Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પીએમ ગતિ શક્તિનો આરંભ કર્યો

પ્રધાનમંત્રીએ પીએમ ગતિ શક્તિનો આરંભ કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી માટે રાષ્ટ્રીય માસ્ટર પ્લાન – પીએમ ગતિ શક્તિનો આરંભ કર્યો હતો. આ પ્રસંગે તેમણે પ્રગતિ મેદાનમાં નવનિર્મિત પ્રદર્શન પરિસંકુલનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરી, શ્રી પીયૂષ ગોયલ, શ્રી હરદીપ સિંહ પુરી, શ્રી સર્બાનંદ સોનોવાલ, શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને શ્રી અશ્વિની વૈષ્ણવ, શ્રી આર કે સિંહ તેમજ મુખ્યમંત્રીઓ, લેફ્ટનન્ટ ગવર્નરો, રાજ્ય મંત્રીઓ, પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્યોગજગત તરફથી, આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન શ્રી કુમાર મંગલમ બિરલા, ટ્રેક્ટર્સ એન્ડ ફાર્મ ઇક્વિપમેન્ટ્સના CMD શ્રીમતી મલિકા શ્રીનિવાસન, ટાટા સ્ટીલના CEO, MD અને CIIના પ્રમુખ શ્રી ટી.વી. નરેન્દ્રન અને રિવિગોના સહ-સ્થાપક શ્રી દીપક ગર્ગે આ પ્રસંગે પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આજે માતા શક્તિની પૂજાનો દિવસ એટલે કે અષ્ટમીનો પાવન અવસર છે અને કહ્યું હતું કે, આ શુભ પ્રસંગે, રાષ્ટ્રની પ્રગતિની ગતિને પણ નવી શક્તિ પ્રાપ્ત કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે આજે આગામી 25 વર્ષ માટેના ભારતની આધારશિલા નાંખવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પીએમ ગતિ શક્તિ માસ્ટરપ્લાન ભારતના વિશ્વાસને આત્મનિર્ભરતાના સંકલ્પ તરફ દોરી જશે. આ માસ્ટરપ્લાન 21મી સદીના ભારતને ગતિ (ગતિ શક્તિ) પ્રદાન કરશે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતની જનતા, ભારતના ઉદ્યોગો, ભારતના વ્યવસાય, ભારતના ઉત્પાદકો, ભારતના ખેડૂતોને ગતિ શક્તિના આ મહાન અભિયાનના કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે. તેઓ ભારતની વર્તમાન અને ભાવિ પેઢીઓને 21 મી સદીના ભારતનું નિર્માણ કરવા માટે નવી ઊર્જા પ્રદાન કરશે અને તેમના માર્ગમાં આવતા અવરોધોને દૂર કરશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વર્ષોથી, ‘કામ પ્રગતિમાં છે’ લખેલી નિશાની વિશ્વાસના અભાવનું પ્રતિક બની ગઇ છે. તેમણે કહ્યું હતું કે, પ્રગતિ માટે ઝડપ, તત્પરતા અને સહિયારા પ્રયાસોની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, આજે 21મી સદીનું ભારત જૂની પ્રણાલીઓ અને પ્રથાઓને પાછળ છોડી રહ્યું છે.

“આજનો મંત્ર છે –

‘પ્રગતિ માટે કામ’

પ્રગતિ માટે સમૃદ્ધિ.

પ્રગતિ માટે આયોજન.

પ્રગતિ માટે પ્રાધાન્યતા.

તેમણે ઉમેર્યું હતું કે, અમે સમયસર પરિયોજનાઓ પૂરું કરવાની કાર્ય સંસ્કૃતિ વિકસાવવા ઉપરાંત સમય પહેલાં પરિયોજનાઓ પૂરી થાય તેવા પણ પ્રયાસો કરી રહ્યાં છીએ.

પ્રધાનમંત્રીએ એ બાબતે વસવસો વ્યક્ત કર્યો હતો કે, આપણા દેશમાં મોટાભાગના રાજકીય પક્ષો માટે માળખાકીય સુવિધાઓનો વિષય પ્રાથમિકતા પર રહ્યો નથી. તેમના ચૂંટણી ઢંઢેરામાં પણ આ મુદ્દો જોવા મળતો નથી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, હવે એવી પરિસ્થિતિ આવી ગઇ છે કે, કેટલાક રાજકીય પક્ષોએ દેશ માટે જરૂરી માળખાકીય સુવિધાઓના બાંધકામની ટીકા કરવાનું શરૂ કરી દીધું છે. પ્રધાનમંત્રીએ ખાસ ધ્યાન દોર્યું હતું કે, દીર્ઘકાલિન વિકાસ માટે ગુણવત્તાપૂર્ણ માળખાકીય સુવિધાઓ કે જે સંખ્યાબંધ આર્થિક પ્રવૃત્તિઓનો ઉદય કરે છે અને મોટાપાયે રોજગારીનું સર્જન કરે છે તેનું નિર્માણ કરવું એ પુરવાર થયેલી રીત હોવાના તથ્યને વૈશ્વિક સ્તરે સ્વીકારવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મેક્રો આયોજન અને સુક્ષ્મ અમલીકરણ વચ્ચે સંકલનના વ્યાપક અંતરાયના કારણે આગોતરી માહિતીનો અભાવ, વિલંબમાં વિચારવાની અને કામ કરવાની શૈલીની સમસ્યા ઉભી થાય છે અને તેના કારણે બાંધકામમાં ખલેલ પડે છે તેમજ બજેટ વેડફાઇ જાય છે. તેમણે કહ્યું હતું કે, શક્તિનું બહુગુણન કે ઉન્નતિ થવાને બદલે તેનું વિભાજન થાય છે. પીએમ ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન આનો ઉકેલ લાવશે કારણ કે માસ્ટર પ્લાનના આધારે કામ કરવાથી સંસાધનોનો મહત્તમ ઉપયોગ થઇ શકશે.

તેમણે 2014માં જ્યારે પ્રધાનમંત્રી તરીકે સત્તાનું સુકાન સંભાળ્યું ત્યારે સેંકડો પરિયોજનાઓ ખોરંભે પડેલી અને અટવાયેલી હતી તે યાદ કરતા કહ્યું હતું કે, તે સમયે તમામ પરિયોજનાઓને એક પ્લેટફોર્મ પર લાવવામાં આવી હતી અને તેમણે તમામ અવરોધો દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો કે, હવે સંકલનના અભાવના કારણે થતા વિલંબને ટાળવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, હવે સંપૂર્ણ સરકારના અભિગમ સાથે, સરકારની સહિયારી શક્તિને યોજનાઓ પૂરી કરવા માટે પડકારવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, આના કારણે, દાયકાઓથી સંખ્યાબંધ અધુરી પડેલી પરિયોજનાઓ પૂરી થઇ રહી છે. પ્રધાનમત્રીએ ટિપ્પણી કરી હતી કે, પીએમ ગતિ શક્તિ માસ્ટપ્લાન સરકારની પ્રક્રિયાને અને તેના વિવિધ હિતધારકોને એકજૂથ કરવાની સાથે સાથે પરિવહનના વિવિધ માધ્યમોનું સંકલન કરવામાં પણ મદદરૂપ થાય છે. તેમણે કહ્યું હતું કે, “આ સર્વાંગી સુશાસનનું વિસ્તરણ છે.”

પ્રધાનમંત્રીએ ભારતમાં માળખાકીય સુવિધાઓના વિકાસને વધારે વેગવાન કરવા માટે લેવામાં આવેલા પગલાંઓની વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં 1987માં સૌથી પહેલી આંતરરાજ્ય કુદરતી ગેસ પાઇપલાઇન શરૂ કરવામાં આવી હતી. ત્યાર પછી, 2014 સુધી, એટલે કે 27 વર્ષના સમયગાળામાં, 15,000 કિમી લાંબી કુદરતી ગેસ પાઇપલાઇનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આજે, દેશભરમાં 16,000 કિલોમીટર કરતાં વધુ લાંબી ગેસ પાઇપલાઇન માટે કામ ચાલી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, આ કામ આગામી 5-6 વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, 2014થી પહેલાંના પાંચ વર્ષમાં ફક્ત 1900 કિમી રેલવે લાઇનોનું ડબલિંગનું કામ કરવામાં આવ્યું હતું. છેલ્લા 7 વર્ષમાં 9 હજાર કિલોમીટર કરતાં વધારે રેલવે લાઇનોનું ડબલિંગનું કામ પૂરું કરવામાં આવ્યું છે. શ્રી મોદીએ માહિતી આપી હતી કે, 2014 પહેલાંના 5 વર્ષમાં ફક્ત 3000 કિમી રેલવેનું વિદ્યુતિકરણ કરવામાં આવ્યું હતું. છેલ્લા 7 વર્ષમાં, 27,000 કિમી કરતાં વધારે લાંબા રેલવે ટ્રેકનું વિદ્યુતિકરણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ આ ઉપરાંત જણાવ્યું હતું કે, 2014 પહેલાં, મેટ્રો રેલવે માત્ર 250 કિમી જેટલા ટ્રેક પર દોડી રહી હતી. આજે મેટ્રો રેલનું વિસ્તરણ 700 કિમી સુધી કરવામાં આવ્યું છે અને 1000 કિમીના નવા રૂટ પર કામ ચાલી રહ્યું છે. 2014 પહેલાંના 5 વર્ષમાં, માત્ર 60 પંચાયતોને ઓપ્ટિકલ ફાઇબર દ્વારા જોડવામાં આવી હતી. છેલ્લા 7 વર્ષમાં, અમે 1.5 લાખ કરતાં વધારે ગ્રામ પંચાયતોને ઓપ્ટિકલ ફાઇબર દ્વારા જોડવાનું કામ કર્યું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશના ખેડૂતો અને માછીમારોની આવક વધારવા માટે પ્રસંસ્કરણ સંબંધિત માળખાગત સુવિધાનું પણ ઝડપથી વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. 2014 માં દેશમાં માત્ર 2 મેગા ફૂડ પાર્ક હતા. આજે દેશમાં 19 મેગા ફૂડ પાર્ક કાર્યરત છે. હવે તેમની સંખ્યા 40થી વધુ સુધી લઇ જવાનું સરકારનું લક્ષ્ય છે. 2014 માં માત્ર 5 જળમાર્ગ હતા, આજે ભારતમાં 13 જળમાર્ગો કાર્યાન્વિત છે. બંદરો પર જહાજોનો ટર્નઅરાઉન્ડ સમય 2014માં 41 કલાક હતો તેને ઘટીને 27 કલાક થઇ ગયો છે. તેમણે ઉમેર્યું હતું કે, એક રાષ્ટ્ર એક ગ્રીડનો દેશનો સંકલ્પ સાકાર થયો છે. 2014માં 3 લાખ સર્કિટ કિલોમીટરની સરખામણીમાં આજે ભારતમાં 4.25 લાખ સર્કિટ કિલોમીટર લાંબી પાવર ટ્રાન્સમિશન લાઇનો છે.

પ્રધાનમંત્રીએ એવી આશા વ્યક્ત કરી હતી કે, ગુણવત્તાપૂર્ણ માળખાકીય સુવિધાઓના વિકાસથી વ્યવસાયિક પાટનગર બનવાનું ભારતનું સપનું સાકાર થઇ શકે છે. તેમણે કહ્યું હતું કે, અમારા લક્ષ્યો વિશિષ્ટ પ્રકારના છે અને તેના માટે પ્રયાસો પણ વિશિષ્ટ પ્રકારના જ કરવા પડશે. આ લક્ષ્યોને સાકાર કરવા માટે, પીએમ ગતિ શક્તિ ખૂબ જ મદદરૂપ પરિબળ પુરવાર થશે. તેમણે ઉમેર્યું હતું કે, જેવી રીતે JAM (જન આધાર, આધાર, મોબાઇલ) ટ્રિનિટીએ સરકારી સુવિધાઓ લોકોને ઉપલબ્ધ કરાવવામાં ક્રાંતિકારી પરિવર્તન લાવી દીધું છે તેવી જ રીતે, પીએમ ગતિ શક્તિ પણ માળખાકીય સુવિધાઓના ક્ષેત્રમાં કામ કરશે.

SD/GP/JD

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad &nbs…