Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ તેલંગાણાના વારંગલમાં આશરે રૂપિયા 6,100 કરોડના મૂલ્યની બહુવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રીએ તેલંગાણાના વારંગલમાં આશરે રૂપિયા 6,100 કરોડના મૂલ્યની બહુવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણાના વારંગલ ખાતે લગભગ રૂપિયા 6,100 કરોડના મૂલ્યની બહુવિધ મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આ વિકાસ કાર્યોમાં રૂ. 5,550 કરોડથી વધુના મૂલ્યના 176 કિમી લાંબા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સ અને કાઝીપેટમાં રૂ. 500 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવનાર એક રેલવે વિનિર્માણ એકમનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ અહીં ભદ્રકાળી મંદિરમાં દર્શન અને પૂજા પણ કરી હતી.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, તેલંગાણા પ્રમાણમાં ભલે નવું રાજ્ય છે તેમ છતાં અને તેના અસ્તિત્વના માત્ર 9 વર્ષ પૂરાં થયાં છે, તો પણ તેલંગાણા અને તેના લોકોનું યોગદાન ભારતના ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે, “તેલુગુ લોકોના સામર્થ્યએ હંમેશા ભારતના સામર્થ્યમાં વધારો કર્યો છે”. પ્રધાનમંત્રીએ ભારતને વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં તેલંગાણાના નાગરિકોની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો અને તકોમાં વૃદ્ધિમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કારણ કે દુનિયા અત્યારે ભારતને રોકાણનાં પસંદગીના સ્થળ તરીકે જુએ છે. તેમણે આગળ ઉમેર્યું હતું કે, “વિકસીત ભારત માટે ઘણી અપેક્ષાઓ છે”.

પ્રધાનમંત્રીએ 21મી સદીના ત્રીજા દાયકામાં સુવર્ણકાળના આગમનને સ્વીકાર્યું હતું અને દરેકને આ સમયગાળાનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો અનુરોધ કરતા કહ્યું હતું કે, આજનું નવું યુવા ભારત ઊર્જાથી છલોછલ છે. ઝડપી વિકાસની દૃષ્ટિએ ભારતનો કોઇ ભાગ પાછળ ન રહેવો જોઇએ તે બાબત પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ છેલ્લા 9 વર્ષમાં તેલંગાણાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીમાં સુધારો કરવામાં આવ્યો તે બાબત પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે તેલંગાણા માટે આજે લાવવામાં આવેલી 6,000 કરોડથી વધુ મૂલ્યની વિવિધ પરિયોજનાઓ બદલ રાજ્યના લોકોને અભિનંદન આપ્યા હતા.

પ્રધાનમંત્રીએ નવાં લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે નવી રીતો શોધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો કારણ કે તેમણે ધ્યાન દોર્યું હતું કે, ભારતમાં જૂનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મદદથી ઝડપી ગતિએ વિકાસ કરવો અશક્ય છે. નબળી કનેક્ટિવિટી અને ઊંચો લોજિસ્ટિક ખર્ચ વ્યવસાયોની પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે તે બાબતની નોંધ લેતા પ્રધાનમંત્રીએ સરકાર દ્વારા વિકાસની ઝડપ અને વ્યાપકતામાં અનેકગણો વધારો કરવામાં આવ્યો તેના પર સૌનું ધ્યાન દોર્યું હતું. તેમણે ધોરીમાર્ગો, એક્સપ્રેસ વે, ઇકોનોમિક કોરીડોર અને ઔદ્યોગિક કોરીડોરનાં ઉદાહરણો આપ્યાં હતાં જે એક નેટવર્ક તૈયાર કરી રહ્યા છે અને જણાવ્યું હતું કે, દ્વી માર્ગીય અને ચાર માર્ગીય ધોરીમાર્ગોને અનુક્રમે ચાર માર્ગીય અને છ માર્ગીય ધોરીમાર્ગોમાં રૂપાંતરિત કરવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રીએ એવી માહિતી આપી હતી કે, તેલંગાણાના ધોરીમાર્ગોના નેટવર્કમાં બે ગણો વધારો થયો છે જે 2500 કિમીથી વધીને 5000 કિમીનું થઇ ગયું છે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, 2500 કિમીના રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું બાંધકામ વિકાસના વિવિધ તબક્કા હેઠળ છે. તેમણે એવી માહિતી પણ આપી હતી કે, ભારતમાલા પરિયોજનાના ભાગ રૂપે નિર્માણાધીન લગભગ એક ડઝન જેટલા કોરિડોર તેલંગાણામાંથી પસાર થાય છે અને હૈદરાબાદ – ઇન્દોર આર્થિક કોરિડોર, ચેન્નઇ – સુરત આર્થિક કોરિડોર, હૈદરાબાદ – પણજી આર્થિક કોરિડોર અને હૈદરાબાદ – વિશાખાપટ્ટનમ ઇન્ટર કોરિડોરનાં ઉદાહરણોનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રી પોતાની વાત આગળ ચાલુ રાખતા જણાવ્યું હતું કે, આ રીતે તેલંગાણા આસપાસના આર્થિક કેન્દ્રોને જોડે છે અને આર્થિક પ્રવૃત્તિનું કેન્દ્ર બની રહ્યું છે.

પ્રધાનમંત્રીએ નાગપુર-વિજયવાડા કોરિડોરના મંચેરિયલ-વારંગલ સેક્શનનો આજે શિલાન્યાસ કર્યો હતો તેના વિશે બોલતા તેમણે જણાવ્યું હતું કે, આ કોરિડોર તેલંગાણાને મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ સાથે આધુનિક કનેક્ટિવિટી પૂરી પાડશે જ્યારે મંચેરિયલ અને વારંગલ વચ્ચેનું અંતર પણ ઘટશે અને ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે. તેમણે આગળ ઉમેર્યું હતું કે, “આ પ્રદેશ ઘણા આદિવાસી સમુદાયોનું ઘર છે અને લાંબા સમયથી તેની ઉપેક્ષા કરવામાં આવતી હતી”. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આ કોરિડોર રાજ્યમાં મલ્ટિમોડલ કનેક્ટિવિટીને દૂરંદેશી આપશે અને કરીમનગર-વારંગલ સેક્શનનું ચાર માર્ગીકરણ કરવાથી હૈદરાબાદ-વારંગલ ઔદ્યોગિક કોરિડોર, કાકટિયા મેગા ટેક્સટાઇલ પાર્ક અને વારંગલ SEZ સાથે કનેક્ટિવિટી વધુ મજબૂત થશે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, તેલંગાણામાં કનેક્ટિવિટીમાં વધારો થયો હોવાના કારણે રાજ્યના ઉદ્યોગ અને પ્રવાસનને તેનાથી સીધો ફાયદો થઇ રહ્યો છે કારણ કે તેલંગાણામાં હેરિટેજ કેન્દ્રો અને આસ્થાના સ્થળોનો પ્રવાસ કરવાનું હવે વધુ અનુકૂળ બની રહ્યું છે. તેમણે કૃષિ ઉદ્યોગ અને કરીમનગરના ગ્રેનાઇટ ઉદ્યોગનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, સરકારના પ્રયાસો તેમને સીધી મદદ કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, ખેડૂતો હોય કે શ્રમિકો, વિદ્યાર્થીઓ હોય કે વ્યાવસાયિકો, દરેકને ફાયદો થઇ રહ્યો છે. યુવાનોને તેમના ઘરની નજીક નવી રોજગાર અને સ્વ-રોજગારની તકો પણ મળી રહી છે.

પ્રધાનમંત્રીએ મેક ઇન ઇન્ડિયા ઝુંબેશ અને વિનિર્માણ ક્ષેત્ર દેશના યુવાનો માટે કેવી રીતે રોજગારનો વિશાળ સ્રોત બની રહ્યા છે તે બાબત પર પ્રકાશ પાડીને દેશમાં વિનિર્માણને પ્રોત્સાહન આપવા માટે અમલમાં મૂકવામાં આવેલી PLI યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. શ્રી મોદીએ આ યોજના હેઠળ તેલંગાણામાં અમલમાં આવી રહેલા 50થી વધુ મોટા પ્રોજેક્ટ્સની માહિતી આપી હતી અને કહ્યું હતું કે, “જેઓ વધુ ઉત્પાદન કરી રહ્યા છે તેઓને સરકાર તરફથી વિશેષ સહાયતા આપવામાં આવી રહી છે”. પ્રધાનમંત્રીએ આ વર્ષે સંરક્ષણ ક્ષેત્રે નિકાસમાં ભારતે નવો વિક્રમ બનાવ્યો હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે માહિતી આપી હતી કે, ભારતની સંરક્ષણ નિકાસ 9 વર્ષ પહેલાં માત્ર 1000 કરોડ રૂપિયાની હતી તે આજે વધીને 16,000 કરોડ રૂપિયાનો આંકડો ઓળંગી ગઇ છે. તેમણે હૈદરાબાદ સ્થિત ભારત ડાયનેમિક્સ લિમિટેડનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, ભારત ડાયનેમિક્સ લિમિટેડને પણ આનો લાભ મળી રહ્યો છે.

ભારતીય રેલ્વે દ્વારા વિનિર્માણના સંદર્ભમાં નવા વિક્રમો અને નવા સીમાચિહ્નો સ્થાપિત કરવામાં આવી રહ્યા હોવાની બાબતને પણ પ્રધાનમંત્રીએ સ્પર્શ કરી હતી અને તેના વિશે વાત કરી હતી. તેમણે મેડ ઇન ઇન્ડિયાવંદે ભારત ટ્રેન સંબંધે થતી ચર્ચા પર પ્રકાશ પાડ્યો હતો અને જણાવ્યું હતું કે, ભારતીય રેલ્વેએ વર્ષોથી હજારો આધુનિક કોચ અને લોકોમોટિવ્સનું નિર્માણ કર્યું છે. પ્રધાનમંત્રીએ આજે કાઝીપેટમાં શિલાન્યાસ કરવામાં આવેલા રેલ્વે વિનિર્માણ એકમનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, તે ભારતીય રેલ્વેનો કાયાકલ્પ છે અને કાઝીપેટ મેક ઇન ઇન્ડિયાની નવી ઊર્જાનો ભાગ બનશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આના કારણે આ ક્ષેત્રમાં રોજગારીની નવી તકોનું સર્જન થશે અને દરેક પરિવારને એક યા બીજી રીતે ફાયદો થશે. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનનું સમાપન કરતા કહ્યું હતું કે, “આ સબકા સાથ, સબકા વિકાસ” છે અને તેમણે વિકાસના આ મંત્ર પર તેલંગાણાને આગળ લઇ જવાનો અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે તેલંગાણાના રાજ્યપાલ ડૉ. તમિલિસાઇ સૌંદરરાજન, કેન્દ્રીય માર્ગ, પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરી, કેન્દ્રીય પર્યટન મંત્રી શ્રી જી. કિશન રેડ્ડી અને સાંસદ શ્રી સંજય બાંડી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પૃષ્ઠભૂમિ

પ્રધાનમંત્રીએ રૂ. 5,550 કરોડથી વધુના મૂલ્યના 176 કિલોમીટર લાંબા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટમાં નાગપુર-વિજયવાડા કોરિડોરના 108 કિલોમીટર લાંબા મંચેરિયલ-વારંગલ સેક્શનનો સમાવેશ થાય છે. આ સેક્શનથી મંચેરિયલ અને વારંગલ વચ્ચેનું અંતર લગભગ 34 કિમી જેટલું ઓછું થઇ જશે, આમ મુસાફરીનો સમય ઘટશે તેમજ NH-44 અને NH-65 પર ટ્રાફિકનું પ્રમાણ પણ ઓછું થઇ જશે. તેમણે NH-563ના 68 કિમી લાંબા કરીમનગર-વારંગલ સેક્શનને હાલમાં દ્વી માર્ગીય છે તેમાંથી ચાર માર્ગીય કન્ફિગરેશનમાં અપગ્રેડ કરવા માટેના પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ કર્યો હતો. આનાથી હૈદરાબાદ-વારંગલ ઔદ્યોગિક કોરિડોર, કાકટિયા મેગા ટેક્સટાઇલ પાર્ક અને વારંગલ ખાતે SEZ સાથે કનેક્ટિવિટી સુધારવામાં મદદ મળશે.

પ્રધાનમંત્રીએ કાઝીપેટ ખાતે રેલવે વિનિર્માણ એકમનો પર શિલાન્યાસ કર્યો હતો. રૂપિયા 500 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવનારા આ આધુનિક વિનિર્માણ એકમના કારણે રોલિંગ સ્ટોક ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. તે આધુનિક ટેકનોલોજી ધોરણો અને વેગન્સના રોબોટિક રંગકામ, અત્યાધુનિક મશીનરી તેમજ આધુનિક સામગ્રી સંગ્રહ અને સંચાલન સાથેના પ્લાન્ટ જેવી સુવિધાઓથી સજ્જ હશે. તેનાથી સ્થાનિક રોજગારી સર્જન અને નજીકના વિસ્તારોમાં આનુષંગિક એકમોના વિકાસમાં મદદ મળશે.

YP/GP/JD