Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉદ્‌ઘાટન સમારંભને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉદ્‌ઘાટન સમારંભને સંબોધન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉદ્‌ઘાટન સમારંભને સંબોધન કર્યું હતું. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનું વૈશ્વિક વડું મથક એવાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ દ્વારા આયોજિત પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં એક વર્ષ સુધી ચાલનારી આ વિશ્વવ્યાપી ઉજવણીનું સમાપન થયું છે અને તે 15 ડિસેમ્બર 2022થી 15 જાન્યુઆરી 2023 સુધી અમદાવાદમાં યોજાઈ રહ્યો છે, જેમાં દૈનિક કાર્યક્રમો, વિષયલક્ષી પ્રદર્શનો અને વિચારપ્રેરક પૅવેલિયન્સ-મંડપોનો સમાવેશ થાય છે.

ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ પ્રમુખ સ્વામી મહારાજને બિરદાવીને અને આ યાદગાર પ્રસંગે સૌનું સ્વાગત કરીને સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે દિવ્યતાની ઉપસ્થિતિઅને સંકલ્પોની ભવ્યતા અને વારસા પ્રત્યેનાં ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આ પરિસરમાં ભારતના દરેક રંગને જોઈ શકાય છે.

પ્રધાનમંત્રીએ આ ભવ્ય સંમેલન આયોજિત કરવા માટે દરેક સંતનો તેમની કલ્પનાશક્તિને મહત્ત્વ આપવાનાં પ્રયાસો બદલ આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ ભવ્ય આયોજન દુનિયાને આકર્ષિત કરવાની સાથે આવનારી પેઢીઓને પણ પ્રેરિત કરશે અને અસર કરશે. તેમણે ઉમેર્યું હતું કે, “હું આ પ્રકારના કાર્યક્રમ વિશે વિચારવા બદલ અને આટલા મોટા પાયે આયોજન માટે સંતો અને ઋષિમુનિઓની પ્રશંસા કરવા ઇચ્છું છું.” પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને તેમના પિતા તુલ્ય ગણાવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ ચાલી રહેલા કાર્યક્રમ માટે લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા આવશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રએ પણ શતાબ્દી ઉજવણી કરી હતી, જે ભારતની આધ્યાત્મિક પરંપરા અને વિચારનાં શાશ્વત અને સાર્વત્રિક મહત્વને સાબિત કરે છે. વસુધૈવ કુટુમ્બકમ્‌ની ભાવના જેની સ્થાપના સ્વામી મહારાજ સહિત ભારતના મહાન સંતોએ કરી અને  જેમણે તેનો વધુ પ્રચાર કર્યો હતો તેને પ્રકાશિત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે વેદથી વિવેકાનંદ સુધીની સફર આજે આ શતાબ્દીની ઉજવણીમાં જોઈ શકાશે. તેમણે કહ્યું હતું કે, “અહીં ભારતની સમૃદ્ધ સંત પરંપરાઓનાં સાક્ષી બની શકે છે.” પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આપણી સંત પરંપરાઓ માત્ર સંસ્કૃતિ, પંથ, નીતિમત્તા અને વિચારધારાના પ્રચાર-પ્રસાર પૂરતી જ મર્યાદિત નથી, પણ ભારતના સંતોએ વસુધૈવ કુટુમ્બકમ્‌ની ભાવનાને સશક્ત બનાવીને વિશ્વને એકતાંતણે બાંધી દીધું છે.

પ્રધાનમંત્રીએ સ્વામીજી સાથેનાં તેમના જોડાણને યાદ કરતા કહ્યું હતું કે, “હું બાળપણથી જ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજજીના આદર્શો તરફ ખેંચાયેલો છું. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારાં જીવનમાં કોઈક વાર, મને તેમને મળવાનું થશે. તે કદાચ ૧૯૮૧માં હતું કે હું તેમને સત્સંગ દરમિયાન મળ્યો હતો. તેમણે માત્ર સેવાની જ વાત કરી હતી. દરેક શબ્દ મારાં હૃદય પર અંકિત થઈ ગયો. તેમનો સંદેશ ખૂબ જ સ્પષ્ટ હતો કે કોઈનાં જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય સેવા હોવું જોઈએ. “તેમણે સ્વામીજીની કૃપાની પણ નોંધ લીધી હતી, જેઓ તેમના સંદેશને પ્રાપ્તકર્તાની ક્ષમતા માટે તૈયાર કરતા હતા; પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આ તેમનાં વ્યક્તિત્વની વિશાળતા હતી. પ્રધાનમંત્રીએ આગળ કહ્યું, દરેક વ્યક્તિ તેમને એક આધ્યાત્મિક વ્યક્તિ તરીકે ઓળખે છે, પરંતુ તેઓ સાચા અર્થમાં સમાજ સુધારક પણ હતા.  પ્રધાનમંત્રીએ સ્વામીજીની આધુનિક તકોને સમજવાની અંત:પ્રજ્ઞા અને વ્યક્તિની સમસ્યાઓનું ધ્યાન રાખવા માટે તેની શક્તિ વિશે તેમના સાહજિક સંવાદની વાત પણ કરી હતી. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમણે સમાજનાં કલ્યાણ પર મુખ્ય ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજજી સુધારાવાદી હતા. તે વિશેષ હતા કારણ કે તેમણે દરેક વ્યક્તિમાં સારું જોયું અને તેમને આ શક્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રોત્સાહિત કર્યા. તેમના સંપર્કમાં આવેલા દરેક વ્યક્તિને તેમણે મદદ કરી. મોરબીમાં મચ્છુ ડેમ હોનારત દરમિયાન તેમના પ્રયાસોને હું ક્યારેય નહીં ભૂલી શકું,” એમ પ્રધાનમંત્રીએ કહ્યું. પ્રધાનમંત્રીએ જ્યારે પૂજ્ય સ્વામીજીને મળવા ગયા હતા, ત્યારે તેમનાં જીવનની ઘણી મહત્ત્વપૂર્ણ ઘટનાઓને યાદ કરી હતી.

૨૦૦૨માં પ્રધાનમંત્રી રાજકોટથી ઉમેદવાર હતા ત્યારે એ ભૂતકાળને વાગોળતા ચૂંટણી પ્રચાર દરમિયાન બે સંતો પાસેથી પેન મળી હતી તે યાદ કરતા તેમણે કહ્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજજીએ મને વિનંતી કરી હતી કે આ પેનનો ઉપયોગ કરીને ઉમેદવારી પત્ર પર સહી કરો. તેમણે કહ્યું હતું કે, “ત્યાંથી લઈને કાશીની ચૂંટણી સુધી આ પ્રથા ચાલુ રહી છે.” પિતા અને પુત્ર વચ્ચેના સંબંધની સરખામણી કરતાં પ્રધાનમંત્રીએ એ સમયને યાદ કર્યો હતો, જ્યારે તેઓ કચ્છમાં સ્વયંસેવક તરીકે કામ કરતા હતા, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે તેમના માટે ભોજનની વ્યવસ્થા કરી હતી. તેમણે એ પણ માહિતી આપી હતી કે પાછલાં ૪૦ વર્ષોમાં તેમને દર વર્ષે પૂજ્ય સ્વામીજી પાસેથી કુર્તા પાયજામાનું કાપડ અચૂક મળતું હતું. ભાવુક પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ આધ્યાત્મિક જોડાણ છે, પિતા-પુત્રનો સંબંધ છે. તેમણે કહ્યું કે તેમને ખાતરી છે કે પૂજ્ય સ્વામીજી દેશની સેવામાં તેમની દરેક ચાલ પર નજર રાખી રહ્યા છે.

પ્રમુખ સ્વામી મહારાજ સાથેના તેમના સંબંધો પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ યાદ કર્યું હતું કે, 1991માં ડૉ. એમ. એમ. જોશીનાં નેતૃત્વ હેઠળ એકતા યાત્રા દરમિયાન જમ્મુ પહોંચ્યા પછી તેમને ફોન કરનારા સ્વામી મહારાજજી પ્રથમ વ્યક્તિ હતા. તેમણે કહ્યું, “લાલ ચોકમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ જે ક્ષણે હું જમ્મુ પહોંચ્યો, તે જ ક્ષણે મને પહેલો ફોન પ્રમુખ સ્વામી મહારાજજીનો આવ્યો, તેમણે મારી તંદુરસ્તી વિશે પૂછ્યું.” પ્રધાનમંત્રીએ અક્ષરધામ મંદિર પર થયેલા આતંકવાદી હુમલાના કાળા સમયને પણ યાદ કર્યો હતો અને આવા તોફાની સમયમાં શાંતિ જાળવવા અંગે પ્રમુખ સ્વામી મહારાજ સાથેની તેમની વાતચીતને યાદ કરી હતી. પૂજ્ય સ્વામીજીની આંતરિક આધ્યાત્મિક શક્તિને કારણે જ આ સમતોલન શક્ય બની શક્યું.

યમુના કિનારે અક્ષરધામ બનાવવાની પ્રમુખ સ્વામી મહારાજની ઇચ્છા વિશે માહિતી આપતા પ્રધાનમંત્રીએ પ્રમુખ સ્વામી મહારાજના તત્કાલીન શિષ્ય એવા મહંત સ્વામી મહારાજના વિઝનને ઉજાગર કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, મહંત સ્વામી મહારાજને લોકો ગુરુ તરીકે જુએ છે, તેમ છતાં પ્રધાનમંત્રી પ્રમુખ સ્વામી મહારાજજી પ્રત્યે શિષ્ય તરીકે તેમની કટિબદ્ધતાથી વાકેફ છે.

“આ તેમની દ્રષ્ટિ અને સમર્પણનું પરિણામ છે કે અક્ષરધામ મંદિરનું નિર્માણ યમુના કિનારે કરવામાં આવ્યું હતું. દર વર્ષે અક્ષરધામ મંદિરની મુલાકાત લેનારા લાખો લોકો ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને તેની ભવ્યતા દ્વારા સમજવાનો પ્રયાસ કરે છે.” “વિશ્વના કોઈ પણ ખૂણામાં જાઓ, તમને પ્રમુખ સ્વામી મહારાજજીનાં વિઝનનું પરિણામ જોવા મળશે. તેમણે સુનિશ્ચિત કર્યું હતું કે, આપણાં મંદિરો આધુનિક છે અને તે આપણી પરંપરાઓને પ્રદર્શિત કરે છે. તેમના જેવા મહાન લોકો અને રામકૃષ્ણ મિશને સંત પરંપરાને ફરીથી વ્યાખ્યાયિત કરી. પૂજ્ય સ્વામીજીએ આધ્યાત્મિક ઉત્થાનથી આગળ વધીને સેવાની પરંપરા ઊભી કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી.” પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, સ્વામીજીએ એ બાબત સુનિશ્ચિત કરી હતી કે, સંત ત્યાગ ઉપરાંત સક્ષમ અને સારી રીતે જાણકાર પણ હોવા જોઈએ. સ્વામીજીએ સંપૂર્ણ આધ્યાત્મિક તાલીમ માટે એક સંસ્થાગત વ્યવસ્થાની સ્થાપના કરી હતી, ત્યારે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેનાથી આવનારી અનેક પેઢીઓ સુધી દેશને લાભ થશે. પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, “તેમણે ક્યારેય દેવ ભક્તિ‘ (ભગવાનની ઉપાસના) અને દેશ ભક્તિ‘, વચ્ચે ભેદ પાડ્યો નથી. જેઓ દેવ ભક્તિમાટે જીવે છે અને જેઓ દેશ ભક્તિમાટે જીવે છે તેઓ તેમના માટે સત્સંગીહતા. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આપણા સંતોએ સંકુચિત સંપ્રદાયોથી આગળ વધીને વસુધૈવ કુટુંબકમ્‌ની કલ્પનાને મજબૂત કરવા અને દુનિયાને એકતાંતણે બાંધવાનું કામ કર્યું છે.”

સંબોધનનાં સમાપનમાં પ્રધાનમંત્રીએ પોતાનાં અંતરાત્માની યાત્રા પર ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે, તેઓ હંમેશા આ પ્રકારની સંત અને ઉન્નત પરંપરાઓ સાથે જોડાયેલા રહ્યા છે. “આજની જેમ પ્રતિસ્પર્ધી અને બદલો લેનારી દુનિયામાં, હું એટલો ભાગ્યશાળી છું કે હું પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જેવા સંતોની આસપાસ રહ્યો છું, જેઓ સદ્‌ગુણી વાતાવરણ બનાવે છે. તે એક મહાન વડનાં ઝાડની છાયામાં બેઠેલી થાકેલી વ્યક્તિ જેવું હતું. રાજસીકે તામસિકનહીં, ‘સાત્વિકરહીને પણ આગળ વધવાનું ચાલુ રાખવું પડે છે, એમ પ્રધાનમંત્રીએ સમાપન કર્યું હતું. 

આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા.

 

 

પશ્ચાદભૂમિકા

પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક માર્ગદર્શક અને ગુરુ હતા જેમણે ભારત અને વિશ્વના અસંખ્ય જીવનને સ્પર્શ્યું હતું. એક મહાન આધ્યાત્મિક નેતા તરીકે તેમનો બહોળો આદર અને પ્રશંસા કરવામાં આવતી હતી. તેમનું જીવન આધ્યાત્મિકતા અને માનવતાની સેવા માટે સમર્પિત હતું. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વડા તરીકે, તેમણે અસંખ્ય સાંસ્કૃતિક, સામાજિક અને આધ્યાત્મિક પહેલને પ્રેરિત કરી, લાખો લોકોને દિલાસો અને સંભાળ પૂરી પાડી.

પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનાં જન્મ શતાબ્દી વર્ષમાં વિશ્વભરના લોકો તેમનાં જીવન અને કાર્યની ઉજવણી કરી રહ્યા છે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનું વૈશ્વિક વડું મથક એવાં શાહીબાગના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં એક વર્ષ સુધી ચાલનારી આ વિશ્વવ્યાપી ઉજવણીનું સમાપન થયું છે. અમદાવાદમાં 15 ડિસેમ્બર 2022થી 15 જાન્યુઆરી 2023 સુધી એક મહિના સુધી ચાલનારી આ ઉજવણીમાં દૈનિક કાર્યક્રમો, વિષયલક્ષી પ્રદર્શનો અને વિચારપ્રેરક મંડપો દર્શાવવામાં આવ્યા છે.

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની સ્થાપના ૧૯૦૭માં શાસ્ત્રીજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. વેદોના ઉપદેશોના આધારે અને વ્યવહારિક આધ્યાત્મિકતાના સ્તંભો પર આધારિત, બીએપીએસ આજના આધ્યાત્મિક, નૈતિક અને સામાજિક પડકારોને પહોંચી વળવા દૂર-દૂર સુધી પહોંચે છે. બીએપીએસનો ઉદ્દેશ શ્રદ્ધા, એકતા અને નિઃસ્વાર્થ સેવાનાં મૂલ્યોનું જતન કરવાનો છે અને જીવનનાં તમામ ક્ષેત્રના લોકોની આધ્યાત્મિક, સાંસ્કૃતિક, ભૌતિક અને ભાવનાત્મક જરૂરિયાતો પૂરી પાડવાનો છે. તે વૈશ્વિક પહોંચ પ્રયત્નો દ્વારા માનવતાવાદી પ્રવૃત્તિઓ કરે છે.

 

*****

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com