છે. તેઓ સમાનતા સાથે સમાજમાં યોગ્ય સ્થાન મેળવી રહ્યા છે”.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતીકે, “સાગર એક એવો જિલ્લો છે જેના નામમાં જ સાગર છે અને 400 એકરના લાખા વણજારા તળાવના કારણે પણ તેને ઓળખવામાં આવે છે”. તેમણે આ પ્રદેશ સાથે સંકળાયેલા લાખા વણજારાને પણ યાદ કરીને ઉલ્લેખ કર્યો કે તેઓ ઘણા વર્ષો પહેલાં જ પાણીનું મહત્વ સમજી ગયા હતા. ભૂતકાળની સરકારોએ ગરીબોને પીવાનું પાણી પૂરું પાડવામાં અસમર્થ રહી હતી તે અંગે પ્રધાનમંત્રીએ અફસોસ વ્યક્ત કર્યો હતો અને જલ જીવન મિશનનો ઉલ્લેખ કર્યો હતો જેના કારણે આજે આ કામ પૂરું કરવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, પાઇપથી પહોંચાડવામાં આવતું પાણી દલિત વસાહતો, પછાત વિસ્તારો અને આદિવાસી વિસ્તારોમાં પહોંચી રહ્યું છે. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, લાખા વણજારાની પરંપરાને આગળ વધારીને દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, “આ તળાવો આઝાદીની ભાવનાનું પ્રતિક બનશે, સામાજિક સમરસતાનું કેન્દ્ર બનશે”.

***

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર દેશના દલિતો, વંચિતો, પછાત અને આદિવાસીઓને યોગ્ય સન્માન આપી રહી છે અને તેમને નવી તકો પૂરી પાડી રહી છે. સમાજના આ વર્ગોમાંથી એક પછી એક એવી મહાન હસ્તીઓ ઉભરી આવી છે જેમણે રાષ્ટ્ર નિર્માણમાં અસાધારણ ભૂમિકા ભજવી છે એ વાત પર પ્રધાનમંત્રીએ પ્રકાશ પાડતા ટિપ્પણી કરી હતી કે, “આ સમાજના લોકો નબળા નથી, અને તેમનો ઇતિહાસ પણ નબળો નથી”.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આથી જ દેશ ગૌરવભેર તેમના વારસાને સાચવી રહ્યો છે. તેમણે બનારસમાં સંત રવિદાસજીના જન્મસ્થળ પર મંદિરના સૌંદર્યકરણ, ભોપાલના ગોવિંદપુરા ખાતે સંત રવિદાસજીના નામ પર બનાવવામાં આવી રહેલા વૈશ્વિક કૌશલ્ય પાર્ક, બાબા સાહેબના જીવન સાથે સંકળાયેલા મહત્વનાં સ્થળોનો પંચ-તીર્થ તરીકે વિકાસ તેમજ સંખ્યાબંધ રાજ્યોમાં આદિવાસી સમાજના ગૌરવવંતા ઇતિહાસને શાશ્વત બનાવવા માટે થઇ રહેલા સંગ્રહાલયોના નિર્માણ સહિતનાં વિવિધ ઉદાહરણોનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ એવી માહિતી પણ આપી હતી કે, દેશે હવે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું પણ શરૂ કર્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મધ્યપ્રદેશના હબીબગંજ રેલ્વે સ્ટેશનનું નામ ગોંડ સમુદાયના રાણી કમલાપતિના નામ પરથી રાખવામાં આવ્યું છે અને પાતાળપાણી સ્ટેશનનું નામ તાંત્યા મામાના નામ પરથી રાખવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનનું સમાપન કરતા ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશમાં પ્રથમ વખત દલિતો, પછાત અને આદિવાસી પરંપરાઓને યોગ્ય સન્માન મળી રહ્યું છે. તેમણે દેશને સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના આ સંકલ્પ સાથે આગળ વધવા માટે અનુરોધ કર્યો હતો અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, સંત રવિદાસજીના ઉપદેશો ભારતના નાગરિકોને તેમની યાત્રામાં જોડતા રહેશે.

આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઇ પટેલ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રીઓ શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને શ્રી વીરેન્દ્ર કુમાર, કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી પ્રહલાદ સિંહ પટેલ, સંસદ સભ્ય શ્રી વી. ડી. શર્મા અને મધ્યપ્રદેશ સરકારના મંત્રી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પૃષ્ઠભૂમિ

અગ્રણી સંતો અને સમાજ સુધારકોનું સન્માન કરવું એ પ્રધાનમંત્રી દ્વારા હાથ ધરવામાં આવતા કાર્યોની વિશેષ ઓળખ છે. તેમની દૂરંદેશી પ્રેરાઇને, સંત શિરોમણી ગુરુદેવ શ્રી રવિદાસજી સ્મારકનું 11.25 એકરથી વધુ ક્ષેત્રફળમાં રૂ. 100 કરોડથી વધુના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. આ ભવ્ય સ્મારકમાં સંત શિરોમણી ગુરુદેવ શ્રી રવિદાસજીના જીવન, તત્વજ્ઞાન અને ઉપદેશોને દર્શાવવા માટે પ્રભાવશાળી કળા સંગ્રહાલય અને ગેલેરી તૈયાર કરવામાં આવશે. તેમાં સ્મારકની મુલાકાત લેનારા ભક્તો માટે ભક્ત નિવાસ, ભોજનાલય વગેરે જેવી વિવિધ સુવિધાઓ પણ હશે.

પ્રધાનમંત્રીએ કોટા-બીના રેલ રૂટના પૂરા થયેલા ડબલિંગ કાર્યની પરિયોજનાનું રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું. અંદાજે રૂ. 2475 કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવેલી આ પરિયોજના રાજસ્થાનના કોટા અને બારન જિલ્લાઓ તેમજ મધ્યપ્રદેશના ગુણા, અશોકનગર અને સાગર જિલ્લામાંથી પસાર થાય છે. રેલવે લાઇનમાં થયેલા ઉમેરાના કારણે વધુ સારી ગતિશીલતા માટે ક્ષમતા વધશે અને આ રૂટ પર ટ્રેનની ઝડપ સુધારવામાં મદદ મળી રહેશે.

પ્રધાનમંત્રીએ 1580 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નિર્માણ થનારી બે માર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ પરિયોજનાઓમાં મોરીકોરી – વિદિશા – હિનોતિયાને જોડતો ચાર માર્ગીય રોડ પ્રોજેક્ટ અને હિનોતિયાને મેહલુવા સાથે જોડતા રોડ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

CB/GP/JD