પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના એકતા નગર ખાતે તૈયાર કરવામાં આવેલા મેઝ ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટનું લોકાર્પણ કર્યું છે.
પ્રધાનમંત્રી બુદ્ધ પ્રતિમા સહિત જંગલના રસ્તા પરથી ચાલીને પસાર થયા અને ત્યારબાદ મેઝ ગાર્ડન તરફ આગળ વધ્યા હતા. તેમણે નવા પ્રશાસનિક ભવન, વિશ્રામ ગૃહ અને OYO હાઉસબોટનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ મેઝ ગાર્ડનમાં પણ લટાર મારી હતી.
પૃષ્ઠભૂમિ
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મિયાવાકી ફોરેસ્ટ અને મેઝ ગાર્ડન નવા તૈયાર કરાયેલા પર્યટન આકર્ષણો છે. 4 વર્ષ પહેલાં જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, ત્યારે તેને દરેક ઉંમરના લોકો માટે આકર્ષણ સાથે પર્યટન માટેના હબમાં રૂપાંતરિત કરવાની પ્રધાનમંત્રીની દૂરંદેશી હતી. પરિણામે, આજ દિન સુધીમાં 80 લાખ કરતાં વધુ લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે.
2,100 મીટરના પાથ-વે સાથે ત્રણ એકરમાં ફેલાયેલો આ દેશનો સૌથી મોટો મેઝ ગાર્ડન (ભૂલભુલામણી) છે અને માત્ર આઠ મહિનાના ટૂંકા ગાળામાં તેને તૈયાર કરવામાં આવ્યો છે. કેવડિયા ખાતે મેઝ ગાર્ડન ‘યંત્ર‘ના આકારમાં તૈયાર કરવામાં આવ્યો છે, જે સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. આ ડિઝાઇન પસંદ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પાથ-વેના જટિલ નેટવર્કના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે સાથે સમપ્રમાણતા લાવવાનો છે. આ ગાર્ડનના કોયડારૂપ રસ્તાઓ પરથી પસાર થવાનું પ્રવાસીઓના મન, શરીર અને સંવેદનાઓ માટે પડકારરૂપ બની રહેશે અને તેમને અડચણો પર વિજય મેળવ્યો હોવાનો અહેસાસ કરાવશે તેમજ આ પ્રવૃત્તિ તેમનામાં સાહસની ભાવના પણ જગાડશે. આ મેઝ ગાર્ડનમાં 1,80,000 જેટલા રોપાઓ વાવવામાં આવ્યા છે. જેમાં ઓરેન્જ જેમીન, મધુ કામિની, ગ્લોરી બોવર અને મહેંદીનો સમાવેશ થાય છે. આ સ્થાન મૂળરૂપે ભંગાર માટેની ડમ્પિંગ સાઇટ હતું જે હવે લીલાછમ લેન્ડસ્કેપમાં પરિવર્તિત થઇ ગયું છે. આ ઉજ્જડ જમીનનો કાયાકલ્પ થવાથી આસપાસના વિસ્તાર તો સુશોભિત થયા જ છે, પરંતુ સાથે સાથે જ્યાં પક્ષીઓ, પતંગિયા અને મધમાખીઓ હવે ખીલી શકે છે તેવી એક જીવંત ઇકોસિસ્ટમ સ્થાપિત કરવામાં પણ મદદ મળી છે.
એકતા નગરની મુલાકાતે આવનારા લોકો માટે મિયાવાકી ફોરેસ્ટ અન્ય એક પર્યટકોનું આકર્ષણ બની રહેશે. આ જંગલનું નામ જાપાની વનસ્પતિશાસ્ત્રી અને ઇકોલોજીસ્ટ ડૉ. અકિરા મિયાવાકી દ્વારા વિકસાવવામાં આવેલી ટેકનિક પરથી રાખવામાં આવ્યું છે. આ ટેકનિકમાં વિવિધ પ્રજાતિઓના રોપાઓને એકબીજાની નજીક વાવવામાં આવે છે જેના પરિણામે તે ગાઢ શહેરી જંગલ તરીકે વિકસે છે. આ પદ્ધતિનો ઉપયોગ કરીને છોડનો વિકાસ દસ ગણો ઝડપી થાય છે અને પરિણામે વિકસિત જંગલ ત્રીસ ગણું વધુ ગીચ બને છે. મિયાવાકી પદ્ધતિ દ્વારા, માત્ર બે થી ત્રણ વર્ષમાં જંગલ વિકસાવી શકાય છે જ્યારે પરંપરાગત પદ્ધતિ દ્વારા તેને ઓછામાં ઓછા 20 થી 30 વર્ષનો સમય લાગે છે. મિયાવાકી ફોરેસ્ટમાં નીચેના વિભાગોનો સમાવેશ થશે: નેટિવ ફ્લોરલ ગાર્ડન; ટિમ્બર ગાર્ડન; ફળ બગીચો; ઔષધીય ગાર્ડન; મિશ્ર પ્રજાતિઓનો મિયાવાકી સેક્શન; ડિજિટલ ઓરિએન્ટેશન સેન્ટર.
પ્રધાનમંત્રી મોદીની દૂરંદેશી પરથી મેળવેલા માર્ગદર્શન દ્વારા અહીં પર્યટકો માટે સંખ્યાબંધ આકર્ષણો વિકસાવવામાં આવ્યા હોવાથી પર્યટકોને અહીં મુલાકાત દરમિયાન સર્વગ્રાહી અનુભવ પ્રદાન થશે અને તે માત્ર એક-પરિમાણીય અનુભવ નહીં રહે. આ આકર્ષણો પ્રકૃતિ સાથે ખૂબ જ ગાઢ જોડાણ ધરાવતા હોવાથી તેમાં પર્યાવરણ પર રાખવામાં આવેલું ધ્યાન પ્રતિબિંબિત થાય છે અને આપણી સંસ્કૃતિમાં પ્રકૃતિને આપવામાં આવેલા મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. એક ખાસ ધ્યાનમાં લેવા જેવો કિસ્સો તાજેતરમાં તૈયાર કરવામાં આવેલા મેઝ ગાર્ડનનો જ છે, જેની ડિઝાઇન આપણી સંસ્કૃતિ સાથે વણાયેલી છે અને તે પ્રતિબિંબિત કરે છે કે કેવી રીતે કુદરત સકારાત્મકતા ફેલાવવાનું એક શક્તિશાળી સાધન છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ઉભા કરવામાં આવેલા અન્ય મુખ્ય પર્યટન સ્થળોમાં ટેન્ટ સિટી; થીમ આધારિત વિવિધ પાર્ક જેમ કે, આરોગ્ય વન (હર્બલ ગાર્ડન), બટરફ્લાય ગાર્ડન, કેક્ટસ ગાર્ડન, વિશ્વ વન, ધ વેલી ઓફ ફ્લાવર્સ (ભરત વન), યુનિટી ગ્લો ગાર્ડન, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, જંગલ સફારી (અત્યાધુનિક ઝુઓલોજિકલ પાર્ક) તેમજ અન્ય આકર્ષણોનો સમાવેશ થાય છે.
YP/GP/JD