Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભંડોળ હેઠળ રૂ. 1 લાખ કરોડની નાણાં સુવિધાનો આરંભ કર્યો


 

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભંડોળ હેઠળ રૂ. 1 લાખ કરોડની કેન્દ્રીય ક્ષેત્રની નવી યોજનાનો પ્રારંભ કર્યો છે. આ યોજનાથી ખેડૂતો, PACS, FPO, કૃષિ-ઉદ્યોગસાહસિકો વગેરેને સામુદાયિક અસ્કયામતો અને લણણી પછીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં મદદ મળી રહેશે. આ અસ્કયામતોથી ખેડૂતો તેમની ઉપજો માટે વધુ સારો ભાવ મેળવી શકશે અને ઉપજોનો સંગ્રહ કરીને ઊંચા ભાવે તે વેચી શકશે, બગાડમાં ઘટાડો થશે અને પ્રસંસ્કરણ તેમજ મૂલ્ય વર્ધનમાં વૃદ્ધિ થશે.

મંત્રીમંડળ દ્વારા ઔપચારિક મંજૂરી મળ્યા પછી માત્ર 30 દિવસમાં જ આજે, 2,280 કૃષિ સંઘો માટે રૂ. 1000 કરોડની પહેલી ફાળવણી મંજૂર કરવામાં આવી છે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાખોની સંખ્યામાં ખેડૂતો, સહકારી મંડળીઓ, PACS અને અન્ય નાગરિકો સમગ્ર દેશમાંથી જોડાયા હતા.

આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનંમત્રીએ PM-KISAN યોજના અંતર્ગત અંદાજે 8.5 કરોડ ખેડૂતોને રૂ. 17000 કરોડની ચુકવણીનો છઠ્ઠો હપતો પણ વિમુક્ત કર્યો હતો. આ રોકડ સહાય માત્ર એક બટન દબાવીને ખેડૂતોના આધાર સાથે લિંક કરવામાં આવેલા બેંક ખાતાંમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ચુકવવામાં આવી હતી. આ ચુકવણી સાથે, 01 ડિસેમ્બર, 2018ના રોજ આ યોજનાનો પ્રારંભ થયો, ત્યારથી આજદિન સુધીમાં આ યોજના અંતર્ગત 10 કરોડથી વધુ ખેડૂતોને કુલ રૂપિયા 90,000 કરોડની ચુકવણી કરવામાં આવી છે.

પ્રાથમિક કૃષિ ધિરાણ સંઘો સાથે વાર્તાલાપ

પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી કર્ણાટક, ગુજરાત અને મધ્યપ્રદેશના ત્રણ એવા પ્રાથમિક કૃષિ ધિરાણ સંઘો સાથે વાર્તાલાપ કર્યો હતો. જેઓ યોજનાના પ્રારંભિક લાભાર્થીઓ છે. પ્રધાનમંત્રી તેમની વર્તમાન કામગીરીઓ અને તેઓ કેવી રીતે ધિરાણનો ઉપયોગ કરે છે તે સમજવા માટે આ સંઘોના પ્રતિનિધિઓ સાથે ખૂબ જ રસ લઇને વાર્તાલાપ કર્યો હતો. આ સંઘોએ પ્રધાનમંત્રીને વખાર ઉભા કરવા, ગ્રેડિંગ અને સોર્ટિંગ એકમો શરૂ કરવા જેવી તેમની યોજનાઓ અંગે માહિતી આપી હતી, જે ખેડૂતોને તેમની ઉપજનો ઊંચો ભાવ ચોક્કસપણે મળે તે સુનિશ્ચિત કરવામાં મદદરૂપ થશે.

રાષ્ટ્રજોગ સંબોધન

પ્રાથમિક કૃષિ ધિરાણ સંઘો સાથે વાર્તાલાપ કર્યા પછી, પ્રધાનમંત્રીએ રાષ્ટ્રજોગ સંબંધોન દરમિયાન, આ યોજના કેવી રીતે ખેડૂતો અને કૃષિ ક્ષેત્રને લાભદાયી નીવડશે તે અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ યોજના ખેડૂતો અને કૃષિ ક્ષેત્રને આર્થિક વેગ પૂરો પાડશે અને ભારતને વૈશ્વિક સ્તરે સ્પર્ધામાં ઉભા રહેવા માટે સામર્થ્ય પૂરું પાડશે. 

પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો કે, ભારતમાં લણણી પછીના વ્યવસ્થાપનના ઉકેલો જેમ કે, વખાર, કોલ્ડ ચેઇન અને ખાદ્ય પ્રસંસ્કરણ તેમજ ઓર્ગેનિક તેમજ ફોર્ટિફાઇડ ફૂડ્સ જેવા ક્ષેત્રોમાં વૈશ્વિક ઉપસ્થિતિનું નિર્માણ કરવા માટે રોકાણની તકોની વિપુલ ઉપલબ્ધ છે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, આ યોજના કૃષિ ક્ષેત્રમાં સંકળાયેલા સ્ટાર્ટ અપ્સને લાભો લેવા માટે તેમજ તેમની કામગીરીમાં વૃદ્ધિ કરવા માટે અને તે પ્રકારે દેશમાં દરેક ખૂણામાં વસતા ખેડૂતો સુધી પહોંચતી ઇકોસિસ્ટમનું સર્જન કરવા માટે પણ સારી તકો પૂરી પાડે છે.

PM-KISAN યોજનાનો જે ગતિએ અમલ થઇ રહ્યો છે તે અંગે પ્રધાનમંત્રીએ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે ટાંક્યું હતું કે, આ કાર્યક્રમ ખૂબ મોટાપાયાનો છે જેથી આજે રીલિઝ કરવામાં આવેલું ભંડોળ કેટલાક દેશોની કુલ વસ્તી કરતા વધુ લોકો સુધી પહોંચ્યું છે. આ યોજનાના અમલીકરણમાં મહત્વની ભૂમિકા નિભાવવા બદલ તેમજ નોંધણીથી માંડીને નાણાંની ચુકવણી સુધીની સંપૂર્ણ પ્રક્રિયામાં ખેડૂતોને મદદરૂપ થવા બદલ રાજ્યોને પણ પ્રધાનમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભંડોળ

કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક મધ્યમ- લાંબાગાળાની મુદત માટે ડેબ્ટ ફાઇનાન્સિંગ સુવિધા છે જે લણણી પછીના વ્યવસ્થાપન અને સામુદાયિક કૃષિ અસ્કયામતોની સક્ષમ પરિયોજનાઓમાં રોકાણ માટે શરૂ કરવામાં આવી છે અને તેમાં વ્યાજ મુક્તિ તેમજ ધિરાણ બાંહેધરી આપવામાં આવે છે. આ યોજનાનો સમયગાળો FY2020થી FY2029 (10 વર્ષ) સુધીનો છે. આ યોજના અંતર્ગત, બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા વાર્ષિક 3%ની વ્યાજમુક્તિ અને CGTMSE યોજના હેઠળ ધિરાણ બાંહેધરી કવરેજ સાથે રૂ. 2 કરોડના ધિરાણ પેટે કુલ રૂપિયા એક લાખ કરોડનું ભંડોળ પૂરું પાડવામાં આવશે. આના લાભાર્થીઓમાં ખેડૂતો, PACS, માર્કેટિંગ સહકારી મંડળીઓ, EPO, SHG, સંયુક્ત ઉત્તરદાયી સમૂહ (JLG), બહુલક્ષી સહકારી મંડળીઓ, કૃષિ-ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટઅપ્સ અને કેન્દ્ર/ રાજ્યની એજન્સીઓ અથવા જાહેર- ખાનગી ભાગીદારી પરિયોજનાઓ દ્વારા પ્રાયોજિત સ્થાનિક એકમોને સમાવી લેવામાં આવ્યા છે.

જમીન ધરાવતા તમામ ખેડૂતો (બાકાતીના કેટલાક ચોક્કસ માપદંડોને આધિન) તેમની કૃષિ સંબંધિત જરૂરિયાતો પૂરી કરી શકે અને તેમના પરિવારોને મદદરૂપ થઇ શકે તે માટે તેમને રોકડ લાભ આપીને આવકમાં સહાયતા પૂરી પાડવાના આશય સાથે ડિસેમ્બર 2018માં PM-KISAN યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યોજના અંતર્ગત, યોગ્યતા ધરાવતા લાભાર્થી ખેડૂતોને એક વર્ષમાં ત્રણ સમાન હપતામાં વાર્ષિક કુલ રૂ. 6000/-નો નાણાકીય લાભ આપવામાં આવે છે.

કૃષિ ક્ષેત્ર માટે નવી પરોઢનો ઉદય

પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા શ્રેણીબદ્ધ સુધારાઓના ભાગરૂપે તાજેતરમાં આ પગલાં લેવામાં આવ્યા છે. આ પગલાંઓ સંકલિત રીતે ભારતમાં કૃષિ ક્ષેત્રમાં એક નવી પરોઢનો ઉદય માટે અગ્રેસર રહેશે અને ભારતમાં ખેડૂતોના કલ્યાણ તેમજ તેમની આજીવિકાની ટકાઉક્ષમતા સુનિશ્ચિત કરવાની દિશામાં પ્રયાસો કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

SD/BT