Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગુરુ ગોવિંદ સિંહજીની જયંતિ પર 350 રૂપિયાનો સ્મારક સિક્કો પ્રસિદ્ધ કર્યો


 

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, ગુરુ ગોવિંદ સિંહજીનો ઉપદેશ માનવતાનો માર્ગ ચીંધે છે

 

પ્રધાનમંત્રીએ લોહરી નિમિત્તે દેશને શુભેચ્છા પાઠવી

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરુ ગોવિંદ સિંહજીની જન્મજયંતિ પ્રસંગે આજે રાષ્ટ્રીય રાજધાની ખાતે 350 રૂપિયાનો એક સ્મારક સિક્કો પ્રસિદ્ધ કર્યો હતો. તેમણે ગુરુ ગોવિંદ સિંહજીનાં ઉદાત્તા આદર્શો અને મૂલ્યો માનવતા, ભક્તિ, વીરતા અને બલિદાનની નિઃસ્વાર્થ સેવાની પ્રશંસા કરી હતી તથા લોકોને તેમણે કંડારેલા માર્ગ પર ચાલવાનો આગ્રહ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ ગુરુ ગોવિંદ સિંહજીની જન્મજયંતિ ઉજવવા માટે સ્મારક સિક્કો પ્રસિદ્ધ કર્યા બાદ પોતાનાં નિવાસ, 7 લોકકલ્યાણ માર્ગ પર એક જનસભાને સંબોધિત કરી હતી. શ્રી મોદીએ કહ્યું હતું કે, ગુરુ ગોવિંદ સિંહજી એક મહાન યોદ્ધા, દાર્શનિક, કવિ અને ગુરુ હતા. તેમણે શોષણ અને અન્યાય સામે લડત ચલાવી હતી. તેમણે લોકોને આપેલો ઉપદેશ ધર્મ અને જાતિના અવરોધો તોડવા પર કેન્દ્રિત હતો. પ્રેમ, શાંતિ અને બલિદાનનો તેમનો સંદેશ આજે પણ એટલો જ પ્રાસંગિક છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ગુરુ ગોવિંદ સિંહજીનાં મૂલ્યો અને ઉપદેશ વર્ષો સુધી માનવ જાતિ માટે પ્રેરણા અને માર્ગદર્શનનો સ્રોત બની રહેશે, આ સ્મારક સિક્કો અમારા તરફથી એમનાં પ્રત્યે સન્માન અને શ્રદ્ધાં પ્રદર્શિત કરવાનો એક નાનો પ્રયાસ છે. તેમણે લોકોને ગુરુ ગોવિંદ સિંહજી મહારાજ દ્વારા જણાવેલા 11 સૂત્રીય માર્ગ પર ચાલવાનો સંકલ્પ લેવાનો આગ્રહ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ આ પ્રસંગે દેશવાસીઓને લોહરીની શુભેચ્છા પાઠવી હતી.

અગાઉ પ્રધાનમંત્રીએ દેશનાં લોકોને 30 ડિસેમ્બર, 2018નાં રોજ તેમનાં માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં ગુરુ ગોવિંદ સિંહજી દ્રારા પ્રદર્શિત ભક્તિ અને બલિદાનનાં માર્ગે ચાલવાનો આગ્રહ કર્યો હતો. તેમણે 5 જાન્યુઆરી, 2017નાં રોજ પટણામાં ગુરુ ગોવિંદ સિંહજીની 350મી જન્મજયંતિનાં સમારંભમાં ભાગ લીધો હતો અને આ પ્રસંગની ઉજવણી કરવા માટે એક સ્મારક ટપાલ ડિકિટ પ્રસિદ્ધ કરી હતી. શ્રી મોદીએ 15 ઓગસ્ટ, 2016નાં રોજ લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસનાં સંબોધનમાં અને પછી 18 ઓક્ટોબર, 2016નાં રોજ લુધિયાણામાં રાષ્ટ્રીય એમએસએમઈ પુરસ્કાર સમારંભમાં ગુરુ ગોવિંદ સિંહજીનાં આદર્શો અને મૂલ્યોને માનવતાનાં મૂલ્ય સ્વરૂપે યાદ કર્યા હતા.

 

RP