પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે ગુજરાત સરકારના રોજગાર મેળાને સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે સમારોહને સંબોધતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, હોળીનો તહેવાર નજીક છે અને ગુજરાત રોજગાર મેળાનું આયોજન કરવાથી જે લોકો તેમના નિમણૂકપત્રો મેળવે છે તેમના માટે તહેવારોની મજા બમણી થઈ જશે. ગુજરાતમાં બીજી વખત આ રોજગાર મેળો યોજાઈ રહ્યો છે તેની નોંધ લઈને પ્રધાનમંત્રીએ યુવાનો માટે સતત તકો પૂરી પાડવાની અને દેશના વિકાસમાં તેમની ક્ષમતાનો ઉપયોગ કરવાની સરકારની કટિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી કે, કેન્દ્ર સરકારના તમામ વિભાગો અને એનડીએની રાજ્ય સરકારો મહત્તમ રોજગારી પ્રદાન કરવા સતત કામ કરી રહી છે. કેન્દ્ર સરકાર ઉપરાંત, પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, એનડીએ શાસિત 14 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સતત રોજગાર મેળાઓનું આયોજન કરવામાં આવે છે. નવી જવાબદારી ધારણ કરનાર યુવાનો અમૃત કાલના સંકલ્પોને પૂર્ણ સમર્પણ અને નિષ્ઠા સાથે પૂર્ણ કરવામાં યોગદાન આપશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, છેલ્લાં પાંચ વર્ષમાં 1.5 લાખથી વધારે યુવાનોને રાજ્ય સરકારની નોકરી મળી છે, આ ઉપરાંત રોજગાર કચેરી મારફતે છેલ્લાં વર્ષોમાં વિવિધ ક્ષેત્રોમાં રોજગારી મેળવનારા 18 લાખ યુવાનો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાત સરકારે ભરતી કૅલેન્ડર બનાવીને નિયત સમયમાં ભરતી પ્રક્રિયા સંપન્ન કરી હતી. ચાલુ વર્ષે રાજ્ય સરકારમાં 25 હજારથી વધુ યુવાનોને રોજગારી આપવાની તૈયારીઓ ચાલી રહી છે તેની નોંધ લઈને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ટેક્નૉલોજીની મદદથી સમગ્ર ભરતી પ્રક્રિયાને પારદર્શક બનાવવામાં આવી છે, જેમાં વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ્સ, મોબાઈલ એપ્સ અને વેબ પોર્ટલ વિકસાવવામાં આવ્યાં છે.
યુવાનો માટે નવી તકોનું સર્જન કરવા માટે વર્તમાન સરકારના પ્રયાસોનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારીનાં સર્જન માટે નક્કર વ્યૂહરચના પર ભાર મૂક્યો હતો, જેમાં માળખાગત અને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ મારફતે રોજગારીને પ્રોત્સાહન આપવાં, ઉત્પાદનને પ્રોત્સાહન આપવાં અને સ્વરોજગારી માટે દેશમાં યોગ્ય વાતાવરણ ઊભું કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. તેમણે એમ પણ માહિતી આપી હતી કે સરકાર નોકરીઓની બદલાતી પ્રકૃતિ અનુસાર યુવાનો માટે ખાતરીપૂર્વકની નાણાકીય સહાય અને કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જ્યારે વિકાસનાં ચક્રો ગતિમાન હોય છે, ત્યારે દરેક ક્ષેત્રમાં રોજગારીની તકોનું સર્જન થાય છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશમાં માળખાગત સુવિધા, ઇન્ફોર્મેશન ટેક્નૉલોજી તેમજ અન્ય ક્ષેત્રોમાં વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ પાછળ લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે, હાલમાં માત્ર ગુજરાતમાં જ 1.25 લાખ કરોડના પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે અને આ વર્ષનાં બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂ. 10 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “દુનિયાભરના નિષ્ણાતો માને છે કે, આગામી વર્ષોમાં ભારત સૌથી મોટું ઉત્પાદન કેન્દ્ર બની જશે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, યુવાનો જ ભારતમાં આ ક્રાંતિનું નેતૃત્વ કરશે. તેમણે નોંધ્યું હતું કે, ગુજરાતનાં દાહોદમાં 20 હજાર કરોડનાં રોકાણ સાથે રેલવે એન્જિન ફેક્ટરીનું નિર્માણ થઈ રહ્યું છે અને આગામી સમયમાં સેમીકન્ડક્ટરનું મોટું કેન્દ્ર પણ બનવા જઈ રહ્યું છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “સરકાર દ્વારા વિકાસનો સંપૂર્ણ અભિગમ મોટા પાયે રોજગારીનું સર્જન કરી રહ્યો છે.” તેમણે જ્યાં સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે એવી ઈકોસિસ્ટમ તૈયાર કરનારા નીતિ સ્તરના મહત્વપૂર્ણ ફેરફારોની નોંધ લીધી હતી. તેમણે માહિતી આપી હતી કે, અત્યારે દેશમાં 90 હજારથી વધારે સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે અને તેનાં પરિણામે રોજગારીની નવી તકોનું સર્જન થઈ રહ્યું છે, ત્યારે લાખો યુવાનોને સ્વરોજગારી માટે પ્રેરિત પણ કરવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રીએ મુદ્રા યોજના અને સ્ટેન્ડઅપ ઇન્ડિયા યોજના પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે, “સરકાર બૅન્ક ગૅરન્ટી વિના નાણાકીય સહાય આપી રહી છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, લાખો મહિલાઓ સ્વસહાય જૂથમાં જોડાઈને પોતાના પગ પર મજબૂતીથી ઊભી છે અને સરકાર પણ સેંકડો કરોડની આર્થિક સહાય આપી રહી છે.
દેશમાં નવી શક્યતાઓ માટે મોટા પાયે કુશળ માનવબળ તૈયાર કરવાની જરૂરિયાત પર ભાર મૂકતાં પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, ભારત દુનિયામાં ત્રીજું મોટું અર્થતંત્ર બનવાની સંભવિતતા ધરાવે છે. સમાજના દરેક વર્ગને કૌશલ્ય વિકાસનો લાભ મળવો જોઈએ એવા સરકારના પ્રયાસો પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેનાથી દરેક વિસ્તારનાં દલિતો, વંચિતો, આદિવાસીઓ અને મહિલાઓને સમાન તક મળશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “યુવાનોના કૌશલ્ય વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.” તેમણે જાણકારી આપી હતી કે, પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ 30 કૌશલ્ય ભારત આંતરરાષ્ટ્રીય કેન્દ્રો વિકસાવવામાં આવશે, જ્યાં યુવાનોને નવા યુગની ટેક્નૉલોજી મારફતે તાલીમ આપવામાં આવશે. તેમણે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના વિશે પણ વાત કરી હતી, જેમાં નાના કારીગરોને તાલીમ આપવામાં આવશે, જેથી નાના ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકોને વિશ્વ બજારમાં પ્રવેશ માટે પ્રવેશદ્વાર પ્રદાન કરવામાં આવશે. રોજગારીનાં બદલાતા સ્વરૂપ માટે યુવાનોને સતત તૈયાર કરવામાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓની ભૂમિકા પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આઇટીઆઇની સંખ્યામાં અને તેની બેઠકોમાં સતત વધારો થયો છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, “ગુજરાતમાં આશરે 600 આઇટીઆઇની આશરે 2 લાખ બેઠકો પર વિવિધ કૌશલ્યો માટે તાલીમ પ્રદાન કરવામાં આવી રહી છે.” તેમણે ખુશી વ્યક્ત કરી કે ગુજરાતમાં આઇટીઆઇનું પ્લેસમેન્ટ ખૂબ જ સારું રહ્યું છે.
પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, સરકાર રોજગારીનાં સર્જન માટેની દરેક તક વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેની આઝાદી પછીના દાયકાઓમાં અવગણના થઈ હતી. તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે, કેવડિયા-આટા નગરના યુનિટી મોલની જેમ દરેક રાજ્યમાં 50 નવાં ટુરિસ્ટ સેન્ટર અને એક યુનિટી મોલના વિકાસની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે જ્યાં દેશભરમાં યુનિક પ્રોડકટ્સને પ્રોત્સાહન આપવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, એકલવ્ય શાળામાં 40 હજાર જેટલા શિક્ષકોની નિમણૂક માટે પણ જોગવાઈ કરવામાં આવી છે.
સંબોધનનાં સમાપનમાં પ્રધાનમંત્રીએ ચેતવણી આપી હતી કે, જો સરકારી નોકરી મેળવવી એ જ તેમનું એકમાત્ર લક્ષ્ય બની જશે તો યુવાનોનો વ્યક્તિગત વિકાસ અટકી જશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આકરી મહેનત અને સમર્પણને કારણે જ તેઓ અહીં આવ્યા છે અને નવું નવું શીખવાની ઇચ્છા તેમને તેમનાં સમગ્ર જીવન દરમિયાન આગળ વધવામાં મદદરૂપ થશે. પ્રધાનમંત્રીએ યુવાનોને કર્મયોગી ભારત ઓનલાઇન પ્લેટફોર્મ પર વિવિધ ઓનલાઇન અભ્યાસક્રમોનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી અને કહ્યું હતું કે, “તમારી પોસ્ટિંગ જ્યાં પણ હોય, તમારી કુશળતા સુધારવા પર વિશેષ ધ્યાન આપો. અમારો પ્રયાસ છે કે દરેક સરકારી કર્મચારીને વધુ સારી તાલીમ મળે.”
Addressing the Gujarat Rozgar Mela. Best wishes to the newly inducted appointees. https://t.co/1ZqmkxiHVR
— Narendra Modi (@narendramodi) March 6, 2023
YPP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Addressing the Gujarat Rozgar Mela. Best wishes to the newly inducted appointees. https://t.co/1ZqmkxiHVR
— Narendra Modi (@narendramodi) March 6, 2023