પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડ્રક ન્યામરુપ શોગપાનાં પ્રમુખ ડૉ. લોતાય ત્શેરિંગ સાથે આજે ટેલિફોન પર વાત કરી હતી. પ્રધાનમંત્રીએ ભૂતાનમાં ત્રીજી સામાન્ય ચૂંટણીમાં ડૉ. લોતાય ત્શેરિંગનાં પક્ષનાં વિજય અને રાષ્ટ્રીય મહાસભામાં તેમનાં વિજય બદલ અભિનંદન આપ્યાં હતાં. પ્રધાનમંત્રી મોદીએ સાધારણ ચૂંટણીઓ સફળતાપૂર્વક હાથ ધરવાનાં પગલાંને આવકાર્યું હતું, જે ભૂતાનમાં લોકશાહીને મજબૂત કરવા માટે મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન છે.
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, ભૂતાન સાથે મૈત્રીપૂર્ણ અને સહકારનાં વિશિષ્ટ સંબંધોને વધારે ગાઢ બનાવવાનાં મુદ્દાને ભારત સૌથી વધુ પ્રાથમિકતા આપે છે, જે સહિયારા હિતો અને મૂલ્યો, સૌથી વધુ વિશ્વાસ, શુભેચ્છા અને પારસ્પરિક સમજણ પર આધારિત છે.
બંને દેશો વચ્ચેનાં રાજદ્વારી સંબંધોની હાલ ચાલી રહેલી સુવર્ણજયંતિની ઉજવણીને યાદ કરીને પ્રધાનમંત્રી મોદીએ ભૂતાનમાં સામાજિક-આર્થિક પરિવર્તન માટેનાં રાષ્ટ્રીય પ્રયાસોમાં નવી સરકારી સાથે કામ કરવા ભારતની કટિબદ્ધતાને પુનઃ વ્યક્ત કરી હતી, જે ભૂતાનનાં લોકો અને સરકારની પ્રાથમિકતાઓ અને હિતો પર આધારિત છે. પ્રધાનમંત્રી મોદીએ ડૉ. લોતાય ત્શેરિંગને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.
ડૉ. લોતાય ત્શેરિંગે પ્રધાનમંત્રી મોદીનો શુભેચ્છા પાઠવવા બદલ આભાર માન્યો હતો અને શક્ય તેટલી વહેલી તકે ભારતની મુલાકાત લેવાનું આમંત્રણ સ્વીકાર્યું હતું. બંને નેતાઓ ભૂતાન અને ભારતનાં લોકોનાં લાભ માટે દ્વિપક્ષીય સહકારનાં વિશિષ્ટ અને બહુપરિમાણિય પાસાંઓને આગળ વધારીને બંને દેશો વચ્ચેનાં સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જવા સંમત થયા હતાં.
****