પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દ્વીપસમૂહોનાં સંપૂર્ણ વિકાસની પ્રગતિની સમીક્ષા કરી હતી.
કેન્દ્ર સરકારે 1 જૂન, 2017નાં રોજ આઇલેન્ડ ડેવલપમેન્ટ એજન્સીની રચના કરી હતી. સંપૂર્ણ વિકાસ માટે કુલ 26 દ્વીપસમૂહોની યાદી બનાવવામાં આવી છે.
નીતિ આયોગે સંપૂર્ણ વિકાસનાં પાસાં પર રજૂઆત કરી હતી, જેમાં વિવિધ મુખ્ય માળખાગત પરિયોજનાઓ, ડિજિટલ જોડાણ, ગ્રિન એનર્જી, ડિસેલિનેશન પ્લાન્ટ, કચરા વ્યવસ્થાપન, માછીમારીને પ્રોત્સાહન અને પ્રવાસન આધારિત પ્રોજેક્ટ સામેલ છે.
આંદમાન અને નિકોબાર ટાપુઓમાં થયેલા કાર્યની સમીક્ષા કરતાં પ્રધાનમંત્રીએ પ્રવાસન વિકાસ માટે પસંદ કરાયેલા ક્ષેત્રોમાં સંપૂર્ણ પ્રવાસન-કેન્દ્રિત પ્રણાલી વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ટાપુઓમાં ઊર્જા સ્વનિર્ભરતા ઝડપથી લાવવા માટેની અપીલ કરી હતી, જે સૌર ઊર્જા પર આધારિત હોઈ શકે છે.
પ્રધાનમંત્રીને આંદમાન અને નિકોબાર ટાપુઓની મુલાકાત લેતા વિદેશી પ્રવાસીઓ માટે સિમિત ક્ષેત્ર પરમિટની જરૂરિયાત ઊભી કરવાનાં ગૃહ મંત્રાલયનાં નિર્ણય પર પણ જાણકારી આપવામાં આવી હતી. દક્ષિણ પૂર્વ એશિયા સાથે આ ટાપુઓના શ્રેષ્ઠ જોડાણ પર પણ ચર્ચા થઈ હતી.
લક્ષદ્વીપમાં વિકાસલક્ષી કાર્યની સમીક્ષા દરમિયાન પ્રધાનમંત્રીએ તુના ફિશિંગ અને “લક્ષદ્વીપ તુના”ને બ્રાન્ડ તરીકે પ્રોત્સાહન આપવા લેવામાં આવેલા વિવિધ પગલાંઓની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ સ્વચ્છતા જાળવવા માટે લક્ષદ્વીપે હાથ ધરેલી વિવિધ પહેલોની પ્રશંસા પણ કરી હતી.
આંદમાન અને નિકોબાર એમ બંને ટાપુઓમાં તેમજ લક્ષદ્વીપમાં મહત્ત્વપૂર્ણ માળખું વિકસાવવા અંગે ચર્ચા થઈ હતી.
પ્રધાનમંત્રીએ દરિયાઈ શેવાળ (સીવીડ)ની ખેતીની સંભાવનાઓ ચકાસવા અને અને વિવિધ પહેલો હાથ ધરવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.
આ બેઠકમાં ગૃહમંત્રી શ્રી રાજનાથ સિંહ, આંદમાન અને નિકોબાર ટાપુઓનાં તથા લક્ષદ્વીપ ટાપુઓનાં લેફ્ટનન્ટ ગવર્નર, નીતિ આયોગનાં સીઇઓ અને કેન્દ્ર સરકારનાં વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
***
RP