Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ જી20 ભ્રષ્ટાચાર વિરોધી મંત્રીસ્તરીય બેઠકને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ જી20 ભ્રષ્ટાચાર વિરોધી મંત્રીસ્તરીય બેઠકને સંબોધન કર્યું


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશ મારફતે કોલકાતામાં આયોજિત જી20 ભ્રષ્ટાચાર વિરોધી મંત્રીસ્તરીય બેઠકને સંબોધન કર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ નોબેલ પારિતોષિક વિજેતા ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરનાં કોલકાતાનાં શહેરમાં ઉપસ્થિત મહાનુભવોનું સ્વાગત કર્યું હતું અને જણાવ્યું હતું કે, રૂબરૂમાં યોજાઈ રહેલી આ સૌપ્રથમ જી-20 ભ્રષ્ટાચાર વિરોધી મંત્રીસ્તરીય બેઠક છે. ટાગોરનાં લખાણોનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ લોભ સામે ચેતવણી આપી હતી, કારણ કે તે આપણને સત્યનો સાક્ષાત્કાર કરતાં અટકાવે છે. તેમણે પ્રાચીન ભારતીય ઉપનિષદોનો પણ ઉલ્લેખ કર્યો જે મા ગૃધમાટે પ્રયત્નશીલ છે, જેનો અર્થ થાય છે ,’લોભ ન થવા દો‘.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારની સૌથી વધુ અસર ગરીબો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને થાય છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તે સંસાધનોના ઉપયોગને અસર કરે છે, બજારોને વિકૃત કરે છે, સેવા વિતરણને અસર કરે છે અને આખરે લોકોનાં જીવનની ગુણવત્તાને ઘટાડે છે. અર્થશાસ્ત્રમાં કૌટિલ્યનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રાજ્યનાં લોકોનાં મહત્તમ કલ્યાણ માટે સંસાધનો વધારવાની સરકારની ફરજ છે. તેમણે આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ભ્રષ્ટાચાર સામે લડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, આ સરકારની તેના લોકો પ્રત્યેની પવિત્ર ફરજ છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “ભારત ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની કડક નીતિ ધરાવે છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત પારદર્શક અને જવાબદાર ઇકોસિસ્ટમ ઊભી કરવા માટે ટેક્નૉલોજી અને ઇ-ગવર્નન્સનો ઉપયોગ કરી રહ્યું છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, કલ્યાણકારક યોજનાઓ અને સરકારી પ્રોજેક્ટ્સમાં લિકેજ અને ખામીઓ દૂર કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આનાં પરિણામે ભારતમાં કરોડો લોકોને તેમનાં બૅન્ક ખાતાઓમાં 360 અબજ ડૉલરથી વધારે રકમનો સીધો લાભ હસ્તાંતરણ થયો છે અને 33 અબજ ડૉલરથી વધારેની બચત કરવામાં મદદ મળી છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, સરકારે વેપાર-વાણિજ્ય માટે વિવિધ પ્રક્રિયાઓને સરળ બનાવી છે તથા છિદ્રોની તકો દૂર કરનારી સરકારી સેવાઓનાં ઑટોમેશન અને ડિજિટાઇઝેશનનું ઉદાહરણ આપ્યું. તેમણે ઉમેર્યું હતું કે, “અમારાં સરકારી ઇ-માર્કેટપ્લેસ અથવા જીઇએમ પોર્ટલે સરકારી ખરીદીમાં વધારે પારદર્શકતા લાવી છે.” વર્ષ 2018માં આર્થિક અપરાધી ધારો લાગુ કરવા વિશે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકાર આક્રમક રીતે આર્થિક અપરાધીઓની શોધ કરી રહી છે તથા આર્થિક અપરાધીઓ અને ભાગેડુઓ પાસેથી 1.8 અબજ ડૉલરથી વધારે મૂલ્યની સંપત્તિની વસૂલાત વિશે જાણકારી આપી હતી. તેમણે પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેણે વર્ષ 2014થી અત્યાર સુધીમાં અપરાધીઓની 12 અબજ ડૉલરથી વધારેની સંપત્તિ ટાંચમાં લેવામાં મદદ કરી છે.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ વર્ષ 2014માં તેમના સૌ પ્રથમ જી-20 શિખર સંમેલનમાં તમામ જી20 દેશો અને ગ્લોબલ સાઉથ માટે ભાગેડુ આર્થિક અપરાધીઓના પડકારો પર બોલવાનું યાદ કર્યું હતું. તેમણે વર્ષ 2018માં જી-20 શિખર સંમેલનમાં ભાગેડુ આર્થિક અપરાધીઓ સામે પગલાં લેવા અને એસેટ રિકવરી માટે નવ સૂત્રીય એજન્ડા પ્રસ્તુત કરવાનો ઉલ્લેખ પણ કર્યો હતો તથા કાર્યકારી જૂથ દ્વારા નિર્ણાયક પગલાં લેવામાં આવી રહ્યા હોવાની ખુશી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ ત્રણ પ્રાથમિકતા ધરાવતાં ક્ષેત્રો પર કાર્યલક્ષી ઉચ્ચ-સ્તરીય સિદ્ધાંતોનું સ્વાગત કર્યું હતું, જેમાં માહિતીનાં આદાન-પ્રદાન મારફતે કાયદાનો અમલ કરવા માટે સહકાર, સંપત્તિની વસૂલાતની વ્યવસ્થાને મજબૂત કરવી તથા ભ્રષ્ટાચાર વિરોધી સત્તામંડળોની અખંડતા અને અસરકારકતામાં વધારો સામેલ છે. તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો કે, કાયદાનો અમલ કરાવતી સંસ્થાઓ વચ્ચે અનૌપચારિક સહકાર પર સમજૂતી થઈ છે, જે અપરાધીઓને સરહદો પાર કરતી વખતે કાયદાકીય છટકબારીઓનો ઉપયોગ કરતાં અટકાવશે.

અપરાધની આવક-સંપત્તિને સમયસર શોધી કાઢવા અને તેની ઓળખ કરવાનાં મહત્ત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ દેશોને તેમની સ્થાનિક અસ્કયામતોની રિકવરી વ્યવસ્થા વધારવા માટે પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. શ્રી મોદીએ સૂચવ્યું હતું કે, જી20 દેશો વિદેશી અસ્કયામતોની ઝડપથી રિકવરી કરવા માટે બિન-દોષિત ઠરવા પર આધારિત જપ્તીઓનો ઉપયોગ કરીને એક ઉદાહરણ સ્થાપિત કરી શકે છે. તેમણે કહ્યું હતું કે, આ ઉચિત ન્યાયિક પ્રક્રિયા પછી અપરાધીઓને ઝડપથી પરત કરવા અને તેમનું પ્રત્યાર્પણ સુનિશ્ચિત કરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “તેનાથી ભ્રષ્ટાચાર સામેની આપણી સંયુક્ત લડાઈ વિશે મજબૂત સંકેત મળશે.”

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જી-20 દેશોના સહિયારા પ્રયાસો ભ્રષ્ટાચાર સામેની લડાઈને નોંધપાત્ર રીતે ટેકો આપી શકે છે અને આંતરરાષ્ટ્રીય સહકાર વધારીને અને ભ્રષ્ટાચારનાં મૂળ કારણોને ધ્યાનમાં રાખીને મજબૂત પગલાંનાં અમલીકરણ મારફતે મોટો તફાવત પાડી શકાય છે.

શ્રી મોદીએ ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં ઑડિટ સંસ્થાઓની ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો. સંબોધનનાં સમાપનમાં પ્રધાનમંત્રીએ મહાનુભવોને આપણી વહીવટી અને કાનૂની વ્યવસ્થાને મજબૂત કરવાની સાથે મૂલ્ય વ્યવસ્થામાં નૈતિકતા અને અખંડિતતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા વિનંતી કરી હતી. “આમ કરીને જ આપણે ન્યાયી અને ટકાઉ સમાજનો પાયો નાખી શકીએ છીએ. હું તમને બધાને ફળદાયક અને સફળ બેઠકની શુભેચ્છા પાઠવું છું,” એમ પ્રધાનમંત્રીએ સમાપન કર્યું.

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com