Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના કાશીમાં કાશી તેલુગુ સંગમમને સંબોધન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશમાં યોજવામાં આવેલા કાશીમાં ગંગા પુષ્કરાલુ ઉત્સવમાં વીડિયો સંદેશ દ્વારા સંબોધન આપ્યું હતું.

પ્રધાનમંત્રીએ ગંગા પુષ્કરાલુ ઉત્સવના અવસર પર તમામ લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવીને પોતાના સંબોધનની શરૂઆત કરી હતી અને આ આયોજનમાં ઉપસ્થિત તમામ લોકોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, અહીં આવેલા તમામ લોકો તેમના અંગત મહેમાન છે, અને ભારતીય સંસ્કૃતિમાં અતિથિઓ દેવ જેવો જ દરજ્જો ધરાવે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, હું તમારું સ્વાગત કરવા માટે ભલે ત્યાં પ્રત્યક્ષ રીતે હાજર ન હોઇ શકું, તેમ છતાં મારું મન તો તમારી સાથે જ છે”. તેમણે આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ કાશી-તેલુગુ સમિતિ અને સંસદ સભ્ય શ્રી જી.વી.એલ. નરસિમ્હા રાવને અભિનંદન પાઠવ્યા હતા. કાશીના ઘાટ પર ગંગા – પુષ્કરાલુ ઉત્સવનું આયોજન એ ગંગા અને ગોદાવરીના સંગમ સમાન છે તે વાતને રેખાંકિત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ ઉત્સવ ભારતની પ્રાચીન સભ્યતાઓ, સંસ્કૃતિઓ અને પરંપરાઓના સંગમનો ઉત્સવ છે. તેમણે થોડા મહિના પહેલાં જ અહીં યોજાયેલા કાશી – તમિલ સંગમમ અને થોડા દિવસો પહેલાં યોજાયેલા સૌરાષ્ટ્ર – તમિલ સંગમમમાં ભાગ લેવાનો અવસર મળ્યો તેનો પણ ઉલ્લેખ કર્યો જ્યાં તેમણે આઝાદીના અમૃતકાળને ભારતની વિવિધતા અને સંસ્કૃતિના સંગમ તરીકે અનુરૂપ ગણાવ્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “વિવિધતાઓનો આ સંગમ રાષ્ટ્રવાદના અમૃતને ઉદયમાન કરે છે, જે ભવિષ્યમાં ભારત માટે સંપૂર્ણ ઉર્જા સુનિશ્ચિત કરશે”.

કાશી અને તેના રહેવાસીઓના તેલુગ લોકો સાથેના ઘનિષ્ઠ સંબંધો પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કાશી પેઢીઓથી તેમનું સ્વાગત કરે છે અને આ સંબંધ પણ આ શહેર જેટલો જ પ્રાચીન છે. તેમણે ટિપ્પણી કરી હતી કે, કાશીમાં તેલુગુ પૃષ્ઠભૂમિના લોકોની આસ્થા કાશી જેટલી જ પવિત્ર છે. તેમણે નોંધ્યું હતું કે, કાશીની મુલાકાત આવનારા યાત્રાળુઓની કુલ સંખ્યામાં આંધ્રપ્રદેશ અને તેલંગાણાના લોકો નોંધપાત્ર પ્રમાણ હોય છે. પ્રધાનમંત્રીએ જ્યારે ભારપૂર્વક જણાવ્યું કે કાશીના લોકો અને તીર્થયાત્રીઓ બાબા વિશ્વનાથના દર્શન કરવા જાય છે, ત્યારે તેઓ તેમના આશીર્વાદ લેવા માટે તૈલંગ સ્વામીના આશ્રમની પણ મુલાકાત લે છે ત્યારે આગળ કહ્યું હતું કે, “તેલુગુ રાજ્યોએ કાશીને ઘણા મહાન સંતો, ઘણા આચાર્યો અને ઋષિમુનિઓ આપ્યા છે”. પ્રધાનમંત્રીએ સંબોધન દરમિયાન તૈલંગ સ્વામીનો ઉલ્લેખ કર્યો જેમનો જન્મ વિજ્યાનગરમાં થયો હતો પરંતુ સ્વામી રામકૃષ્ણ પરમહંસ તેમને કાશીના જીવંત શિવ તરીકે ઓળખાવતા હતા. તેમણે જીદ્દુ કૃષ્ણમૂર્તિ અને તેમના જેવી અન્ય મહાન વિભૂતીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમને આજે પણ કાશીમાં પ્રેમથી યાદ કરવામાં આવે છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કાશીએ જે રીતે તેલુગુ લોકોને અપનાવ્યા અને સમજ્યા એવી જ રીતે તેલુગુ લોકોએ કાશીને પોતાના આત્મા સાથે જોડી રાખ્યું છે, અને પવિત્ર મંદિર વેમુલાવડાનો ઉલ્લેખ કર્યો હતો જેને દક્ષિણ કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે એ બાબતને રેખાંકિત કરી હતી કે, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના મંદિરોમાં હાથ પર જે કાળો દોરો બાંધવામાં આવે છે તેને કાશી દરમ કહેવામાં આવે છે. કાશીનો મહિમા તેલુગુ ભાષા અને સાહિત્યમાં ઊંડે ઊંડે આલેખાયેલો છે તે વાતને ઉજાગર કરતાં, પ્રધાનમંત્રીએ શ્રીનાથ મહાકવિ દ્વારા રચિત કાશી ખંડમુ ગ્રંથ, એન્ગુલ વિરસ્વામૈયાના કાશી યાત્રા પાત્ર અને લોકપ્રિય કાશી મજીલી કથાલુનો ઉલ્લેખ કર્યો હતો. આટલું દૂર આવેલું શહેર કોઇના હૃદયની આટલી નજીક કેવી રીતે હોઇ શકે છે તે માનવું કોઇ બહારના વ્યક્તિને કેટલું મુશ્કેલ લાગે છે તે વાત પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ભારતના વારસાના કારણે જ સદીઓથી આ દેશમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવના જીવંત રહી છે.”

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, કાશી એ મુક્તિ અને મોક્ષની ભૂમિ છે”. જ્યારે તેલુગુ લોકો કાશી પહોંચવા માટે હજારો કિલોમીટર સુધી ચાલીને જતા હતા તે સમયને યાદ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આધુનિક દિવસોમાં સંજોગો ઝડપથી બદલાઇ રહ્યા છે. તેમણે એક તરફ વિશ્વનાથધામના દિવ્ય વૈભવ અને બીજી તરફ ગંગાના ઘાટની ભવ્યતાના ઉદાહરણો આપ્યા; તેમણે એક તરફ કાશીની શેરીઓ અને બીજી તરફ નવા માર્ગો તેમજ ધોરીમાર્ગોના વિસ્તરણ પામી રહેલા નેટવર્કનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે રેખાંકિત કર્યું હતું કે, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના જે લોકોએ અગાઉ કાશીની મુલાકાત લીધી છે તેમને અવશ્ય આ શહેરમાં થઇ રહેલા પરિવર્તનનો અનુભવ થતો હશે અને નવા ધોરીમાર્ગોના નિર્માણને કારણે હવાઇમથકથી દશાશ્વમેઘઘાટ સુધી પહોંચવામાં લાગતા સમયમાં જે ઘટાડો થયો છે તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. શહેરમાં થઇ રહેલા વિકાસના ઉદાહરણો આપતાં પ્રધાનમંત્રીએ મોટાભાગના વિસ્તારોમાં ઇલેક્ટ્રિક વાયરનું ભૂગર્ભીકરણ, શહેરમાં કુંડ, મંદિરો સુધી પહોંચવાના માર્ગો અને સાંસ્કૃતિક સ્થળોના કાયાકલ્પ અને ગંગા નદીમાં CNG બોટ ચલાવવાની કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આગામી સમયમાં અહીં રોપ-વે શરૂ થવાથી કાશીના લોકોને લાભ થશે. પ્રધાનમંત્રીએ જ્યારે સ્વચ્છતા અભિયાનો અને ઘાટોની સફાઇની વાત કરી ત્યારે આ અભિયાનોને જન ચળવળ બનાવવા બદલ શહેરના રહેવાસીઓ અને યુવાનોને શ્રેય આપ્યો હતો.

પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, કાશીના લોકો અતિથિઓની સેવા અને સ્વાગત કરવામાં કોઇ જ કસર નહીં છોડે. પ્રધાનમંત્રીએ એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે લસ્સી, થંડાઇ, ચાટ, લિટ્ટી-ચોખા અને બનારસીપાન જેવી સ્વાદિષ્ટ વાનગીઓ અહીંના પ્રવાસને વધુ યાદગાર બનાવશે અને ટિપ્પણી કરી હતી કે, બાબાના આશીર્વાદ, કાલભૈરવ અને માતા અન્નપૂર્ણાના દર્શન પોતાની રીતે જ અદ્ભુત અનુભૂતિ કરાવે છે. ગંગાજીમાં ડૂબકી લગાવવાથી તમારા આત્માને આનંદ થશે. પ્રધાનમંત્રીએ વારાણસીમાં મળતા લાકડાના રમકડાં પર પણ પ્રકાશ પાડ્યો જે એટિકોપ્પાકા રમકડાંના જેવા જ છે તેમજ જણાવ્યું હતું કે, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના દેશબંધુઓ અહીં બનારસી સાડીઓ લઇ જઇ શકે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણા પૂર્વજોએ વિવિધ કેન્દ્રોમાં ભારતની ચેતનાની સ્થાપના કરી હતી જે સાથે મળીને ભારત માતાનું સંપૂર્ણ સ્વરૂપ બનાવે છે”. તેમણે કાશીમાં બાબા વિશ્વનાથ અને વિશાલાક્ષી શક્તિપીઠ, આંધ્રમાં મલ્લિકાર્જૂન, તેલંગાણામાં ભગવાન રાજ-રાજેશ્વર, આંધ્રમાં મા ભ્રમરમ્બાનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે, આવા તમામ પવિત્ર ધામ ભારતના મહત્વપૂર્ણ કેન્દ્રો છે અને ભારતની સાંસ્કૃતિક ઓળખ છે. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનના સમાપન વખતે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતની પરિપૂર્ણતા અને સંપૂર્ણ ક્ષમતા ત્યારે જ સાકાર થઇ શકે છે જ્યારે આપણે દેશની વિવિધતાને તેની સંપૂર્ણતામાં જોઇશું. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “આપણે આ દૃશ્ટિકોણ અપનાવીશું તો જ આપણી સંપૂર્ણ ક્ષમતાને જાગૃત કરી શકીશું.” તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ગંગા-પુષ્કરાલુ જેવા તહેવારો રાષ્ટ્ર સેવાના આ સંકલ્પને એકધારા આગળ ધપાવવાનું ચાલુ રાખશે.

YP/GP/JD