Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગુજરાતના ગુરુદ્વારા લખપત સાહિબ ખાતે ગુરુનાનક દેવજીની ગુરપુરબ ઉજવણી દરમિયાન સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ ગુજરાતના ગુરુદ્વારા લખપત સાહિબ ખાતે ગુરુનાનક દેવજીની ગુરપુરબ ઉજવણી દરમિયાન સંબોધન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગુરુદ્વારા લખપત સાહિબ ખાતે ગુરુનાનક દેવજીની ગુરપુરબ ઉજવણી દરમિયાન સંબોધન આપ્યું હતું.

પ્રસંગે જનમેદનીને સંબોધન કરતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગુરુદ્વારા લખપત સાહિબ સમયના દરેક પ્રવાહનું સાક્ષી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, તેમને બરાબર યાદ છે કે ભૂતકાળમાં લખપત સાહિબે કેવા ચડાવઉતાર જોયા છે. તેમણે જૂના સ્મરણો તાજા કરતા કહ્યું હતું કે, એક સમયે જગ્યા અન્ય દેશોમાં જવા માટે મુખ્ય વેપારી કેન્દ્ર હતી. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, 2001માં ભૂકંપ આવ્યો ત્યારપછી, તેમને ગુરુજીના આશીર્વાદથી પવિત્ર સ્થળની સેવા કરવાની તક મળી હતી. તેમણે યાદ કર્યું હતું કે, તે સમયે દેશના વિવિધ ભાગોમાંથી આવેલા કસબીઓએ સ્થળની અસલ કીર્તિને ફરી સ્થાપિત કરી હતી. તેમણે કહ્યું હતું કે, પ્રાચીન લેખન શૈલીનો ઉપયોગ કરીને અહીં અંદરની દિવાલો પર ગુરુવાણી લખવામાં આવી હતી. પ્રોજેક્ટને તે સમયે યુનેસ્કો દ્વારા પણ સન્માન આપવામાં આવ્યું હતું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001OQF4.jpg

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મહાન ગુરુ સાહિબના આશીર્વાદથી સરકાર ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશ પુરબના 350 વર્ષ અને ગુરુનાનક દેવજીના પ્રકાશ પુરબના 550 વર્ષ જેવા પાવનપર્વોની ઉજવણી કરવાની સ્થિતિમાં આવી ગઇ છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, તાજેતરના વર્ષોમાં ગુરુનાનક દેવજીનો સંદેશો નવી ઉર્જા સાથે આખી દુનિયાના દરેક ખૂણા સુધી પહોંચે તે માટે દરેક સ્તરે પ્રયાસો કરવામાં આવ્યા છે. દાયકાઓથી કરતારપુર સાહિબ કોરિડોર ખુલવાની રાહ જોવાઇ રહી હતી, તેનું કામ 2019માં સરકાર દ્વારા પૂરું કરવામાં આવ્યં છે. હાલમાં, ગુરુ તેગ બહાદુરજીના પ્રકાશ ઉત્સવના 400 વર્ષની પણ ઉજવણી કરવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આખરે આપણે સફળતાપૂર્વક પવિત્ર ગુરુ ગ્રંથ સાહિબનું સ્વરૂપ અફઘાનિસ્તાનથી લાવી શક્યા છીએ. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ગુરુની કૃપાનો આનાથી મોટો બીજો કયો અનુભવ હોઇ શકે. તેમણે ઉમેર્યું હતું કે, તેઓ થોડા મહિના પહેલા અમેરિકાની મુલાકાતે ગયા હતા ત્યારે અમેરિકાએ પોતાની પાસે રહેલી ભારતની 150 થી વધુ ઐતિહાસિક વસ્તુઓ આપણને પરત સોંપી હતી. તેમણે કહ્યું હતું કે, વસ્તુઓમાં પેશ્કબઝ અથવા નાની તલવાર પણ સામેલ છે, જેના પર ફારસી ભાષામાં ગુરુ હરગોવિંદજીનું નામ લખેલું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકારનું સૌભાગ્ય છે કે, તે બધું કરવામાં સમર્થ રહી છે.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, ગુજરાત માટે હંમેશા ગૌરવની વાત છે કે, પંચ પ્યારેના ચોથા ગુરશીખ, ભાઇ મોખમ સિંહજી ગુજરાતના હતા જેમણે ખાલસા પંથની સ્થાપના કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. દેવભૂમિ દ્વારકા ખાતે તેમની સ્મૃતિમાં ગુરુદ્વારા બેટ દ્વારકા ભાઇ મોખમસિંહનું નિર્માણ કરવામાં આવ્યું છે.

દેશમાં પરાધીનતા અને આક્રમણકારો દ્વારા કરવામાં આવેલા હુમલાના સમયમાં ભારતીય સમાજમાં મહાન ગુરુ પરંપરાના યોગદાનને પ્રધાનમંત્રીએ પૂર્ણ આદરપૂર્વક યાદ કર્યું. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે સમાજ અસ્પષ્ટતા અને વિભાજનની પીડાથી ત્રસ્ત હતો ત્યારે ગુરુ નાનક દેવજી ભાઇચારાનો સંદેશો લઇને આવ્યા હતા. એવી રીતે, ગુરુ અર્જન દેવજીએ આખા દેશના સંતોના અવાજને એકીકૃત કરીને રાષ્ટ્રમાં એકતાની ભાવના જગાવી હતી. ગુરુ હરકિશનજીએ માનવજાતની સેવાનો માર્ગ ચિંધ્યો હતો જેને આજે પણ શીખો અને અન્ય માનવસમુદાયો દ્વારા અનુસરવામાં આવે છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ગુરુનાનક દેવજી અને તેમના પછી વિવિધ ગુરુઓએ માત્ર ભારતની ચેતનાને પ્રજ્વલિત નથી રાખી પરંતુ, તેમણે ભારતને સલામત પણ રાખ્યું છે. આપણા ગુરુઓનું યોગદાન માત્ર સમાજ અને આધ્યાત્મિકતા પૂરતું સીમિત નથી. તેનાથી આગળ વાત કરીએ તો, જો આપણો દેશ, આપણા દેશનું ચિંતન, આપણી આસ્થા અને રાષ્ટ્રની અખંડિતા આજે સલામત છે, તો તેના મૂળમાં શીખ ગુરુઓની મહાન તપસ્યારહેલી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બાબરના આક્રમણથી ભારત માટે શું જોખમ ઉભું થયું હતું તે અંગે ગુરનાનક દેવજીને ખૂબ સ્પષ્ટ સમજ હતી.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, એવી રીતે, ગુરુ તેગ બહાદુરનું સંપૂર્ણ જીવન દેશ સર્વોપરીનું દૃષ્ટાંત છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, જેવી રીતે સમગ્ર માનવજાતની ચિંતા કરીને ગુરુ તેગ બહાદુરજી હંમેશા અડગ રીતે ઉભા રહ્યા તેવી રીતે, તેમણે આપણને ભારતના આત્માની દૂરંદેશી પણ આપી છે. દેશે જે રીતે તેમને હિન્દ કી ચાદરનું બિરુદ આપ્યું છે, તે દરેક ભારતીયોનું શીખ પરંપરા પ્રત્યેનું જોડાણ બતાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, ગુરુ તેગ બહાદુરનું શૌર્ય અને ઔરંગઝેબ સામે તેમણે આપેલું બલિદાન આપણને શીખવે છે કે, ત્રાસવાદ અને ધાર્મિક કટ્ટરવાદ સામે કેવી રીતે રાષ્ટ્રએ લડવું જોઇએ. તેમણે ઉમેર્યું હતું કે, તેવી રીતે, દસમા ગુરુ એટલે કે, ગુરુ ગોવિંદસિંહ સાહિબનું જીવન પણ આપણને પ્રત્યેક ડગલે મક્કમતા અને બલિદાનનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે.

પ્રધાનમંત્રીએ બ્રિટિશ શાસનના પંજામાંથી ભારતની સ્વતંત્રતા લાવવા માટે આપણા શીખ ભાઇઓ અને બહેનોએ જે પ્રકારે લડત આપી તે બદલ તેમના શૌર્યની પ્રશંસા કરી હતી. સ્વતંત્રતાના સંગ્રામ અને જલિયાંવાલા બાગ બલિદાનોના સાક્ષી હોવાનું તેમણે કહ્યું હતું. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, પરંપરા આજે પણ જીવંત છે અને આઝાદીનો અમૃત મહોત્સવના સમયમાં જ્યારે આપણે આપણા ભૂતકાળને યાદ કરી રહ્યા છીએ અને તેમાંથી પ્રેરણા મેળવી રહ્યા છીએ ત્યારે તે વધારે મહત્વપૂર્ણ બની જાય છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કાશ્મીરથી લઇને કન્યાકુમાર અને કચ્છથી માંડીને કોહીમા સુધી, આખો દેશ સાથે મળીને સપનું જોઇ રહ્યો છે, અને તે સપનું સાકાર કરવા માટે એકજૂથ થઇને પ્રયાસ કરી રહ્યો છે. તેમણે યાદ અપાવ્યું હતું કે, આજે દેશનો મંત્ર છે એક ભારત, શ્રેષ્ઠ ભારત. આજે દેશનું લક્ષ્ય છે નવા સક્ષમ ભારતનો પુનરુત્કર્ષ. આજે દેશની નીતિ છે પ્રત્યેક ગરીબની સેવા કરવાની, દરેક વંચિતને પ્રાથમિકતા આપવાની.

પ્રધાનમંત્રીએ ભક્તોને એવો અનુરોધ પણ કર્યો હતો કે, તેઓ કચ્છના રણોત્સવની મુલાકાત લે. તેમણે કહ્યું હતું કે, કચ્છમાં આવેલું પરિવર્તન કચ્છના લોકોના સખત પરિશ્રમ અને દૂરંદેશીનું પ્રમાણ છે. શ્રી અટલ બિહારી વાજપેયીને આજે તેમની જન્મજયંતિ નિમિત્તે સ્મરણાંજલી અર્પણ કરતા પ્રધાનમંત્રી શ્રી વાજપેયીની કચ્છ પ્રત્યેની લાગણીના સ્મરણો તાજા કર્યા હતા. પ્રધાનમંત્રીએ યાદ કર્યું હતું કે, અટલજી અને તેમની સરકાર ભૂકંપ પછી અહીં હાથ ધરવામાં આવેલા વિકાસના કાર્યોમાં ખભાથી ખભો મિલાવીને ઉભી રહી હતી.

દર વર્ષે 23 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર દરમિયાન, ગુરુદ્વારા લખપત સાહિબ ખાતે ગુજરાત શીખ સંગત દ્વારા ગુરુનાનક દેવજીના ગુરપુરબની ઉજવણી કરવામાં આવે છે. ગુરુનાનક દેવજી તેમના વિચરણ દરમિયાન અહીં લખપત ખાતે રોકાયા હતા. ગુરુદ્વારા લખપત સાહિબ ખાતે તેમની સ્મૃતિઓ પણ છે જેમાં લાકડાના પગરખાં અને પાલખી (ઝુલો) તેમજ ગુરુમુખીની હસ્તપ્રતો અને અંકિત લેખન પણ છે.

2001માં આવેલા ભૂકંપ વખતે ગુરુદ્વારામાં નુકસાન થયું હતું. ત્યારબાદ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ, તાત્કાલિક ધોરણે તમામ નુકસાનગ્રસ્ત હિસ્સાનો જીર્ણોદ્ધાર કરવાનું સુનિશ્ચિત કર્યું હતું. તેમનું પગલું આસ્થા પ્રત્યે પ્રધાનમંત્રીનો ઊંડો આદરભાવ દર્શાવે છે, જે તાજેતરમાં વિવિધ પ્રયાસો જેમ કે, ગુરુનાનક દેવજીના પ્રકાશ પુરબના 550 વર્ષ, ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશ પુરબના 350 વર્ષ તેમજ ગુરુ તેગ બહાદુરજીના પ્રકાશ પુરબના 400 વર્ષ જેવા પર્વોની ઉજવણીમાં પ્રતિબિંબિત થયો છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com