Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કેનેડાના પ્રધાનમંત્રી શ્રી જસ્ટિન ટ્રૂડૂ સાથે ટેલીફોન પર વાતચીત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેનેડાની તાજેતરની સામાન્ય ચૂંટણીઓ બાદ નિયુક્ત થયેલા પ્રધાનમંત્રી અને લિબરલ પાર્ટીના નેતા શ્રી જસ્ટિન ટ્રૂડૂ સાથે ટેલીફોન પર વાતચીત કરી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેનેડામાં તાજેતરમાં થયેલી સામાન્ય ચૂંટણીઓમાં વિજય પ્રાપ્ત કરવા બદલ શ્રી ટ્રૂડૂને હાર્દિક અભિનંદન પાઠવ્યા. પ્રધાનમંત્રી શ્રીએ કેનેડાને પ્રગતિ તેમજ સમૃદ્ધિના માર્ગે અગ્રેસર બનાવવા માટેની શ્રી ટ્રૂડૂની નવી જવાબદારીઓ માટે તેમને સફળતા મળે એ માટે શુભકામના વ્યક્ત કરી.

પ્રધાનમંત્રી શ્રીએ ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં કેનેડા પ્રવાસ દરમિયાન શ્રી ટ્રૂડૂ સાથે થયેલી પોતાની મુલાકાત યાદ કરી. તેમણે કહ્યું કે ભારત અને કેનેડાનાં સંબંધ લોકશાહીના સમાન માળખા, વિવિધતા, કાયદાના શાસનને સમર્થન આપવા તેમજ પરસ્પર સંબંધ વધુ ઘનિષ્ઠ બનાવવાની દૃઢ ઈચ્છાથી જોડાયેલા છે. ભારત કેનેડા સાથે પોતાની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા તેમજ તેનો વ્યાપ વધારવાને સૌથી વધુ પ્રાથમિકતા આપે છે.

શ્રી ટ્રૂડૂએ શુભેચ્છાઓ પાઠવવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો. શ્રી ટ્રૂડૂએ બંને દેશો વચ્ચેનાં સંબંધો વધુ મજબૂત બનાવવા માટે પ્રધાનમંત્રી સાથે ખભેખભા મિલાવીને કામ કરવા તેમજ રાજકીય, આર્થિક અને સુરક્ષા ક્ષેત્ર સહિતનાં તમામ ક્ષેત્રોમાં પ્રગતિ સાધવાની પોતાની પ્રબળ ઇચ્છા વ્યક્ત કરી.

પ્રધાનમંત્રી શ્રીએ શ્રી ટ્રૂડૂને ભારતના સત્તાવાર પ્રવાસે આવવા માટે આમંત્રણ આપ્યું, જેને શ્રી ટ્રૂડૂએ સહર્ષ સ્વીકાર્યું. બંને નેતાઓએ આગામી જી-20 અને સીઓપી સંમેલનો દરમિયાન પણ પરસ્પર મુલાકાત અંગે સહમતિ વ્યક્ત કરી.

AP/GP