Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પ્રયાગરાજની મુલાકાત લીધી અને લાખો મહિલાઓની હાજરીવાળા એક કાર્યક્રમમાં ભાગ લીધો

પ્રધાનમંત્રીએ પ્રયાગરાજની મુલાકાત લીધી અને લાખો મહિલાઓની હાજરીવાળા એક કાર્યક્રમમાં ભાગ લીધો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રયાગરાજની મુલાકાત લીધી હતી અને ખાસ કરીને પાયાના સ્તરે મહિલાઓના સશક્તીકરણ માટે યોજવામાં આવી રહેલા કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ સ્વ-સહાય સમૂહો (SHG)ના બેંક ખાતાઓમાં રૂપિયા 1000 કરોડ ટ્રાન્સફર કર્યા હતા. સ્વ-સહાય મહિલા સમૂહો લગભગ 16 લાખ મહિલા સભ્યોને લાભ આપી રહ્યા છે. દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) અંતર્ગત આ નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા જેમાં અંદાજે 80,000 SHGને પ્રત્યેક SHG દીઠ રૂ. 1.10 લાખ લેખે સામુદાયિક રોકાણ ભંડોળ (CIF) અને અંદાજે 60,000 SHGને પ્રત્યેક SHG દીઠ રૂ. 15,000 લેખે રિવોલ્વિંગ (ફરતા) ભંડોળ તરીકે પ્રાપ્ત થઇ રહ્યા છે. આ કાર્યક્રમમાં બિઝનેસ કોરસપોન્ડન્ટ્સ – સખીઓ (B.C. – સખીઓ)ને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું અને તેના ભાગરૂપે 20,000 B.C.- સખીઓના બેંક ખાતામાં પહેલા મહિનાના સ્ટાઇપેન્ડ તરીકે પ્રત્યેકને રૂ. 4000 ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રી કન્યા સુમંગલા યોજના હેઠળ 1 લાખ કરતાં વધારે લાભાર્થીઓને પણ કુલ રૂપિયા 20 કરોડથી કરતાં વધારે રકમ ટ્રાન્સફર કરી હતી. પ્રધાનમંત્રીએ 202 પૂરક પોષણ વિનિર્માણ એકમોનો શિલાન્યાસ પણ કર્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતા, પ્રધાનમંત્રીએ હિન્દી સાહિત્યના દિગ્ગજ એવા આચાર્ય મહાવીર પ્રસાદ દ્વિવેદીને તેમની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રયાગરાજ હજારો વર્ષોથી આપણી માતૃશક્તિના પ્રતીક એવી ગંગા-યમુના-સરસ્વતી નદીના સંગમની ભૂમિ છે. તેમણે ઉમેર્યું હતું કે, આજે આ તીર્થનગરી નારી-શક્તિના આવા અદ્ભુત સંગમની પણ સાક્ષી બની રહી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સમગ્ર દેશ ઉત્તરપ્રદેશમાં મહિલાઓના સશક્તીકરણ માટે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા કાર્યોનો સાક્ષી બની રહ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી કન્યા સુમંગલા યોજના કે જે અંતર્ગત આજે આ રાજ્યની એક લાખ કરતાં વધારે લાભાર્થી દીકરીઓના બેંક ખાતામાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, એવી વિવિધ યોજનાઓ ગ્રામીણ ગરીબ અને દીકરીઓના વિશ્વાસનું મહાન માધ્યમ બની રહી છે. 

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, ઉત્તરપ્રદેશમાં ડબલ એન્જિનની સરકાર દ્વારા અભૂતપૂર્વ રીતે મહિલાઓની સુરક્ષા, ગૌરવ અને આદર સુનિશ્ચિત કરવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશની મહિલાઓએ હવે નક્કી કરી લીધું છે કે તેઓ રાજ્યમાં અગાઉ હતા તેવા સંજોગો ફરી પાછા નહીં આવવા દે. પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, સરકારે બેટી બચાવો બેટી પઢાવો અભિયાનના માધ્યમથી લિંગની પસંદગીના આધારે ગર્ભપાતને રોકવા માટે સમાજની ચેતનાને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. આના કારણે સંખ્યાબંધ રાજ્યોમાં દીકરીઓની સંખ્યામાં વધારો નોંધાયો હોવાનું તેમણે કહ્યું હતું. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સરકાર સગર્ભા મહિલાઓ રસીકરણ, હોસ્પિટલોમાં ડિલિવરી તેમજ ગર્ભાવસ્થા દરમિયાન પોષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ, મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન તેમના બેંક ખાતામાં રૂપિયા 5000 જમા કરવામાં આવે છે, જેથી તેઓ પોતાના માટે યોગ્ય આહારનું ધ્યાન રાખી શકે.   

પ્રધાનમંત્રીએ મહિલાઓનું ગૌરવ વધારવા માટે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ પગલાં ગણાવ્યા હતા. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારત મિશન હેઠળ કરોડો શૌચાલયોનું નિર્માણ કરવાથી, ઉજ્જવલા યોજના હેઠળ ગેસના જોડાણની સુવિધા પૂરી પાડવાથી અને દરેક પરિવારો સુધી નળ દ્વારા પાણી પહોંચાડવાથી બહેનોના જીવનમાં નવી સગવડો ઉભી રહી છે. 

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, દાયકાઓથી, ઘર અને મિલકતો પર માત્ર પુરુષોનો અધિકાર માનવામાં આવતો હતો. તેમણે કહ્યું હતું કે, સરકારની યોજનાઓ આ અસમાનતાને દૂર કરી રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના આનું સૌથી મોટું દ્રષ્ટાંત છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મહિલાઓના નામે આપવામાં આવી રહેલા મકાનોને પ્રાથમિકતાના ધોરણે બાંધવામાં આવી રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રોજગારી માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે અને પરિવારની આવકમાં વધારો થઇ રહ્યો છે, મહિલાઓને સમાન ભાગીદાર બનાવવામાં આવી રહી છે. આજે, મુદ્રા યોજના ગામડાઓ અને ગરીબ પરિવારોમાંથી આવતી નવી મહિલા ઉદ્યોગ સાહસિકોને પણ પ્રોત્સાહન આપી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સમગ્ર દેશમાં દીનદયાળ અંત્યોદય યોજના દ્વારા મહિલાઓને સ્વ-સહાય સમૂહો અને ગ્રામીણ સંગઠનો સાથે સાંકળવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “હું સ્વ-સહાય સમૂહોની બહેનોને આત્મનિર્ભર ભારત અભિયાનની ચેમ્પિયન માનુ છુ. આ સ્વ-સહાય સમૂહો વાસ્તવમાં રાષ્ટ્રીય સહાય સમૂહો છે.”

પ્રધાનમંત્રીએ એવી ટિપ્પણી કરી હતી કે, ડબલ એન્જિનની સરકાર કોઇપણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર દીકરીઓનું ભવિષ્ય સશક્ત કરવા માટે અથાક કામ કરી રહી છે. તેમણે છોકરીઓના લગ્ન માટે લઘુતમ કાનૂની વય સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણય વિશેની માહિતી પણ આપી હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “અગાઉ, છોકરાઓ માટે લગ્નની લઘુતમ કાનૂની ઉંમર 21 વર્ષ હતી, પરંતુ છોકરીઓ માટે આ ઉંમર માત્ર 18 વર્ષ રાખવામાં આવી હતી. દીકરીઓ પણ ઇચ્છતી હતી કે તેમને ભણવા માટે સમય મળવો જોઇએ અને સમાન તકો મળવી જોઇએ. આથી દીકરીઓ માટે લગ્નની લઘુતમ કાનૂની ઉંમર 21 વર્ષ સુધી લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દીકરીઓના હિતાર્થે દેશ આ નિર્ણય લઈ રહ્યો છે.

પ્રધાનમંત્રીએ તાજેતરના વર્ષોમાં રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં આવેલા સુધારાનો સંદર્ભ ટાંક્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં માફિયા રાજ અને અંધેર વ્યવસ્થાની નાબૂદીનો સૌથી મોટો લાભ ઉત્તરપ્રદેશની બહેનો અને દીકરીઓને થયો છે. તેમણે પરિસ્થિતિને નિયંત્રણ હેઠળ લાવવા બદલ રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આજે, ઉત્તરપ્રદેશમાં સુરક્ષાની સાથે સાથે અધિકારો પણ મળે છે. આજે ઉત્તરપ્રદેશમાં સંભાવનાઓ તેમજ વ્યવસાય પણ છે. મને પૂરેપૂરો ભરોસો છે કે, આપણી માતાઓ અને બહેનોના આશીર્વાદથી કોઇપણ વ્યક્તિ આ નવા ઉત્તરપ્રદેશને અંધકારમાં ફરી ધકેલી શકે તેમ નથી.”

SD/GP/MR

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com