Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ડૉ. આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર દેશને અર્પણ કર્યું


પ્રધાનમંત્રીએ આજે નવી દિલ્હીમાં ડૉ. આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર દેશને અર્પણ કર્યું હતું. તેમણે આ સંસ્થાનું શિલારોપણ એપ્રિલ, 2015માં કર્યું હતું.

આ પ્રસંગે બોલતાં પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, કેન્દ્ર સરકાર ડૉ. આંબેડકરનાં મૂલ્યો અને વિઝનનો પ્રસાર કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે.

તેમણે નોંધ્યું હતું કે, ડૉ. આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ફોર સોશિયો-ઇકોનોમિક ટ્રાન્સફોર્મેશન પણ આ પ્રોજેક્ટનો ભાગ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આ સામાજિક અને આર્થિક મુદ્દાઓ પર સંશોધન માટે મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બની રહેશે. તેમણે જણાવ્યું હતું કે, આ કેન્દ્ર સર્વસમાવેશક વૃદ્ધિ અને સામાજિક-આર્થિક બાબતો માટે થિંક-ટેંક તરીકે કામ કરશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વૈચારિક-આગેવાનો અને દીર્ઘદ્રષ્ટાઓએ વિવિધ સમયે આપણાં દેશને દિશા આપી છે. તેમણે કહ્યું હતું કે, બાબાસાહેબે રાષ્ટ્રનાં નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે અને દેશ આ માટે હંમેશા તેમનો ઋણી રહેશે. તેમણે જણાવ્યું હતું કે, તેમનાં વિઝન અને વિચારો વિશે લોકો, ખાસ કરીને યુવા પેઢી વધુને વધુ પરિચિત થાય એવું કેન્દ્ર સરકાર ઇચ્છે છે. તેમણે ઉમેર્યું હતું કે, આ કારણે ડૉ. આંબેડકરનાં જીવન સાથે સંબંધિત મહત્ત્વપૂર્ણ સ્થાનોનો વિકાસ કેન્દ્ર સરકાર યાત્રાધામ તરીકે કરે છે. આ સંદર્ભમાં તેમણે દિલ્હીમાં અલીપુર, મધ્યપ્રદેશમાં મ્હો, મુંબઈમાં ઇન્દુ મિલ, નાગપુરમાં દીક્ષાભૂમિ અને લંડનમાં ઘર જેવા સ્થળોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘પંચતીર્થ’ હાલની પેઢી માટે ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવાનો માર્ગ છે. તેમણે જણાવ્યું હતું કે, ડિજિટલ વ્યવહારો માટે ભીમ એપ કેન્દ્ર સરકાર દ્વારા ડૉ. આંબેડકરનાં આર્થિક વિઝનને શ્રદ્ધાંજલિ છે.

ડૉ. આંબેડકરે ડિસેમ્બર, 1946માં બંધારણીય સભામાં કરેલા સંબોધનમાંથી કેટલાંક વિધાનો ટાંકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ડૉ. આંબેડકરે સંઘર્ષ કર્યો હોવા છતાં તેઓ સમસ્યાઓનું સમાધાન કરવા દેશ માટે પ્રેરક વિઝન ધરાવતાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, આપણે હજુ પણ ડૉ. આંબેડકરનું સ્વપ્ન સાકાર કરી શક્યાં નથી. તેમણે કહ્યું હતું કે, હાલની પેઢી સામાજિક અનિષ્ટોને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે.

પ્રધાનમંત્રીએ ડૉ. આંબેડકરનાં એ શબ્દોને યાદ કર્યા હતાં કે, આપણે રાજકીય રીતે લોકશાહી રાષ્ટ્ર બનવાની સાથે સામાજિક દ્રષ્ટિએ પણ લોકશાહી રાષ્ટ્ર બનવું જોઈએ. તેમણે કહ્યું હતું કે, છેલ્લાં સાડા ત્રણ વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારે સામાજિક લોકશાહીનાં તેમનાં સ્વપ્નને સાકાર કરવા કામ કર્યું છે. આ સંદર્ભમાં તેમણે સરકારની જન ધન યોજના, ઉજ્જવલા યોજના, સ્વચ્છ ભારત અભિયાન, વીમા યોજનાઓ, પ્રધાનમંત્રી આવાસ યોજના અને તાજેતરમાં લોંચ થયેલી સૌભાગ્ય યોજનાઓ જેવી મહત્ત્વપૂર્ણ પહેલોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ઇચ્છિત સમયગાળાની અંદર યોજનાઓ અને પ્રોજેક્ટ પૂર્ણ કરવા તમામ પ્રયાસ કરી રહી છે તથા ડૉ. આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર અમારી આ કટિબદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે સોઇલ હેલ્થ કાર્ડ, મિશન ઇન્દ્રધનુષ સહિત અન્ય યોજનાઓ તથા ગ્રામીણ વીજળીકરણ લક્ષ્યાંકો માટેની પ્રગતિ, સરકારી કલ્યાણકારક પહેલોનાં અમલમાં કેન્દ્ર સરકારની ઝડપ અને પ્રતિબદ્ધતા વિશે વિગતવાર વાત પણ કરી હતી. પ્રધાનમંત્રીએ સ્વરોજગારી પેદા કરવા સ્ટેન્ડ-અપ ઇન્ડિયા સ્કીમનો ઉલ્લેખ પણ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમની “ન્યૂ ઇન્ડિયા”નાં નિર્માણ માટેની અપીલ એવા ભારત માટેની છે, જેનું સ્વપ્ન ડૉ. આંબેડકરે જોયું હતું, જેમાં દરેક વ્યક્તિને સમાન અધિકારો અને તકો મળશે, જે જ્ઞાતિજાતિનાં શોષણથી મુક્ત હશે અને ટેકનોલોજી મારફતે પ્રગતિની હરણફાળ ભરતું હશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, આપણે વર્ષ 2022 સુધીમાં આ સ્વપ્ન સાકાર કરી શકીશું.

J.Khunt/GP