Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કરિઅપ્પા મેદાન ખાતે એનસીસી પીએમ રેલીને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ કરિઅપ્પા મેદાન ખાતે એનસીસી પીએમ રેલીને સંબોધન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કરિઅપ્પા ગ્રાઉન્ડ ખાતે નેશનલ કૅડેટ કૉર્પ્સ રેલીને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ગાર્ડ ઑફ ઑનરનું નિરીક્ષણ કર્યું હતું, એનસીસી ટુકડીઓ દ્વારા કરાયેલ માર્ચ પાસ્ટની સમીક્ષા કરી હતી અને આર્મી એક્શન, ઢાળ પરથી લપસવું (સ્લિધરિંગ), માઇક્રોલાઇટ ફ્લાઇંગ, પેરાસેલિંગમાં તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પોતાની કુશળતા એનસીસી કૅડેટ્સે દર્શાવી એના સાક્ષી પણ બન્યા હતા. શ્રેષ્ઠ કૅડેટ્સને પ્રધાનમંત્રી તરફથી મેડલ અને બૅટન પણ મળ્યાં હતાં.

સમારોહને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો હોઈ, ઉજવણીમાં અલગ સ્તરના ઉત્સાહની નોંધ લીધી હતી. પ્રધાનમંત્રીએ પોતાના એનસીસી સાથેનાં જોડાણને ગર્વભેર યાદ કર્યું હતું અને દેશ પ્રત્યેની પોતાની જવાબદારીઓનાં વહનમાં પોતાને શક્તિ આપવાનો શ્રેય એનસીસી કૅડેટ તરીકે પોતાની તાલીમને આપ્યો હતો.

પ્રધાનમંત્રી લાલા લજપત રાય અને ફિલ્ડ માર્શલ કરિઅપ્પાને રાષ્ટ્ર નિર્માણમાં એમનાં યોગદાન બદલ શ્રદ્ધાંજલિ અર્પી હતી. આજે ભારતના આ બેઉ વીર પુત્રોની જયંતી છે.

દેશ જ્યારે નવા સંકલ્પો સાથે આગળ વધી રહ્યો છે એવા સમયગાળામાં દેશમાં એનસીસીને મજબૂત કરવા માટે લેવાયેલાં પગલાં વિશે પ્રધાનમંત્રીએ વાત કરી હતી. આ માટે, એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા સમિતિ દેશમાં સ્થપાઇ છે. છેલ્લાં બે વર્ષોમાં, દેશના સરહદી વિસ્તારોમાં 1 લાખ નવા કૅડેટ્સ સર્જવામાં આવ્યા છે, એમ તેમણે કહ્યું હતું.

કન્યાઓ અને મહિલાઓ માટે સંરક્ષણ સંસ્થાનોના દરવાજા ખોલવા માટે લેવાઇ રહેલાં પગલાં વિશે પ્રધાનમંત્રીએ વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે મોટી સંખ્યામાં કન્યા કૅડેટ્સની હાજરીની નોંધ લીધી હતી અને એને દેશના બદલાતા અભિગમનું પ્રતીક ગણાવ્યું હતું. “દેશને તમારાં યોગદાનની જરૂર છે અને એ માટે પૂરતી તકો છે”, એમ તેમણે કન્યા કૅડેટ્સને જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે હવે દેશની દીકરીઓ સૈનિક સ્કૂલોમાં પ્રવેશ મેળવી રહી છે અને મહિલાઓ સૈન્યમાં મોટી જવાબદારીઓ મેળવી રહી છે. દેશની દીકરીઓ હવાઇ દળમાં લડાકુ વિમાનો ઉડાવી રહી છે. “આવી સ્થિતિમાં, આપણા પ્રયાસ હોવા જોઇએ કે વધુ ને વધુ દીકરીઓ એનસીસીમાં સામેલ થાય”, એમ તેમણે ઉમેર્યું હતું.

કૅડેટ્સ જેમાં મોટા ભાગના આ સદીમાં જન્મ્યાં છે એમની યંગ પ્રોફાઇલની નોંધ લેતા પ્રધાનમંત્રીએ દેશને 2047 તરફ લઈ જવામાં એમની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. “આપના પ્રયાસો અને સંકલ્પ એ સંકલ્પોની પૂર્તિ ભારતની સિદ્ધિ અને સફળતા હશે”, એમ તેમણે કહ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે જે દેશના યુવા રાષ્ટ્ર પ્રથમની વિચારધારા સાથે આગળ વધતા હોય એ દેશને વિશ્વની કોઇ તાકાત અટકાવી શકે નહીં. રમતનાં મેદાનમાં અને સ્ટાર્ટ અપ ક્ષેત્રમાં ભારતની સફળતા આને સ્પષ્ટપણે ઉદાહરણીય બનાવે છે, એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું. અમૃત કાળમાં, એટલે કે આજથી આગામી 25 વર્ષોમાં, પ્રધાનમંત્રીએ કૅડેટ્સને એમની આકાંક્ષાઓ અને પગલાંઓને દેશના વિકાસ અને અપેક્ષાઓ સાથે જોડવા અનુરોધ કર્યો હતો. ‘વોકલ ફોર લોકલ’ અભિયાનમાં આજના યંગસ્ટર્સ બહુ મોટી ભૂમિકા ભજવી શકે છે એના પર પણ પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો. “જો આજે દેશના યુવા કોઇ ભારતીયના શ્રમ અને પરસેવાથી બનેલો સામાન જ વપરાશમાં લેવાનો સંકલ્પ કરે તો ભારતનું ભાવિ પલટાય જાય”, એમ તેમણે ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે આજે એક બાજુ ડિજિટલ ટેકનોલોજી સંબંધી સારી સંભાવનાઓ છે અને બીજી તરફ ગેરમાહિતીના ખતરાઓ છે. તેમણે ભાર મૂક્યો હતો કે આપણા દેશના સામાન્ય લોકો કોઇ પણ અફવાનો ભોગ ન બને એ જરૂરી છે. તેમણે એનસીસી કૅડેટ્સને આ માટે જાગૃતિ અભિયાન ચલાવવા દરખાસ્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે જ્યાં એનસીસી કે એનએસએસ હોય એ શાળા/કૉલેજમાં ડ્રગ્સ પહોંચવું ન જોઇએ. તેમણે કૅડેટ્સને સલાહ આપી કે તેઓ પોતાને ડ્રગ્સથી મુક્ત રાખે અને એની સાથે સાથે પોતાના કૅમ્પસને ડ્રગ મુક્ત રાખે. એનસીસી-એનએસએસમાં ન હોય એવા મિત્રોને પણ આ ખરાબ લત છોડવામાં મદદ કરો, એમ તેમણે ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ કૅડેટ્સને Self4Society પોર્ટલ સાથે સંકળાવા જણાવ્યું હતું જે દેશના સામૂહિક પ્રયાસોને નવી ઊર્જા આપવા કામ કરી રહ્યું છે. 7 હજારથી વધુ સંગઠનો અને 2.25 લાખ લોકો આ પોર્ટલ સાથે સંકળાયેલા છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com