Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ “ચંદ્રશેખર – ધ લાસ્ટ આઇકન ઑફ આઇડિયોલોજિકલ પોલિટિક્સ” પુસ્તકનું વિમોચન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ‘ચંદ્રશેખર – ધ લાસ્ટ આઇકન ઑફ આઇડિયોલોજિકલ પોલિટિક્સ’ પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પુસ્તક રાજ્યસભાના ઉપાધ્યક્ષ શ્રી હરિવંશ અને શ્રી રવિ દત્ત વાજપેયી દ્વારા લખવામાં આવ્યું છે. પુસ્તક વિમોચન સમારંભનું આયોજન બાલયોગી ઓડિટોરિયમ, સંસદ પુસ્તકાલય ભવનમાં કરવામાં આવ્યું હતું.

i201972405.jpg

પ્રધાનમંત્રીએ પુસ્તકની પ્રથમ નકલ ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડૂને ભેટ કરી હતી.

i201972406.jpg

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આજની રાજનીતિના સંદર્ભમાં એક વાત ખાસ ઉલ્લેખનીય છે કે, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરજીના નિધનના 12 વર્ષ પછી પણ તેમના વિચારો આપણને માર્ગદર્શન આપી રહ્યા છે અને હંમેશની જેમ જીવંત છે.

i201972407.jpg

શ્રી હરિવંશને આ પુસ્તક લખવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રીએ શ્રી ચંદ્રશેખરની સાથે સંકળાયેલી કેટલીક યાદો અને તેમની સાથે થયેલી તેમની વાતચીતોના કેટલાક પ્રસંગો વાગોળ્યા હતા.

તેમણે જ એક ઘટના યાદ કરતા રહ્યું કે પહેલી વખત 1977માં તેઓ ચંદ્રશેખરજીને મળ્યા હતા. તેઓ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ ભૈરોસિંહ શેખાવત સાથે મુસાફરી કરી રહ્યા હતા અને દિલ્હી એરપોર્ટ પર શ્રી ચંદ્રશેખરજી સાથે મુલાકાત થઇ હતી. તેમણે કહ્યું કે બંને રાજનેતાઓ વચ્ચે રાજકીય વિચારધારામાં અંતર હોવા છતાં નીકટના સંબંધો હતા.

પ્રધાનમંત્રીએ યાદ કરતા કહ્યું હતું કે શ્રી ચંદ્રશેખરજી, શ્રી અટલ બિહારી વાજપેયીને “ગુરુજી” કહીને બોલાવતા હતા. તેમણે ચંદ્રશેખરજી અંગે કહ્યું કે તેઓ એક સિદ્ધાંતવાદી વ્યક્તિ હતા જેઓ પોતાના સમયની મજબૂત રાજકીય પાર્ટીનો વિરોધ કરવામાં પણ જરાય અચકાયા નહોતા કારણ કે તેઓ કેટલીક બાબતો પર તે રાજકીય પાર્ટી સાથે અસહમત હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે મોહન ધારિયાજી અને જ્યોર્જ ફર્નાન્ડિઝ જેવા રાજકીય નેતાઓ ચંદ્રશેખરજીને ખૂબ જ આદર આપતા હતા.

શ્રી નરેન્દ્ર મોદીએ ચંદ્રશેખરજી સાથે પોતાની અંતિમ મુલાકાત પણ યાદ કરી હતી. તેમણે કહ્યું કે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી બીમાર હતા ત્યારે તેમણે ટેલિફોન પર વાત કરી હતી જ્યારે પણ તેઓ દિલ્હી આવે ત્યારે તેમને મુલાકાત કરવાનું આમંત્રણ આપ્યું હતું. તે વાતચીતમાં ચંદ્રશેખરજીએ ગુજરાતના વિકાસ અંગે પૂછપરછ કરી હતી અને બીજા ઘણા રાષ્ટ્રીય મુદ્દાઓ પર તેમણે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

પ્રધાનમંત્રીએ તેમના વિચારોની સ્પષ્ટતા, લોકો માટે પોતાની પ્રતિબદ્ધતા અને લોકશાહીના સિદ્ધાંતો પ્રત્યે સમર્પણની ભાવનાની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતો, ગરીબો અને હાંસિયામાં ધકેલાઇ ગયેલા લોકો માટે શ્રી ચંદ્રશેખરજી દ્વારા કરવામાં આવેલી ઐતિહાસિક પદયાત્રાને પણ યાદ કરી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આપણે એ સમયે તેઓ જેના હકદાર હતા એ સન્માન આપી શક્યા નહોતા તે ઘણી દુર્ભાગ્યપૂર્ણ બાબત છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે એવા લોકોની એક ટોળકી છે જેમણે ડૉ. આંબેડકર અને સરદાર પટેલ સહિત કેટલાક મહાન ભારતીય નેતાઓની ખરાબ છબી ઉભી કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે ખાસ ભાર મૂકતા કહ્યું કે, તમામ ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓનું એક સંગ્રહાલય દિલ્હીમાં બનાવવામાં આવશે. તેમણે ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓના પરિવારજનોને તે પ્રધાનમંત્રીઓના જીવન અને ઉત્કૃષ્ટ કાર્યોના વિવિધ પાસાઓ આપવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, દેશને રાજકીય અસ્પૃશ્યતાથી અલગ એક નવી રાજકીય સંસ્કૃતિની જરૂર છે.

લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલા, રાજ્યસભાના ઉપાધ્યક્ષ શ્રી હરિવંશ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા શ્રી ગુલામ નબી આઝાદ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ઉપસ્થિત લોકોને સંબોધિત કર્યા હતા.

J. Khunt/RP