Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ‘મૈત્રીસેતુ’નું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રીએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ‘મૈત્રીસેતુ’નું ઉદ્ઘાટન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સ દ્વારા ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મૈત્રીસેતુનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ત્રિપુરામાં માળખાગત સુવિધા સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું અને શિલાન્યાસ પણ કર્યો હતો. આ પ્રસંગે ત્રિપુરાના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યાં હતાં. સાથે જ આ પ્રસંગે બાંગ્લાદેશના પ્રધાનમંત્રીનો વીડિયો મેસેજ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો.

PM India

આ કાર્યક્રમને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ત્રિપુરા 30 વર્ષ અગાઉની સરકારો અને છેલ્લાં ત્રણ વર્ષની ડબલ એન્જિન સરકારની કામગીરી વચ્ચે સ્પષ્ટ ફરક અનુભવે છે. અગાઉના વર્ષોમાં ભ્રષ્ટાચાર અને કમિશનને સ્થાને હવે લાભાર્થીઓના બેંક ખાતાઓમાં સીધી સરકારી સહાયો જમા થાય છે. તેમણે એ બાબત પણ યાદ કરી હતી કે, અગાઉ સમયસર પગાર ન મેળવતા કર્મચારીઓને અત્યારે સાતમા પગાર પંચ મુજબ પગાર મળે છે. પહેલી વાર ત્રિપુરામાં લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) નક્કી થયા છે, જ્યાં ખેડૂતોને તેમના ઉત્પાદનનું વેચાણ કરવામાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હતો. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, રાજ્યમાં અગાઉ વારંવાર હડતાલ પડતી હતી, પણ હવે વેપારવાણિજ્યમાં સરળતાનું વાતાવરણ ઊભું થયું છે. અગાઉ ઉદ્યોગધંધો ઠપ થઈ ગયા હતા, પણ અત્યારે નવું રોકાણ આવવાથી ચિત્ર બદલાઈ રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, વોલ્યુમની દ્રષ્ટિએ ત્રિપુરામાંથી નિકાસમાં પાંચ ગણો વધારો થયો છે.

PM India

પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, છેલ્લાં છ વર્ષમાં કેન્દ્ર સરકારે ત્રિપુરાના વિકાસ માટે જરૂરી દરેક બાબતોને ધ્યાનમાં લીધી છે અને એ જરૂરિયાતો પૂર્ણ કરી છે. તેમણે કહ્યું હતું કે, રાજ્ય માટે કેન્દ્ર સરકારની ફાળવણીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જ્યારે ત્રિપુરાને વર્ષ 2009થી વર્ષ 2014 વચ્ચે કેન્દ્રીય વિકાસલક્ષી યોજનાઓ માટે રૂ. 3500 કરોડ મળ્યાં હતાં, ત્યારે વર્ષ 2014થી વર્ષ 2019 વચ્ચે રૂ. 12,000 કરોડથી વધારે ભંડોળ પ્રદાન કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રીએ ડબલ એન્જિન (કેન્દ્ર અને રાજ્યમાં એક જ પક્ષની સરકારો) સરકારોના ફાયદા વિશે પણ વાત કરી હતી. તેમણે ધ્યાન દોર્યું હતું કે, જે રાજ્યોમાં ડબલ એન્જિન સરકારો નથી, એ રાજ્યોમાં ગરીબો, ખેડૂતો અને મહિલાઓના સશક્તિકરણ માટેની વિવિધ યોજનાઓનો અમલમાં અતિ વિલંબ થઈ રહ્યો છે અને ધીમે ધીમે થઈ રહ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ડબલ એન્જિન સરકાર ત્રિપુરાને મજબૂત કરવા કામ કરે છે. તેમણે કહ્યું હતું કે, ડબલ એન્જિન સરકારે ત્રિપુરાને વીજળીની ખાધ ધરાવતા રાજ્યમાંથી વીજળીનો સરપ્લસ (પુરાંત) પુરવઠો ધરાવતું રાજ્ય બનાવી દીધું છે. તેમણે ડબલ એન્જિન સરકારથી રાજ્યમાં થયેલા અન્ય પરિવર્તનો વિશે જાણકારી આપી હતી, જેમ કે 2 લાખ ગ્રામીણ ઘરોને પાઇપ દ્વારા પીવાના પાણીનું જોડાણ આપવામાં આવ્યું છે, 2.5 લાખ નિઃશુલ્ક ગેસ જોડાણ આપવામાં આવ્યાં છે, ત્રિપુરામાં દરેક ગામને ખુલ્લામાં મળોત્સર્જનથી મુક્ત બનાવવામાં આવ્યું છે, ગર્ભવતી મહિલાઓને માતૃવંદના યોજનાના લાભ મળે છે, 40000 ગરીબ પરિવારોને તેમનું નવું ઘર મળ્યું છે વગેરે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં જોડાણ સાથે સંબંધિત માળખાગત સુવિધાઓમાં મોટા પાયે સુધારો થયો છે. તેમણે ત્રિપુરામાં એરપોર્ટ માટે ઝડપથી ચાલી રહેલી કામગીરી, ઇન્ટરનેટ માટે સી-લિન્ક, રેલવે લિન્ક અને જળમાર્ગોના ઉદાહરણો ટાંક્યા હતા. તેમણે HIRA વિકાસ એટલે કે ત્રિપુરા માટે હાઇવેઝ, આઇ-વેઝ, રેલવેઝ અને એરવેઝ વિશે વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મૈત્રીસેતુથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો મજબૂત થવાની સાથે આ સેતુ વેપારવાણિજ્ય માટે પણ ઉપયોગી જોડાણ પુરવાર થશે. તેમણે જાણકારી આપી હતી કે, આ સંપૂર્ણ વિસ્તારનો વિકાસ પૂર્વોત્તર ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વેપારી કોરિડોર તરીકે થઈ રહ્યો છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે, છેલ્લાં થોડાં વર્ષોમાં રેલવે અને જળમાર્ગ સાથે સંબંધિત જોડાણના વિવિધ પ્રોજેક્ટ શરૂ થયા છે અને આ સેતુ સાથે જોડાણ વધારે મજબૂત થયું છે. એનાથી બાંગ્લાદેશ અને દક્ષિણ-પૂર્વ એશિયા સાથે ત્રિપુરાની સાથે દક્ષિણ આસામ, મિઝોરમ અને મણિપુરનું જોડાણ પણ વધશે. શ્રી મોદીએ કહ્યું હતું કે, આ સેતુ બાંગ્લાદેશમાં આર્થિક તકને પણ વેગ આપશે. પ્રધાનમંત્રી બાંગ્લાદેશની સરકાર અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રીનો પુલનો આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં સાથસહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમની બાંગ્લાદેશની મુલાકાત દરમિયાન આ પુલનો શિલાન્યાસ થયો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, હવે લોકોને પૂર્વોત્તરને કોઈ પણ પ્રકારનો પુરવઠો પૂરો પાડવા માટે રોડ પર જ નિર્ભર રહેવું નહીં પડે. તેમણે ઉમેર્યુ હતું કે, બાંગ્લાદેશના ચિત્તાગોંગ બંદરને નદી મારફતે વૈકલ્પિક રુટ દ્વારા પૂર્વોત્તર ભારતના રાજ્યો સાથે જોડવા માટેના પ્રયાસો ચાલી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, સબ્રુમમાં આઇસીપી વેરહાઉસ અને કન્ટેઇનર ટ્રાન્સશિપમેન્ટ સુવિધાઓ સાથે પૂર્ણ કક્ષાના લોજિસ્ટિક કેન્દ્ર તરીકે કામ કરશે.

શ્રી મોદીએ કહ્યું હતું કે, ફેની નદી પર આ પુલને કારણે અગરતલા ભારતમાં આંતરરાષ્ટ્રીય સી પોર્ટનું સૌથી નજીકનું શહેર બની જશે. એનએચ-08 અને એનએચ-208ને પહોળા કરવા સાથે સંબંધિત પ્રોજેક્ટ પોર્ટ સાથે પૂર્વોત્તરનું જોડાણ મજબૂત કરશે. આ બંને માટે શિલાન્યાસ થઈ ગયો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજે કેટલાંક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન થયું છે, જે અગરતલાને શ્રેષ્ઠ શહેર બનાવવાના પ્રયાસોનો ભાગ છે. નવું સંકલિત કમાન્ડ સેન્ટર ટ્રાફિક સાથે સંબંધિત સમસ્યાઓ અને અપરાધ અટકાવવા માટે ટેકનિકલ મદદ પૂરી પાડશે. તેમણે ઉમેર્યું હતું કે, એ જ રીતે આજે મલ્ટિ લેવલ પાર્કિંગ, વાણિજ્યિક સંકુલ અને એરપોર્ટ સાથે જોડાતા અને પહોળો કરવામાં આવેલા રોડનું ઉદ્ઘાટન થયું છે, જેનાથી અગરતલામાં જીવનની ગુણવત્તા વધશે અને વેપારવાણિજ્યની સરળતા ઊભી થશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકારના પ્રયાસોને કારણે દાયકાઓ જૂની બ્રુ શરણાર્થીઓની સમસ્યાઓનું સમાધાન થઈ ગયું છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, રૂ. 600 કરોડનું પેકેજ બ્રુ જનજાતિ સમુદાયના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે.

પ્રધાનમંત્રીએ રાજ્યના સમૃદ્ધ વારસાની વાત પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, અગરતલા એરપોર્ટનું નામ બદલીને મહારાજ વીર વિક્રમ કિશોર માણિક્ય કરવામાં આવ્યું છે, જે ત્રિપુરાના વિકાસ માટે એમના વિઝન પ્રત્યે સન્માન છે. એ જ રીતે પ્રધાનમંત્રીએ ત્રિપુરાના સમૃદ્ધ સાંસ્કૃતિક અને સાહિત્યિક વારસામાં પ્રદાન કરનાર થાંગા દાર્લોંગ, સત્યરામ રીઆંગ અને બેનીચંદ્ર જમાતિયા જેવા મહાનુભાવને બિરદાવવાની તક મળવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી વન ધન યોજના અંતર્ગત વાંસ આધારિત સ્થાનિક કળાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, જેનાથી સ્થાનિક જનજાતિઓને નવી તકો મળી છે.

શ્રી મોદીએ ત્રિપુરાની સરકારને ત્રણ વર્ષનો શાસનકાળ પૂર્ણ કરવા બદલ અભિનંદન આપીને આશા વ્યક્ત કરી હતી કે, રાજ્ય સરકાર ત્રિપુરાની જનતાની સેવા કરતી રહેશે.

 

SD/GP/BT