પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં G-20 સમિટની સાથે સાથે 19 નવેમ્બરે ચિલીના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ગેબ્રિયલ બોરિક ફોન્ટ સાથે મુલાકાત કરી હતી.
બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી અને સહકારને મજબૂત કરવા માટે અનેક પહેલોની ઓળખ કરી. પ્રધાનમંત્રીએ ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થકેર, આઈટી, વિજ્ઞાન અને ટેક્નોલોજી, અવકાશ, નવીનીકરણીય ઉર્જા અને સંરક્ષણ ક્ષેત્રે ભારતની ક્ષમતાને પ્રકાશિત કરી અને આ ક્ષેત્રોમાં ચિલી સાથે તેનો અનુભવ શેર કરવાની ભારતની તૈયારી દર્શાવી.
બંને પક્ષો નિર્ણાયક ખનીજ ક્ષેત્રમાં સહકાર વધારવા અને પરસ્પર લાભ માટે સાથે મળીને કામ કરવા સંમત થયા હતા. બંને નેતાઓએ ભારત-ચીલી પ્રેફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટ [PTA]ના વિસ્તરણ બાદ વેપાર સંબંધોમાં સતત વૃદ્ધિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને PTA માટે વધુ વિસ્તરણ કરવાની તકો શોધવા માટે સંમત થયા હતા. પ્રધાનમંત્રીએ ચિલીના ઉદ્યોગને ટેકો આપવા માટે ઉચ્ચ ગુણવત્તા અને સસ્તું ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો, એન્જિનિયરિંગ સામાન, ઓટોમોબાઈલ અને રસાયણોની સપ્લાયમાં ભારતની સતત રુચિ પણ વ્યક્ત કરી હતી.
નેતાઓએ શિક્ષણ, સંસ્કૃતિ અને પરંપરાગત જ્ઞાનના ક્ષેત્રોમાં સહકારની શક્યતાઓ પર પણ ચર્ચા કરી હતી. તેઓ નજીકના સંપર્કમાં રહેવા અને હાલના દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત કરવા સંમત થયા હતા.
AP/IJ/GP/JD