Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ એમ. એસ. સ્વામિનાથનઃ ધ ક્વેસ્ટ ફોર અ વર્લ્ડ વિધાઉટ હંગર પર 2 ભાગમાં પુસ્તકની શ્રેણીનું લોકાર્પણ કર્યું

પ્રધાનમંત્રીએ એમ. એસ. સ્વામિનાથનઃ ધ ક્વેસ્ટ ફોર અ વર્લ્ડ વિધાઉટ હંગર પર 2 ભાગમાં પુસ્તકની શ્રેણીનું લોકાર્પણ કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રસિદ્ધ કૃષિ વૈજ્ઞાનિક ડો. એમ. એસ. સ્વામિનાથન પર બે ભાગમાં લખાયેલા પુસ્તકનું લોકાર્પણ કર્યું હતું. આ સીરિઝનું શીર્ષક છે – એમ એસ સ્વામિનાથનઃ ધ ક્વેસ્ટ ફોર એ વર્લ્ડ વિધાઉટ હંગર. આ પ્રસંગે કેટલાક કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ એ વાત યાદ કરી હતી કે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પ્રોફેસર સ્વામિનાથનની સલાહ સાથે કેવી રીતે સોઇલ હેલ્થ કાર્ડ પહેલ શરૂ થઈ હતી.

પ્રધાનમંત્રીએ પ્રોફેસર સ્વામિનાથનની પ્રતિબદ્ધતા અને સમર્પણની પ્રશંસા કરીને તેમને “કૃષિ વૈજ્ઞાનિક” નહીં પણ “કિસાન વૈજ્ઞાનિક” એટલે કે ખેડૂતોના વૈજ્ઞાનિક ગણાવ્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પ્રોફેસર સ્વામિનાથનની ખાસિયત એ છે કે તેમની કામગીરી વાસ્તવિક સ્થિતિને ધ્યાનમાં રાખીને હોય છે. તેમણે પ્રોફેસર સ્વામિનાથનની સાદગી અને સરળતાની પણ પ્રશંસા કરી હતી.

અત્યારે કૃષિ ક્ષેત્રના પડકારો વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પૂર્વ ભારતમાં ખેતીવાડીનો વ્યાપ વધારવાની તથા આ માટે વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરવાની જરૂર છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને પરંપરાગત કૃષિલક્ષી જાણકારીઓથી મહત્તમ ઉત્પાદકતા અને અન્ય લાંબા ગાળાના લાભો મળશે. કેટલાક રાજ્યોનું ઉદાહરણ ટાંકીને તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં દરેક જિલ્લાની પોતાની “કૃષિ-ઓળખ” હોવી જોઈએ. તેમણે કહ્યું હતું કે, તેનાથી માર્કેટિંગ પ્રક્રિયાને વેગ મળી શકે છે અને ઔદ્યોગિક વસાહતોની જેમ કૃષિ વસાહતો વિકસાવવામાં મદદ મળી શકે છે.

પ્રધાનમંત્રીએ વર્ષ 2022 સુધીમાં કૃષિ આવક બમણી કરવાના લક્ષ્યાંક વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે, આ માટે કેટલાંક મુખ્ય ક્ષેત્રોમાં લક્ષિત અભિગમની જરૂર છે. તેમણે સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અગાઉની કૃષિ વીમા યોજનાઓની સરખામણીમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ખેડૂતો વચ્ચે વધુને વધુ સ્વીકાર્ય બની રહી છે. તેમણે કહ્યું હતું કે, તેનાથી ખેડૂતોની જોખમ લેવાની ક્ષમતા વધારવામાં મદદ મળશે અને “પ્રયોગશાળાથી જમીન”સુધી નવીનતાની પ્રક્રિયા સુલભ બનશે.

આ પ્રસંગે ડો. એમ. એસ. સ્વામિનાથને પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો અને તેમના વિઝનની પ્રશંસા કરી હતી. તેમણે ટેકનોલોજી અને સરકારી નીતિ વચ્ચે સાંમજસ્યના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો.

TR