Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઝારખંડમાં દુષ્કાળ અને પાણીની તંગીની સ્થિતિની સમીક્ષા ઝારખંડના મુખ્યમંત્રી સાથે કરી

પ્રધાનમંત્રીએ ઝારખંડમાં દુષ્કાળ અને પાણીની તંગીની સ્થિતિની સમીક્ષા ઝારખંડના મુખ્યમંત્રી સાથે કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે ઝારખંડના કેટલાક વિસ્તારોમાં દુષ્કાળ અને પાણીની તંગીની સ્થિતિ વિષેની એક ઉચ્ચસ્તરીય બેઠક રવિવારે મળી હતી. ઝારખંડના મુખ્યમંત્રી, શ્રી રઘુવર દાસ આ બેઠકમાં ઉપસ્થિત હતા. ભારત સરકારના તેમજ ઝારખંડ રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા.

રાજય સરકારને વર્ષ 2015-16 માટે સ્ટેટ ડીઝાસ્ટર રીસ્પોન્સ ફંડમાં (એસડીઆરએફ) કેન્દ્રના ફાળાની રૂ. 273 કરોડની રકમ ચૂકવાઈ છે. વર્ષ 2016-17 માટેની એસડીઆરએફના પ્રથમ હપ્તાની રકમ રૂ. 143.25 કરોડ પણ ચૂકવવામાં આવી છે.

રાજય સરકારે એસડીઆરએફ હેઠળ 12 લાખ ખેડૂતોને રૂ. 376 કરોડની રકમ ડીબીટી દ્વારા ચૂકવી આપી છે. ડીબીટી દ્વારા જ રૂ. 53 કરોડની વીમાના દાવાઓની રકમ પણ ચૂકવાઈ છે.

ઝારખંડ આગામી બે વર્ષમાં રાજ્યમાં સિંચાઈ હેઠળનો વિસ્તાર બમણો કરીને હાલના 19 ટકાથી વધારીને 40 ટકા કરવાનું આયોજન ધરાવે છે. રાજ્યની યોજના હેઠળ એક લાખ ખેત તલાવડીઓનું નિર્માણ કરવાનું આયોજન છે અને બીજી પાંચ લાખ ખેત તલાવડીઓ મનરેગા હેઠળ બનાવવામાં આવશે. રાજ્યમાં આવા જળ સ્ત્રોતોમાં મત્સ્ય ઉછેરને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ જળ સંચય માટે એક વ્યાપક સામુહિક અભિયાન હાથ ધરવાની હાકલ કરી હતી અને જણાવ્યું હતું કે, એનસીસી, એનએસએસ, એનવાયકેએસ તથા સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સ જેવી યુવા સંસ્થાઓને જળ સંગ્રહ માળખાઓની રચનામાં સામેલ કરવી જોઈએ.

મુખ્યમંત્રીશ્રીએ એવી માહિતી આપી હતી કે, રાજ્યમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના માટેના ટેન્ડર્સનો નિર્ણય લેવાઈ ગયો છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના અમલીકરણની દિશામાં પ્રગતિ ઉપર નિયમિત રીતે દેખરેખ રાખવી મહત્ત્વનું હોવાનું પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ સોઈલ હેલ્થ કાર્ડ માટે એક વ્યાપક સામુહિક અભિયાન ચલાવવાની હાકલ કરી હતી અને જણાવ્યું હતું કે, સોઈલ હેલ્થ કાર્ડ કાર્યક્રમને સફળ બનાવવા માટે “મોબિલાઈઝેશન, મોમેન્ટમ અને મિકેનિઝમ” (સક્રિય કરવા, ગતિ આપવી અને તંત્ર ગોઠવવું) તમામ જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, સોઈલ ટેસ્ટીંગને એક કૌશલ્ય તરીકે વિકસાવવામાં આવવું જોઈએ અને ‘મુદ્રા’ના માધ્યમથી લેબ્સની સ્થાપના માટે લોન પણ આપી શકાય.

ટેકનોલોજીના ઉપયોગની મહત્તા ઉપર ભાર મુકતાં પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું હતું કે, જીઓ-ટેગીંગ દ્વારા અને હાથમાં પકડી રાખી શકાય તેવા ઉપકરણો દ્વારા લીધેલા ફોટોગ્રાફ્સ અપલોડ કરીને મનરેગા દ્વારા ઉભી કરવામાં આવેલી અસ્કયામતોનું રીપોર્ટીંગ કરી શકાય. તેમણે જીઓ-ટેગીંગ દ્વારા અને વિશિષ્ટ નંબરો દ્વારા તમામ જળ સ્ત્રોતોની અલાયદી ઓળખ સ્થાપિત કરવાનો પણ અનુરોધ કર્યો હતો.

કેન્દ્ર સરકાર અને રાજય સરકારના સહયોગથી કામ કરવાના દ્રઢ નિર્ધાર સાથે બેઠકનું સમાપન થયું હતું.

AP/J.Khunt