પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેમની વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનીકરણ સલાહકાર સમિતિ (PM-STIAC)ના સભ્યો સાથે વાતચીત કરી હતી. આ સમિતિ વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનીકરણ (ઈનોવેશન) અંગેની તમામ બાબતો પર માર્ગદર્શન આપે છે અને આ બાબતો પરના પ્રધાનમંત્રીના દ્રષ્ટિકોણના અમલીકરણનું નિરીક્ષણ કરે છે.
સમિતિના સભ્યોએ પ્રધાનમંત્રીને વિજ્ઞાન અને ટેકનોલોજીનાં મહત્વનાં ક્ષેત્રોમાં નવીનીકરણ અને સંશોધનના સંવર્ધન માટે લેવાયેલાં પગલાં અંગે માહિતી આપી હતી.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનીકરણના ક્ષેત્રે પ્રાપ્ત થયેલાં ફાયદાઓ સામાન્ય માનવી સુધી પહોંચવાં જોઈએ, સામાન્ય માનવીની રોજબરોજની સમસ્યાઓનું સમાધાન થવું જોઈએ અને ભારતના લોકોનું જીવન સરળ બનવું જોઈએ. આ સંદર્ભમાં તેમણે સમિતિને શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન અને વિકાસની પ્રયોગશાળાઓ ઉદ્યોગ અને વિવિધ સરકારી વિભાગો વચ્ચે કડી સ્થાપવા અનુરોધ કર્યો હતો. તેમણે શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓ વચ્ચેનું અંતર ઘટાડવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો હતો.
પ્રધાનમંત્રીએ શાળાઓનાં બાળકોમાં વૈજ્ઞાનિક પ્રતિભા વિકસે તે માટેનો યોગ્ય મંચ અને વ્યવસ્થા ઊભી કરવા અનુરોધ કર્યો હતો કે, જેથી તેમને જિલ્લા અને પ્રાદેશિક સ્તરે અટલ ટીંકરીંગ લેબ સાથે જોડી શકાય. આ સંદર્ભમાં પ્રધાનમંત્રીએ એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે ખેતીની આવકમાં વધારો કરવો, સિકલ સેલ એનીમિયા (રક્તકણોની ઉણપનો રોગ) જેવા જીર્ણ અને આનુવંશિક રોગો ઉપરાંત કચરા વ્યવસ્થાપન અને સાયબર સિક્યોરિટી જેવી સમસ્યાઓના ઉકેલ માટેનાં ઉપાયો શોધવા અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં પ્રધાનમંત્રીના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પ્રો. કે. વિજય રાઘવન, સમિતિના સભ્યો અને ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતાં.
NP/J.Khunt/RP