પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશમાં ગાઝિયાબાદની મુલાકાત લીધી હતી અને વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શુભારંભ કર્યો હતો. તેમણે હિંદોન એરપોર્ટનાં સિવિલ ટર્મિનલનું ઉદઘાટન દર્શાવતી તકતીનું અનાવરણ કર્યું હતું. પછી તેમણે સિંકદરપુરની મુલાકાત લીધી હતી અને દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે અન્ય વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટની શરૂઆત પણ કરી હતી અને વિવિધ સરકારી યોજનાઓનાં લાભાર્થીઓને પ્રમાણપત્રોનું વિતરણ કર્યું હતું.
પ્રધાનમંત્રીએ ગાઝિયાબાદમાં શહીદ સ્થળ (ન્યૂ બસ અડ્ડા) મેટ્રો સ્ટેશની પણ મુલાકાત લીધી હતી અને શહીદ સ્થળ સ્ટેશનથી દિલશાદ ગાર્ડન સુધી મેટ્રો રેલને લીલી ઝંડી આપી હતી. તેમણે મેટ્રોમાં સવારી પણ કરી હતી.
ગાઝિયાબાદનાં સિકંદરપુરમાં જનમેદનીને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અત્યારે ગાઝિયાબાદ ત્રણ C – Connectivity (જોડાણ), Cleanliness (સ્વચ્છતા) અને Capital (મૂડી) માટે જાણીતું છે. આ સંદર્ભમાં તેમણે ગાઝિયાબાદમાં રોડ અને મેટ્રો કનેક્ટિવિટીમાં વધારાનો, તેનાં સ્વચ્છ સર્વેક્ષણમાં 13માં ક્રમનો અને ઉત્તરપ્રદેશનાં વ્યાવસાયિક કેન્દ્ર તરીકે તેનાં દરજ્જાનો ઉલ્લેખ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, હિંદોન એરપોર્ટમાં નવા સિવિલ ટર્મિનલ સાથે ગાઝિયાબાદનાં લોકોને દિલ્હી જવાને બદલે ગાઝિયાબાદથી અન્ય શહેરોમાં પ્રવાસ કરવા મળી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, સિવિલ ટર્મિનલનું જે ઝડપથી નિર્માણ થયું એ કેન્દ્ર સરકારની નિર્ણાયકતા અને કાર્યસિદ્ધાંતને દર્શાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, શહીદ સ્થળથી મેટ્રોનું નવું સેક્શન ઉત્તરપ્રદેશ અને દિલ્હી વચ્ચે પ્રવાસીઓની મુશ્કેલીઓમાં ઘટાડો કરશે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રૂ. 30000 કરોડનાં ખર્ચે નિર્મિત દિલ્હી-મેરઠ આરઆરટીએસ સિસ્ટમ ભારતમાં આ પ્રકારની પ્રથમ પરિવહન વ્યવસ્થા છે. એક વાર પૂર્ણ થયા પછી એનાથી દિલ્હી અને મેરઠ વચ્ચે પ્રવાસનાં સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે, ગાઝિયાબાદમાં આધુનિક માળખાગત સુવિધાઓનું નિર્માણ થયું છે, જે શહેર અને આસપાસનાં વિસ્તારનાં લોકો માટે જીવનની સરળતા સુનિશ્ચિત કરશે, આ જ પ્રકારનું માળખું દેશભરમાં તૈયાર થઈ રહ્યું છે.
પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી શ્રમ યોગી માન-ધન યોજનાનાં લાભ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ યોજના વૃદ્ધાવસ્થા દરમિયાન અનૌપચારિક ક્ષેત્ર માટે નાણાકીય સુરક્ષા પ્રદાન કરશે, બે કરોડથી વધારે કુટુંબોને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ હેઠળ પ્રથમ હપ્તો મળી ચૂક્યો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એમની સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી કિસાન, પીએમ-એસવાયએમ વગેરે જેવી સુવિચારીત યોજનાઓ મારફતે અશક્યને શક્ય બનાવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, આ અશક્યને શક્ય બનાવવાની તાકાત તેમણે દેશનાં નાગરિકો પાસેથી પ્રાપ્ત કરી છે.
RP