Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો

પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો

પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજનાના લાભાર્થીઓ અને જન ઔષધિ કેન્દ્રના માલિકો સાથે સંવાદ યોજ્યો હતો. કેન્દ્ર સરકારે જેનેરિક દવાઓના અંગે જાગૃતિ ફેલાવવા અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે 7મી માર્ચ, 2019ને સમગ્ર ભારતમાં ‘જનઔષધિ દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો હતો.

5000થી વધુ સ્થળો પર ફેલાયેલા લાભાર્થીઓ અને સ્ટોર માલિકો સાથે વાતચીત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ઊચ્ચ ગુણવત્તાયુક્ત દવાઓ ઓછી કિંમતે ઉપલબ્ધ બને તે બાબત સુનિશ્ચિત કરવા સરકારે બે મહત્ત્વપૂર્ણ પગલાં લીધા હતા. પ્રથમ, 850 આવશ્યક દવાઓની કિંમત નિયંત્રિત કરાઇ હતી અને હાર્ટ સ્ટેન્ટ અને ઘુંટણની સર્જરી માટેના સાધનોની કિંમતો ઘટાડવામાં આવી હતી. બીજુ, સમગ્ર દેશમાં શ્રેણીબદ્ધ જનઔષધિ કેન્દ્ર ખોલવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ પગલાંઓના કારણે માત્ર ગરીબોને જ નહીં પરંતુ મધ્યમ વર્ગના લોકોને પણ ખૂબ જ ફાયદો થયો હતો.

પ્રધાનમત્રીએ જણાયું હતું કે જન ઔષધિ કેન્દ્રો ખાતે દવાઓ બજાર કિંમત કરતા પચાસથી નેવુ ટકા ઓછી કિંમતે ઉપલબ્ધ છે. તેમણે ઉમેર્યુ હતુ કે છેલ્લા સાડા ચાર વર્ષમાં પાંચ હજારથી વધુ જનઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યાં છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ કેન્દ્રો માત્ર સારી ગુણવત્તાની દવાઓ જ પુરી પાડતા નથી પરંતુ સ્વરોજગારી પણ પુરી પાડે છે અને નવી રોજગારીની તકોનું સર્જન કરે છે.

આરોગ્ય ક્ષેત્રના સર્વગ્રાહી પરિવર્તનના ખ્યાલ અંગે જાણકારી આપતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સરકારનો અભિગમ માત્ર વાતો કરવાનો નહીં પરંતુ સમાધાન પુરું પાડવાનો છે. તેમણે જણાવ્યું હતું કે આરોગ્ય ક્ષેત્રે પરિવર્તન લાવવા માટે આ ક્ષેત્ર સાથે સંબંધિત તમામ હિતધારકો સાથે મળીને કામગીરી કરી રહ્યાં છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા સાડા ચાર વર્ષોમાં 15 નવી એઇમ્સ બાંધવામાં આવી છે અથવા બાંધવામાં આવી રહી છે અને તબીબી ક્ષેત્રમાં 31,000 MBBS અને અનુ-સ્નાતક બેઠકો વધારવામાં આવી છે.

પ્રધાનમંત્રી સાથે વાતચીત દરમિયાન લાભાર્થીઓએ જનઔષધિ કેન્દ્રો ખાતે ઉપલબ્ધ ઊચ્ચ ગુણવત્તાની દવાઓ પ્રત્યે ખુશી વ્યક્ત કરી હતી. લાભાર્થીઓએ જણાવ્યું હતું કે ઓછી કિંમતની દવાઓ યોગ્ય સારવારની સાથે સાથે તેમને પૈસા બચાવવામાં મદદ કરે છે.

J.Khunt