પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત અને ચીન વચ્ચેના સરહદી વિસ્તારોમાં ઉભી થયેલી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. વિવિધ રાજકીય પક્ષોના અધ્યક્ષોએ આ બેઠકમાં ભાગ લીધો હતો.
સશસ્ત્ર દળોની બહાદુરી
આજે પ્રધાનમંત્રીએ ખાસ ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આપણે સૌ આપણા દેશની સરહદોનું રક્ષણ કરવા માટે અને આપણા સૈનિકોની સાથે એકજૂથ થઇને ઉભા છીએ અને તેમની હિંમત તેમજ બહાદુરમાં સૌને સંપૂર્ણ વિશ્વાસ છે. તેમણે ઉમેર્યું હતું કે, આ સર્વપક્ષીય બેઠકના માધ્યમથી, તેઓ તમામ શહીદ જવાનોના પરિવારોને વિશ્વાસ અપાવવા માંગે છે કે, સમગ્ર દેશ અત્યારે તમારી પડખે ઉભો છે.
બેઠકની શરૂઆતમાં, પ્રધાનમંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે, આપણી સરહદોમાં કોઇ આવ્યું નથી કે કોઇએ આપણી એકપણ પોસ્ટ પર કબજો જમાવ્યો નથી. તેમણે કહ્યું હતું કે, આપણા વીસ બહાદુર જવાનોએ રાષ્ટ્ર માટે લદ્દાખમાં તેમનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે પરંતુ સાથે સાથે આપણી માતૃભૂમિ પર નજર કરવાની હિંમત કરનારાઓને બરાબરનો પાઠ પણ ભણાવ્યો છે. રાષ્ટ્ર આ જવાનોની બહાદુરી અને બલિદાનને હંમેશા યાદ રાખશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, LAC પર ચીને જે કૃત્ય કર્યું છે જેના કારણે સમગ્ર દેશ અત્યારે દુઃખી થયો છે અને ગુસ્સામાં છે. તમામ પક્ષોના નેતાઓને તેમણે ખાતરી આપી હતી કે, આપણા દેશની સુરક્ષા માટે આપણા સશસ્ત્ર દળો કોઇપણ પ્રકારે કસર છોડશે નહીં. વાત તૈનાતીની હોય, પગલાં લેવાની હોય કે પછી વળતો પ્રહાર કરવાની હોય, ભૂમિ, સમુદ્ર અથવા હવામાં, આપણા દળો આપણા દેશનું રક્ષણ કરવા માટે તમામ જરૂરી પગલાં લઇ રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણો દેશ અત્યારે એટલું સામર્થ્ય અને ક્ષમતા ધરાવે છે કે, કોઇપણ વ્યક્તિ આપણા દેશની એક ઇંચ જમીનમાં પણ આગળ આવવાની હિંમત કરી શકે તેમન નથી. તેમણે ઉમેર્યું હતું કે, આજે ભારતીય દળો તમામ ક્ષેત્રોમાં સાથે મળીને આગળ વધવા માટે સક્ષમ છે. એક તરફ, સૈન્યને તમામ જરૂરી પગલાં લેવા માટે સંપૂર્ણ છુટ આપવામાં આવી છે ત્યારે સાથે સાથે, ભારતે રાજદ્વારી માધ્યમોથી પોતાની સ્થિતિ અંગે ચીનને સ્પષ્ટ જણાવી દીધું છે.
સરહદી વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વૃદ્ધિ
પ્રધાનમંત્રીએ ખાસ ઉલ્લેખ કર્યો હતો કે, ભારત હંમેશા શાંતિ અને મૈત્રી ઇચ્છે છે પરંતુ આપણા સાર્વભૌમત્વની જાળવણી આપણા માટે સર્વોપરી છે. તેમણે એ વાત પર ખાસ પ્રકાશ પાડ્યો હતો કે, સરકારે સરહદી વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણને સૌથી વધુ પ્રાથમિકતા આપી છે જેથી આપણી સરહદો વધુ સુરક્ષિત થઇ શકે. ફાઇટર પ્લેન, અદ્યતન હેલિકોપ્ટર, મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ અને આપણા દળો માટે આવી અન્ય જરૂરિયાતો માટે પણ જોગવાઇ કરવામાં આવી છે. તાજેતરમાં જ વિકાસવવામાં આવેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માધ્યમથી, LAC પર પેટ્રોલિંગની ક્ષમતા વધારવામાં આવી છે તેમ કહેતા પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આ પ્રકારે આપણે LAC પર થઇ રહેલી હિલચાલથી વધુ માહિતગાર રહી શકીએ છીએ અને તેના કારણે વધુ બહેતર દેખરેખ રાખી શકીએ છીએ અને પ્રતિક્રિયા પણ આપવા માટે સમર્થ રહીએ છીએ. સરહદી વિસ્તારોમાં અગાઉ જે હિલચાલ કોઇપણ પ્રકારના અવરોધ વગર થઇ શકતી હતી તેના પર હવે આપણા જવાનો વધુ ચાંપતી નજર રાખી શકે છે, જેના કારણે આ તણાવની સ્થિતિ ઉભી થઇ છે. તેમણે નોંધ્યું હતું કે, બહેતર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મદદથી, દુર્ગમ વિસ્તારોમાં પણ આપણા જવાનો માટે આવશ્યક ચીજવસ્તુઓનો પૂરવઠો પહોંચાડવાનું અગાઉના સમયની સરખામણીએ ઘણું સરળ થઇ ગયું છે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, રાષ્ટ્ર અને તેના નાગરિકોના કલ્યાણ માટે સરકાર હંમેશા પ્રતિબદ્ધ છે અને કહ્યું હતું કે, વાત વેપારની હોય, કનેક્ટિવિટીની હોય કે પછી ત્રાસવાદ વિરોધી કામગીરીની હોય, સરકાર હંમેશા બાહ્ય દબાણોની સામે અડગ થઇને ઉભી છે. તેમણે ખાતરી આપી હતી કે, રાષ્ટ્રીય સુરક્ષા અને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે જે પણ પગલાં લેવા જરૂરી છે, તે તમામ પગલાં લેવાનું ઝડપી ગતિએ ચાલુ જ રાખવામાં આવશે. તેમણે રાજકીય પક્ષોના નેતાઓને ફરી ખાતરી આપી હતી કે, આપણા દેશની સરહદોનું રક્ષણ કરવા માટે સશસ્ત્ર દળો પૂરી ક્ષમતા ધરાવે છે અને કહ્યું હતું કે, તેમને જરૂરી તમામ પગલાં લેવા માટે સંપૂર્ણ છુટ આપવામાં આવી છે.
સંરક્ષણમંત્રી શ્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, શહીદોના બલિદાનને રાષ્ટ્ર ક્યારેય ભૂલી નહીં શકે. વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે સરહદી વ્યવસ્થાપન અંગે ભારત અને ચીન વચ્ચે થયેલા કરારો અંગે વિહંગાવલોકન આપ્યું હતું અને 1999માં મંત્રીમંડળ દ્વારા ઓળખવામાં આવેલા અને માન્યતા આપવામાં આવેલા પ્રાંતોના સરહદી વિસ્તારો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને સર્વાધિક પ્રાથમિકતા આપવા માટે 2014માં પ્રધાનમંત્રીએ જે સૂચનો આપ્યા હતા તે અંગે માહિતી આપી હતી. તેમણે તાજેતરમાં થયેલા વિકાસ અંગે પણ જાણકારી આપી હતી.
રાજકીય પક્ષોના નેતાઓએ પોતાના મંતવ્યો આપ્યા
લદ્દાખમાં સશસ્ત્ર દળોએ દર્શાવેલી હિંમત અને બહાદુરીની તમામ રાજકીય પક્ષોના નેતાઓએ પ્રશંસા કરી હતી. તેમણે જરૂરિયાતના આ સમયમાં પ્રધાનમંત્રીના નેતૃત્વમાં વિશ્વાસ દાખવ્યો હતો અને આ સ્થિતિમાં સૌ પક્ષો સરકારની પડખે એકજૂથ થઇને ઉભા હોવાની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે આ પરિસ્થિતિનો સામનો કરવા માટે પોતાના વિચારો અને મંતવ્યો પણ રજૂ કર્યા હતા.
સુશ્રી મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, તેનો પક્ષ સરકાર સાથે પ્રબળપણે એકજૂથ થઇને ઉભો છે. શ્રી નીતિશકુમારે કહ્યું હતું કે, આ સ્થિતિમાં નેતાઓ અને પક્ષો વચ્ચે કોઇપણ પ્રકારના મતભેદો ના હોવા જોઇએ અને કોઇપણ પ્રકારે આપણી એકતામાં એવું અંતર ના થવું જોઇએ જેનો લાભ બીજા દેશો ઉઠાવે. શ્રી ચિરાગ પાસવાને જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દેશ અત્યારે સુરક્ષિત હોવાનો અહેસાસ કરે છે. શ્રી ઉદ્ધવ ઠાકરેએ પ્રધાનમંત્રીની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, સમગ્ર દેશ અત્યારે પ્રધાનમંત્રીની સાથે એકજૂથ થઇને ઉભો છે.
શ્રીમતી સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, નેતાઓ હજુ પણ ગુપ્તચર વિભાગનો અહેવાલો અને અન્ય સંબંધિત બાબતો અંગે અંધારામાં છે અને તેના માટે સરકારને પ્રશ્નો કરી રહ્યા છે. શ્રી શરદ પવારે ભારપૂર્વક કહ્યું હતું કે, જવાનો પોતાની સાથે શસ્ત્રો લઇ જાય કે નહીં તે આંતરરાષ્ટ્રીય કરાર અનુસાર નક્કી કરવામાં આવે છે અને આવી બાબતોમાં સમાયેલી સંવેદનશીલતાને તમામ પક્ષોએ આદર આપવો જોઇએ. શ્રી કોન્રાડ સંગમાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી પૂર્વોત્તરના પ્રદેશોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે કામ કરી રહ્યા છે અને તે કાર્યો અવશ્ય આગળ વધવા જોઇએ. સુશ્રી માયાવતીએ જણાવ્યું હતું કે, આ સમય રાજનીતિનો નથી અને તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી દ્વારા કોઇપણ નિર્ણય લેવામાં આવે તેનો તેઓ દૃઢતાપૂર્વક સાથ આપે છે. તાજેતરમાં પ્રધાનમંત્રીએ આ મુદ્દે આપેલા નિવેદનને શ્રી એમ.કે. સ્ટાલિને આવકાર્યું હતું.
પ્રધાનમંત્રીએ આ બેઠકમાં ભાગ લેવા બદલ તેમજ પોતાના વિચારો અને મંતવ્યો રજૂ કરવા બદલ તમામ નેતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
GP/DS