Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં રિપબ્લિક સમિટને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં રિપબ્લિક સમિટને સંબોધન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં તાજ પેલેસ ખાતેની હૉટલમાં રિપબ્લિક સમિટને સંબોધન કર્યું હતું.

ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ રિપબ્લિક શિખર સંમેલનમાં સામેલ થવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને સમગ્ર ટીમને આવતા મહિને 6 વર્ષ પૂર્ણ થવાં બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. ઇન્ડિયાઝ મોમેન્ટથીમ સાથે વર્ષ 2019માં રિપબ્લિક સમિટમાં તેમની સહભાગિતાને યાદ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે નાગરિકોએ સતત બીજી વખત પ્રચંડ બહુમતી અને સ્થિરતા સાથેની સરકાર ચૂંટી હતી, ત્યારે આ સમિટમાં જનતાના જનાદેશની પૃષ્ઠભૂમિ હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “દેશને સમજાયું છે કે ભારતની ક્ષણ હવે આવી ગઈ છે.” આ વર્ષની થીમ ટાઇમ ઑફ ટ્રાન્સફોર્મેશનપર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નાગરિકો હવે એ જમીન પર એ પરિવર્તનના સાક્ષી બની શકે છે, જેની કલ્પના 4 વર્ષ અગાઉ કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દેશની દિશા માપવાનું ધોરણ એ જ તેના વિકાસની ઝડપ છે. તેમણે કહ્યું હતું કે, ભારતીય અર્થતંત્રને 1 ટ્રિલિયનના આંક સુધી પહોંચતાં 60 વર્ષ લાગ્યાં હતાં અને આપણે વર્ષ 2014માં ખૂબ જ મુશ્કેલીથી 2 ટ્રિલિયન પર પહોંચ્યા એટલે કે 7 દાયકામાં 2 ટ્રિલિયનનું અર્થતંત્ર હાંસલ કર્યું હતું અને આજે માત્ર 9 વર્ષ પછી ભારત લગભગ સાડા ત્રણ ટ્રિલિયનનું અર્થતંત્ર બની ગયું છે. અને, ભારત છેલ્લાં 9 વર્ષમાં 10મા ક્રમથી કૂદીને 5મા ક્રમે પહોંચ્યું છે, તે પણ સદીમાં એક વખત આવતી મહામારી વચ્ચે, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે અન્ય અર્થતંત્રો સંઘર્ષ કરી રહ્યાં છે, ત્યારે ભારત ન માત્ર કટોકટીમાંથી બહાર આવ્યું છે, પણ ઝડપથી વિકસી પણ રહ્યું છે.

રાજકારણની અસરની ગતિશીલતા વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રથમ ક્રમની અસર એ કોઈ પણ નીતિનો પ્રથમ લક્ષ્યાંક હોય છે અને તે ખૂબ જ ટૂંકા ગાળામાં દેખાતી હોય છે. જો કે, દરેક નીતિની બીજી કે ત્રીજી અસર પણ હોય છે જે ઊંડી હોય છે પરંતુ દૃશ્યમાન થવામાં સમય લાગે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સ્વતંત્રતા પછી અપનાવવામાં આવેલી નીતિઓ એવી સ્થિતિ તરફ દોરી ગઈ હતી કે, જ્યાં સરકાર નિયંત્રક બની હતી અને સ્પર્ધા ખતમ કરી દેવાઇ હતી તથા ખાનગી ઉદ્યોગ અને એમએસએમઇને વધવા દેવામાં આવ્યા નહોતા. આ નીતિઓની પ્રથમ ક્રમની અસર અત્યંત પછાતપણાની હતી અને બીજા ક્રમની અસર વધુ હાનિકારક હતી એટલે કે વિશ્વની સરખામણીએ ભારતનો વપરાશનો વૃદ્ધિદર સંકોચાઈ ગયો હતો. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર નબળું પડ્યું અને આપણે રોકાણની ઘણી તકો ગુમાવી દીધી. આમાં ત્રીજા ક્રમની અસર, શ્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં નવીનતાની ઇકોસિસ્ટમની ગેરહાજરી હતી, જે ઓછા નવીન ઉદ્યોગો અને ઓછી રોજગારી તરફ દોરી ગઈ હતી. યુવાનો એકલા સરકારી નોકરી પર નિર્ભર રહ્યા અને બ્રેઇન ડ્રેઇન થયું.

પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, હાલની સરકારે વર્ષ 2014 પછી કરેલી નીતિઓમાં પ્રારંભિક લાભ ઉપરાંત બીજા અને ત્રીજા ક્રમની અસરો પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લોકોને સુપરત કરવામાં આવેલાં ઘરોની સંખ્યા છેલ્લાં 4 વર્ષમાં 1.5 કરોડથી વધીને 3.75 કરોડથી વધારે થઈ ગઈ છે, જ્યાં આ મકાનોની માલિકી મહિલાઓની છે. તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો કે, કરોડો ગરીબ મહિલાઓ હવે લખપતિ દીદીબની ગઈ છે, કારણ કે મકાનોનાં નિર્માણ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થયો છે. પ્રધાનમંત્રીએ એ હકીકત તરફ પણ ધ્યાન દોર્યું હતું કે, આ યોજનાએ રોજગારીની અસંખ્ય તકોનું સર્જન કર્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “પ્રધાનમંત્રી આવાસ યોજના ગરીબોના આત્મવિશ્વાસ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના આત્મવિશ્વાસને નવી ઊંચાઈએ લઈ ગઈ છે.”

સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગસાહસિકોને નાણાકીય સહાય પૂરી પાડતી મુદ્રા યોજના વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, આ યોજનાને થોડા સમય અગાઉ 8 વર્ષ પૂર્ણ થયાં છે. તેમણે માહિતી આપી હતી કે, મુદ્રા યોજના હેઠળ 40 કરોડથી વધારે લોનનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં 70 ટકા લાભાર્થીઓ મહિલાઓ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ યોજનાની પ્રથમ અસર રોજગારીમાં વધારો અને સ્વરોજગારીની તકોમાં વધારો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સામાજિક પરિવર્તન જોઈ શકાય છે, પછી તે મહિલાઓ માટે જનધન ખાતાઓ ખોલવાથી હોય કે પછી સ્વ-સહાય જૂથોને પ્રોત્સાહન આપવાનું હોય, જ્યાં કુટુંબમાં મહિલાઓની નિર્ણય લેવાની સત્તા સ્થાપિત થઈ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દેશની મહિલાઓ જૉબ ક્રિએટર્સ બનીને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરી રહી છે.  

પ્રધાનમંત્રીએ પીએમ સ્વમિત્વ યોજનામાં પ્રથમ, દ્વિતીય અને ત્રીજા ક્રમની અસર વિશે પણ વિસ્તૃત વર્ણન કર્યું હતું.  ટેક્નૉલોજીના ઉપયોગ દ્વારા બનાવવામાં આવેલા પ્રોપર્ટી કાર્ડ્સથી સંપત્તિની સુરક્ષામાં વિશ્વાસ મળ્યો. બીજી અસર એ છે કે વધતી માગ દ્વારા ડ્રોન ક્ષેત્રનું વિસ્તરણ. વળી, પ્રોપર્ટી કાર્ડથી પ્રોપર્ટી વિવાદના કેસોમાં ઘટાડો થયો છે અને પોલીસ અને ન્યાય પ્રણાલી પરનો તણાવ ઓછો થયો છે. તદુપરાંત, કાગળો સાથેની મિલકતને કારણે ગામડાંઓમાં બૅન્કોની મદદ શક્ય બની છે.

પ્રધાનમંત્રીએ ડીબીટી, વીજળી અને પાણીની સુવિધાઓ જેવી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો, જેણે જમીની સ્તરે ક્રાંતિ લાવી છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “દેશમાં પ્રથમ વખત એવું બન્યું છે કે ગરીબોને સુરક્ષાની સાથે-સાથે સન્માન પણ મળ્યું છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જે લોકો એક સમયે બોજ ગણાતાં હતાં, તેઓ હવે દેશમાં વિકાસના માર્ગે અગ્રેસર છે. તેમણે ઉમેર્યું હતું કે, “આ યોજનાઓ હવે વિકસિત ભારતનો આધાર બની ગઈ છે.”

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, છેલ્લાં 9 વર્ષમાં દલિતો, વંચિતો, આદિવાસીઓ, મહિલાઓ, ગરીબો, મધ્યમ વર્ગ દરેક વ્યક્તિ પરિવર્તનનો અનુભવ કરી રહી છે. દેશમાં મિશન મોડમાં વ્યવસ્થિત કામ જોવા મળી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “અમે સત્તાની માનસિકતાને બદલીને સેવાની માનસિકતા બનાવી છે, અમે ગરીબોનાં કલ્યાણને અમારું માધ્યમ બનાવ્યું છે. અમે તુષ્ટિકરણને બદલે સંતુષ્ટિકરણને અમારો આધાર બનાવ્યો. આ અભિગમથી મધ્યમ વર્ગ માટે સંરક્ષણ કવચ ઊભું થયું છે,“એમ તેમણે કહ્યું. તેમણે આયુષ્માન યોજના, પરવડે તેવી દવાઓ, નિઃશુલ્ક રસીકરણ, નિઃશુલ્ક ડાયાલિસિસ અને કરોડો પરિવારો માટે અકસ્માત વીમા જેવી યોજનાઓ દ્વારા થતી બચત વિશે વાત કરી હતી.   

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ મોટી વસતિ માટે વધુ એક રક્ષણાત્મક ઢાલ છે, જેણે કોરોના મહામારીના કસોટીના સમય દરમિયાન કોઈ પણ પરિવારને ખાલી પેટે સૂવા દીધો નહોતો. તેમણે માહિતી આપી હતી કે, સરકાર આ અન્ન યોજના પર 4 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે, પછી તે વન નેશન વન રાશન કાર્ડ હોય કે જેએએમ ત્રિમૂર્તિ પર હોય. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સાચા અર્થમાં સામાજિક ન્યાય ત્યારે થાય છે, જ્યારે ગરીબોને સરકાર તરફથી તેમનો લાયક હિસ્સો મળે છે. આઇએમએફના તાજેતરના એક વર્કિંગ પેપર અનુસાર, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કોરોના સમયગાળા દરમિયાન પણ આ પ્રકારની નીતિઓને કારણે અત્યંત ગરીબી નાબૂદ થવાના આરે છે.     

મનરેગા વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ વિવિધ ગેરરીતિઓ અને 2014 અગાઉ કોઈ કાયમી અસ્કયામતના વિકાસની ગેરહાજરીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, હવે સીધા જ ખાતામાં નાણાં મોકલીને ગામડાંઓમાં મકાનો, નહેરો, તળાવો, બાવડી જેવાં સંસાધનો ઊભાં કરીને પારદર્શકતા આવી છે. તેમણે જણાવ્યું હતું કે, “મોટાભાગની ચૂકવણીઓ હવે 15 દિવસમાં ક્લિયર થઈ જાય છે અને 90 ટકાથી વધુ શ્રમિકોના આધારકાર્ડને જોડવામાં આવ્યા છે, જેનાં પગલે જૉબ કાર્ડ કૌભાંડોમાં ઘટાડો થયો છે, જેનાં પગલે આશરે 40 હજાર કરોડ રૂપિયાની ચોરી અટકાવવામાં આવી છે,” એમ તેમણે કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “પરિવર્તનની આ સફર જેટલી સમકાલીન છે, તેટલી જ ભવિષ્યલક્ષી પણ છે,” એમ કહેતા તેમણે પ્રકાશ પાડ્યો કે, ઘણાં દાયકાઓથી તૈયારીઓ ચાલી રહી છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ એ સમયને યાદ કર્યો હતો, જ્યારે વર્ષો કે દાયકાઓ પછી નવી ટેક્નૉલોજીનો ઉપયોગ થતો હતો. તેમણે કહ્યું હતું કે, ભારતે છેલ્લાં 9 વર્ષમાં આ વલણને તોડયું છે અને તેમણે આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે હાથ ધરેલા પગલાંની રૂપરેખા આપી હતી. તેમણે ટેક્નૉલોજીને લગતાં ક્ષેત્રોને સરકારના નિયંત્રણમાંથી મુક્ત કરવા, દેશની જરૂરિયાતો અનુસાર ભારતમાં ટેક્નૉલોજી વિકસાવવાનો આગ્રહ રાખવાનો અને છેલ્લે ભવિષ્યની ટેક્નૉલોજી માટે સંશોધન અને વિકાસ માટે મિશન મોડનો અભિગમ અપનાવવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે 5G ટેક્નૉલોજીનું ઉદાહરણ આપતા કહ્યું કે, ભારતે તેના વિકાસમાં જે ઝડપ દર્શાવી છે તેની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઇ રહી છે.

પ્રધાનમંત્રીએ કોરોના મહામારીને યાદ કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતે કટોકટીના સમયે પણ આત્મનિર્ભરતાનો માર્ગ પસંદ કર્યો છે. પ્રધાનમંત્રીએ દેશમાં નિર્મિત અસરકારક રસીઓ પર પ્રકાશ પાડ્યો હતો, જેનું ઉત્પાદન ખૂબ જ ટૂંકા ગાળામાં થયું હતું અને વિશ્વનાં સૌથી મોટાં, સૌથી સફળ રસી અભિયાન પર પણ પ્રકાશ પાડ્યો. પ્રધાનમંત્રીએ તે સમય તરફ પાછું વળીને જોયું અને કહ્યું, “આ પણ તે સમયે જ્યારે કેટલાક લોકો મેડ ઇન ઇન્ડિયા રસીઓને નકારી રહ્યા હતા અને વિદેશી રસીઓની આયાતની હિમાયત કરી રહ્યા હતા.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વિવિધ અવરોધો અને તેને પાટા પરથી ઉતારવાનાં પ્રયાસો છતાં ડિજિટલ ઇન્ડિયા અભિયાનની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. તેમણે જેએએમ ત્રિપૂટીને અટકાવવાના પ્રયાસોને અને સ્યુડો-ઇન્ટેલેક્ચ્યુઅલ્સ ડિજિટલ પેમેન્ટની મજાક ઉડાવતા એ પણ યાદ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, અત્યારે ભારતમાં સૌથી વધુ ડિજિટલ ચૂકવણી જોવા મળી રહી છે.

પોતાના આલોચકોની પોતાની સામેની નારાજગી પર વિગતે વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ વિવરણ પાછળનું કારણ આ લોકો માટે કાળાં નાણાંનાં સ્ત્રોતોને કાયમી ધોરણે કાપી નાંખવાનું છે તથા ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં કોઈ અધૂરો, એકલદોકલ અભિગમ જોવા મળતો નથી. “હવે, એક સુગ્રથિત, સંસ્થાગત અભિગમ છે. આ અમારી પ્રતિબદ્ધતા છે,” એમ પ્રધાનમંત્રીએ કહ્યું. તેમણે ધ્યાન દોર્યું હતું કે, જેએએમ ત્રિપૂટીને  કારણે સરકારી યોજનાઓનાં આશરે 10 કરોડ બનાવટી લાભાર્થીઓને જડમૂળથી ઉખેડી નાખવામાં આવ્યાં છે, જે દિલ્હી, પંજાબ અને હરિયાણાની કુલ વસતિ કરતાં વધારે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જો વર્તમાન સરકારે આ 10 કરોડ બનાવટી નામો સિસ્ટમમાંથી દૂર ન કર્યાં હોત તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકી હોત. તેમણે આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે લેવામાં આવેલાં વિવિધ પગલાંઓનો ઉલ્લેખ કર્યો હતો તથા આધારને બંધારણીય દરજ્જો આપવા તથા 45 કરોડથી વધારે જન ધન બૅન્ક ખાતાઓ ખોલવાનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, અત્યાર સુધી ડીબીટી મારફતે કરોડો લાભાર્થીઓને રૂ. 28 લાખ કરોડ હસ્તાંતરિત કરવામાં આવ્યાં છે. “ડીબીટીનો અર્થ એ છે કે કોઈ કમિશન નથી, કોઈ લિકેજ નથી. આ એક વ્યવસ્થાને કારણે ડઝનબંધ યોજનાઓ અને કાર્યક્રમોમાં પારદર્શકતા આવી છે,” એમ શ્રી મોદીએ ઉમેર્યું હતું.

એ જ રીતે, તેમણે આગળ કહ્યું, સરકારી ખરીદી પણ દેશમાં ભ્રષ્ટાચારનો મોટો સ્રોત હતો. હવે જીઈએમ પોર્ટલે તેની કાયાપલટ કરી છે. ફેસલેસ કરવેરા અને જીએસટીએ ભ્રષ્ટ વ્યવહારને અટકાવી દીધા છે. “જ્યારે આવી પ્રામાણિકતા પ્રવર્તે છે, ત્યારે ભ્રષ્ટ લોકો માટે અસ્વસ્થતા અનુભવવી સ્વાભાવિક છે અને તેઓ પ્રામાણિક સિસ્ટમનો નાશ કરવાની યોજના બનાવે છે. જો તે એકલા મોદીની વિરુદ્ધ હોત તો કદાચ આ સફળ થયું હોત, પરંતુ તેઓ જાણે છે કે તેઓ સામાન્ય નાગરિકોનો સામનો કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આ ભ્રષ્ટ લોકો ગમે તેટલું મોટું ગઠબંધન કરે, ભ્રષ્ટાચાર પરનો પ્રહાર ચાલુ જ રહેશે.”

પ્રધાનમંત્રીએ અંતમાં કહ્યું હતું કે, “આ અમૃત કાલ સબ કા પ્રયાસનો છે, જ્યારે દરેક ભારતીયની સખત મહેનત અને સામર્થ્યનો ઉપયોગ કરવામાં આવશે, ત્યારે આપણે ટૂંક સમયમાં જ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરી શકીશું.

YP/GP/JD