પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દેશમાં કોવિડ-19ની વર્તમાન પરિસ્થિતિ અને હાલમાં ચાલી રહેલી રસીકરણ કવાયત અંગે રાજ્યોના રાજ્યપાલો સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંવાદ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોવિડ સામેની આ જંગમાં રસીની સાથે સાથે આપણા મૂલ્યો અને ફરજ પ્રત્યેની લાગણી આપણી સૌથી મોટી તાકાત છે. છેલ્લા એક વર્ષમાં પોતાની ફરજને ધ્યાનમાં રાખીને આ જંગમાં ભાગ લેનારા તમામ નાગરિકોની કામગીરીની તેમણે પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, જન ભાગીદારીની આવી જ લાગણીને હાલમાં પણ પ્રોત્સાહન આપવાની જરૂરિયાત છે. તેમણે કહ્યું હતું કે, પોતાની સામાજિક ક્ષમતાઓના યોગ્ય ઉપયોગ દ્વારા રાજ્યપાલોની ભૂમિકા આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે વધુ મહત્વપૂર્ણ બની જાય છે. તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર અને સમાજ વચ્ચે બહેતર સંકલન સાધવા માટે રાજ્યપાલો એક મહત્વપૂર્ણ લિંક સમાન છે. તેમણે ઉમેર્યું હતું કે, તમામ સામુદાયિક સંગઠનો, રાજકીય પક્ષો, NGO અને સામાજિક સંસ્થાઓની સહિયારી તાકાતનો ઉપયોગ કરવાની જરૂર છે.
પ્રધાનમંત્રીએ એવું સૂચન કર્યું હતું કે, માઇક્રો કન્ટેઇન્મેન્ટની દિશામાં રાજ્ય સરકારો સાથે સામાજિક સંસ્થાઓ વિના અવરોધો સહકાર સાધી શકે તે માટે રાજ્યપાલો સક્રિયપણે જોડાઇ શકે છે. તેમણે કહ્યું હતું કે, તેમનું સામાજિક નેટવર્ક હોસ્પિટલોમાં એમ્બ્યુલન્સો, વેન્ટિલેટરો અને ઓક્સિજનની ક્ષમતામાં વધારો કરવાનું સુનિશ્ચિત કરવામાં મદદરૂપ થઇ શકે છે. રસીકરણ અને સારવાર અંગેનો સંદેશો ફેલાવવાની સાથે સાતે રાજ્યપાલો લોકોમાં આયુષ સંબંધિત ઉપચારો અંગે પણ જાગૃતિ ફેલાવી શકે છે.
પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે, આપણા યુવાનો, આપણા કાર્યદળો આપણા અર્થતંત્રમાં મહત્વપૂર્ણ હિસ્સો છે. આથી, આપણા યુવાનો સુનિશ્ચિતપણે કોવિડ સંબંધિત તમામ પ્રોટોકોલ અને તકેદારીઓનું પાલન કરે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે, આ જન ભાગીદારીની દિશામાં યુનિવર્સિટીના પરિસરોમાં આપણા વિદ્યાર્થીઓ ખૂબ જ સારી રીતે જોડાય તે માટે પણ રાજ્યપાલોની ભૂમિકા ખૂબ મહત્વ ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, આપણે યુનિવર્સિટીઓ અને કોલેજોના પરિસરોમાં વિવિધ સુવિધાઓના યોગ્ય ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવાની પણ જરૂર છે. તેમણે કહ્યું હતું કે, ગયા વર્ષની જેમ, આ વર્ષે પણ NCC અને NSSએ પણ મુખ્ય ભૂમિકા નિભાવવાની રહેશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ જંગમાં જન ભાગીદારીમાં રાજ્યપાલો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ સમાન છે અને રાજ્ય સરકારો સાથે તેમનું સંકલન અને રાજ્યની સંસ્થાઓને તેમનું માર્ગદર્શન રાષ્ટ્રના આ સંકલ્પને વધુ મજબૂત બનાવશે.
કોવિડના કેસોની સંખ્યામાં થયેલ વૃદ્ધિ વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વાયરસ સામેની જંગમાં આ તબક્કે, દેશ છેલ્લા એક વર્ષમાં મળેલા અનુભવોમાંથી અને સુધારવામાં આવેલી આરોગ્ય સંભાળ સુવિધાઓનો લાભ લઇ શકે છે. તેમણે RT-PCR પરીક્ષણોની ક્ષમતામાં વધારો કરવા વિશે ચર્ચા કરી હતી અને ટાંક્યું હતું કે, કિટ્સ અને પરીક્ષણ સંબંધિત અન્ય સામગ્રીના સંદર્ભમાં દેશ આત્મનિર્ભર બન્યો છે. આ બધાના કારણે RT-PCR પરીક્ષણોના ખર્ચમાં પણ ઘટાડો થયો છે. તેમણે ઉમેર્યું હતું કે, પરીક્ષણ સંબંધિત મોટાભાગના ઉત્પાદનો GeM પોર્ટલ પર પણ ઉપલબ્ધ છે. પ્રધાનમંત્રીએ ટ્રેકિંગ, ટ્રેસિંગ અને ટેસ્ટિંગમાં વધારો કરવાના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, RT-PCR પરીક્ષણોની સંખ્યા 60%થી વધારીને 70% સુધી લઇ જવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, વધુમાં વધુ લોકોનું પરીક્ષણ થાય તે સુનિશ્ચિત કરવાનું પણ ખૂબ જ આવશ્યક છે.
પ્રધાનમંત્રીએ એ વાત પણ રેખાંકિત કરી હતી કે, સરકારે રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધ છે. તેમણે એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, ભારત 10 કરોડ લોકોના સૌથી ઝડપથી રસીકરણના સીમાચિહ્ન સુધી પહોંચનારો દેશ બની ગયો છે. છેલ્લા ચાર દિવસમા ટીકા ઉત્સવના કારણે જોવા મળેલી સકારાત્મક અસરની નોંધ લેતા તેમણે કહ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન, રસીકરણ કવાયતનું વિસ્તરણ કરવામાં આવ્યું છે અને નવા રસીકરણ કેન્દ્રો પણ ખોલવામાં આવ્યા છે.
સંવાદ
ભારતના ઉપરાષ્ટ્રપતિ, કેન્દ્રીય ગૃહમંત્રી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી પણ આ સંવાદમાં જોડાયા હતા.
ઉપરાષ્ટ્રપતિએ કોવિડ સામેની આ જંગમાં નેતૃત્ત્વ સંભાળવા બદલ પ્રધાનમંત્રીની પ્રશંસા કરી હતી અને આ મહામારીને નિયંત્રણમાં લેવા માટે જરૂરી માળખાગત સુવિધાઓ વિકસાવવાની દિશામાં તેમણે લીધેલા સક્રિય પગલાંને બિરદાવ્યા હતા. ભારત અને દુનિયાને રસી આપવામાં વૈજ્ઞાનિક સમુદાયે આપેલા યોગદાન પર તેમણે ખાસ પ્રકાશ પાડ્યો હતો. તેમણે આરોગ્ય સંભાળ કર્મચારીઓ, સફાઇ અને સ્વચ્છતા કર્મચારીઓ તેમજ આ મહામારી દરમિયાન મહત્વની ભૂમિકા નિભાવનારા અગ્ર હરોળમાં સેવા આપી રહેલા અન્ય કર્મચારીઓએના યોગદાન વિશે પણ ચર્ચા કરી હતી.
ઉપરાષ્ટ્રપતિએ તમામ રાજ્યપાલોને પોતાના રાજ્યોમાં સર્વપક્ષીય બેઠકોનું આયોજન કરીને સંકલિત મોરચો તૈયાર કરવાનું અને કોવિડ માટે યોગ્ય આચરણનું પાલન કરવા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે નાગરિક સામાજિક સંગઠનો સાથે જોડાવા માટે આહ્વાન કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, તમામ પ્રકારની નીતિઓની ઉપર ‘ટીમ ઇન્ડિયાની ભાવના’ અપનાવવી જોઇએ અને આ સંબંધે રાજ્યપાલો ‘રાજ્યોના પાલક’ તરીકે રાજ્ય સરકારોને માર્ગદર્શન આપી શકે છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ દરેકે દરેક વ્યક્તિનો જીવ બચાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. કેન્દ્રીય આરોગ્ય સચિવે કોવિડના કેસો અને રસીકરણ કવાયત સંબંધિત પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તેમણે કેવી રીતે ભારતમાં આ પ્રયાસો દરમિયાન સક્રિય અને પૂર્વ–અસરકારક અભિગમ અપનાવવામાં આવ્યો તેના વિશે વિહંગાવલોકન આપ્યું હતું.
રાજ્યપાલોએ કેવી રીતે તેમના રાજ્યોમાં વાયરસના સંક્રમણને ફેલાતું રોકવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે અને રસીકરણ કવાયતનો સરળતાથી અમલ સુનિશ્ચિત કરવાની દિશામાં કેવી રીતે સંકલિત પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે તેની વિગતો જણાવી હતી તેમજ રાજ્યોમાં આરોગ્ય સંભાળ સુવિધાઓમાં કેટલી ઉણપો છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે આ પ્રયાસોમાં સુધારો કરવા માટે સૂચનો આપ્યા હતા અને સક્રિય વિવિધ સમૂહોના સક્રિય સામાજિક જોડાણ દ્વારા કેવી રીતે જન ભાગીદારીમાં વધારો કરી શકાય તે વિશે પોતાના પ્લાનનું આદાનપ્રદાન કર્યું હતું.
PM interacts with the Governors on Covid-19 situation and Vaccination Drive in the country. https://t.co/9KwHDjmW43
— PMO India (@PMOIndia) April 14, 2021
via NaMo App pic.twitter.com/pnjE2QFccd