Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ડિકોયામાં હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું, નોરવૂડમાં ભારતીય મૂળના તમિલ સમૂદાયને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ ડિકોયામાં હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું, નોરવૂડમાં ભારતીય મૂળના તમિલ સમૂદાયને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ ડિકોયામાં હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું, નોરવૂડમાં ભારતીય મૂળના તમિલ સમૂદાયને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ ડિકોયામાં હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું, નોરવૂડમાં ભારતીય મૂળના તમિલ સમૂદાયને સંબોધન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રીલંકામાં મધ્ય પ્રાંતમાં ડિકોયામાં એક હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું, જેનું નિર્માણ ભારતીય સહાયથી થયું છે. પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરવા મોટી સંખ્યામાં લોકો રોડની આસપાસ એકત્ર થયા હતા. પ્રધાનમંત્રી મોદીએ નોરવૂડમાં મોટી સંખ્યામાં એકત્ર થયેલા ભારતીય મૂળના તામિલ સમૂદાયના લોકોને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે શ્રીલંકાના રાષ્ટ્રપતિ, શ્રીલંકાના પ્રધાનમંત્રી અને સમૂદાયના નેતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. આ સંબોધન દરમિયાન પ્રધાનમંત્રીએ શ્રીલંકામાં ભારતીય મૂળના તમિલ સમૂદાયના લોકોના પ્રદાન વિશે તથા ભારત અને શ્રીલંકા વચ્ચે સદીઓથી સહિયારા વારસા વિશે વાત કરી હતી.

 

પ્રધાનમંત્રી સિલોન વર્કર્સ કોંગ્રેસ અને તમિલ પ્રોગ્રેસિવ એલાયન્સના પ્રતિનિધિઓને પણ મળ્યા હતા.

 

પ્રધાનમંત્રીએ આશરે 30,000 લોકોને સંબોધન કર્યું હતું, જેમાંથી મોટા ભાગના મધ્ય શ્રીલંકાના ભારતીય મૂળના તમિલ લોકો હતા. આ સંબોધનના કેટલાક મુખ્ય અંશો નીચે મુજબ છેઃ

 

અહીં તમારી વચ્ચે ઉપસ્થિત થવું આનંદની વાત છે.

 

અને હું તમારો ઉષ્માસભર અને ઉત્સાહસભર આવકારનો આભારી છું.

 

શ્રીલંકાના આ સુંદર વિસ્તારની મુલાકાત લેનાર પ્રથમ પ્રધાનમંત્રી હોવાનું મને ગૌરવ થાય છે. પણ તમારી સાથે વાત કરવાની તક મળી એ વધુ સન્માનની વાત છે.

 

દુનિયાના લોકો સિલોનની પ્રસિદ્ધ ચાથી પરિચિત છે, જે આ ફળદ્રુપ જમીનમાં પેદા થાય છે.

 

પણ દુનિયાના લાખો લોકો માટે પસંદગીનું પીણું બની ગયેલી સિલોનની આ ચાની પેદાશ પાછળ રહેલા તમારા પરસેવા અને પરિશ્રમથી અજાણ છે.

 

જો અત્યારે શ્રીલંકા ચાની નિકાસમાં દુનિયાનો ત્રીજો મોટો દેશ છે, તો તે માટે તમારી મહેનત જવાબદાર છે.

 

શ્રીલંકા દુનિયાની ચા માટેની માગનો આશરે 17 ટકા હિસ્સો પૂરો પાડે છે અને તમારા દેશને વિદેશી હૂંડિયામણમાં 1.5 અબજ અમેરિકન ડોલરની આવક થાય છે, જેની પાછળ તમારો પ્રેમસભર પરિશ્રમ જવાબદાર છે.

 

તમે શ્રીલંકાના ચા ઉદ્યોગની કરોડરજ્જુ સમાન છો. શ્રીલંકાના ચા ઉદ્યોગને તેની સફળતા ગર્વ છે અને અત્યારે સંપૂર્ણ વિશ્વમાં પહોંચ ધરાવે છે.

 

શ્રીલંકા અને સમગ્ર વિશ્વ તમારા પ્રદાનની કદર કરે છે.

 

હું તમારી મહેનતની કદર કરું છું.

 

તમારી અને મારી વચ્ચે કંઈક સામાન્ય છે.

 

તમારામાંથી કોઈએ કદાચ સાંભળ્યું હશે કે મારો ચા સાથે વિશેષ સંબંધ છે.

 

ચાય પે ચર્ચા એ ફક્ત સ્લોગન નથી.

 

પણ પ્રામાણિક શ્રમનું સન્માન છે.

 

આજે આપણે આપણા પૂર્વજોને યાદ કરીએ છીએ.

 

એ પુરુષો અને મહિલાઓ મજબૂત ઇચ્છાશક્તિ અને સાહસ ધરાવતા હતા, જેમણે ભારતમાંથી તત્કાલિન સિલોન સુધીની સફર ખેડી હતી.

 

તેમની સફર કદાચ પડકારજનક હતી, તેમનો સંઘર્ષ આકરો હતો, પણ તેમણે ક્યારેય સંઘર્ષનો માર્ગ છોડ્યો નહોતો.

 

અત્યારે આપણે એમના જુસ્સાને યાદ કરીએ છીએ અને સલામ કરીએ છીએ.

 

તમારી પેઢીએ પણ ઘણી હાડમારી વેઠી છે.

 

તમે નવા સ્વતંત્ર રાષ્ટ્રમાં તમારી ઓળખ સ્થાપિત કરવા અનેક પડકારોનો સામનો કર્યો હતો.

 

પણ તમે સાહસપૂર્વક તેનો સામનો કર્યો હતો, તમે તમારા અધિકારો માટે લડ્યા હતા, પણ તમે આ માટે શાંતિપૂર્ણ અભિગમ અપનાવ્યો હતો.

 

અમે સૌમિયામૂર્તિ થોંડામન જેવા નેતાઓને ક્યારેય નહીં ભૂલીએ, જેમણે તમારા અધિકારો માટે, તમારા ઉત્થાન માટે અને તમારી આર્થિક સમૃદ્ધિ માટે મહેનત કરી હતી.

 

તમિલ વિદ્વાન કનિયન પુંગુંરાનરે બે હજાર વર્ષ અગાઉ કહ્યું હતું – યાથુમ ઓરે, યાવારુમ કેલિર એટલે કે “દરેક નગર વતન છે અને તમામ લોકો આપણા સગાસંબંધીઓ છે.”

 

અને તમે એ કહેવતને ખરા અર્થમાં સાકાર કરી છે.

 

તમે શ્રીલંકાને તમારું ઘર બનાવ્યું છે.

 

તમે આ સુંદર રાષ્ટ્રના સામાજિક સંબંધોના તાણાવાણા છો, અભિન્ન અંગ છો.

 

તમે તમિલ થાઈના બાળકો છો.

 

તમે દુનિયામાં સૌથી જૂની શાસ્ત્રીય ભાષાઓ પૈકીની એક બોલો છો.

 

તમારામાંથી ઘણા સિંહાલા બોલે છે એ ગર્વની વાત છે.

 

અને ભાષા સંચાર માટેનું અસરકારક માધ્યમ છે.

 

તે સંસ્કૃતિને વ્યાખ્યાયિત કરે છે, સંબંધોને મજબૂત કરે છે, સમૂદાયોને જોડે છે અને મજબૂત એકીકૃત બળ તરીકે કામ કરે છે.

 

શાંતિ અને સંવાદ સાથે જીવતા બહુભાષી સમાજથી વિશેષ કોઈ સ્થાન નથી.

 

વિવિધતા એકતા અને તેની ઉજવણી કરવા માટે છે, નહીં કે ઘર્ષણ માટે.

 

આપણો ભૂતકાળ હંમેશા એકબીજા સાથે વણાયેલો છે.

 

જાતક સહિત કેટલાક બૌદ્ધગ્રંથોમાં સંત અગસ્ત્યનો ઉલ્લેખ છે, જેને અનેક લોકો તમિલ ભાષાના પિતા ગણે છે.

 

સિંહાલીના નાયક કેન્ડીના રાજા મદુરાઈ અને તાંજોરના નાયક રાજાઓ સાથે લગ્નસંબંધો ધરાવતા હતા.

 

સિંહાલા અને તમિલ કોર્ટની ભાષાઓ હતી.

 

હિંદુ મંદિરો અને બૌદ્ધ મઠો બંને આદરણીય અને પૂજનીય હતા.

 

આપણે એકતા અને સંવાદના આ તાણાવાણાને મજબૂત કરવાની જરૂર છે, નહીં કે અલગ કરવાની.

 

તમે આ પ્રકારના પ્રયાસોનું નેતૃત્વ લેવા અને તેમાં તમારું પ્રદાન કરવા શ્રેષ્ઠ સ્થાન ધરાવો છો.

 

હું મૂળે ભારતના ગુજરાત રાજ્યનો છું, જે મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે.

 

લગભગ 90 વર્ષ અગાઉ તેમણે શ્રીલંકાના આ સુંદર વિસ્તારની મુલાકાત લીધી હતી, જેમાં કેન્ડી, નુવારા, એલિયા, મટાલે, બડુલ્લા, બાંદરાવેલા અને હેટ્ટન સામેલ છે.

 

ગાંધીજીની શ્રીલંકાની પ્રથમ અને એકમાત્ર મુલાકાતનો ઉદ્દેશ સામાજિક-આર્થિક વિકાસનો સંદેશ ફેલાવવાનો હતો.

 

એ ઐતિહાસિક મુલાકાતની યાદમાં 2015માં મટાલેમાં ભારત સરકારની સહાયથી મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય કેન્દ્રની સ્થાપના કરવામાં આવી હતી.

 

પછીના વર્ષોમાં ભારતના અન્ય એક રાષ્ટ્રીય નાયક પુરાત્ચી થલાઇવર એમજીઆરનો જન્મ આ ભૂમિ પર થયો હતો, જેમણે આજીવન સંબંધ સ્થાપિત કર્યો હતો.

 

અને તાજેતરમાં તમે દુનિયાના શ્રેષ્ઠ સ્પિનર્સમાંના એક મુથૈયા મુરલીધરનની ભેટ આપી છે.

 

તમારી પ્રગતિ અમારા માટે ગર્વની વાત છે.

 

અમને જીવનના વિવિધ ક્ષેત્રોમાં તમારી સિદ્ધિઓમાંથી ઘણો આનંદ મળ્યો છે.

 

અમને ભારતીય-મૂળના ડાયસ્પોરાની સફળતાનો આનંદ છે, કારણ કે તેમણે નજીકના અને દૂરના દેશોમાં સારી એવી સફળતા હાંસલ કરી છે.

 

હું વધુ સફળતા જોવા આતુર છું.

 

તમે ભારત અને શ્રીલંકાના લોકો અને સરકાર વચ્ચે મહત્વપૂર્ણ કડી છો.

 

અમે તમને આ સુંદર દેશ સાથે અમારા જોડાણનો ભાગ માનીએ છીએ.

 

આ જોડાણને વધારે મજબૂત કરવું મારી સરકારની પ્રાથમિકતા છે.

 

વળી આપણા સંબંધો અને જોડાણને એ રીતે વધારવા આતુર છું, જેનાથી તમામ ભારતીયો અને શ્રીલંકનોની પ્રગતિમાં પ્રદાન થાય અને તમારા જીવનને પણ સ્પર્શે.

 

તમે ભારત સાથે તમારું જોડાણ જીવંત રાખ્યું છે.

 

તમે ભારતમાં મિત્રો અને સગાસંબંધીઓ ધરાવો છો.

 

તમે તમારી રીતે ભારતીય તહેવારોની ઉજવણી કરો છો.

 

તમે આપણી સંસ્કૃતિને તમારી રીતે જીવંત રાખી છે.

 

તમારા હૃદયમાં ભારત ધબકે છે.

 

અને હું તમને અહીં એ જણાવું છું કે ભારત તમારી લાગણીને સંપૂર્ણપણે સમજે છે.

 

અમે શક્ય તમામ રીતે તમારા સામાજિક-આર્થિક ઉત્થાન માટે અવિરતપણે કામ કરવાનું ચાલુ રાખીશું.

 

હું જાણું છું કે શ્રીલંકાની સરકાર તમારું જીવનધોરણ સુધારવા વિવિધ પગલાં લઈ રહી છે, જેમાં 5 વર્ષની રાષ્ટ્રીય કાર્યયોજના સામેલ છે.

 

આ દિશામાં તેમના પ્રયાસોને ભારત સંપૂર્ણ સાથસહકાર આપશે.

 

ભારતે તમારી સુખાકારી માટે ઘણા પ્રોજેક્ટ્સ પણ શ્રીલંકાની સરકાર સાથે હાથ ધર્યા છે, ખાસ કરીને શિક્ષણ, સ્વાસ્થ્ય અને સામૂદાયિક વિકાસના ક્ષેત્રોમાં.

 

સિલોન એસ્ટેટ વર્કર્સ એજ્યુકેશન ટ્રસ્ટ (સીઇડબલ્યુઇટી)ની સ્થાપના 1947માં થઈ હતી, જેનો ઉદ્દેશ તેમના અભ્યાસને જાળવવા હોંશિયાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનો છે.

 

આ અંતર્ગત અમે શ્રીલંકા અને ભારતમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓને વર્ષે આશરે 700 શિષ્યાવૃત્તિઓ ઓફર કરીએ છીએ.

 

તેનો ફાયદો તમારા બાળકોને થાય છે.

 

આજીવિકા અને ક્ષમતા નિર્માણના ક્ષેત્રમાં અમે જરૂરી કૌશલ્ય પ્રદાન કરવા રોજગારલક્ષી તાલીમ કેન્દ્રો અને 10 ઇંગ્લિશ લેંગ્વેજ તાલીમ કેન્દ્રો તથા પ્રયોગશાળાઓ સ્થાપિત કરી છે.

 

તે જ રીતે અમે પ્લાન્ટેશન સ્કૂલ્સમાં કમ્પ્યુટર અને વિજ્ઞાનની પ્રયોગશાળાઓ સ્થાપિત કરવામાં મદદ કરી છે.

 

અમે અનેક પ્લાન્ટેશન સ્કૂલ્સનું અપગ્રેડેશન કર્યું છે.

 

હજુ થોડા સમય અગાઉ રાષ્ટ્રપતિ સિરિસેના, પ્રધાનમંત્રી રાનીલ વિક્રમસિંઘે અને મેં ડિકોયામાં 150 બેડની સુવિધા ધરાવતી નવી હોસ્પિટલ લોકોને અર્પણ કરી હતી, જેનું નિર્માણ ભારતીય સહાય સાથે થયું છે.

 

તે આ વિસ્તારની હેલ્થકેરની જરૂરિયાતો પૂર્ણ કરતી અત્યાધુનિક સુવિધા છે.

 

મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે અમે 1990 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ અન્ય તમામ પ્રાંતોમાં એક્સટેન્ડ કરવાનો નિર્ણય લીધો છે, જે અત્યારે પશ્ચિમ અને દક્ષિણ પ્રાંતોમાં કાર્યરત છે.

 

અમને યોગ અને આયુર્વેદ જેવી ભારતની સંપૂર્ણ હેલ્થકેર પરંપરાઓ તમારી સાથે વહેંચવાની ખુશી છે.

 

આપણે આગામી મહિને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરીશું એટલે અમે તેના વિવિધ લાભને લોકપ્રિય બનાવવામાં તમારી સક્રિય ભાગીદારી મેળવવા આતુર છીએ.

 

શ્રીલંકામાં નવીન ઇન્ડિયન હાઉસિંગ પ્રોજેક્ટના ભાગરૂપે 4000 મકાનોનું નિર્માણ અપકન્ટ્રી વિસ્તારોમાં થઈ રહ્યું છે.

 

મને ખુશી છે કે પ્રથમ વખત લાભાર્થીઓને જમીનની માલિકી મળી છે, જેના પર મકાનોનું નિર્માણ થઈ રહ્યું છે.

 

આ વિસ્તારમાં અમારી પ્રતિબદ્ધતા જાળવવા મને આ પ્રોજેક્ટ અંતર્ગત અપકન્ટ્રી એરિયામાં વધુ 10,000 મકાનોનું નિર્માણ કરવાની જાહેરાત કરતા ખુશી થાય છે.

 

આજે સવારે મેં કોલંબોથી વારાણસીની એર ઇન્ડિયાની સીધી ફ્લાઇટની જાહેરાત કરી હતી.

 

આ ફ્લાઇટ સાથે તમે સરળતાપૂર્વક વારાણસીની મુલાકાત લઈ શકશો અને ભગવાન શિવના આશીર્વાદ મેળવી શકશો.

 

સરકાર અને ભારતના લોકો શાંતિ અને સમૃદ્ધિની આ સફરમાં તમારી સાથે છે.

 

અમે તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવા ભૂતકાળની સમસ્યાઓનું સમાધાન કરવા તમારી મદદ કરીશું.

 

મહાન કવિ થિરુવલ્લુવરે કહ્યું હતું કે, “અખૂટ ઊર્જા અને પ્રયાસો ધરાવતા પુરુષને સંપત્તિ આપમેળે મળશે.”

 

મને ખાતરી છે કે તમારું ભવિષ્ય ઉજ્જવળ છે, જે તમારા બાળકોના સ્વપ્નોને સાકાર કરશે અને તમારા વારસાની સંભવિતતા પૂર્ણ કરશે.

 

ધન્યવાદ, નાન્દ્રી.

 

તમારો ખૂબ આભાર.

 

TR