Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં પ્રગતિ મેદાન ખાતે ઇન્ટરનેશનલ એક્ઝિબિશન-કમ-કન્વેન્શન સેન્ટર (આઇઇસીસી) કૉમ્પ્લેક્સનું ઉદ્‌ઘાટન કર્યું

પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં પ્રગતિ મેદાન ખાતે ઇન્ટરનેશનલ એક્ઝિબિશન-કમ-કન્વેન્શન સેન્ટર (આઇઇસીસી) કૉમ્પ્લેક્સનું ઉદ્‌ઘાટન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં પ્રગતિ મેદાન ખાતે ઇન્ટરનેશનલ એક્ઝિબિશન-કમ-કન્વેન્શન સેન્ટર (આઇઇસીસી) કૉમ્પ્લેક્સનું ઉદ્‌ઘાટન કર્યું હતું. તેમણે જી-20ના સિક્કા અને જી-20 સ્ટેમ્પનું અનાવરણ પણ કર્યું હતું. પ્રધાનમંત્રી ડ્રોન મારફતે હાથ ધરવામાં આવેલાં કન્વેન્શન સેન્ટરનાં ભારત મંડપમ્‌તરીકેનાં નામકરણ સમારંભના પણ સાક્ષી બન્યા હતા અને આ પ્રસંગે પ્રદર્શિત કરવામાં આવેલા સાંસ્કૃતિક કાર્યક્રમને પણ તેમણે નિહાળ્યો હતો. પ્રધાનમંત્રીનાં વિઝનથી આશરે રૂ. 2700 કરોડના ખર્ચે રાષ્ટ્રીય પ્રોજેક્ટ તરીકે વિકસાવવામાં આવેલું, પ્રગતિ મેદાનમાં આ નવું આઇઇસીસી સંકુલ ભારતને વૈશ્વિક બિઝનેસ સ્થળ તરીકે પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થશે.

જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ તેમનાં ભાષણની શરૂઆત એક કવિતાથી કરી હતી, જે દેશના નવા ઉત્સાહ અને મિજાજને દર્શાવે છે. તેમણે કહ્યું હતું કે, “ભારત મંડપમ્‌ ભારતની ક્ષમતાઓ અને રાષ્ટ્રની નવી ઊર્જા માટેનું આહ્વાન છે, આ ભારતની ભવ્યતા અને ઇચ્છાશક્તિની ફિલોસોફી છે.”

પ્રધાનમંત્રીએ આજે સવારે શ્રમિકોને સન્માનિત કરવાની વાત યાદ કરી હતી અને કહ્યું હતું કે, તેમની મહેનત અને સમર્પણના સાક્ષી બનીને સમગ્ર દેશ પ્રભાવિત થયો છે. તેમણે ભારત મંડપમ્‌ માટે દિલ્હીની જનતાની સાથે-સાથે દરેક ભારતીયને અભિનંદન પાઠવ્યા હતા. કારગિલ વિજય દિવસના ઐતિહાસિક પ્રસંગની નોંધ લઈને પ્રધાનમંત્રીએ કારગિલ યુદ્ધ દરમિયાન સમગ્ર દેશ વતી ભારત માટે પોતાના પ્રાણનું બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ વિસ્તૃત પણે જણાવ્યું હતું કે, ‘ભારત મંડપમ્‌નામની પાછળ ભગવાન બસવેશ્વરનાં અનુભવ મંડપમ્‌ની પ્રેરણા રહેલી છે. તેમણે કહ્યું કે અનુભવ મંડપમ્‌ ચર્ચા અને અભિવ્યક્તિની પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે યાદ અપાવ્યું કે ભારતને લોકશાહીની જનની તરીકે સ્વીકારવામાં આવે છે. તેમણે આ સંદર્ભમાં ઘણાં ઐતિહાસિક અને પુરાતત્ત્વીય ઉદાહરણો ટાંક્યાં હતા. તેમણે ઉમેર્યું હતું કે, “આપણે આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યાં છીએ ત્યારે આ ભારત મંડપમ્‌ આપણે ભારતીયો દ્વારા આપણી લોકશાહી માટે એક સુંદર ભેટ છે.” તેમણે કહ્યું હતું કે, જ્યારે જી-20 શિખર સંમેલન થોડાં જ અઠવાડિયાઓમાં આ સ્થળ પર આયોજિત થશે, ત્યારે સમગ્ર વિશ્વ અહીંથી ભારતની હરણફાળ અને તેના વધતાં જતાં કદનું સાક્ષી બનશે.

દિલ્હીમાં વૈશ્વિક કક્ષાનાં કન્વેન્શન સેન્ટરની જરૂરિયાત પર વિસ્તૃત પણે જણાવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “21મી સદીમાં આપણે 21મી સદી માટે અનુકૂળ બાંધકામ કરવું પડશે.” પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત મંડપમ્‌ સમગ્ર વિશ્વનાં એક્ઝિબિટર્સ માટે અતિ લાભદાયક સાબિત થશે અને ભારતમાં કૉન્ફરન્સ ટૂરિઝમનું માધ્યમ બનશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભારત મંડપમ્‌ દેશનાં સ્ટાર્ટઅપની ક્ષમતાઓનું પ્રદર્શન કરવા, કલાકારો અને અભિનેતાઓના અભિનયના સાક્ષી બનવા અને હસ્તકલાના કારીગરોના પ્રયાસોને પ્રદર્શિત કરવા માટે એક મંચ તરીકે કામ કરશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ભારત મંડપમ્‌ આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ અભિયાનનું પ્રતિબિંબ બનશે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ કન્વેન્શન સેન્ટર અર્થતંત્રથી માંડીને ઇકોલોજી અને વેપારથી માંડીને ટેક્નૉલોજી સુધીનાં દરેક ક્ષેત્ર માટે એક મંચ તરીકે ઉભરી આવશે.

પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, ભારત મંડપમ્‌ જેવી માળખાગત સુવિધા દાયકાઓ અગાઉ વિકસાવવી જોઈતી હતી. તેમણે સ્થાપિત હિતોના વિરોધ છતાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું ચાલુ રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઈ પણ સમાજ ખંડિત રીતે કામ કરીને પ્રગતિ કરી શકતો નથી. તેમણે કહ્યું હતું કે, ભારત મંડપમ્‌ દૂરંદેશી સંપૂર્ણ કાર્યશૈલીનું ઉદાહરણ છે. તેમણે 160થી વધુ દેશો માટે ઇ-કૉન્ફરન્સ વિઝા સુવિધા જેવાં પગલાં વિશે માહિતી આપીને આ અંગે જાણકારી આપી હતી. દિલ્હી એરપોર્ટની ક્ષમતા 2014માં 5 કરોડથી વધીને આજે વાર્ષિક 7.5 કરોડ થઈ ગઈ છે. એકવાર જેવર એરપોર્ટ કાર્યરત થયા પછી આને વધુ મજબૂત બનાવવામાં આવશે. દિલ્હી એનસીઆરમાં હૉસ્પિટાલિટી ઉદ્યોગ પણ નોંધપાત્ર રીતે વિસ્તર્યો છે. આ બાબત કૉન્ફરન્સ ટૂરિઝમ માટે સંપૂર્ણ ઇકોસિસ્ટમ ઊભી કરવાનો આયોજિત અભિગમ સૂચવે છે, એમ તેમણે જણાવ્યું હતું.

છેલ્લાં થોડાં વર્ષોમાં નવી દિલ્હી પાટનગર શહેરમાં માળખાગત સુવિધાઓના વિકાસ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ સંસદનાં નવનિર્મિત નવઉદ્‌ઘાટિત ભવન વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે, એનાથી દરેક ભારતીયમાં ગર્વની લાગણી જન્મે છે. તેમણે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક, પોલીસ સ્મારક અને બાબા સાહેબ આંબેડકર સ્મારક જેવાં સ્મારકોનું ઉદાહરણ પણ આપ્યું હતું. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર કાર્યસંસ્કૃતિ અને કાર્યનાં વાતાવરણને બદલવાને પ્રોત્સાહન આપી રહી છે, ત્યારે કર્તવ્ય પથની આસપાસ ઑફિસની ઇમારતોનાં વિકાસનાં કાર્યો ઝડપથી ચાલી રહ્યાં છે. તેમણે પ્રધાનમંત્રી સંગ્રાહલયને પણ સ્પર્શ કર્યો હતો, જે ભારતે જોયેલા અત્યાર સુધીના દરેક પ્રધાનમંત્રીનાં જીવનની ઝાંખી કરાવે છે. તેમણે માહિતી આપી હતી કે, વિશ્વનું સૌથી મોટું સંગ્રહાલય યુગે યુગિન ભારતનો વિકાસ નવી દિલ્હીમાં ઝડપથી થઈ રહ્યો છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણે વિકસિત થવા માટે મોટું વિચારવું પડશે અને મોટાં લક્ષ્યાંકો હાંસલ કરવા પડશે.  આ જ કારણ છે કે, “ભારત થિંક બિગ, ડ્રીમ બિગ, એક્ટ બિગના સિદ્ધાંત સાથે આગળ વધી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “અમે વધુ મોટું, વધુ સારું અને વધુ ઝડપી નિર્માણ કરી રહ્યા છીએ.” તેમણે વિશ્વનો સૌથી મોટો સોલર-વિન્ડ પાર્ક, સૌથી ઊંચો રેલ બ્રિજ, સૌથી લાંબી ટનલ, સૌથી ઊંચો મોટરેબલ રોડ, સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા અને એશિયાના બીજા ક્રમના સૌથી મોટા રેલરોડ બ્રિજ વિશે વાત કરી હતી. તેમણે ગ્રીન હાઇડ્રોજનમાં હરણફાળનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “વર્તમાન સરકારના આ કાર્યકાળ અને અગાઉના કાર્યકાળના વિકાસના આધારસ્તંભોનો સંપૂર્ણ દેશ સાક્ષી છે.” તેમણે કહ્યું હતું કે, ભારતની વિકાસ યાત્રા હવે અટકાવી ન શકાય તેવી છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે વર્ષ 2014માં વર્તમાન સરકાર સત્તામાં આવી હતી, ત્યારે ભારત દુનિયામાં 10મા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર હતું, પણ અત્યારે ભારત દુનિયામાં પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે. ટ્રેક રેકોર્ડ મુજબ, પ્રધાનમંત્રીએ ખાતરી આપી હતી કે, ત્રીજી ટર્મમાં ભારતનું નામ વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં સામેલ થઈ જશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આ મોદીની ગૅરંટી છે.” પ્રધાનમંત્રીએ નાગરિકોને ખાતરી પણ આપી હતી કે, ત્રીજી ટર્મમાં ભારતની વિકાસયાત્રાની ગતિમાં અનેકગણો વધારો થશે અને નાગરિકો તેમનાં સ્વપ્નો સાકાર થતાં જોશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે ભારતમાં પુનઃનિર્માણની ક્રાંતિ જોવા મળી રહી છે, કારણ કે છેલ્લાં 9 વર્ષમાં માળખાગત સુવિધા ઊભી કરવા પાછળ રૂ. 34 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ વર્ષે પણ મૂડીગત ખર્ચ 10 લાખ કરોડ રાખવામાં આવ્યો છે, એમ તેમણે માહિતી આપી હતી. ભારત અભૂતપૂર્વ ગતિ અને વ્યાપ પર કામ કરી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લાં 9 વર્ષમાં 40,000 કિલોમીટરની રેલવે લાઇનનું ઇલેક્ટ્રિફિકેશન થયું છે, જે તે અગાઉનાં સાત દાયકામાં ફક્ત 20 હજાર હતું. વર્ષ 2014 અગાઉ દર મહિને 600 મીટરની મેટ્રો બિછાવાઇ હતી, આજે દર મહિને 6 કિલોમીટર લાંબી મેટ્રો લાઇન બિછાવાઇ રહી છે. અત્યારે દેશમાં 7.25 લાખ કિલોમીટર લાંબા ગ્રામીણ માર્ગો છે, જે વર્ષ 2014માં માત્ર 4 લાખ કિમી હતા. એરપોર્ટની સંખ્યા આશરે 70 થી વધીને 150 થઈ ગઈ છે. સિટી ગેસ વિતરણ પણ 2014માં માત્ર 60ની તુલનામાં 600 શહેરોમાં પહોંચ્યું છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “નવું ભારત આગળ વધી રહ્યું છે અને માર્ગમાં આવતા તમામ અવરોધોને પાર કરી રહ્યું છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર સમસ્યાઓનું કાયમી સમાધાન શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. પ્રધાનમંત્રી ગતિશક્તિ માસ્ટરપ્લાનનું ઉદાહરણ આપીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ યોજના સામાજિક માળખા માટે ગેમ-ચૅન્જર બની રહી છે. તેમણે કહ્યું હતું કે, તેમાં 1600થી વધારે સ્તરો ધરાવતાં ડેટા સામેલ છે અને તેનો ઉદ્દેશ દેશનો સમય અને નાણાં બચાવવાનો છે.

પ્રધાનમંત્રીએ 1930ના દાયકાના યુગ તરફ ધ્યાન દોર્યું હતું અને કહ્યું હતું કે, પાછલી સદીનો ત્રીજો દાયકો ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે મહત્ત્વપૂર્ણ રહ્યો છે, જ્યાં તેનું લક્ષ્ય સ્વરાજ હતું. એ જ રીતે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ચાલુ સદીનો ત્રીજો દાયકો ભારત માટે અતિ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આપણું લક્ષ્ય સમૃદ્ધ ભારત, ‘વિકસિત ભારતછે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ સ્વરાજની ચળવળનું પરિણામ હતું, જેનાથી ભારતને સ્વતંત્રતા મળી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “હવે આ ત્રીજા દાયકામાં આપણે આગામી 25 વર્ષ માટે વિકસિત ભારતનું લક્ષ્યાંક ધરાવીએ છીએ.” તેમણે નાગરિકોને દરેક સ્વાતંત્ર્ય સેનાનીનાં સ્વપ્નો સાકાર કરવા માટે ઉત્સાહિત કર્યા હતા. અનુભવથી બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ તેમની નજર સમક્ષ પ્રગટ થયેલી અનેક સિદ્ધિઓના સાક્ષી બન્યાં છે અને દેશની તાકાતથી વાકેફ છે. “ભારત એક વિકસિત દેશ બની શકે છે! ભારત ગરીબી નાબૂદ કરી શકે છે,” એમ પ્રધાનમંત્રીએ કહ્યું. નીતિ આયોગના એક અહેવાલને ટાંકીને પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, ભારતમાં માત્ર 5 વર્ષમાં 13.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. તેમણે આંતરરાષ્ટ્રીય એજન્સીઓ દ્વારા ઉલ્લેખ કર્યા મુજબ ભારતમાં અત્યંત ગરીબી દૂર થઈ રહી હોવાનો પુનરોચ્ચાર કર્યો હતો તથા છેલ્લાં 9 વર્ષમાં સરકારે લીધેલી નીતિઓ અને નિર્ણયોને શ્રેય આપ્યો હતો.

સ્વચ્છ ઇરાદાઓ અને યોગ્ય નીતિઓની જરૂરિયાત પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ જી-20ને ઉદાહરણ તરીકે ટાંક્યું હતું. તેમણે કહ્યું, “અમે જી-20ને માત્ર એક શહેર કે એક જ જગ્યાએ સીમિત નથી રાખ્યું. અમે જી-20ની બેઠકો દેશનાં 50થી વધુ શહેરોમાં લઈ ગયા હતા. અમે આનાં માધ્યમથી ભારતની વિવિધતાનું પ્રદર્શન કર્યું. અમે દુનિયાને બતાવી દીધું કે ભારતની સાંસ્કૃતિક શક્તિ શું છે, ભારતનો વારસો શું છે.” જી-20નાં પ્રમુખપદની રીત વિશે વધુ જણાવતાં પ્રધાનમંત્રીએ અંતમાં જણાવ્યું હતું કે, “જી-20 બેઠકો માટે ઘણાં શહેરોમાં નવી સુવિધાઓનું નિર્માણ થયું હતું અને જૂની સુવિધાઓનું આધુનિકીકરણ કરવામાં આવ્યું હતું. તેનાથી દેશ અને દેશની જનતાને ફાયદો થયો. આ સુશાસન છે. અમે નેશન ફર્સ્ટ, સિટીઝન ફર્સ્ટની ભાવનાને અનુસરીને ભારતને વિકસિત કરવા જઈ રહ્યા છીએ.”

આ પ્રસંગે કેન્દ્રીય વેપાર અને વાણિજ્ય મંત્રી શ્રી પિયુષ ગોયલ, અન્ય ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને સરકારના મંત્રીઓ તથા ઉદ્યોગના અગ્રણી નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.

 

પશ્ચાદભૂમિકા

દેશમાં બેઠકો, સમારંભો અને પ્રદર્શનોનું આયોજન કરવા માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનું માળખું ઊભું કરવાની પ્રધાનમંત્રીની પરિકલ્પનાને પગલે પ્રગતિ મેદાન ખાતે ઇન્ટરનેશનલ એક્ઝિબિશન-કમ-કન્વેન્શન સેન્ટર (આઇઇસીસી)ની કલ્પના થઈ છે. આ પ્રોજેક્ટ પ્રગતિ મેદાન ખાતે જૂની અને જુનવાણી સુવિધાઓને ફરીથી બનાવે છે અને આશરે રૂ. 2700 કરોડના ખર્ચે રાષ્ટ્રીય પ્રોજેક્ટ તરીકે વિકસિત કરવામાં આવ્યું છે. આશરે 123 એકરના સંકુલ વિસ્તાર સાથે આઇઇસીસી સંકુલને ભારતનાં સૌથી મોટાં એમઆઇસીઇ (મીટિંગ્સ, ઇન્સેન્ટિવ્સ, કૉન્ફરન્સ અને એક્ઝિબિશન) ડેસ્ટિનેશન તરીકે વિકસાવવામાં આવ્યું છે. ઇવેન્ટ્સ માટે ઉપલબ્ધ આવરી લેવાયેલી જગ્યાની દ્રષ્ટિએ, આઇઇસીસી સંકુલને વિશ્વના ટોચનાં પ્રદર્શન અને કન્વેન્શન કૉમ્પ્લેક્સમાં તેનું સ્થાન મળ્યું છે. પ્રગતિ મેદાન ખાતે નવા વિકસિત થયેલાં આઇઇસીસી સંકુલમાં કન્વેન્શન સેન્ટર, એક્ઝિબિશન હૉલ અને એમ્ફિથિયેટર વગેરે સહિતની વિવિધ અત્યાધુનિક સુવિધાઓ સામેલ છે.

આ કન્વેન્શન સેન્ટરને પ્રગતિ મેદાન સંકુલનાં કેન્દ્રબિંદુ તરીકે વિકસાવવામાં આવ્યું છે. તે એક ભવ્ય સ્થાપત્ય અજાયબી છે, જેને મોટા પાયે આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો, વેપાર મેળાઓ, સંમેલનો, પરિષદો અને અન્ય પ્રતિષ્ઠિત કાર્યક્રમોનું આયોજન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. તે બહુવિધ મીટિંગ રૂમ, લાઉન્જ, ઑડિટોરિયમ, એમ્ફિથિયેટર અને બિઝનેસ સેન્ટરથી સજ્જ છે, જે તેને વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવા સક્ષમ બનાવે છે. તેના જાજરમાન મલ્ટી પર્પઝ હૉલ અને પ્લેનરી હૉલની સંયુક્ત ક્ષમતા સાત હજાર લોકોની છે, જે ઓસ્ટ્રેલિયાના પ્રખ્યાત સિડની ઓપેરા હાઉસની બેઠક ક્ષમતા કરતા પણ વધારે છે. તેનું ભવ્ય એમ્ફિથિયેટર 3,000 વ્યક્તિઓની બેઠક ક્ષમતાથી સજ્જ છે.

આ કન્વેન્શન સેન્ટરની ઇમારતની આર્કિટેક્ચરલ ડિઝાઇન ભારતીય પરંપરાઓથી પ્રેરિત છે અને તે આધુનિક સુવિધાઓ અને જીવનશૈલીને સ્વીકારતી વખતે તેના ભૂતકાળમાં ભારતનો વિશ્વાસ અને પ્રતીતિને દર્શાવે છે. આ ઇમારતનો આકાર શંખમાંથી લેવામાં આવ્યો છે, અને કન્વેન્શન સેન્ટરની વિવિધ દિવાલો અને રવેશમાં ભારતની પરંપરાગત કળા અને સંસ્કૃતિનાં કેટલાંક તત્ત્વો દર્શાવવામાં આવ્યાં છે, જેમાં સૌર ઊર્જાનો ઉપયોગ કરવાના ભારતના પ્રયાસો પર પ્રકાશ પાડતા સૂર્ય શક્તિ‘, અંતરિક્ષમાં આપણી સિદ્ધિઓની ઉજવણી કરતું- ઝીરો ટુ ઇસરો‘, બ્રહ્માંડનાં નિર્માણ ઘટકો પંચ મહાભૂત – આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી વગેરે સામેલ છે. ઉપરાંત, દેશના વિવિધ પ્રદેશોમાંથી વિવિધ ચિત્રો અને આદિજાતિ કલા સ્વરૂપો કન્વેન્શન સેન્ટરને શણગારે છે.

કન્વેન્શન સેન્ટરમાં ઉપલબ્ધ અન્ય સુવિધાઓમાં 5G-સક્ષમ સંપૂર્ણપણે વાઇ-ફાઇ-કવર્ડ કૅમ્પસ, 10G ઇન્ટ્રાનેટ કનેક્ટિવિટી, 16 વિવિધ ભાષાઓને ટેકો આપવા માટે અત્યાધુનિક ટેક્નૉલોજીથી સજ્જ ઇન્ટરપ્રિટર રૂમ, વિશાળ કદની વીડિયો વોલ્સ સાથે અદ્યતન એવી સિસ્ટમ, મહત્તમ કાર્યક્ષમતા અને ઊર્જા કાર્યદક્ષતા સુનિશ્ચિત કરવા માટે બિલ્ડિંગ મેનેજમેન્ટ સિસ્ટમ, ડિમિંગ અને ઓક્યુપન્સી સેન્સર્સ સાથે લાઇટ મેનેજમેન્ટ સિસ્ટમ, અત્યાધુનિક ડીસીએન (ડેટા કમ્યુનિકેશન નેટવર્ક) સિસ્ટમઇન્ટિગ્રેટેડ સર્વેલન્સ સિસ્ટમ અને ઊર્જા-કાર્યક્ષમ સેન્ટ્રલાઇઝ્ડ એર કન્ડિશનિંગ સિસ્ટમ.

વધુમાં, આઇઇસીસી સંકુલમાં સાત એક્ઝિબિશન હૉલ છે અને તે દરેક પ્રદર્શનો, વેપાર મેળાઓ અને વ્યવસાયિક કાર્યક્રમોનાં આયોજન માટે સદાઉપયોગી જગ્યા તરીકે સેવા આપે છે. પ્રદર્શન હૉલ વિવિધ પ્રકારના ઉદ્યોગોને સમાવવા અને વિશ્વભરનાં ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવા માટે બનાવવામાં આવ્યા છે. આ અત્યાધુનિક માળખાં આધુનિક ઇજનેરી અને સ્થાપત્ય કૌશલ્યનો પુરાવો છે.

આઇઇસીસીની બહારના વિસ્તારનો વિકાસ પણ વિચારપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યો છે જે મુખ્ય સંકુલની સુંદરતાને પૂરક બનાવે છે અને આ પ્રોજેક્ટમાં જે કાળજીપૂર્વકનું આયોજન અને વિકાસ થયો છે તેનું પ્રમાણ છે. શિલ્પો, સ્થાપનો અને ભીંતચિત્રો ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરે છે; મ્યુઝિકલ ફાઉન્ટેન્સ જાદુ અને ભવ્યતાનું તત્વ ઉમેરે છે; તળાવો, સરોવરો અને કૃત્રિમ પ્રવાહો જેવાં જળાશયો આ વિસ્તારની શાંતિ અને સૌંદર્યમાં વધારો કરે છે.

મુલાકાતીઓની સુવિધા એ આઇઇસીસીમાં પ્રાથમિકતા છે, જે 5,500 થી વધુ વાહન પાર્કિંગ સ્પેસની જોગવાઈમાં પ્રતિબિંબિત થાય છે. સિગ્નલ-મુક્ત રસ્તાઓ દ્વારા પ્રવેશની સરળતા એ સુનિશ્ચિત કરે છે કે મુલાકાતીઓ કોઈપણ મુશ્કેલી વિના સ્થળ પર પહોંચી શકે છે. ઉપરાંત, એકંદર ડિઝાઇન ઉપસ્થિતોની સુવિધા અને સગવડને પ્રાથમિકતા આપે છે, જે આઇઇસીસી સંકુલમાં અવિરત હિલચાલની સુવિધા આપે છે.

પ્રગતિ મેદાન ખાતે નવાં આઇઇસીસી સંકુલના વિકાસથી ભારતને વૈશ્વિક બિઝનેસ સ્થળ તરીકે પ્રોત્સાહન આપવામાં મદદ મળશે. તે વેપાર અને વાણિજ્યને વેગ આપવા માટે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, જે આર્થિક વૃદ્ધિ અને રોજગાર નિર્માણ તરફ દોરી જશે. તે નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ પર તેમનાં ઉત્પાદનો અને સેવાઓ પ્રદર્શિત કરવા માટે એક મંચ પ્રદાન કરીને તેમના વિકાસને ટેકો આપશે. તે જ્ઞાનનાં આદાન-પ્રદાનને પણ સુલભ બનાવશે તથા શ્રેષ્ઠ પદ્ધતિઓ, ટેક્નૉલોજીકલ પ્રગતિઓ અને ઔદ્યોગિક પ્રવાહોના પ્રસારને પ્રોત્સાહન આપશે. પ્રગતિ મેદાન ખાતે આઈઈસીસી ભારતની ભાવના સાથે આર્થિક અને ટેક્નૉલોજીકલ ઉત્કૃષ્ટતાના ભારતના પ્રયાસોનું પ્રતીક છે તથા તે નવા ભારતનાં નિર્માણ તરફનું એક પગલું છે.

YP/GP/JD