Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ તેલંગાણાના રામાગુંડમ ખાતે રૂપિયા 9500 કરોડથી વધુના મૂલ્યની બહુવિધ પરિયોજનાનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને લોકાર્પણ કર્યું

પ્રધાનમંત્રીએ તેલંગાણાના રામાગુંડમ ખાતે રૂપિયા 9500 કરોડથી વધુના મૂલ્યની બહુવિધ પરિયોજનાનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને લોકાર્પણ કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણાના રામાગુંડમ ખાતે રૂપિયા 9500 કરોડથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો અને વિવિધ યોજનાઓનું રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું. અગાઉ, આજના દિવસમાં જ પ્રધાનમંત્રીએ રામાગુંડમ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (RFCL) પ્લાન્ટની મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે જે પરિયોજનાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને જેના માટે શિલાન્યાસ કરવામાં આવ્યો તે કૃષિ અને કૃષિ વિકાસ બંનેને પ્રોત્સાહન આપશે. પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે એક તરફ, અત્યારે સમગ્ર વિશ્વ કોરોની મહામારીનો સામનો કરી રહ્યું છે અને યુદ્ધ તેમજ સૈન્ય કાર્યવાહીની મુશ્કેલ પરિસ્થિતિઓના પ્રભાવમાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ પોતાની વાચ ચાલુ રાખતા આગળ કહ્યું હતું કે, પરંતુ આ બધાની વચ્ચે, નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે કે ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની દિશામાં આગેકૂચ કરી રહ્યું છે.” પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે નિષ્ણાતો એમ પણ જણાવી રહ્યા છે કે, 90ના દાયકાથી 30 વર્ષમાં જેટલી વૃદ્ધિ થઇ એટલી વૃદ્ધિ આગામી થોડા વર્ષોમાં થશે. તેમણે કહ્યું હતું કે, આ ધારણા કરવાનું મુખ્ય કારણ છેલ્લા 8 વર્ષમાં દેશમાં જે પરિવર્તન આવ્યું છે તે કહી શકાય. ભારતે છેલ્લા 8 વર્ષમાં કામ કરવા માટેનો પોતાનો અભિગમ બદલી નાંખ્યો છે. આ 8 વર્ષોમાં વિચારસરણી તેમજ શાસનના અભિગમમાં પરિવર્તન આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, માળખાકીય સુવિધાઓ, સરકારી પ્રક્રિયાઓ, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને ભારતના મહત્વાકાંક્ષી સમાજ દ્વારા પ્રેરિત પરિવર્તનોમાં આને જોઇ શકાય છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એક નવું ભારત દુનિયા સમક્ષ આત્મવિશ્વાસ અને વિકાસની મહત્વાકાંક્ષાઓ સાથે પોતાને રજૂ કરે છે”. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વિકાસ એ એક નિરંતર ચાલતુ મિશન છે જે દેશમાં વર્ષના 365 દિવસ ચાલે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જ્યારે કોઇ પ્રોજેક્ટનેનું લોકાર્પણ કરવામાં આવે છે, ત્યારે સાથે સાથે નવા પ્રોજેક્ટ્સ પર કામ શરૂ કરવામાં આવે છે. પ્રધાનમંત્રીએ એ બાબત પર પણ વિશેષ ભાર મૂક્યો હતો કે, જે પરિયોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે તેના વિકાસ કાર્યને ઝડપી બનાવવાના પ્રયાસો કરવામાં આવે છે અને રામાગુંડમ પરિયોજના તેનું સ્પષ્ટ ઉદાહરણ છે. 7 ઑગસ્ટ 2016ના રોજ પ્રધાનમંત્રી દ્વારા જ રામાગુંડમ પરિયોજનાનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.

પ્રધાનમંત્રીએ ખાસ ટાંક્યું હતું કે, 21મી સદીનું ભારત મહત્વાકાંક્ષી લક્ષ્યોને સાકાર કરીને આગળ વધી શકે છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતું કે, “જ્યારે ધ્યેય મહત્વાકાંક્ષી હોય, ત્યારે આપણે નવી પદ્ધતિઓ સાથે આવવું પડશે અને નવી સુવિધાઓ પણ ઉભી કરવી પડશે”. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ખાતર ક્ષેત્ર કેન્દ્ર સરકારના પ્રમાણિક પ્રયાસોનો પુરાવો આપે છે. ભારત એક સમયે ખાતરની માંગને પહોંચી વળવા માટે વિદેશી દેશો પર નિર્ભર રહેતો હતો તે સમયને યાદ કરતાં પ્રધાનમંત્રીએ સૌનું ધ્યાન દોર્યું હતું કે, રામાગુંડમ પ્લાન્ટ સહિતની અપ્રચલિત ટેકનોલોજીને કારણે અગાઉ સ્થાપવામાં આવેલા ખાતરના ઘણા પ્લાન્ટને બંધ કરવાની ફરજ પડી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વધુ પડતા ભાવે આયાત કરવામાં આવતું યુરિયા ખેડૂતો સુધી પહોંચવાને બદલે અન્ય હેતુઓ માટે કાળાબજારમાં વેચી દેવામાં આવતું હતું.

ખાતરની ઉપલબ્ધતામાં સુધારો લાવવા માટેના પગલાં

યુરિયાનું 100% નીમ કોટિંગ.
બંધ પડેલા 5 મોટા પ્લાન્ટ ફરી શરૂ કરવાથી 60 લાખ ટનથી વધુ યુરિયાનું ઉત્પાદન થશે
નેનો યુરિયાનો વિશેષ આગ્રહ રાખવામાં આવે છે
સમગ્ર ભારતમાં એક જ બ્રાન્ડ ‘ભારત બ્રાન્ડ’
ખાતરને પોષણક્ષમ રાખવા માટે 8 વર્ષમાં રૂપિયા 9.5 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો
આ વર્ષે રૂપિયા 2.5 લાખ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો
યુરિયાની થેલીનો આંતરરાષ્ટ્રીય ભાવ રૂ. 2000 છે પરંતુ ખેડૂતોએ રૂ. 270 ચુકવવાના રહે છે
દરેક DAP ખાતરની થેલીને 2500 સબસિડી મળે છે
માહિતીપૂર્ણ રીતે ખાતરનો નિર્ણય લેવા માટે સોઇલ હેલ્થ કાર્ડ
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ 2.25 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા

 

2014 પછી, કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા પ્રથમ પગલાઓમાંથી એક યુરિયાના 100% નીમ કોટિંગની ખાતરી અને કાળા બજારને રોકવાનું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સોઇલ હેલ્થ કાર્ડ અભિયાન ખેડૂતોને તેમના ખેતરોની શ્રેષ્ઠ જરૂરિયાતો વિશે જ્ઞાન મળે તે સુનિશ્ચિત કરે છે. વર્ષોથી બંધ પડેલા ખાતરના પાંચ મોટા પ્લાન્ટને ફરીથી શરૂ કરવામાં આવી રહ્યા છે. ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં આવેલા પ્લાન્ટમાં તો ઉત્પાદન શરૂ થઇ ગયું છે અને રામાગુંડમ પ્લાન્ટનું પણ રાષ્ટ્રને લોકાર્પણ કરવામાં આવ્યું છે. જ્યારે આ પાંચ પ્લાન્ટ સંપૂર્ણ રીતે કાર્યરત થશે ત્યારે દેશને 60 લાખ ટન યુરિયા મળશે જેના કારણે આયાત પર મોટી બચત થશે અને યુરિયાની ઉપલબ્ધતામાં સરળતા રહેશે. તેમણે જણાવ્યું હતું કે, રામાગુંડમ ફર્ટિલાઇઝર પ્લાન્ટ તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના ખેડૂતોને સેવા આપશે. આ પ્લાન્ટ આસપાસના વિસ્તારોની અર્થવ્યવસ્થાને વેગવાન બનાવશે અને આ સમગ્ર ક્ષેત્રમાં લોજિસ્ટિક્સ સંબંધિત વ્યવસાયોને પ્રોત્સાહન આપશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, “કેન્દ્ર સરકાર દ્વારા 6000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હોવાથી તેના કારણે તેલંગાણાના યુવાનોને હજારો રૂપિયાનો લાભ આપશે”. પ્રધાનમંત્રીએ ખાતરના ક્ષેત્રમાં ટેકનોલોજીની પ્રગતિ વિશે પણ વાત કરી હતી અને જણાવ્યું હતું કે, નેનો યુરિયા આ ક્ષેત્રમાં વ્યાપક પરિવર્તન લાવશે. પ્રધાનમંત્રીએ આત્મનિર્ભરતાના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો અને કેવી રીતે મહામારી અને યુદ્ધને કારણે ખાતરના વૈશ્વિક ભાવમાં વધારો થવા છતાં ખેડૂતોના કમર પર તે ભાવ વૃદ્ધિનો બોજો ન આવવા દીધો તેના વિશે જણાવ્યું હતું. યુરિયાની આયાત કરવામાં આવતી 2000 રૂપિયાની થેલી ખેડૂતને માત્ર 270 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેવી જ રીતે, આંતરરાષ્ટ્રીય બજારમાં 4000 રૂપિયાની કિંમતની DAPની થેલીને 2500 રૂપિયા પ્રતિ બેગની સબસિડી આપવામાં આવે છે.

પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, “છેલ્લા 8 વર્ષમાં, ખેડૂતો પર ખાતરનો બોજ ન પડે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા અંદાજે રૂપિયા 10 લાખ કરોડ રૂપિયા પહેલાંથી જ ખર્ચ કરવામાં આવ્યા છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભારતના ખેડૂતો માટે સસ્તા દરે ખાતરો ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્ર સરકારે આ વર્ષે જ અત્યાર સુધીમાં રૂપિયા 2.5 લાખ કરોડ ખર્ચી નાખ્યા છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત અત્યાર સુધીમાં ખેડૂતોના બેંક ખાતામાં અંદાજે 2.25 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. પ્રધાનમંત્રીએ દાયકાઓથી ખેડૂતો માટે ચિંતાનું કારણ બની ગયું હતું તેવી બજારમાં ઉપલબ્ધ ખાતરોની સંખ્યાબંધ બ્રાન્ડ્સ પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે ટિપ્પણી કરી હતી કે, હવે ભારતમાં યુરિયાની માત્ર એક જ બ્રાન્ડ હશે અને તેનું નામ ભારત બ્રાન્ડ’ છે. તેની ગુણવત્તા અને કિંમત પહેલાંથી જ નિર્ધારિત છે. સરકાર ખાસ કરીને નાના ખેડૂતો માટે આ ક્ષેત્રમાં કેવી રીતે સુધારા લાવી રહી છે તેનું આ દેખીતું ઉદાહરણ છે.

પ્રધાનમંત્રીએ કનેક્ટિવિટી સંલગ્ન માળખાકીય સુવિધાઓ પડકારના મુદ્દાને પણ સ્પર્શ્યો હતો. સરકાર દરેક રાજ્યને આધુનિક ધોરીમાર્ગો, હવાઇમથકો, જળમાર્ગો, રેલવે અને ઇન્ટરનેટ હાઇવે પૂરા પાડીને આ પડકારને પહોંચી વળવા માટે કામ કરી રહી છે. પ્રધાનમંત્રી ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનની મદદથી આને નવી ઉર્જા પ્રાપ્ત થઇ રહી છે. તેમણે જણાવ્યું હતું કે, સંકલન અને માહિતસભર કાર્યશૈલી લાંબા સમય સુધી પરિયોજનાઓ અટકેલી રહેવાની કે વિલંબમાં પડવાની સંભાવનાઓને દૂર કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લા અને ખમ્મમને જોડતી રેલવે લાઇન 4 વર્ષમાં તૈયાર કરવામાં આવી હતી અને તેના કારણે સ્થાનિક લોકોને ઘણો ફાયદો થશે. એવી જ રીતે, આજે જે ત્રણ ધોરીમાર્ગો પર કામ શરૂ કરવામાં આવ્યું છે, તેના કારણે ઔદ્યોગિક પટ્ટાને, શેરડી અને હળદર ઉત્પાદકોને ફાયદો થશે.

દેશમાં વિકાસના કાર્યો જ્યારે ગતિ પકડે છે ત્યારે માથુ ઊંચકતી અફવાઓ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કેટલીક શક્તિઓ રાજકીય લાભ લેવા માટે અવરોધો ઉભી કરે છે. તેમણે ખાસ જણાવ્યું હતું કે, હાલમાં તેલંગાણામાં સિંગરેની કોલિરીઝ કંપની લિમિટેડ- SCCLઅને વિવિધ કોલસાની ખાણો અંગે આવા જ પ્રકારની અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીએ આ બાબતે સ્પષ્ટતા કરી હતી કે, તેલંગાણા સરકાર SCCLમાં 51% હિસ્સો ધરાવે છે, જ્યારે કેન્દ્ર સરકાર પાસે 49% હિસ્સો છે. કેન્દ્ર સરકાર પોતાના સ્તરે SCCLના ખાનગીકરણને લગતો કોઇ નિર્ણય લઇ શકતી નથી”, તેમજ તેમણે પુનરોચ્ચાર કરતા કહ્યું હતું કે, SCCLના ખાનગીકરણ માટેની કોઇ જ દરખાસ્ત કેન્દ્ર સરકાર સમક્ષ વિચારાધીન નથી.

પ્રધાનમંત્રીએ કોલસાની ખાણો બાબતે સમગ્ર દેશને ત્રસ્ત કરનારા હજારો કરોડ રૂપિયાના અસંખ્ય કૌભાંડોને યાદ કર્યા હતા. તેમણે માહિતી આપી હતી કે, દેશ તેમજ કામદારો, ગરીબો અને જે વિસ્તારોમાં આ ખાણો આવેલી છે તેમને આવા કૌભાંડોના કારણે ભારે નુકસાન વેઠવું પડ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દેશમાં કોલસાની વધતી જતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ પારદર્શિતા સાથે કોલસાની ખાણોની હરાજી કરવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, અમારી સરકારે DMF એટલે કે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ પણ બનાવ્યું છે જેના કારણે જ્યાંથી ખનીજ કાઢવામાં આવે છે તે વિસ્તારમાં રહેતા લોકોને ફાયદો થાય છે. આ ફંડ અંતર્ગત રાજ્યોને હજારો કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

પોતાના સંબોધનનું સમાપન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “અમે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના મંત્રને અનુસરીને તેલંગાણાને આગળ વધારવા માંગીએ છીએ.

આ કાર્યક્રમમાં તેલંગાણાના રાજ્યપાલ ડૉ. તમિલિસાઇ સૌંદરરાજન, કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડી, સાંસદો અને વિધાનસભાના સભ્યો ઉપસ્થિત હતા. 70 મતક્ષેત્રની બેઠકોના ખેડૂતો પણ આ કાર્યક્રમ સાથે જોડાયેલા હતા.

 

પૃષ્ઠભૂમિ

પ્રધાનમંત્રીએ રામાગુંડમ ખાતે તૈયાર કરવામાં આવેલો ખાતરનો પ્લાન્ટ રાષ્ટ્રને લોકાર્પિત કર્યો હતો. 7 ઑગસ્ટ 2016ના રોજ પ્રધાનમંત્રી દ્વારા જ રામાગુંડમ પરિયોજનાનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો. યુરિયાના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાની પ્રધાનમંત્રીની દૂરંદેશી ખાતરના આ પ્લાન્ટના પુનરુત્કર્ષ પાછળનું પ્રેરક બળ છે. રામાગુંડમ પ્લાન્ટ વાર્ષિક 12.7 LMT સ્વદેશી નીમ કોટેડ યુરિયાનું ઉત્પાદન ઉપલબ્ધ કરાવશે.

રામાગુંડમ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (RFCL)ના નેજા હેઠળ આ પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવી છે, જે નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (NFL), એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ (EIL) અને ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (FCIL)ની સંયુક્ત સાહસ કંપની છે. RFCLને રૂ. 6300 કરોડથી વધુના રોકાણ સાથે ન્યૂ એમોનિયા- યુરિયા પ્લાન્ટ સ્થાપવાની જવાબદારી સોંપવામાં આવી હતી. RFCL પ્લાન્ટને જગદીશપુર- ફુલપુર- હલ્દિયા પાઇપલાઇન દ્વારા ગેસ પૂરો પાડવામાં આવશે.

આ પ્લાન્ટ તેલંગાણા રાજ્ય તેમજ આંધ્રપ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના ખેડૂતોને યુરિયા ખાતરનો પૂરતો અને સમયસર પુરવઠો સુનિશ્ચિત કરશે. આ પ્લાન્ટથી માત્ર ખાતરની ઉપલબ્ધતામાં સુધારો આવશે એવું નથી પરંતુ આ પ્રદેશમાં રસ્તા, રેલવે, સંલગ્ન ઉદ્યોગ વગેરે સહિત માળખાકીય સુવિધાઓનો વિકાસ એકંદરે આ પ્રદેશના આર્થિક વિકાસને પણ વેગ આપશે. આ ઉપરાંત, ફેક્ટરી માટે વિવિધ ચીજવસ્તુઓના પુરવઠા માટે MSME વેન્ડરોના વિકાસથી પણ આ પ્રદેશને લાભ થશે. RFCLનું ભારત યુરિયામાત્ર આયાતમાં ઘટાડો કરીને જ નહીં પરંતુ ખાતર અને તેનાથી આગળની સેવાઓના સમયસર રીતે પૂરી પાડીને સ્થાનિક ખેડૂતોને પ્રોત્સાહન આપશે જેના કારણે અર્થતંત્રને જબરદસ્ત પ્રોત્સાહન મળશે.

પ્રધાનમંત્રીએ ભદ્રાચલમ રોડ- સત્તુપલ્લી રેલવે લાઇનનું પણ રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું. લગભગ રૂપિયા 1000 કરોડના ખર્ચે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમણે રૂપિયા 2200 કરોડથી વધુ મૂલ્યની અન્ય વિવિધ માર્ગ નિર્માણને લગતી પરિયોજનાઓનો પણ શિલાન્યાસ પણ કર્યો હતો જેમાં NH-765DGના મેડક-સિદ્ધિપેટ-એલકાથુર્થી સેક્શન; NH-161BBના બોધન-બાસર-ભૈંસા સેક્શન; NH-353Cના સિરોંચાથી મહાદેવપુર સેક્શનનો સમાવેશ થાય છે.

YP/GP/JD