Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ દિલ્હીમાં મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે યોજાયેલા ‘વીર બાળદિવસ’ની ઉજવણીના ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લીધો

પ્રધાનમંત્રીએ દિલ્હીમાં મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે યોજાયેલા ‘વીર બાળદિવસ’ની ઉજવણીના ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લીધો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં આવેલા મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે વીર બાળદિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલા ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ લગભગ ત્રણસો બાળ કીર્તનીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા શબદ કીર્તનમાં હાજરી આપી હતી. પ્રધાનમંત્રીએ આ મહત્વપૂર્ણ અવસર પર દિલ્હીમાં લગભગ ત્રણ હજાર બાળકો દ્વારા યોજાયેલી માર્ચ-પાસ્ટને પણ ઝંડી બતાવી હતી.

9 જાન્યુઆરી 2022ના રોજ, શ્રી ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશ પર્વના દિવસે, પ્રધાનમંત્રીએ દર વર્ષે 26 ડિસેમ્બરને વીર બાળદિવસતરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. શ્રી ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો – સાહિબજાદા બાબા જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજીએ આપેલા બલિદાનની સ્મૃતિમાં તેમણે આ દિવસને વીર બાળદિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.

આ કાર્યક્રમમાં ઉપસ્થિતોને સંબોધન આપતા, પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે, ભારત આજે પ્રથમ વીર બાળદિવસની ઉજવણી કરી રહ્યું છે. રાષ્ટ્ર માટે આ એક નવા આરંભનો દિવસ છે, જ્યારે આપણે બધા ભૂતકાળમાં આપણા માટે આપવામાં આવેલા બલિદાન માટે શિશ ઝુકાવવા માટે ભેગા થયા છીએ. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “શહીદી સપ્તાહ અને વીર બાળદિવસ એ માત્ર લાગણીઓની અભિવ્યક્તિ નથી પરંતુ અનંત પ્રેરણાનો સ્રોત છે”.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વીર બાળદિવસ આપણને આત્યંતિક બહાદુરી અને બલિદાનની વાત આવે ત્યારે ઉંમર ભલે ગમે તેટલી હોય તેનાથી કોઇ ફરક નથી પડતો તે વાતની યાદ અપાવશે. વીર બાળદિવસ આપણા રાષ્ટ્રની ગરિમાનું રક્ષણ કરવા માટે દસ શીખ ગુરુઓએ આપેલા અપાર યોગદાન અને શીખ પરંપરાના બલિદાન વિશે આપણને યાદ અપાવશે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, વીર બાળદિવસ આપણને ભારત શું છે અને તેની ઓળખ શું છે તે અંગે જણાવશે અને દર વર્ષે, વીર બાળદિવસ આપણને આપણા ભૂતકાળને ઓળખવા તેમજ આપણા ભવિષ્યનું ઘડતર કરવા માટે પ્રેરણા આપશે. આ ઉજવણી દરેક વ્યક્તિને આપણી યુવા પેઢીની તાકાત વિશે પણ યાદ અપાવશે. પ્રધાનમંત્રીએ વીર સાહિબજાદાઓ, ગુરુઓ અને માતા ગુર્જરીને કૃતજ્ઞ ભાવે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “હું અમારી સરકારનું સૌભાગ્ય માનું છું કે અમને 26 ડિસેમ્બરના રોજ વીર બાળદિવસ ઉજવવાની જાહેરાત કરવાનો અવસર પ્રાપ્ત થયો છે”.  

પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે, હજાર વર્ષ જૂનો દુનિયાનો ઇતિહાસ ભયાનક ક્રૂરતાના અનેક પ્રકરણોથી ભરેલો છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે જ્યારે પણ આપણી સમક્ષ ક્રૂરતાના હિંસક ચહેરાઓ આવે છે, ત્યારે તે આપણા નાયકોના પાત્રો જ ઇતિહાસના પાનાઓ પર તેનાથી ઉપરવટ ચમકતા ચહેરા તરીકે જોવા મળે છે. પ્રધાનમંત્રીએ યાદ અપાવ્યું હતું કે, ચમકૌર અને સરહિંદના યુદ્ધમાં જે કંઇ બન્યું હતું તે ક્યારેય ન ભૂલી શકાય તેવી ઘટનાઓ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ ઘટનાઓ માત્ર ત્રણ સદી પહેલાં આ જ ભૂમિની માટી પર બની હતી. પ્રધાનમંત્રીએ આગળ જણાવ્યું હતું કે, “એક તરફ ધાર્મિક કટ્ટરતાથી આંધળી શકિતશાળી મુઘલ સલ્તનત હતી, જ્યારે બીજી તરફ ભારતના પ્રાચીન સિદ્ધાંતો અનુસાર જ્ઞાનમાં ઝળહળતા અને જીવતા આપણા ગુરુઓ હતા”. તેમણે ઉમેર્યું હતું કે,એક તરફ આતંક અને ધાર્મિક કટ્ટરતાની ચરમસીમા હતી, તો બીજી તરફ દરેક મનુષ્યમાં ઇશ્વરને જોવાની આધ્યાત્મિકતા અને દયાની પરાકાષ્ઠા હતી. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ બધાની વચ્ચે મુઘલો પાસે લાખો સૈનિકોનું સૈન્ય હતું, જ્યારે ગુરુના વીર સાહેબજાદાઓ પાસે શૌર્ય હતું. તેઓ એકલા હોવા છતાં મુઘલો સામે ઝૂક્યા નહોતા. એ સમયે મુઘલોએ તેમને દિવાલમાં જીવતા ચણી દીધા હતા. તેમની બહાદુરી અને હિંમત સદીઓ પછી આજે પણ આપણા માટે પ્રેરણાનો સ્રોત છે.

પ્રધાનમંત્રીએ આગળ ઉમેર્યું હતું કે, આવો ગૌરવશાળી ઇતિહાસ ધરાવતો કોઇપણ દેશ આત્મવિશ્વાસ અને આત્મસન્માનથી છલકાતો હોવો જ જોઇએ. આગળ, તેમણે અફસોસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેમ છતાં, દેશમાં હીનતાની ભાવના પેદા કરવા માટે કેટલીક ઉપજાવી કાઢેલી વાતો શીખવવામાં આવતી હતી. તેમ છતાં, સ્થાનિક પરંપરાઓ અને સમાજે આ કીર્તિની ગાથાઓને જીવંત રાખી છે. ભવિષ્ય તરફ આગળ વધવા માટે ભૂતકાળમાં કરાયેલા સંકુચિત અર્થઘટનથી મુક્ત થવાની જરૂરિયાત પર પ્રધાનમંત્રીએ વિશેષ ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આથી જ દેશે આઝાદીના અમૃતકાળમાં ગુલામી માનસિકતા સાથે સંકળાયેલા તમામ પ્રતીકોને દૂર કરવાની પ્રતિજ્ઞા લીધી છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “વીર બાળદિવસ એ પંચ પ્રણ માટે જીવનશક્તિ સમાન છે”.

પ્રધાનમંત્રીએ વીર સાહિબજાદાઓના દૃઢ સંકલ્પ અને બહાદુરીના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો કારણ કે તેમણે ઔરંગઝેબ અને તેના લોકો દ્વારા આચરવામાં આવતા જુલમ સામે બતાવી દીધું હતું કે, યુવા પેઢી ક્રૂરતા સામે ઝૂકવા માટે તૈયાર નથી અને દેશના મનોબળને બચાવવા માટે તેઓ મક્કમ છે. આ વાત રાષ્ટ્રના ભાગ્યમાં યુવા પેઢીની ભૂમિકા સ્થાપિત કરે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજની યુવા પેઢી પણ આ જ સંકલ્પ સાથે ભારતને આગળ ધપાવવાનું કામ કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, આથી દર વર્ષે 26 ડિસેમ્બરે વીર બાળદિવસની ઉજવણી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

શીખ ગુરુ પરંપરાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તે પરંપરા માત્ર આધ્યાત્મિકતા અને બલિદાનની પરંપરા નથી પરંતુ એક ભારત શ્રેષ્ઠ ભારતની કલ્પના માટે પ્રેરણાનો સ્રોત પણ છે. સૌથી મોટું ઉદાહરણ શ્રી ગુરુ ગ્રંથ સાહિબનું વૈશ્વિક અને સર્વસમાવેશક પાત્ર છે જ્યાં સમગ્ર ભારતમાંથી સંતોના ઉપદેશ અને વર્ણનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગુરુ ગોવિંદસિંહજીની જીવનયાત્રા પણ આ લક્ષણનું દૃષ્ટાંત પૂરું પાડે છે. દેશના તમામ ભાગોમાંથી પંચપ્યારેઆવ્યા તે હકીકતનો ઉલ્લેખ કરતાં, પ્રધાનમંત્રીએ ગૌરવ વ્યક્ત કર્યું હતું કે, મૂળ પંચપ્યારામાંથી એક દ્વારકાના પણ હતા, જે ધરતી પરથી પ્રધાનમંત્રી પોતે પણ આવે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “’રાષ્ટ્ર પ્રથમ – દેશ જ સર્વોપરી એવો સંકલ્પ, ગુરુ ગોવિંદસિંહજીનો અડગ સંકલ્પ હતો”. શ્રી મોદીએ તેમના પરિવારના અપાર વ્યક્તિગત બલિદાનનું વર્ણન કરીને આ મુદ્દાને સમર્થન આપ્યું હતું. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “રાષ્ટ્ર પ્રથમ”ની આ પરંપરા આપણા માટે એક મોટી પ્રેરણા છે.

શ્રી મોદીએ વધુમાં ટિપ્પણી કરી હતી કે, ભારતની આવનારી પેઢીઓનું ભવિષ્ય તેમના પ્રેરણા સ્રોત પર નિર્ભર રહેશે. ભરત, ભક્ત પ્રહલાદ, નચિકેતા અને ધ્રુવ, બલરામ, લવ-કુશ અને બાલ કૃષ્ણ જેવા પ્રેરણાદાયી બાળકોના અસંખ્ય દૃશ્ટાંતોનું વર્ણન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રાચીન યુગથી અર્વાચીન યુગ સુધીના સમયમાં આ દેશના બહાદુર દીકરા અને દીકરીઓએ ભારતની વીરતાને પ્રતિબિંબિત કરી છે.

પ્રધાનમંત્રીએ હૈયાધારણ સાથે જણાવ્યું હતું કે, નવું ભારત લાંબા સમયથી પોતાના ખોવાયેલા વારસાને ફરી સ્થાપિત કરીને વીતેલા દાયકાઓમાં કરેલી ભૂલોને સુધારી રહ્યું છે. કોઇપણ દેશને તેના સિદ્ધાંતો દ્વારા ઓળખવામાં આવે છે તેમ ઉમેરતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રના મૂળ મૂલ્યો જ્યારે પરિવર્તનના તબક્કામાંથી પસાર થાય છે, ત્યારે સમયની સાથે સાથે રાષ્ટ્રનું ભાવિ બદલાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાષ્ટ્રના મૂલ્યોનું ત્યારે જ જતન કરી શકાય છે જ્યારે વર્તમાન પેઢીઓ પાયા ઇતિહાસ વિશે સ્પષ્ટ રીતે જાણતી હોય. પ્રધાનમંત્રી મંત્રીએ ટિપ્પણી કરી હતી કે, યુવાનો હંમેશા શીખવા અને પ્રેરણા મેળવવા માટે રોલ મોડલ શોધતા હોય છે. આ કારણથી જ, આપણે ભગવાન રામના આદર્શોમાં વિશ્વાસ રાખીએ છીએ, ગૌતમ બુદ્ધ અને ભગવાન મહાવીર સ્વામી પાસેથી પ્રેરણા મેળવીએ છીએ અને ગુરુ નાનક દેવજીની વાતો દ્વારા જીવવાનો પ્રયાસ કરીએ છીએ, સાથે જ મહારાણા પ્રતાપ અને છત્રપતિ વીર શિવાજે તેમના જીવન થકી બતાવેલા માર્ગોનો પણ અભ્યાસ કરીએ છીએ. ધર્મ અને આધ્યાત્મિકતામાં વિશ્વાસ ધરાવતી ભારતની સંસ્કૃતિ અને પરંપરાઓ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણી ભૂમિના પૂર્વજોએ તહેવારો અને માન્યતાઓ સાથે જોડાયેલી ભારતીય સંસ્કૃતિને આકાર આપ્યો છે. પ્રધાનમંત્રીએ આગળ ઉમેર્યું હતું કે, આપણે એ ચેતનાને શાશ્વત બનાવવાની જરૂર છે અને આથી જ દેશ આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાન સ્વતંત્રતાના સંગ્રામના ઇતિહાસના ગૌરવને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. શૌર્યવાન પુરૂષો અને મહિલાઓ તેમજ આદિવાસી સમુદાયે આપેલા યોગદાનને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાનું કામ ચાલી રહ્યું છે. તેમણે વીર બાળદિવસ નિમિત્તે યોજવામાં આવેલી સ્પર્ધાઓ અને કાર્યક્રમોમાં દેશના દરેક ભાગમાંથી વિશાળ જનભાગીદારી અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે વીર સાહિબજાદાઓના જીવનના સંદેશને પૂરા મક્કમતા સાથે વિશ્વ સમક્ષ લઇ જવાની આવશ્યકતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

આ પ્રસંગે પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માન, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે અને કેન્દ્રીય મંત્રીઓ શ્રી હરદીપસિંહ પુરી, શ્રી અર્જૂન રામ મેઘવાલ, શ્રીમતી મીનાક્ષી લેખી વગેરે ઉપસ્થિત હતા.

પૃષ્ઠભૂમિ

સાહિબજાદાઓના અનુકરણીય શૌર્યની ગાથા વિશે નાગરિકોને, તેમાં પણ ખાસ કરીને નાના બાળકોને માહિતગાર કરવા અને આ અંગે શિક્ષિત કરવા માટે સરકાર સમગ્ર દેશમાં સંવાદાત્મક અને સહભાગી કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. આ પ્રયાસમાં દેશભરની શાળાઓ અને કોલેજોમાં નિબંધ લેખન, પ્રશ્નાવલિ સ્પર્ધા અને અન્ય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. સમગ્ર દેશમાં રેલેવે સ્ટેશન, પેટ્રોલ પંપ, હવાઇમથકો વગેરે જેવા જાહેર સ્થળો પર ડિજિટલ પ્રદર્શનો ગોઠવવામાં આવશે, તેમજ મહાનુભાવો દ્વારા સાહિબજાદાઓની જીવનગાથા અને બલિદાનનું વર્ણન કરવામાં આવે તેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

YP/GP/JD