પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે પૂણેમાં આયોજિત જી20 સંગઠનના સભ્ય દેશોના શિક્ષણ મંત્રીઓની બેઠકને સંબોધન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ આ બેઠકને સંબોધન કરીને જણાવ્યું હતું કે, શિક્ષણ આપણી સભ્યતાનો પાયો હોવાની સાથે માનવજાતના ભવિષ્યનું શિલ્પી પણ છે, જે આપણું ઘડતર કરે છે. પ્રધાનમંત્રીએ શિક્ષણ મંત્રીઓને શેરપા કહીને સંબોધિત કર્યા હતા અને કહ્યું હતું કે, તેઓ તમામ માટે વિકાસ, શાંતિ અને સમૃદ્ધિ લાવવા તેમના પ્રયાસોમાં માનવજાતનું નેતૃત્વ કરી રહ્યાં છે. શ્રી મોદીએ ભારતીય શાસ્ત્રોનો વિશેષ ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, ભારતીય પ્રાચીન ગ્રંથો, ધર્મગ્રંથો કે આધ્યાત્મિક ગ્રંથો સાચો આનંદ લાવવા માટે ચાવીરૂપ માધ્યમ તરીકે શિક્ષણની ભૂમિકાનું વર્ણન કરે છે. તેમણે એ સંસ્કૃત શ્લોકનું ઉચ્ચારણ કર્યું હતું, જેનો અર્થ થાય છે – ‘સાચું જ્ઞાન માનવતા પ્રકટ કરે છે, માનવતામાંથી પાત્રતા પ્રાપ્ત થાય છે, પાત્રતા કેળવીને કોઈ પણ વ્યક્તિ સંપત્તિ મેળવે છે, સંપત્તિ વ્યક્તિને સત્કર્મો કરવા સક્ષમ બનાવે છે અને સત્કર્મોમાંથી સાચો આનંદ પ્રાપ્ત થાય છે.’ પછી પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતે સર્વાંગી અને સંપૂર્ણ સફર શરૂ કરી છે. શ્રી મોદીએ ભાર મૂક્યો હતો કે, મૂળભૂત સાક્ષરતા યુવા પેઢી માટે મજબૂત પાયો નાંખે છે અને ભારત એનો સમન્વય ટેકનોલોજી સાથે કરી રહ્યો છે. તેમણે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી ”નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અંડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યૂમેરસી (સમજણ અને આંકડાકીય જાણકારી સાથે વાચનમાં નિપુણતા માટેની રાષ્ટ્રીય પહેલ)” અથવા ‘નિપુણ ભારત‘ પહેલ વિશે જાણકારી આપી હતી અને ખુશી વ્યક્તિ કરીને કહ્યું હતું કે, ‘મૂળભૂત સાક્ષરતા અને આંકડાકીય જાણકારી‘ને જી20ની પ્રાથમિકતા તરીકે પણ ઓળખવામાં આવી છે. તેમણે વર્ષ 2030 સુધીમાં નિર્ધારિત સમયમર્યાદામાં કામ કરવાનો આગ્રહ પણ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નવી ઇ-લર્નિંગની પદ્ધતિને સ્વીકાર કરવો અને નવીન રીતે ઉપયોગ કરવો જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, આની પાછળનો ઉદ્દેશ શ્રેષ્ઠ વહીવટ કે સુશાસન સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવાનો હોવો જોઈએ. તેમણે આ દિશામાં સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી કેટલીક પહેલો વિશે માહિતી આપી હતી અને ઓનલાઇન પ્લેટફોર્મ ‘સ્વયંમ‘ અથવા ‘સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ-લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ્સ (યુવા આકાંક્ષીઓ માટે સક્રિય શિક્ષણના અભ્યાસની જાળ‘નો ઉલ્લેખ પણ કર્યો હતો. આ ઓનલાઇન પ્લેટફોર્મ ધોરણ-9થી અનુસ્નાતક સ્તર સુધીના તમામ અભ્યાસક્રમો ધરાવે છે તથા વિદ્યાર્થીઓને રિમોટલી (દૂરસ્થ સ્થાન પરથી) તેમની અનુકૂળતાએ અભ્યાસ કરવા સક્ષમ બનાવે છે તેમજ સાથે સાથે શિક્ષણની સુલભતા, સમાનતા અને ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “34 મિલિયનથી વધારે નોંધણીઓ અને 9000થી વધારે અભ્યાસક્રમો સાથે આ પ્લેટફોર્મ અતિ અસરકારક શૈક્ષણિક માધ્યમ બની ગયું છે.” તેમણે ‘ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નૉલેજ શેરિંગ (જ્ઞાન વહેંચણી માટે ડિજિટલ માળખાગત સુવિધા) ’ કે ‘દિક્ષા પોર્ટલ’નો ઉલ્લેખ પણ કર્યો હતો, જેનો ઉદ્દેશ દૂરસ્થ શિક્ષણ મારફતે શાળા શિક્ષણ પ્રદાન કરવાનો છે. શ્રી મોદીએ જાણકારી આપી હતી કે, આ પોર્ટલ 29 ભારતીય અને 7 વિદેશી ભાષાઓમાં શિક્ષણને ટેકો આપે છે તથા અત્યાર સુધી 137 મિલિયનથી વધારે લોકોએ અભ્યાસક્રમ પૂર્ણ કર્યો છે. શ્રી મોદીએ એ બાબતે પણ ધ્યાન દોર્યું હતું કે, ભારત આ અનુભવો અ સંસાધનો વહેંચીને આનંદ અનુભવશે, ખાસ કરીને ગ્લોબલ સાઉથના દેશો સાથે.
પ્રધાનમંત્રીએ આપણા દેશની યુવા પેઢીને સતત કુશળતા મેળવવા, નવી આવશ્યક કુશળતાઓ સંપાદિત કરવા અને કૌશલ્ય સંવર્ધન કરવા સક્ષમ બનાવીને ભવિષ્ય માટે તૈયાર કરવાની જરૂરિયાત પર ભાર મૂકીને તેમની સક્ષમતાઓને કામગીરીની બદલાતી જરૂરિયાતો અને રીતો સાથે સુસંગત બનાવવાનો આગ્રહ કર્યો હતો. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, ભારતમાં અમે કૌશલ્ય સાથે સંબંધિત વિવિધ પાસાનું મૂલ્યાંકન કરીએ છીએ, જેમાં શિક્ષણ, કૌશલ્ય અને શ્રમ મંત્રીઓ આ પહેલ પર કામ કરે છે. શ્રી મોદીએ એવું સૂચન પણ કર્યું હતું કે, જી-20 સંગઠનનાં દેશો આંતરરાષ્ટ્રીય સ્તરે કૌશલ્ય સાથે સંબંધિત વિવિધ પાસાનું મૂલ્યાંકન કરી શકે છે અને જે ખામીઓ દૂર કરવાની જરૂર જણાય તેને દૂર કરી શકે છે.
પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, ડિજિટલ ટેકનોલોજી સમાનતા લાવવા માટે પ્રેરકબળ તરીકે કામ કરે છે અને સર્વસમાવેશકતાને પ્રોત્સાહન આપે છે. તેમણે કહ્યું હતું કે, શિક્ષણની સુલભતા વધારવા અને ભવિષ્યની જરૂરિયાતો સ્વીકારવા આ બહુસ્તરીય પ્રભાવશાળી પ્રેરકબળ છે. તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સંભવિતતા પર પણ વાત કરી હતી, જે શિક્ષણ, કૌશલ્ય અને અભ્યાસનાં ક્ષેત્રમાં શ્રેષ્ઠ સંભવિતતાઓ પૂરી પાડે છે. તેમણે ટેકનોલોજીથી ઊભી થયેલી તકો અને સાથે સાથે ઊભા થયેલા પડકારો વચ્ચે ઉચિત સંતુલન સ્થાપિત કરવામાં જી-20ની ભૂમિકા પર પણ ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રીએ શિક્ષણ અને નવીનતા પર ભાર મૂકીને જણાવ્યું હતું કે, ભારતે સમગ્ર દેશમાં દસ હજાર ‘અટલ ટિન્કરિંગ લેબ’ સ્થાપિત કરી છે, જે આપણાં દેશમાં શાળાઓમાં શિક્ષણ મેળવતા બાળકો માટે સંશોધન અને નવીનતાઓની પ્રયોગશાળાઓ તરીકે કામ કરે છે. તેમણે જાણકારી આપી હતી કે, આ પ્રયોગશાળાઓમાં 1.2 મિલિયનથી વધારે ઇનોવેટિવ પ્રોજેક્ટ પર 7.5 મિલિયનથી વધારે વિદ્યાર્થીઓ કામ કરે છે. પ્રધાનમંત્રીએ આગ્રહ કર્યો હતો કે, જી20 દેશો તેમની ક્ષમતાઓ સાથે સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે છે, ખાસ કરીને ગ્લોબલ સાઉથમાં. તેમણે બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવોને સંશોધનાત્મક જોડાણમાં વધારો કરવા માટે માર્ગ મોકળો કરવા અપીલ કરી હતી.
પ્રધાનમંત્રીએ આપણા બાળકો અને યુવા પેઢીના ભવિષ્ય માટે જી20ના શિક્ષણ મંત્રીઓની બેઠકના મહત્વ વિશે જાણકારી આપીને ખુશી વ્યક્ત કરી હતી કે, સંગઠને સતત વિકાસ લક્ષ્યાંકો હાંસલ કરવા માટે પ્રેરકબળો તરીકે પર્યાવરણલક્ષી પરિવર્તન, ડિજિટલ પરિવર્તન અને મહિલાઓનું સશક્તિકરણની ઓળખ કરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આ તમામ પ્રયાસોના મૂળમાં શિક્ષણ છે.” તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, બેઠકનું પરિણામ સર્વસમાવેશક, કાર્યલક્ષી અને ભવિષ્ય માટે સજ્જ શૈક્ષણિક એજન્ડા સ્વરૂપે મળશે. પ્રધાનમંત્રીએ તેમનું સંબોધન પૂર્ણ કરતાં કહ્યું હતું કે, “આનાથી વસુધૈવ કુટુમ્બકમ – એક પૃથ્વી, એક પરિવાર, એકસમાન ભવિષ્યનાં ખરાં જુસ્સા સાથે સંપૂર્ણ દુનિયાને લાભ થશે.”
LIVE. PM @narendramodi‘s remarks at the G20 Education Ministers’ Meeting. @g20org https://t.co/vnIEULayWf
— PMO India (@PMOIndia) June 22, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
LIVE. PM @narendramodi's remarks at the G20 Education Ministers' Meeting. @g20org https://t.co/vnIEULayWf
— PMO India (@PMOIndia) June 22, 2023