Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કોઇમ્બતૂરમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રીએ કોઇમ્બતૂરમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 1000 MWનો નવી નેવેલી થર્મલ ઉર્જા પરિયોજના અને NLCILની 709 MWની સૌર ઉર્જા પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરી હતી. તેમણે વી.ઓ. ચિદમ્બરમ બંદર ખાતે ગ્રીડ સાથે જોડાયેલા જમીન આધારિત 5 MWના સૌર ઉર્જા પ્લાન્ટની ડિઝાઇન, પૂરવઠા, ઇન્સ્ટોલેશન અને તેને કાર્યાન્વિત કરવા માટે શિલાન્યાસ કર્યો હતો અને લોઅર ભવાની પરિયોજના પ્રણાલીના વિસ્તરણ, નવીનીકરણ અને આધુનિકીકરણ માટે પણ શિલાન્યાસ કર્યો હતો. તેમણે કોઇમ્બતૂર, મદુરાઇ, સાલેમ, તંજાવુર, વેલ્લોર, તિરુચિરાપલ્લી, તીરુપ્પુર, તિરુનેલવેલી અને થુથૂકુડી સહિત નવ સ્માર્ટ શહેરોમાં એકીકૃત કમાન્ડ અને નિયંત્રણ કેન્દ્રો (ICCC) વિકસાવવા માટે પણ શિલાન્યાસ કર્યો હતો. તેમણે વી.ઓ. ચિદમ્બરમ બંદર ખાતે કોરમપલ્લમ પુલના આઠ લેન અને રેલ ઓવર બ્રીજ (ROB) અને પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત બાંધવામાં આવેલા આવાસોનું પણ ઉદ્ઘાટન કર્યુ હતું. આ પ્રસંગે તમિલનાડુના રાજ્યપાલ, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તેમજ કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોશી ઉપસ્થિત રહ્યાં હતા.

આ કાર્યક્રમમાં સંબોધન આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોઇમ્બતૂર ઉદ્યોગો અને આવિષ્કારોનું શહેર છે. તેમણે કહ્યું હતું કે, આજે શરૂ કરવામાં આવેલા વિકાસના કાર્યોથી કોઇમ્બતૂર તેમજ સમગ્ર તમિલનાડુને લાભ થશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભવાની સાગર ડેમના આધુનિકીકરણથી 2 લાખ એકરથી વધારે જમીનમાં સિંચાઇ થશે અને કેટલાય જિલ્લાના ખેડૂતોને આ પરિયોજનાથી લાભ પ્રાપ્ત થશે. તેમણે તમિલનાડુ દ્વારા ભારતના ઔદ્યોગિક વિકાસમાં આપવામાં આવેલા મોટા યોગદાન બદલ આ રાજ્યની પ્રશંસા કરી હતી. તેમણે કેટલીક મોટી ઉર્જા પરિયોજનાઓનું ઉદ્ધાટન કરતી વખતે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી કારણ કે, ઔદ્યોગિક વિકાસની પાયાની જરૂરિયાતોમાંથી એક અવિરત વીજ પુરવઠો પણ છે. તેમણે કહ્યું હતું કે, 709 MW સૌર ઉર્જા પરિયોજના સ્વદેશી ધોરણે તૈયાર કરવામાં આવી છે અને રૂપિયા 3000 કરોડ આ પરિયોજના પાછળ ખર્ચ કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રૂપિયા 7,800 કરોડના ખર્ચે વધુ એક 1,000 MW થર્મલ પાવર પરિયોજનાનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનાથી તમિલનાડુને ખૂબ જ મોટો લાભ પ્રાપ્ત થશે. તેમણે ઉમેર્યું હતું કે, ઉત્પાદિત થયેલી કુલ વીજળીમાંથી 65% કરતા વધારે વીજળી તમિલનાડુને આપવામાં આવશે.

પ્રધાનમંત્રીએ થૂથુકુડીમાં વી.ઓ. ચિદમ્બરમ બંદર ખાતે વિવિધ પરિયોજનાઓનો પણ પ્રારંભ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તમિલનાડુ સમુદ્રી વેપાર અને બંદરો આધારિત વિકાસનો કિર્તીપૂર્ણ ઇતિહાસ ધરાવે છે. આજે શરૂ કરવામાં આવેલી પરિયોજનાઓથી આ બંદરની માલસામાનનું સંચાલન કરવાની ક્ષમતામાં હજુ વધારો થશે તેમજ તેના કારણે હરિત બંદર પહેલને પણ સમર્થન મળશે. તેમણે નોંધ્યું હતું કે, કાર્યદક્ષ બંદરો ભારતને આત્મનિર્ભર બનાવવામાં અને વેપારનું વૈશ્વિક કેન્દ્ર બનાવવામાં તેમજ લોજિસ્ટિક્સ માટે યોગદાન આપે છે. શ્રી મોદીએ મહાન સ્વાતંત્ર્ય સેનાની વી.ઓ. ચિદમ્બરમને શ્રદ્ધાંજલી પણ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગતિશિલ ભારતીય જહાજ ઉદ્યોગ અને સમુદ્રી વિકાસ માટે તેમની દૂરંદેશી આપણને ખૂબ જ સારી પ્રેરણા આપે છે. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે, વી.ઓ. ચિદમ્બરમ બંદરે રૂપિયા 20 કરોડના ખર્ચે ગ્રીડ સાથે જોડાયેલો જમીન આધારિત 5 MWનો સૌર ઉર્જા પ્લાન્ટ ઉપાડ્યો છે અને 140 KW રૂફટોપ સૌર પરિયોજનાના ઇન્સ્ટોલેશનનું કામ પણ પ્રગતી હેઠળ છે. તેમણે આ કાર્યોને ઉર્જા આત્મનિર્ભરતાના દૃષ્ટાંત સમાન ગણાવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત સરકારની બંદર આધારિત વિકાસ માટેની કટિબદ્ધતા સાગરમાલા યોજનામાં દેખાઇ આવે છે. કુલ રૂપિયા છ લાખ કરોડથી વધારે ખર્ચે અંદાજે 575 પરિયોજનાઓ 2015-2035 સુધીમાં અમલીકરણ માટે ઓળખી કાઢવામાં આવી છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, આ કાર્યોમાં બંદરનું આધુનિકીકરણ, નવા બંદરનો વિકાસ, બંદરની કનેક્ટિવિટીમાં વધારો, બંદર સાથે સંકળાયેલ ઔદ્યોગિકીકરણ અને સમુદ્રકાંઠાના સમુદાયોનો વિકાસ વગેરે સામેલ છે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે, ચેન્નઇમાં શ્રીપેરુમ્બુદુર નજીક નવો બહુવિધ-મોડલ લોજિસ્ટિક્સ પાર્ક મેપ્પેડુ ખાતે શરૂ થઇ રહ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કોરમપલ્લમ પુલના 8 લેનનું કાર્ય અને રેલ ઓવર બ્રીજનું કાર્ય પણ સાગરમાલા કાર્યક્રમ અંતર્ગત હાથ ધરવામાં આવ્યું હતું. આ પરિયોજનાથી બંદર પર આવનજાવન કરવા માટે સળંગ અને ગીચતા મુક્ત પરિવહનની સુવિધા પ્રાપ્ત થશે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આના કારણે માલવહન કરતી ટ્રેકોના ફેરાના સમયમાં પણ ઘટાડો થઇ જશે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, વિકાસના મૂળમાં દરેક વ્યક્તિના આત્મ ગૌરવને સુનિશ્ચિત કરવાની ભાવના છે. તેમણે ઉમેર્યું હતું કે, આત્મ ગૌરવ સુનિશ્ચિત કરવાની પાયાની રીતોમાંથી એક દરેક વ્યક્તિને આશ્રય પૂરો પાડવાની છે. આપણા લોકોના સપનાં અને મહત્વાકાંક્ષાઓને પાંખો આપવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમણે અહીં કેટલાક વિસ્તારોમાં બાંધવામાં આવેલા 4,144 આવાસોનું ઉદ્ઘાટન કરતી વખતે અને સમગ્ર તમિલનાડુમાં સ્માર્ટ સિટીઓમાં એકીકૃત કમાન્ડ અને નિયંત્રણ કેન્દ્રનો શિલાન્યાસ કરતી વખતે ખુશી વ્યક્ત કરી હતી.  તેમણે એમ પણ કહ્યું હતું કે, આ પરિયોજનાનો કુલ ખર્ચ રૂપિયા 332 કરોડ છે અને આ મકાનો એવા લોકોને આપવામાં આવશે જેઓ આઝાદીના 70 વર્ષ પછી પણ ઘરથી વંચિત છે. તેમણે કહ્યું હતું કે, એકીકૃત કમાન્ડ અને નિયંત્રણ કેન્દ્રો આ તમામ શહેરોમાં વિવિધ સેવાઓનું સંચાલન કરવા માટે બૌદ્ધિકતાપૂર્ણ અને એકીકૃત IT ઉકેલો પૂરાં પાડશે.

SD/GP/BT