Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભ્રષ્ટાચાર અને કાળું નાણું નિયંત્રણમાં લેવા ઐતિહાસિક જાહેરાત કરી; આજે મધરાતથી રૂ. 500 અને રૂ. 1000ની નોટો કાયદેસર ચલણ (લીગલ ટેન્ડર) નહીં ગણાય


ભ્રષ્ટાચાર, કાળું નાણું, મની લોન્ડરિંગ, આતંકવાદ અને આતંકવાદીઓને નાણું પૂરું પાડવા તેમજ બનાવટી નોટો સામેની લડાઈને મજબૂત કરનાર એક ઐતિહાસિક પગલું લઈને ભારત સરકારે જાહેરાત કરી છે કે, 8 નવેમ્બર, 2016ની મધરાતથી રૂ. 500 અને રૂ. 1000ની નોટો લીગલ ટેન્ડર (કાયદેસર ચલણ) તરીકે માન્ય નહીં રહે.

સરકારે આરબીઆઈના રૂ. 2,000ની નોટો બહાર પાડવાની ભલામણનો સ્વીકાર કર્યો છે અને અત્યારે ચલણમાં છે એ રૂ. 500ની નોટોનું સ્થાન નવી નોટો લેશે.

રૂ. 100, રૂ. 50, રૂ. 20, રૂ. 10, રૂ. 5, રૂ. 2 અને રૂ. 1ની નોટો લીગલ ટેન્ડર (કાયદેસર ચલણ) તરીકે જળવાઈ રહેશે અને તેને આજના નિર્ણયથી કોઈ અસર નહીં થાય.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 8મી નવેમ્બર, 2016ને મંગળવારે સાંજે ટેલીવિઝન પર રાષ્ટ્રજોગ સંબોધન દરમિયાન આ મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ નિર્ણયો ભારતના પ્રામાણિક અને મહેનતુ નાગરિકોના હિતોનું રક્ષણ કરશે તથા રાષ્ટ્રવિરોધી અને સમાજવિરોધી પરિબળોએ સંગ્રહ કરેલી 500 અને 1000 રૂપિયાની નોટો વ્યર્થ થઈ જશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે લીધેલા પગલાં ભ્રષ્ટાચાર, કાળું નાણું અને બનાવટી નોટો સામેની લડાઈમાં સામાન્ય નાગરિકોની ક્ષમતા વધારી છે.

આગામી દિવસોમાં સામાન્ય નાગરિકોની કેટલીક મુશ્કેલીઓ પડી શકે છે, જેનાથી સંપૂર્ણપણે વાકેફ પ્રધાનમંત્રીએ સંભવિત સમસ્યાઓના સમાધાનમાં મદદરૂપ થશે તેવા શ્રેણીબદ્ધ પગલાંની જાહેરાત કરી છે.

જે વ્યક્તિઓ પાસે રૂ. 500 અને રૂ. 1000ની જૂની નોટ હોય તેઓ 10મી નવેમ્બરથી 30 ડિસેમ્બર સુધી બેંક કે પોસ્ટ ઓફિસમાં આ નોટો જમા કરાવી શકશે તેવી જાહેરાત પ્રધાનમંત્રીએ કરી હતી. અતિ ટૂંકા ગાળા માટે એટીએમ અને બેંકોમાંથી મર્યાદિત રકમ ઉપાડી શકાશે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સરકારી હોસ્પિટલો, સરકારી હોસ્પિટલોમાં ફાર્મસીઓ (ડૉક્ટરની પ્રીસ્ક્રિપ્શન સાથે), રેલવે ટિકિટ્સ માટે બુકિંગ કાઉન્ટર્સ, સરકારી બસો, એરલાઇન ટિકિટ કાઉન્ટર્સ, સરકારી ઓઇલ કંપનીઓના પેટ્રોલ, ડિઝલ અને ગેસ સ્ટેશનો, રાજ્ય કે કેન્દ્ર સરકારના ગ્રાહક સહકારી સ્ટોર્સ, રાજ્ય સરકાર માન્ય દૂધના બૂથ અને સ્મશાન, કબ્રસ્તાનોમાં માનવતાના ધોરણે 500 અને 1000 રૂપિયાની નોટનો સ્વીકાર કરવામાં આવશે.

શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ, ડેબિટ કે કાર્ડ્સ તથા ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર દ્વારા કોઈ પણ પ્રકારની બિનરોકડ ચુકવણી પર પ્રતિબંધ નથી.

પ્રધાનમંત્રીએ તેમના સંબોધનમાં અર્થતંત્રમાં રોકડ નાણાંની હેરફેર કેવી રીતે મોંઘવારીને અસર કરે છે અને ભ્રષ્ટ માધ્યમો મારફતે રોકડ નાણાંનો ઉપયોગ કરવાના કારણે મોંઘવારી વકરે છે તેવી જાણકારી આપી હતી. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, તેનાથી ગરીબો અને નવમધ્યમ વર્ગના લોકોને નુકસાન થાય છે. તેમણે ઉદાહરણ ટાંકીને સમજાવ્યું હતું કે જ્યારે પ્રમાણિક નાગરિકો ઘર ખરીદે છે, ત્યારે તેમને કેવી સમસ્યાનો સામનો કરવો પડે છે.

કાળા નાણાંનું વિષચક્ર તોડવા અસરકારક કામગીરી અને પ્રતિબદ્ધતા

પ્રધાનમંત્રીએ અવારનવાર જણાવ્યું હતું કે, સરકાર દેશને કાળાં નાણાંના વિષચક્રમાંથી મુક્તિ અપાવવા પ્રતિબદ્ધ છે. છેલ્લાં અઢી વર્ષ દરમિયાન એનડીએ સરકારે તેમનું વચન પાલન કરવા વિવિધ પગલાં લઈને ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે.

પ્રધાનમંત્રી સંચાલિત એનડીએ સરકારએ સૌપ્રથમ મહત્ત્તવપૂર્ણ નિર્ણય કાળાં નાણાં પર એસઆઇટીની રચના કરવાનો હતો.

વર્ષ 2015માં વિદેશી બેંક ખાતાઓની જાહેરાત પર કાયદો પસાર થયો હતો. ઓગસ્ટ, 2016માં બેનામી વ્યવહારોને અંકુશમાં લેવા કડક નિયમો લાદવામાં આવ્યાં હતાં. આ જ ગાળા દરમિયાન કાળું નાણું જાહેર કરવાની યોજના રજૂ કરી હતી.

આ પ્રયાસોના સારાં પરિણામો મળ્યાં છે. છેલ્લાં અઢી વર્ષમાં રૂ. 1.25 લાખ કરોડનું કાળું નાણું જાહેર થયું છે.

વૈશ્વિક મંચ પર કાળા નાણાંનો મુદ્દો ઉઠાવવો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક મંચ પર અવારનવાર કાળાં નાણાંનો મુદ્દો ઉઠાવ્યો છે, જેમાં મહત્ત્વપૂર્ણ વિવિધ બહુરાષ્ટ્રીય સંમેલનો અને વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો સામેલ છે.

છેલ્લાં અઢી વર્ષમાં વિક્રમ વૃદ્ધિ

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકારના પ્રયાસોથી ભારત વૈશ્વિક અર્થતંત્રમાં એક ઉજ્જવળ અને આશાસ્પદ રાષ્ટ્ર બન્યું છે. ભારત રોકાણ માટે પસંદગીનું સ્થળ બન્યું છે અને સાથે સાથે વેપારવાણિજ્ય કરવામાં સરળતા ધરાવતો દેશ બન્યો છે. અગ્રણી ધિરાણ સંસ્થાઓ ભારતની આર્થિક વૃદ્ધિ વિશે પણ આશાવાદ વ્યક્ત કર્યો છે.

આ સાથે ‘મેક ઇન ઇન્ડિયા’, ‘સ્ટાર્ટ અપ ઇન્ડિયા’ અને ‘સ્ટેન્ડ અપ ઇન્ડિયા’ના કારણે ભારતીય ઉદ્યોગસાહસિકતા અને નવીનતાને બળ મળશે, જે ભારતમાં ઉદ્યોગસાહસિકતા, નવીનતા અને સંશોધનને વેગ આપવાનો ઇરાદો ધરાવે છે.

પ્રધાનમંત્રીની આ ઐતિહાસિક જાહેરાત કેન્દ્ર સરકારના કાળા નાણાંને નિયંત્રણમાં લાવવાના પ્રયાસોને બળ આપશે.

J.Khunt/TR