Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગુજરાતના વડોદરા ખાતે C-295 એરક્રાફ્ટ વિનિર્માણ સુવિધાનો શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રીએ ગુજરાતના વડોદરા ખાતે C-295 એરક્રાફ્ટ વિનિર્માણ સુવિધાનો શિલાન્યાસ કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના વડોદરા ખાતે C-295 એરક્રાફ્ટ વિનિર્માણ સુવિધાનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે આત્મનિર્ભર ભારત અંતર્ગત એરોસ્પેસ ઉદ્યોગમાં ટેકનોલોજીકલ અને વિનિર્માણની પ્રગતિ દર્શાવતા પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત જનસભાને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે આપણે ભારતને દુનિયાનું વિનિર્માણનું હબ બનાવવાની દિશામાં એક મોટું પગલું ભર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ભારત ફાઇટર જેટ, ટેન્ક, સબમરીન, દવાઓ, રસીઓ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, મોબાઇલ ફોન અને કારનું નિર્માણ કરી રહ્યું છે જે ઘણા દેશોમાં લોકપ્રિય છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, ભારત મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ ગ્લોબના મંત્ર સાથે આગળ વધી રહ્યું છે અને હવે ભારત સમગ્ર દુનિયામાં ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું વિશાળ ઉત્પાદક બની રહ્યું છે. પ્રધાનમંત્રીએ આગળ ઉમેર્યું હતું કે, તેઓ જોઇ શકે છે કે, ભારત ટૂંક સમયમાં મોટા મુસાફર એરક્રાફ્ટ્સનું ઉત્પાદન કરશે જેના પર ગૌરવપૂર્ણ મેડ ઇન ઇન્ડિયાશબ્દો અંકિત કરેલા હશે.

તેમણે જણાવ્યું હતું કે, આજે જેના માટે શિલાન્યાસ કરવામાં આવ્યો છે તે સુવિધામાં દેશના સંરક્ષણ અને પરિવહન ક્ષેત્રને બદલવાની તાકાત છે. તેમણે ટાંક્યું હતું કે, ભારતીય સંરક્ષણ ક્ષેત્રમાં આટલું મોટું રોકાણ પહેલીવાર થઇ રહ્યું છે. અહીં ઉત્પાદિત ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ્સ માત્ર સશસ્ત્ર દળોને જ તાકાત પૂરી પાડશે એવું નથી પરંતુ તે એરક્રાફ્ટ ઉત્પાદનની નવી ઇકોસિસ્ટમ વિકસાવવામાં પણ મદદ કરશે. તેમણે જણાવ્યું હતું કે, “પ્રખ્યાત સાંસ્કૃતિક અને શિક્ષણનું કેન્દ્ર વડોદરા હવે ઉડ્ડયન ક્ષેત્રના હબ તરીકે નવી ઓળખ ઉભી કરશે”. પ્રધાનમંત્રીએ એ હકીકત અંગે ખુશી વ્યક્ત કરી હતી કે, 100 થી વધુ MEME પણ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે. તેમણે જણાવ્યું હતું કે, મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ ગ્લોબના વચનને આ ભૂમિમાંથી નવો પ્રવેગ મળશે કારણ કે આ પ્રોજેક્ટ ભવિષ્યમાં અન્ય દેશોમાં નિકાસ કરવા માટેના ઓર્ડર લઇ શકશે.

પ્રધાનમંત્રીએ ભારતમાં ઝડપથી વિકાસ પામી રહેલા ઉડ્ડયન ક્ષેત્ર અંગે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, હવાઇ ટ્રાફિકના સંદર્ભમાં આપણે દુનિયાના ટોચના ત્રણ દેશોમાં સામેલ થવા જઇ રહ્યા છીએ. તેમણે જણાવ્યું હતું કે, UDAN યોજના સંખ્યાબંધ મુસાફરોને હવાઇ પ્રવાસીઓમાં રૂપાંતરિત કરવામાં મદદ કરી રહી છે. પેસેન્જર અને માલવહનના વિમાનોની વધી રહેલી માંગ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારતને આગામી 15 વર્ષમાં 2000 થી વધુ વિમાનની જરૂર પડવાની છે. પ્રધાનમંત્રીએ એ બાબતે સૌનું ધ્યાન દોર્યું હતું કે, આજે કરવામાં આવેલો શિલાન્યાસ આ દિશામાં લેવામાં આવેલું એક નિર્ણાયક પગલું છે અને ભારતે તેના માટે પહેલાંથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. શ્રી મોદીએ એ વાત પર પણ પ્રકાશ પાડ્યો હતો કે, દુનિયા અત્યારે કોરોના મહામારી અને યુદ્ધથી ઘેરાયેલી છે અને પુરવઠા સાંકળમાં પણ ખલેલ પડી છે તેવી સ્થિતિમાં ભારત અત્યારે દુનિયા સમક્ષ વૈશ્વિક તકો રજૂ કરી રહ્યું છે. તેમણે ટાંક્યું હતું કે, આવા કપરા સંજોગોમાં પણ ભારતે પોતાના વિકાસની ગતિ એકધારી જાળવી રાખી છે. તેમણે આ બાબતે વધુ સમજ આપતા જણાવ્યું હતું કે, પરિચાલનની સ્થિતિઓમાં નિરંતર સુધારો થઇ રહ્યો છે અને ભારત ઓછા ખર્ચ તેમજ ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, “ભારત ઓછા ખર્ચે ઉત્પાદન કરવાની અને ઉચ્ચ કક્ષાના ઉત્પાદન માટેની તકો રજૂ કરી રહ્યું છે”. તેમણે આગળ ઉમેર્યું હતું કે, ભારતમાં કૌશલ્ય ધરાવતું માનવબળ સાથેનો ખૂબ જ વિશાળ ટેલેન્ટ પૂલ છે. છેલ્લા 8 વર્ષ દરમિયાન સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારાઓ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત દેશમાં વિનિર્માણ ક્ષેત્ર માટે અભૂતપૂર્વ માહોલ ઊભો કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મકતા ઉભી કરતી વખતે એક સરળ કોર્પોરેટ ટેક્સ માળખું બનાવવા માટે, 100 ટકા FDIનો માર્ગ મોકળો કરવો, ખાનગી કંપનીઓ માટે સંરક્ષણ અને અવકાશ ક્ષેત્રોના દ્વાર ખોલવા, 29 કેન્દ્રીય શ્રમ કાયદાઓને 4 શ્રમ સંહિતામાં સુધારીને 33,000 અનુપાલનો નાબૂદ કરવા અને અને લગભગ એક ડઝન જેટલા ટેક્સના જટિલ માળખાનો અંત લાવીને કરીને વસ્તુ અને સેવા કર (GST)ની રચના કરવા જેવા ઉદાહરણોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “આજે ભારતમાં આર્થિક સુધારાની નવી ગાથા લખાઇ રહી છે અને રાજ્યો ઉપરાંત વિનિર્માણ ક્ષેત્ર આનો સૌથી વધુ ફાયદો ઉઠાવી રહ્યું છે.”

પ્રધાનમંત્રીએ સફળતા પ્રાપ્ત થવા પાછળ લોકોની બદલાયેલી માનસિકતાને શ્રેય આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “આજે, ભારત એક નવી માનસિકતા, નવી કાર્ય સંસ્કૃતિ સાથે કામ કરી રહ્યું છે”. તેમણે તે સમયને પણ યાદ કર્યો જ્યારે શાસનની કલ્પના એવી હતી કે સરકાર જ બધુ જાણે છે, જે એવી માનસિકતા છે કે તેના કારણે દેશની પ્રતિભા અને ખાનગી ક્ષેત્રની તાકાત દબાઇ જાય છે. તેમણે કહ્યું હતુ કે, “હવે સબ કા પ્રયાસને અનુસરીને, સરકારે જાહેર અને ખાનગી ક્ષેત્રને સમાન મહત્વ આપવાનું શરૂ કર્યું છે. પ્રધાનમંત્રીએ અગાઉની સરકારના કામચલાઉ અભિગમ અંગે પણ અફસોસ વ્યક્ત કર્યો હતો જેમાં વિનિર્માણ ક્ષેત્રને સબસિડી દ્વારા ભાગ્યે જ કાર્યરત રાખવામાં આવ્યું હતું. લોજિસ્ટિક્સ, વીજ પુરવઠા અથવા પાણી પુરવઠા જેવી પાયાની સુવિધાઓ પ્રત્યે ઉપેક્ષા કરવામાં આવતી હતી. તેમણે કહ્યું હતું કે, અમે નિર્ણય લેવાનો કામચલાઉ અભિગમ ત્યજી દીધો છે અને રોકાણકારો માટે વિવિધ નવા પ્રોત્સાહનો સાથે આગળ આવ્યા છીએ. અમે ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન (PLI) યોજનાની શરૂઆત કરી છે, જેના કારણે દેખીતી રીતે પરિવર્તન આવ્યું છે. આજે અમારી નીતિઓ સ્થિર, અનુમાન થઇ શકે તેવી અને ભવિષ્યવાદી છે”,

પ્રધાનમંત્રીએ એવા સમયને પણ યાદ કર્યો જ્યારે સેવા ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવાનો વિચાર સર્વોપરી રહેતો હતો કારણ કે તે સમયે વિનિર્માણનું ક્ષેત્ર પહોંચની બહાર હોવાનું માનવામાં આવતું હતું. તેમણે કહ્યું હતું કે, “આજે અમે સેવાઓ અને વિનિર્માણ, એમ બંને ક્ષેત્રોમાં સુધારો કરી રહ્યા છીએ. તેમણે એક એવા સર્વગ્રાહી અભિગમના મહત્વને રેખાંકિત કર્યું હતું જેમાં ઉત્પાદન અને સેવા, બંને ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હોય. તેમણે ઉમેર્યું હતું કે, “આજે ભારત વિનિર્માણના ક્ષેત્રમાં સૌથી આગળ રહેવાની તૈયારી કરી રહ્યું છે”. પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે, છેલ્લાં 8 વર્ષ દરમિયાન અમે કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને તેના માટે માહોલ ઉભો કર્યો છે જેના કારણે આ શક્ય બન્યું છે. આ તમામ પરિવર્તનોને આત્મસાત કરવાથી, આજે વિનિર્માણ ક્ષેત્રમાં ભારતની વિકાસયાત્રા આ તબક્કે પહોંચી છે.

સરકારની રોકાણ માટે મૈત્રીપૂર્ણ નીતિઓ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ ટીપ્પણી કરી હતી કે, તેના ફાયદા FDIમાં સ્પષ્ટપણે જોવા મળે છે. તેમણે આગળ ઉમેર્યું હતું કે, “છેલ્લા આઠ વર્ષમાં, 160થી વધુ દેશોની કંપનીઓએ ભારતમાં રોકાણ કર્યું છે”. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવા વિદેશી રોકાણો અમુક ઉદ્યોગો પૂરતા જ સિમિત નથી રહ્યાં પરંતુ અર્થતંત્રના 61 ક્ષેત્રોમાં ફેલાયેલા છે અને ભારતના 31 રાજ્યોને આવરી લે છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, માત્ર એરોસ્પેસ ક્ષેત્રમાં જ $3 અબજથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આ ક્ષેત્રમાં 2000 થી 2014 દરમિયાન જેટલું રોકાણ કરવામાં આવ્યું હતું તેની સરખામણીએ 2014 પછી, આ ક્ષેત્રમાં થયેલા રોકાણમાં 5 ગણો વધારો થયો છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આવનારા વર્ષોમાં સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રો આત્મનિર્ભર ભારત અભિયાનના નિર્ણાયક આધારસ્તંભો બનવાના છે. તેમણે ઉમેર્યું હતું કે, “અમે 2025 સુધીમાં આપણા સંરક્ષણ વિનિર્માણને $25 અબજથી આગળ લઇ જવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. આપણી સંરક્ષણ નિકાસ પણ $5 અબજનો આંકડો ઓળંગી જશે.” પ્રધાનમંત્રીએ સૌનું ધ્યાન દોરતા જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશ અને તમિલનાડુમાં તૈયાર કરવામાં આવી રહેલા સંરક્ષણ કોરિડોર આ ક્ષેત્રને આગળ ધપાવવામાં ખૂબ જ મદદ કરશે. શ્રી મોદીએ ગાંધીનગરમાં અત્યાર સુધીમાં યોજાયેલા સૌથી મોટા ડેફ-એક્સપોનું આયોજન કરવા બદલ સંરક્ષણ મંત્રાલય અને ગુજરાત સરકારની પણ પ્રશંસા કરી હતી. તેમણે રેખાંકિત કર્યું હતું કે, ડેફ-એક્સ્પોમાં પ્રદર્શિત કરવામાં આવેલા તમામ સાધનો અને ટેકનોલોજીઓ ભારતમાં વિકસાવવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “પ્રોજેક્ટ C-295નું પ્રતિબિંબ આગામી વર્ષોના ડેફ-એક્સપોમાં પણ આપણને જોવા મળશે”.

પોતાના સંબોધનના સમાપન વખતે, પ્રધાનમંત્રીએ ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકોને હાલના સમયમાં દેશમાં આવી રહેલા અભૂતપૂર્વ રોકાણના વિશ્વાસનો મહત્તમ લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દેશના સ્ટાર્ટ-અપ્સને આગળ વધવામાં મદદ કરવા માટે હજુ વધુ વિચાર કરવો જોઇએ. પ્રધાનમંત્રીએ સંશોધન ક્ષેત્રે ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવા પર પણ ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ પોતાની વાતના સમાપનમાં જણાવ્યું હતું કે, જો આપણે આ દિશામાં આગળ વધીશું, તો આપણે આવિષ્કાર અને વિનિર્માણની વધુ મજબૂત ઇકોસિસ્ટમને વિકસાવી શકીશું. તમારે હંમેશા સબ કા પ્રયાસનો મંત્ર યાદ રાખવાનો છે.

આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, ટાટા સન્સના ચેરમેન શ્રી એન. ચંદ્રશેખરન અને એરબસના ચીફ કોમર્શિયલ ઓફિસર શ્રી ક્રિશ્ચિયન શેરર ઉપસ્થિત રહ્યા હતા.

પૃષ્ઠભૂમિ

C-295 એરક્રાફ્ટ વિનિર્માણ સુવિધા દેશમાં ખાનગી ક્ષેત્રની પ્રથમ એરક્રાફ્ટ વિનિર્માણ સુવિધા હશે. આ સુવિધાનો ઉપયોગ ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ અને એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ, સ્પેન વચ્ચેના સહયોગ દ્વારા ભારતીય વાયુસેના માટે 40 C-295 એરક્રાફ્ટના વિનિર્માણ માટે કરવામાં આવશે. આ સુવિધા સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાની દિશામાં એક મુખ્ય પગલું હશે અને આ ક્ષેત્રમાં ખાનગી ખેલાડીઓની ક્ષમતાને ખુલ્લો દોર આપવામાં પણ મદદરૂપ થશે.

YP/GP/JD