Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નીતિ આયોગ દ્વારા આયોજિત “ચેમ્પિયન્સ ઓફ ચેન્જ”માં યુવાન સીઇઓને સંબોધન કર્યું


પ્રધાનમંત્રીએ આજે પ્રવાસી ભારતીય કેન્દ્રમાં નીતિ આયોગ દ્વારા આયોજિત પહેલ “ચેમ્પિયન્સ ઓફ ચેન્જ – ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા થ્રૂ જી2બી પાર્ટનરશિપ”માં યુવાન સીઇઓ સાથે આદાનપ્રદાન કર્યું હતું. આજે આ શ્રેણીમાં પ્રધાનમંત્રીનું બીજું સંબોધન હતું. તેમણે ગયા અઠવાડિયે યુવાન ઉદ્યગસાહસિકોને પ્રથમ સંબોધન કર્યું હતું.

આ કાર્યક્રમમાં યુવાન સીઇઓના છ જૂથોએ પ્રધાનમંત્રી સમક્ષ મેક ઇન ઇન્ડિયા, ખેડૂતોની આવક બમણી કરવી, વૈશ્વિક કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ભવિષ્યના શહેરો, નાણાકીય ક્ષેત્રોમાં સુધારો અને વર્ષ 2022 સુધી ન્યૂ ઇન્ડિયા જેવી થીમ પર પ્રેઝન્ટેશન કર્યું હતું.

સીઇઓએ કરેલા પ્રેઝન્ટેશનમાં વ્યક્ત નવા વિચારો અને નવીનતાની પ્રશંસા કરીને પ્રધાનમંત્રીએ કિંમતી ઇનપુટ અને દેશના લાભ માટે વિચારવા ફાળવેલા સમય બદલ તેમનો આભાર માન્યો હતો.

તેમણે કહ્યું હતું કે, સરકારની નિર્ણય લેવા માટે મહત્વપૂર્ણ ટીમે પ્રેઝન્ટેશનમાં વ્યક્ત વિચારોને કાળજીપૂર્વક સાંભળ્યા હતા અને તેમના નીતિનિર્માણમાં લાભદાયક પુરવાર થશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, શાસનમાં જનભાગીદારી મહત્વપૂર્ણ પાસું છે. તેમણે કહ્યું હતું કે, જનભાગીદારીની જેમ સરકાર સાથે સીઇઓ પાર્ટનરશિપના આ પ્રયાસનો ઉદ્દેશ લોકો અને દેશના કલ્યાણ માટે તેમની ભાગીદારીને વધારવાનો છે.

ભારતની આઝાદીની લડતને યાદ કરીને તેમણે કહ્યું હતું કે, મહાત્મા ગાંધીએ તમામ ભારતીયોને સ્વતંત્રતાના સિપાહીઓ બનાવ્યા હતા અને છતા તેમણે પોતાનું કામ જાળવી રાખ્યું હતું. એટલે તેમને સ્વતંત્રતા સંગ્રામને જનઆંદોલન બનાવવામાં મદદ મળી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અત્યારે વિકાસ પણ જનઆંદોલન બનવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, જુસ્સો ઊભો થવો જોઈએ, જ્યાં અમે વર્ષ 2022 સુધીમાં ભારતમાં અમારા પ્રદાન માટે લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. પ્રધાનમંત્રીએ સીઇઓને જણાવ્યું હતું કે, તમે મારી ટીમ છો અને આપણે ભારતને પ્રગતિને પંથે અગ્રેસર કરવા ખભેખભો મિલાવીને કામ કરવાની જરૂર છે.

કૃષિમાં મૂલ્ય સંવર્ધનનું ઉદાહરણ આપીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ખેડૂતોની આવક બમણી કરવા જેવા ઇચ્છિત ઉદ્દેશો પાર પાડવા બહુપાંખીય અભિગમ આવશ્યક છે. ફૂડ પ્રોસેસિંગના મહત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, માળખાગત સુવિધાના અભાવે કૃષિ ક્ષેત્રમાં મોટા પાયે નુકસાન થાય છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે મૂળભૂત પરિવર્તન થાય એવા અનેક નિર્ણયો લીધા છે. તેમણે યુરિયાની ઉપલબ્ધતા અને ઉત્પાદન માટે નિર્ણયોનું ઉદાહરણ આપ્યું હતું. વળી તેમણે ગેસ પ્રાઇઝ પૂલિંગ, વધારાના ઉત્પાદન માટે વળતર વગેરે નિર્ણયોની વાત પણ કરી હતી. આ પ્રકારની પહેલોથી યુરિયાના ઉત્પાદનમાં 20 લાખ ટનનો વધારો થયો છે. તેમણે કહ્યું હતું કે, યુરિયાના નીમ-કોટિંગથી તેનું મોટા પાયે ડાઇવર્ઝન અટકી ગયું છે.

તેમણે કહ્યું હતું કે, સરકાર ભારતને લેસ-કેશ સોસાયટી બનાવવા ઇચ્છે છે. તેમણે આ સંબંધમાં ગતિ લાવવા સરકાર સાથે પાર્ટનર બનવા સીઇઓને જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, તહેવારો જેવા પ્રસંગો પર ખાદીની ભેટ ધરીને તેને પ્રોત્સાહન આપી શકાશે – અને તેનાથી ગરીબોને સારી એવી મદદ મળશે. તેમણે કહ્યું હતું કે, જીવનના દરેક ક્ષેત્રમાં ગરીબોને સાથે લેવા વાતાવરણ ઊભું કરવું જોઈએ.

પ્રધાનમંત્રીએ ગવર્મેન્ટ ઇ-માર્કેટપ્લેસ (જીઇએમ)નું ઉદાહરણ આપ્યું હતું અને નાના વેપારીઓએ સરકારને સપ્લાય કરવાની જોગવાઈમાં સફળતાપૂર્વક કેવી રીતે સ્પર્ધા કરી હતી એ દર્શાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધી જીઇએમ મારફતે રૂ. 1000 કરોડના વ્યવહારો થયા છે અને 28,000 સપ્લાયર્સે આ પ્લેટફોર્મ પર પ્રદાન કર્યું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીયોએ તેમના પોતાના દેશમાં ગર્વ લેવો જોઈએ. તેમણે કહ્યું હતું કે, દરેક વ્યક્તિએ ભારતની અંદર પ્રવાસન સ્થળોને પ્રોત્સાહન આપવાની પ્રકૃતિ વિકસાવવી જોઈએ.

“વેસ્ટ ટૂ વેલ્થ” ઉદ્યોસાહસિકોનું ઉદાહરણ આપીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ સ્વચ્છ ભારત અને સ્વચ્છ પર્યાવરણના ઉદ્દેશોને હાંસલ કરવામાં મદદ કરી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, ઉદ્યોગસાહસિકો અને વ્યવસાયનો ઉદ્દેશ એવા ઉત્પાદનો પ્રદાન કરવાનો હોવો જોઈએ, જે દેશમાં લોકોને સામનો કરવી પડતી સામાન્ય સમસ્યાઓનું સમાધાન કરે.

આ પ્રસંગે કેટલાંક કેન્દ્રીય મંત્રીઓ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

*****

TR