Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ તામિલનાડુના ડિંડીગુલ ખાતે ગાંધીગ્રામ ગ્રામીણ સંસ્થાના 36મા દીક્ષાંત સમારંભમાં ભાગ લીધો

પ્રધાનમંત્રીએ તામિલનાડુના ડિંડીગુલ ખાતે ગાંધીગ્રામ ગ્રામીણ સંસ્થાના 36મા દીક્ષાંત સમારંભમાં ભાગ લીધો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તામિલનાડુના ડિંડીગુલ ખાતે ગાંધીગ્રામ ગ્રામીણ સંસ્થામાં યોજાયેલા 36મા દીક્ષાંત સમારંભમાં ભાગ લીધો હતો. વર્ષ 2018-19 અને 2019-20ની બેચના 2300થી વધુ વિદ્યાર્થીઓએ દીક્ષાંત સમારંભમાં તેમની પદવીઓ પ્રાપ્ત કરી હતી. ત્યારપછી, પ્રધાનમંત્રીએ વિજેતાઓને સુવર્ણ ચંદ્રકો અને પાત્રતા ધરાવતા ઉમેદવારોને સન્માનપત્રો એનાયત હતા.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગાંધીગ્રામની મુલાકાતે આવવાનો તેમનો અનુભવ તેમના માટે ખૂબ જ પ્રેરણાદાયી રહ્યો છે અને યાદ કર્યું હતું કે, આ સંસ્થાનું ઉદ્ઘાટન મહાત્મા ગાંધીએ કર્યું હતું. તેમણે ટિપ્પણી કરી કે સંસ્થામાં મહાત્માના આદર્શો અને ગ્રામીણ વિકાસના વિચારોની ભાવના જોઇ શકાય છે. પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, આજના સમય અને યુગમાં મહાત્મા ગાંધીના આદર્શો અત્યંત પ્રાસંગિક બની ગયા છે, પછી ભલે તે સંઘર્ષનો અંત લાવવાની વાત હોય કે પછી આબોહવાની કટોકટી હોય, અને તેમના વિચારોમાં આજે વિશ્વ જેનો સામનો કરી રહ્યું છે તેવા ઘણા પડકારો અને સળગતી સમસ્યાઓના જવાબો મળે છે.

પ્રધાનમંત્રીએ એ વાત પર પ્રકાશ પાડ્યો હતો કે, ગાંધીવાદી જીવનશૈલીના વિદ્યાર્થીઓ પાસે વિશાળ પ્રભાવ પાડવાની ખૂબ મોટી તક છે અને ટાંક્યું હતું કે, મહાત્મા ગાંધીના હૃદયની નજીકના વિચારો પર કામ કરવું છે એ તેમને આપેલી શ્રેષ્ઠ શ્રદ્ધાંજલી છે. પ્રધાનમંત્રીએ ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશનના ઉદાહરણોનો ઉલ્લેખ કર્યો હતો જેણે લાંબા સમય પછી ઉપેક્ષિત અને ભૂલી ગયેલા ખાદીના કાપડને ફરી સજીવન કર્યું છે. તેમણે માહિતી આપી હતી કે, છેલ્લા 8 વર્ષમાં ખાદી ક્ષેત્રમાં વેચાણમાં 300% થી વધુનો વધારો જોવા મળ્યો છે. તેમણે કહ્યું હતું કે, “ખાદી અને ગ્રામોદ્યોગ આયોગે ગયા વર્ષે રૂ. 1 લાખ કરોડથી વધુનું રેકોર્ડ ટર્નઓવર કર્યું હતું.” તેમણે પોતાની વાત આગળ વધારતા જણાવ્યું હતું કે, “હવે વૈશ્વિક ફેશન બ્રાન્ડ્સ પણ ખાદીને તેની પર્યાવરણને અનુકૂળ લાક્ષણિકતાઓને કારણે લઇ રહી છે. તેમણે ઉમેર્યું કે, “આ મોટાપાયે ઉત્પાદનની ક્રાંતિ નથી પરંતુ જનતા દ્વારા ઉત્પાદનની ક્રાંતિ છે.” મહાત્મા ગાંધી ગામડાઓમાં આત્મનિર્ભરતાના સાધન તરીકે ખાદીને કેવી રીતે જોતા હતા તે બાબતને યાદ કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર તેમનાથી પ્રેરિત છે, કારણ કે આપણે આત્મનિર્ભર ભારત તરફ આગળ વધવા માટે કામ કરી રહ્યા છીએ. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, તમિલનાડુ સ્વદેશી ચળવળનું મુખ્ય કેન્દ્ર રહ્યું હતું. તે ફરી એકવાર આત્મનિર્ભર ભારતમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.

પ્રધાનમંત્રીએ ગ્રામીણ વિકાસ અંગે મહાત્મા ગાંધીની દૂરંદેશીને સમજવાની આવશ્યકતા પર વિશેષ ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે, તેમની ઇચ્છા છે કે ગામડાઓ ગ્રામીણ જીવનના મૂલ્યોનું જતન કરીને પ્રગતિ કરે. શ્રી મોદીએ ઉલ્લેખ કર્યો કે, ગ્રામીણ વિકાસ પ્રત્યે સરકારની દૂરંદેશી મહાત્મા ગાંધીના આદર્શોથી પ્રેરિત છે. તેમણે એ બાબતે પ્રકાશ પાડ્યો હતો કે, જ્યાં સુધી અસમાનતા ન હોય ત્યાં સુધી શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચેનો તફાવત સ્વીકાર્ય છે. સંપૂર્ણ ગ્રામીણ સ્વચ્છતા કવરેજ, 6 કરોડથી વધુ ઘરોમાં નળનું પાણી, 2.5 કરોડ વીજળી જોડાણો અને રસ્તાઓ દ્વારા ગ્રામીણ જોડાણમાં વધારો કરવાના ઉદાહરણોનો ઉલ્લેખ કરતા, તેમણે કહ્યું હતું કે, સરકાર વિકાસને લોકોના ઘર સુધી લઇ જઇ રહી છે અને શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચે અસ્તિત્વમાં રહેલી અસમાનતાને સુધારી રહી છે.

સ્વચ્છતા એ મહાત્મા ગાંધીનો ખૂબ જ પ્રિય વિચાર હતો તે યાદ કરીને પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારતનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સરકાર મૂળભૂત સેવાઓ અને સવલતો પહોંચાડવામાં ક્યાંય પણ અટકી નથી પરંતુ સાથે સાથે ગામડાઓને આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના લાભો સાથે પણ જોડે છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે લગભગ 2 લાખ ગ્રામ પંચાયતોને જોડવા માટે 6 લાખ કિલોમીટર લાંબો ઓપ્ટિક ફાઇબર કેબલ નાખવામાં આવ્યો છે.

ગ્રામીણ વિકાસમાં ટકાઉપણાની જરૂરિયાત પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આવા વિસ્તારોમાં નેતૃત્વની જવાબદારી યુવાનોને પ્રદાન કરવાની જરૂર છે. તેમણે ટિપ્પણી કરી હતું કે, “ગ્રામ્ય વિસ્તારોના ભવિષ્ય માટે ટકાઉક્ષમ ખેતી નિર્ણાયક છે”, અને તેમણે કુદરતી ખેતી માટેના પ્રચંડ ઉત્સાહ પર પ્રકાશ પાડ્યો હતો. શ્રી મોદીએ ખાસ સૌને કહ્યું હતું કે, “આપણી પ્રાકૃતિક ખેતીની યોજના આશ્ચર્યો સર્જી રહી છે, ખાસ કરીને પૂર્વોત્તરમાંમાં તેનો પ્રભાવ જોવા મળી રહ્યો છે.” તેમણે એ પણ માહિતી આપી હતી કે, સરકારે ગયા વર્ષના અંદાજપત્રમાં પ્રાકૃતિક ખેતી સંબંધિત નીતિ બહાર પાડી છે. તેમણે કૃષિને મોનો-કલ્ચર એટલે કે એક જ પાકના પુનરાવર્તનથી બચાવવા અને અનાજ, બાજરી અને અન્ય પાકોની સ્થાનિક જાતોને પુનર્જીવિત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

આચાર્ય વિનોબાભાવેએ કરેલા અવલોકનને યાદ કરતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય સ્તરની સંસ્થાઓની ચૂંટણીઓ વિભાજનકારી હોય છે. પ્રધાનમંત્રીએ ગુજરાતમાં શરૂ થયેલી સમરસ ગ્રામ યોજનાનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે માહિતી આપી હતી કે, જે ગામડાઓએ સર્વસંમતિથી પોતાના અગ્રણીની પસંદગી કરી હતી તેમને ચોક્કસ પ્રોત્સાહનો આપવામાં આવ્યા હતા જેના પરિણામે સામાજિક સંઘર્ષ ઓછો થયો હતો.

ગાંધીજીને જોવા માટે જ્યારે હજારો ગ્રામજનો ટ્રેનમાં આવ્યા હતા તે સમયને યાદ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીએ અખંડ અને સ્વતંત્ર ભારત માટે લડત આપી હતી અને ગાંધીગ્રામ પોતે ભારતની એકતાની ગાથા છે. તેમણે કહ્યું હતું કે, “તમિલનાડુ હંમેશા રાષ્ટ્રીય ચેતનાનું ગૃહસ્થાન રહ્યું છે, અને સ્વામી વિવેકાનંદ પશ્ચિમમાંથી પરત ફર્યા ત્યારે એક નાયક તરીકે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તે પ્રસંગને યાદ કર્યો હતો. સ્વર્ગસ્થ જનરલ બિપિન રાવતનો ઉલ્લેખ કરતાં, પ્રધાનમંત્રીએ વીરા વનક્કમનો નારો સાંભળ્યો હોવાનું યાદ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ સૌનું ધ્યાન કાશી તમિલ સંગમ તરફ દોર્યું હતું જે ટૂંક સમયમાં કાશીમાં સાકાર થશે અને જણાવ્યું હતું કે, તે કાશી અને તમિલનાડુ વચ્ચેના જોડાણની ઉજવણી કરશે. તેમણે ટિપ્પણી કરી હતી કે, આ એક ભારત શ્રેષ્ઠ ભારતની કામગીરી છે. એક-બીજા પ્રત્યેનો આ પ્રેમ અને આદર આપણી એકતાનો આધાર છે.

રાણી વેલુનાચિયારએ આપેલા બલિદાનને યાદ કરતાં પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, તેઓ જ્યારે અંગ્રેજો સામે લડવાની તૈયારી કરી રહ્યાં હતાં ત્યારે અહીં રોકાયા હતા. તેમણે ટિપ્પણી કરી હતી કે, આજે હું એવા પ્રદેશમાં છું જ્યાં નારી શક્તિની તાકાત જોવા મળી છે. હું અહીં સ્નાતક થયેલી યુવતીઓને સૌથી મોટા ચેન્જમેકર તરીકે જોઉં છું. તમે ગ્રામીણ મહિલાઓને સફળ થવામાં મદદ કરશો. તેમની સફળતા એ દેશની સફળતા છે.

દુનિયાના સૌથી મોટા રસી અભિયાનની વાત હોય, કે પછી ગરીબમાં ગરીબ લોકો માટે ખાદ્ય સુરક્ષા હોય અથવા દુનિયાના વિકાસનું એન્જિન હોય, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે દુનિયા સદીમાં એકાદ વખત આવતા સૌથી ખરાબ સંકટનો સામનો કરી રહી છે ત્યારે ભારત એક તેજસ્વી સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. પ્રધાનમંત્રીએ પોતાની વાત ચાલુ રાખતા જણાવ્યું હતું કે, “વિશ્વ ભારત પાસેથી મહાન કાર્યોની અપેક્ષા રાખે છે. કારણ કે ભારતનું ભવિષ્ય યુવા પેઢીના કેન ડુના હાથમાં છે.તેમણે કહ્યું હતું કે, “યુવાનો માત્ર પડકારો જ સ્વીકારતા નથી પરંતુ તેનો આનંદ પણ લે છે, જેઓ માત્ર સવાલ જ નથી કરતા પરંતુ જવાબો પણ શોધી કાઢે છે, તેઓ માત્ર નિર્ભય નથી પરંતુ અથાક પણ છે, તેઓ માત્ર મહત્વાકાંક્ષી જ નથી પરંતુ સિદ્ધ પણ કરી બતાવે છે.” પ્રધાનમંત્રીએ પોતાની વાતના સમાપનમાં કહ્યું હતું કે, “આજે સ્નાતક થઇ રહેલા યુવાનો માટે મારો સંદેશ છે કે – તમે નવા ભારતના ઘડવૈયા છો. ભારતના અમૃતકાળમાં આગામી 25 વર્ષ સુધી ભારતનું નેતૃત્વ કરવાની જવાબદારી તમારા પર છે.

આ પ્રસંગે તમિલનાડુના મુખ્યમંત્રી શ્રી એમ. કે. સ્ટાલિન, તમિલનાડુના રાજ્યપાલ શ્રી આર. એન. રવિ, કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગન, ચાન્સેલર ડૉ. કે. એમ. અન્નામલાઇ અને વાઇસ ચાન્સેલર પ્રો. ગુરમિતસિંહ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

YP/GP/JD