ચાલુ વર્ષ અને નવા દાયકાની પોતાના સૌપ્રથમ મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે, બ્રૂ-રિયાંગ સમજૂતીથી બે દાયકાથી વધારે જૂની શરણાર્થીઓની સમસ્યાનો અંત લાવશે, જેનાથી મિઝોરમમાં 34,000થી વધારે શરણાર્થીઓને રાહત અને સહાય મળશે.
આ સમસ્યાને વિગતવાર સમજાવતા શ્રી મોદીએ કહ્યું હતું કે, “આ સમસ્યા 1990ના દાયકા સાથે સંબંધિત છે. વર્ષ 1997માં જાતિગત તણાવને કારણે બ્રૂ-રિયાંગ જનજાતિઓના લોકોને મિઝોરમ છોડવાની અને ત્રિપુરામાં શરણ લેવાની ફરજ પડી હતી. આ શરણાર્થીઓને ઉત્તર ત્રિપુરામાં કંચનપુરમાં અસ્થાયી છાવણીઓમાં રાખવામાં આવ્યાં હતાં. બ્રૂ-રિયાંગ સમુદાયનાં લોકોએ એમના જીવનનાં મહત્ત્વપૂર્ણ વર્ષો બહુ દર્દનાક સ્થિતિમાં શરણાર્થીઓ તરીકે પસાર કર્યા છે એ કમનસીબ બાબત છે. છાવણીઓમાં જીવન એટલે તમામ મૂળભૂત સુવિધાઓથી વંચિત થઈ જવું. છેલ્લાં 23 વર્ષથી આ જનજાતિઓના લોકો ઘર, જમીન, તબીબી સહાય, બાળકોને શૈક્ષણિક સુવિધા વિના પસાર કરતાં હતાં.”
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેટલીક સરકારોને આ સમસ્યાનું સમાધાન મળતું નહોતું. આ સરકારો શરણાર્થીઓની પીડા સમજતી નહોતી. તેમણે ભારતીય બંધારણમાં શરણાર્થીઓના વિશ્વાસની પ્રશંસા કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, એમના વિશ્વાસને કારણે જ હવે ઐતિહાસિક સમજૂતી થઈ છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ મહિનામાં દિલ્હીમાં આ સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા.
તેમણે કહ્યું હતું કે, “એમના વિશ્વાસને પરિણામે જ એમના જીવનમાં આજે નવી શરૂઆત થઈ છે. સમજૂતી અંતર્ગત હવે એમના માટે સન્માન સાથે, ગરિમાપૂર્ણ જીવન જીવવાનો માર્ગ મોકળો થયો છે. છેવટે 2020નો નવો દાયકો બ્રૂ-રિયાંગ સમુદાયનાં જીવનમાં એક નવી આશા અને અપેક્ષાનું કિરણ લઈને આવ્યો છે.”
આ સમજૂતીના ફાયદા સમજાવતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ત્રિપુરામાં આશરે 34,000 બ્રૂ શરણાર્થીઓનું પુનર્વસન થશે. એટલું જ નહીં સરકારે એમના પુનર્વસન અને સર્વાંગી વિકાસ માટે રૂ. 600 કરોડની સહાય પણ આપશે. દરેક વિસ્થાપિત પરિવારને જમીનનો એક પ્લોટ આપવામાં આવશે. તેમને ઘર બનાવવા માટે પણ સહાય કરવામાં આવશે. ઉપરાંત એમના માટે રાશનની વ્યવસ્થા પણ કરવામાં આવશે. તેઓ હવે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જનકલ્યાણ યોજનો લાભ પણ મેળવી શકશે.”
પ્રધાનમંત્રીએ આ સમજૂતીને વિશેષ ગણાવી હતી, કારણ કે આ સમજૂતી સહકારી સંઘવાદનું પ્રતીક છે.
તેમણે કહ્યું હતું કે, “આ સમજૂતી ભારતીય સંસ્કૃતિની સ્વાભાવિક સંવેદના અને કરુણાનું પણ પ્રતીક છે.”
હિંસા છોડો – મુખ્ય પ્રવાહમાં પુનરાગમન કરો
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોઈ પણ સમસ્યાનું સમાધાન હિંસા ન હોઈ શકે છે. તેમણે અસમમાં 8 જુદાં જુદાં જૂથોના 644 ઉગ્રવાદીઓની પ્રશંસા કરી હતી, જેમણે શસ્ત્રોનું સમર્પણ કર્યું હતું અને મુખ્ય પ્રવાહમાં ફરવાનો નિર્ણય લીધો હતો.
તેમણે કહ્યું હતું કે, “ભવ્ય ‘ખેલો ઇન્ડિયા’ રમતોત્સવનું સફળતાપૂર્વક આયોજન કરનાર અસમમાં વધુ એક મહત્ત્વપૂર્ણ સફળતા હાંસલ થઈ છે. થોડા દિવસ અગાઉ 8 જુદા-જુદા ઉગ્રવાદી જૂથો સાથે સંબંધિત 644 ઉગ્રવાદીઓએ તેમના શસ્ત્રો સાથે આત્મસમર્પણ કર્યું હતું. જેમણે હિંસાનો માર્ગ છોડ્યો છે, તેમણે શાંતિમાં તેમનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને દેશની પ્રગતિમાં સહભાગી થવાનો અને મુખ્ય પ્રવાહમાં પરત ફરવાનો નિર્ણય લીધો છે.”
તેમણે જણાવ્યું હતું કે, એ જ રીતે ત્રિપુરામાં 80થી વધારે લોકોએ હિંસાનો માર્ગ છોડીને મુખ્ય પ્રવાહમાં પુનરાગમન કર્યું છે તેમજ ઉત્તર-પૂર્વમાં ઉગ્રવાદમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
તેમણે કહ્યું હતું કે, “આનું સૌથી મોટું કારણ એ છે કે, આ વિસ્તારની દરેક સમસ્યાનું સમાધાન પ્રામાણિકતાપૂર્વક અને શાંતિપૂર્ણ રીતે સંવાદ દ્વારા કરવામાં આવ્યું છે.”
તેમણે હજુ પણ હિંસાનાં માર્ગે ચાલતા લોકોને મુખ્ય પ્રવાહમાં પુનરાગમન કરવાની અપીલ કરી હતી.
તેમણે કહ્યું હતું કે, “પ્રજાસત્તાક દિવસનાં પવિત્ર પર્વ પર હું દેશના કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિને મુખ્ય પ્રવાહમાં પુનરાગમન કરવાની અપીલ કરું છું, જેઓ હજુ પણ સમસ્યાનું સમાધાન હિંસા અને શસ્ત્ર દ્વારા લાવવા ઇચ્છે છે. તેમણે તેમની પોતાની ક્ષમતામાં વિશ્વાસ ધરાવવો પડશે, તેમણે સમસ્યાનું શાંતિપૂર્ણ રીતે સમાધાન કરવાની આ દેશની ક્ષમતામાં વિશ્વાસ કરવો પડશે.”
RP